Close

હું અમેરિકાથી પાછી આવીશ ને પછી તારી થઈને જ રહીશ

કભી કભી | Comments Off on હું અમેરિકાથી પાછી આવીશ ને પછી તારી થઈને જ રહીશ

પૃથ્વીસિંહ અને એલિસા.

પૃથ્વીસિંહ હિમાચલ પ્રદેશના ચેબા જિલ્લાના સલૂણી ગામનો રહેવાસી છે. પૃથ્વી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે સારું અંગ્રેજી જાણે છે અને સ્માર્ટ છે. તે એક હોટલમાં નોકરી કરે છે અને સાથે સ્કૂલના છોકરાઓને જૂડો-કરાટે પણ શિખવાડે છે. તે ઉપરાંત તે ગાઈડનું પણ કામ કરે છે. લગભગ એક વર્ષ પહેલાંની વાત છે જ્યારે પૃથ્વી ટૂરિસ્ટની શોધમાં ડેલ હાઉસી ગયો હતો. ડેલહાઉસી મનમોહક પર્વત અને વાદીઓની શ્રૃંખલાઓથી ઘેરાયેલી મુખ્ય પર્યટક જગ્યા છે. આને અંગ્રેજોને વસાવ્યું હતું. અંગ્રેજો ઉનાળાની રજાઓ માણવા માટે અહીંયા આવતા હતા. ખૂબસુરત ડેલહાઉસીમાં વિદેશી પર્યટકો પણ ફરવા માટે આવતા હતા. એક દિવસે પર્યટકોની શોધમાં ફરતા પૃથ્વીસિંહની નજર એક પાર્કના ખૂણે બેસેલી વિદેશી યુવતી પર પડી તો તે ચોંકી ગયો, કારણ કે તેના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી એટલું જ નહીં, તેની પાસે ઘણો બધો સામાન પણ હતો. આ જોઈને પૃથ્વીને આૃર્ય થયું, કારણ કે આટલા સામાન લઈને કોઈ પાર્કમાં ફરવા માટે ના આવે. પૃથ્વીને લાગ્યું કે કદાચ આ યુવતી મુશ્કેલીમાં છે, આથી તે એની નજીક જઈને તેને પૂછયું, ‘હેલો, આઈ એમ ગાઇડ, એની પ્રોબ્લેમ ?’                                                                                         છોકરીએ તેની સામે જોઈને કહ્યું, ‘યસ’

‘કેન આઈ હેલ્પ યુ?’

ત્યાર બાદ પેલી છોકરીએ કહ્યુંં કે તે એટલા માટે પરેશાન છે, પર્યટકોની ભીડને કારણે તેને કોઈ પણ હોટલમાં રહેવા માટે રૂમ મળતો નથી. આથી બહુ પ્રયત્ન કર્યા છતાં પણ રૂમ નહીં મળવાથી તે અહીંયા પાર્કમાં આવી ગઈ. પૃથ્વીએ હસીને કહ્યું: ‘ઓ.કે. નો પ્રોબ્લેમ.’

તેના આ અંદાજ ઉપર પેલી યુવતીની નજર તેની ઉપર જ ટકી ગઈ. પૃથ્વી તેને પોતાની સાથે લઈ ગયો અને એક હોટલમાં રહેવા માટેની મદદ પણ કરી દીધી. રૂમ મળવાથી પેલી યુવતી એલિસા બહુ જ ખુશ થઈ. તેણે પૃથ્વીને પૈસા આપવા માંડયા. પરંતુ તેણે ના પાડી દીધી. તેની મદદગાર અને હસમુખા સ્વભાવની એલિસા પર ઊંડી છાપ પડી. બંનેની વચ્ચે વાતચીત દરમિયાન ખબર પડી કે એલિસા અમેરિકાની વોશિંગ્ટનની રહેવાસી છે. તેણે સાંભળ્યું હતું કે ભારત એક વિભિન્નતાઓથી પરિપૂર્ણ આકર્ષક પર્યટક સ્થળોવાળો દેશ છે આથી તે ભારત ફરવા માટે આવી છે. બીજા દિવસે પૃથ્વીને એલિસાને ઘણી બધી જગ્યાએ ફરવા માટે લઈ ગયો. પોતાના ઘરથી ઘણે બધે દૂર હોવા છતાં એલિસાને પૃથ્વીમાં પોતાનુંપણું લાગ્યું. તે દિવસે થોડીક ક્ષણો માટે એલિસાએ પૃથ્વીની આંખોની સાથે નજરો મેળવી, તેની આંખોમાં પોતાના માટે કાંઈક અલગ જ અનુભવ થયો. થોડાંક જ દિવસોમાં તેમની વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ. એલિસા મધુર સ્વપ્નમાં રહેવા લાગી. તે વખતે એલિસા પણ સમજી ગઈ હતી કે તેની જેમ જ પૃથ્વીના હૃદયમાં પણ કાંઈક થઈ રહ્યું છે. એ અલગ વાત છે કે પૃથ્વીએ એ વિશે કાંઈ જણાવ્યું ન હતું. બંને જણ ફક્ત એકબીજાની ધડકનોને મહેસૂસ કરી રહ્યા હતા. બંનેનું સાથે હરવું-ફરવું રોજની વાત હતી. બંનેની દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ આ વાતની એલિસાને ખબર ના પડી કે પૃથ્વીને ના પડી. બંનેના દિલમાં પ્રેમના ફૂલ ખીલી રહ્યા હતા.

