વિશ્વભરમાં પ્રસિદ્ધ આ અભિનેત્રી ઑસ્કાર એવોર્ડ વિજેતા છે.
અમેરિકાના ઓહાયો પ્રાંતમાં જન્મેલી હેલીનું બચપણ અનેક મુશ્કેલીઓથી ભરેલું હતું. તેની માતા શ્વેત અને પિતા અશ્વેત હતા. પરિવારની ભીતર જાતિવાદી ભાવનાનું ભયંકર સ્વરૂપ એણે નિહાળ્યું હતું. તેની માતા જૂડિથ શ્વેત મહિલા હતી જ્યારે પિતા જિરોમ અશ્વેત હતા. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા.
લગ્ન બાદ થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પરંતુ પાછળથી બંને વચ્ચે ખૂબ ઝઘડા થવા લાગ્યા. શરાબના નશામાં હેલીના પિતા તેની માતાને ખૂબ માર મારતા હતા. ચાર વર્ષની હેલી આ દૃશ્ય જોઈને ડરી જતી. તેના પિતા ખૂબ ઊંચા અવાજે તેની માતાને ગાળો દેતા ત્યારે માતા નાનકડી હેલીને તેની બાહોમાં છુપાવી દેતી.
પરિવારમાં ખૂબ ક્લેશ હતો. પિતા હંમેશાં ગુસ્સામાં રહેતા. હેલીની એક મોટી બહેન હતી. તેનું નામ હેદી. તે પણ ઉદાસ રહેતી. હેલી કાયમ તેની મા સાથે જ રહેવા માગતી હતી. પરંતુ ઘર ચલાવવા હેલીની મા બહાર કામ કરવા જતી.પિતાનો આર્થિક સહયોગ ખાસ કાંઈ નહોતો. ધીમે ધીમે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા. કલહ પરાકાષ્ટાએ પહોંચતા હેલીના પિતાએ ઘર છોડવા નિર્ણય કર્યો. એ વખતે હેલી ચાર જ વર્ષની હતી. એક દિવસ તેના પિતાએ ખૂબ ગુસ્સે થઈને શરાબની બાટલી તેની માતાના માથામાં ફોડી. પિતાએ ઘર છોડી દીધું. તે પછી તેમનો કોઈ સંપર્ક રહ્યો નહીં. તેઓ જીવતા છે કે કેમ તેની પણ કોઈને માહિતી નહોતી.
પિતાએ ઘર છોડી દીધું તે પછી ઘર ચલાવવાની જવાબદારી હેલીની માતા પર આવી ગઈ. માતા તેની બંને દીકરીઓને સારામાં સારું શિક્ષણ આપવા માગતી હતી. હેલી હવે સ્કૂલે જવા લાગી. સ્કૂલમાં તેને ખરાબ અનુભવ થયા. તે જે સ્કૂલમાં ભણતી હતી તે સ્કૂલમાં બધાં જ બાળકો શ્વેત હતાં. હેલી બેરીના પિતા અશ્વેત હતા. તેને પણ વારસામાં અશ્વેત રંગ મળ્યો હતો. તે અશ્વેત હોઈ સ્કૂલનાં અન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેની ઉપેક્ષા કરતાં. કોઈ તેની સાથે દોસ્તી કરવા માગતું નહોતું. સ્કૂલમાં તે અશ્વેત છોકરી તરીકે જ ઓળખાતી હતી. કોઈ તેને ‘બ્લેક’ કહીને બોલાવતું. કોઈ તેને સ્કૂલમાંથી જતા રહેવાનું કહેતું. હેલી ખુદ અસલામતી અનુભવવા લાગી હતી.
ઘેર આવીને હેલીએ સ્કૂલના વાતાવરણની વાત કરી તો તેની માતાએ દીકરીને નિરાશ ના થવા સમજાવી. માએ કહ્યુંઃ ‘બેટા, તું ઇચ્છતી હોય કે બધા જ બાળકો તને પ્રેમ કરે તો તારે તારા કલાસમાં પ્રથમ નંબરે આવવું પડશે. તું કાંઈક એવું કર કે જેથી બધાં જ તારી પ્રશંસા કરવા મજબૂર બની જાય.’
માતાની સલાહ બાદ હેલીએ ખૂબ મહેનત કરવા માંડી. થોડા જ વખતમાં તે તેના કલાસની સૌથી વધુ હોંશિયાર વિદ્યાર્થિની બની ગઈ. ભણવા ઉપરાંત તેણે રમતગમત અને સંગીત સ્પર્ધામાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. તેમાં પણ તે શ્રોષ્ઠ રહી. પરિણામે હેલી તેના જ કલાસની મોનિટર બની.
થોડાક જ વખતમાં સ્કૂલના શિક્ષકોએ હેલીને સ્કૂલના મુખપત્ર અખબારની સંપાદક બનાવી દીધી. હવે સ્કૂલના બધા જ બાળકો તેને પ્રેમ કરવા લાગ્યા. સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓ તેની સહેલીઓ બની ગઈ.