છેવટે એક દિવસે એલિસાએ પૂછયું: ‘પૃથ્વી, તેં ક્યારે કોઈને પ્રેમ કર્યો છે ?’

એલિસાની વાત સાંભળીને પૃથ્વી થોડી વાર માટે શાંત થઈ ગયો. એલિસા તેને જોતી જ રહી. તેણે ફરીથી સવાલ પૂછયો તો પૃથ્વી બોલ્યો, ‘હા કર્યો છે.’

‘કોણ છે તે ખુશનસીબ ?’

‘સોરી, અત્યારે નહીં કહી શકું’- પૃથ્વીએ કહ્યું.

એલિસાઃ મને અત્યારે જવાબનો ઈંતેજાર છે,

પૃથ્વીં: ‘શું તેં ક્યારે કોઈને પ્રેમ કર્યો છે ?’

એલિસા : ‘પહેલાં તો નથી કર્યો, પરંતુ અત્યારે કરું છું.’

પૃથ્વી : ‘કોણે, ક્યાં રહે છે તે? ‘

એલિસા : ‘એ તું છે પૃથ્વી. આઈ લવ યુ.’

પૃથ્વીના હૃદયમાં ઝણઝણાટી થઈ. પ્રેમની સ્વીકૃતિ થતાં જ બંનેની ખુશીઓનો પાર ના રહ્યો. હવે તો પૃથ્વીને એ વાતની ખાતરી થઈ ગઈ કે એલિસાને ભારત પ્રત્યે ઘણો બધો લગાવ છે. બંનેએ સાથે જીવવા-મરવાના સોગંધ ખાઈ લીધા હતા. તેમનો વાયદો કેવી રીતે પૂરો થશે, બંને જાણતા ન હતા. ભાષા- દેશ, જાતિ-ધર્મ, સંસ્કૃતિ કોઈ પણ બાબતમાં તેમની વચ્ચે સમાનતા નહતી. એલિસાને પાછા પોતાના દેશમાં જવાનું હતું, પરંતુ મનમાં ને મનમાં જ તેણે પૃથ્વીને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધું હતું. આથી લગ્ન કરવા માટે તે ખુલ્લા દિલે વાત કરવા માંગતી હતી.

તેણે પૂછયું: ‘પૃથ્વી લગ્ન કરવા માટે તારો શો ઇરાદો છે ?’

‘એલિસા, તું એવી રીતે પૂછી રહી છે, જાણે હમણાં જ થોડીક વારમાં જ લગ્નની વિધિ પૂરી કરી દઈશ. વિધિ તો ઘરવાળાઓની સાથે વાત કરીને જ પૂરી કરીશ, હું ઇચ્છું છું કે તું પણ એક વાર તારા ઘરવાળાઓની સાથે વાત કરી લે.’

‘યુ આર સિરિયસ- શું તું સાચું કહી રહી છે ?’

‘તું પણ એવું જ ઇચ્છે છે કે હું તને સાચો પ્રેમ કરું છું.

એલિસા પોતાના ઘરવાળાઓની સાથે ફોન દ્વારા વાતો કરતી હતી. તેણે તેમને પૃથ્વી સાથેની દોસ્તી અને પ્રેમ કરે છે તે વિશેની વાતો તેમને કરી દીધી. તે પૃથ્વીના ઘરવાળાઓને પણ મળી ચૂકી છે તેની વિઝાની મુદત પૂરી થવામાં હતી. તેને પાછા જવાનો સમય આવી ગયો હતો તો પૃથ્વીને અકળામણ થવા લાગી. તેની મુશ્કેલી એલિસા જાણતી હતી. તે પણ પાછી જવા માંગતી ન હતી પરંતુ તેની પણ મજબૂરી હતી. તેણે વાયદો કર્યોઃ ‘હું તારાથી દૂર નથી જઈ રહી પૃથ્વી. મહેસૂસ કરીને જોજે, મને દરેક જગ્યાએ તું ઊભેલી જોઈશ. સાચો પ્રેમ મનુષ્ય જીવનમાં ફક્ત એક જ વાર કરે છે અને એ પ્રેમ મેં તારી સાથે કર્યો છે. હું અહીંયા ફક્ત ફરવા માટે આવી હતી. અહીંયા મને તારો પ્રેમ મળી ગયો, આ મારા માટે ખુશીની વાત છે. હું મારા માતા પિતાને મનાવીશ, પછી જ આપણા લગ્ન થશે.’