સ્કૂલના દિવસોથી જ હેલી બેરી સ્ટાઇલિશ વસ્ત્રો પ્રત્યે આકર્ષણ હતું.
કોલેજમાં ગયા બાદ હેલી બેરીના સુંદર વસ્ત્રો અને તેનોે મેકઅપ અન્ય માટે ફેશન બની ગયો. કોલેજમાં જ તેણે ફેશન સ્પર્ધામાં ભાગ લીધો અને તે પ્રથમ આવી.
૧૯૮૦ના વર્ષમાં તે ‘મિસ ટીન ઓહાયો’ તરીકે પસંદગી પામી. ૧૯૮૫માં તે ‘મિસ યુએસ’ સ્પર્ધામાં રનર અપ રહી. એ વખતે તેને મોડેલિંગ કરવાનો કોઈ જ ખ્યાલ નહોતો. તે પત્રકાર બનવા માગતી હતી. પત્રકારત્વના અભ્યાસક્રમમાં તેણે પ્રવેશ લીધો. એ દરમિયાન હોલિવૂડની ચમકદમકની દુનિયા તરફ તેને આકર્ષણ થયું. તેણે પત્રકારત્વના બદલે બદલાયેલા મન સાથે પત્રકારત્વનો અભ્યાસ છોડી દીધો. અને તે સીધી ન્યૂયોર્ક પહોંચી ગઈ. ન્યૂયોર્ક જઈ તે અભિનયને કારકિર્દી બનાવવા માગતી હતી.
ન્યૂયોર્કમાં પણ એક અલગ પ્રકારનો સંઘર્ષ હતો. પાર્ટટાઇમ નોકરી કરીને તે ખાવા-પીવાનું ખર્ચ તો કાઢી લેતી હતી પરંતુ ઘરનું ભાડું ચૂકવવા તે કમાણી પૂરતી નહોતી. ન્યૂયોર્કમાં રહેવું બહુ જ મોઘું છે. રહેવાના ભાડાના પૈસા ના હોઈ તે શેલ્ટર હોમ અર્થાત્ રૈન બસેરામાં રહેવા ગઈ.
શરૂઆતમાં તેને ન્યૂયોર્કના એક નાનકડા મેઝેઝિનમાં મોડેલિંગનું કામ મળ્યું. અહીં પણ અશ્વેત હોવાના કારણે તેને ઘણી મુશ્કેલીઓ આવી. પરંતુ હેલી બેરીએ હિંમત હારી નહીં. તેણે અભિનયના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. અશ્વેત હોવા છતાં આમેય તે આકર્ષક તો લાગતી જ હતી.
૧૯૮૯માં તેને ‘લિવિંગ ડોલ્સ’ નામના ટીવી શોમાં નાનો રોલ મળ્યો. ૧૯૯૧માં કેને પ્રાઇમ ટાઇમ શો ‘નૉટસ લેંડિગ’માં મુખ્ય ભૂમિકા મળી.
એ જ વર્ષે તે હેલીને ‘જંગલ ફાયર’ નામની ફિલ્મમાં ડ્રગ્સની બંધાણી છોકરીનો રોલ મળ્યો. આ રોલની ખૂબ ચર્ચા થઈ. એ રોલ જ એની ફિલ્મની કારકિર્દીની શરૂઆત હતી. તે પછી હેલી બેરીએ ‘ધ લાસ્ટ બૉય સ્કૉટ’, ‘બૂમરેંગ’,’ધી ફિલન્ટ સ્ટોન’, ‘વ્હાય ડુ ફૂલ્સ ફોલ ઇન લવ’ અને ‘ધી રિચ મેન્સ વાઇફ’ જેવી ફિલ્મોમાં કામ મળ્યું.
૧૯૯૯માં હેલી બેરીએ ‘ઇન્ટ્રોડયૂસિંગ ડોરોથી ડેંડિજ’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી. આ ભૂમિકા માટે તેને ‘ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ’ મળ્યો.
૨૦૦૨માં હેલી બેરીને ‘માન્સ્ટર્સ બોલ’ ફિલ્મ માટે ઑસ્કાર એવોર્ડ મળ્યો. સર્વશ્રોષ્ઠ અદાકારી માટે ઑસ્કાર જીતવાવાળી તે પહેલી અશ્વેત અમેરિકન હતી.
હેલી બેરી આજે અને અશ્વેત અને શ્વેત અભિનેત્રીઓ માટે એક રોલ મોડેલ છે. તે કહે છે ઃ ‘હું નથી ઇચ્છતી કે લોકો મારી સુંદરતાની ચર્ચા કરે. મને ખુશી તો ત્યારે થશે કે જ્યારે લોકો મારા અભિનયની ચર્ચા કરે. આજે હું જે મુકામ પર છું તેમાં મારી માતાનું જ મોટું યોગદાન છે. એણે દરેક પળો મને સંભાળી લીધી હતી અને સાચો રસ્તો બતાવ્યો હતો.’
– દેવેન્દ્ર પટેલ