‘જો તેઓ તૈયાર નહીં થાય તો ?’ પૃથ્વીએ શંકા પ્રગટ કરી.

‘તારી શંકા સાચી છે ડિયર પરંતુ તેઓ મારી ખુશી માટે તૈયાર થઈ જ જશે. અમારો ધર્મ, સંસ્કાર અને દેશ ભલે અલગ હોય પરંતુ મારા દિલમાં ફક્ત તારી જ ધડકન મહેસૂસ થાય છે. હું આત્માથી તારી સાથે પ્રેમ કરું છું. જ્યારથી તું મારી જિંદગીમાં આવ્યો છે, મેં તારી બધી જ ખુશીઓ તારી સાથે જોડી લીધી છે. હવે તારા સિવાય કોઈ બીજાની સાથે મારી દુનિયા જોડી શકું તેમ નથી.’

એલિસાની વાતોમાં દૃઢતા હતી. તેનો દરેકે દરેક શબ્દ આ વાતની સાક્ષી છે તે જે કહે છે તે કરીને જ દેખાડશે. તેેણે આગળ કહ્યું કે,’હું હવે જ્યારે અમેરિકાથી પાછી આવીશ ત્યારે હંમેશ માટે તારી જ થઈ જઈશ પૃથ્વી, તું મારી રાહ જોજે.’

ત્યાર પછી ફરીથી પાછા આવવાનો વાયદો કરીને એલિસા પોતાના દેશ જતી રહી. બંને વચ્ચે ફોન ઉપર વાતચીતનો દોર ચાલતો રહ્યો. પૃથ્વીને એલિસા પર વિશ્વાસ હતો, પરંતુ શું તે તેને વાયદો પૂરો કરી શકશે, તે વિશે તેને થોડી શંકા હતી. કારણ કે પોતાના લોકો અને દેશને છોડવો સરળ નથી. એલિસા ઇરાદો બદલી શકે છે. પૃથ્વીના દિવસો આ બધી શક્યતાઓ વચ્ચે પસાર થઈ રહ્યા હતા. આવા વિચારોમાં ડૂબેલા પૃથ્વીને એક દિવસ અચાનક જ એલિસાનો ફોન આવ્યો, ‘પૃૃથ્વી, હું જલદીથી ભારત આવી રહી છું.’

‘શું’? પૃથ્વીએ આૃર્યથી પૂછયું.

‘કેમ, આમાં નવાઈ પામવા જેવું શું છે? તારા માટે બીજી પણ એક ખુશખબર છે, એલિસાએ કહ્યું, ‘મારા માતાપિતા મારા લગ્ન માટે રાજી થઈ ગયા છે.’ત્યારબાદ એલિસાએ પૃથ્વીને તેના માતા-પિતા સાથે વાત કરાવી. તેઓ પોતાની દીકરીની ખુશીમાં ખુશ હતા. કેટલાય મહિના પસાર થઈ ગયા. એલિસા પોતાના પ્રેમને પામવા માટે તૈયાર હતી. છેવટે પૃથ્વીને પોતાનો જીવનસાથી બનાવવા માટે ભારત આવી ગઈ. એલિસા ડેલહાઉસી પહોંચી, પૃથ્વી બહુ જ ખુશ થયો. તેમની વચ્ચેનો પ્રેમ વધારે ગાઢ બન્યો. પૃથ્વીના ઘરના સભ્યો પણ આ લગ્ન માટે તૈયાર હતા. જાન્યુઆરી ૨૦૧૭ના રોજ તેમણે સલૂણીના મેજિસ્ટ્રેટની પાસે જઈને વિવાહ અધિનિયમ અનુસાર કોર્ટ મેરેજ કરી લીધા.

અમેરિકાની ભૌતિકવાદી જિંદગીથી દૂર ગામમાં જીવન પસાર કરી રહેલી એલિસાનું કહેવું છે કે ઇન્ડિયા બહુ જ પ્રેમાળ દેશ છે. તેણે સમજી વિચારીને જ પૃથ્વીની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

પૃથ્વી પણ એલિસાને મેળવીને બહુ જ ખુશ હતો. તેઓ ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!