Close

હું કોઈથી ડરીને ઘરમાં બેસી રહેવાવાળી છોકરી નહોતી

કભી કભી | Comments Off on હું કોઈથી ડરીને ઘરમાં બેસી રહેવાવાળી છોકરી નહોતી

ડેમી-લે-નેલ-પીટર્સ.

તે ‘મિસ યુનિવર્સ ૨૦૧૭’ છે.

ડેમી મૂળ દક્ષિણ આફ્રિકાના પિૃમી પ્રાંતમાં ઊછરી છે. તેના જન્મ બાદ તેના માતા-પિતા વચ્ચે સંબંધો બગડી ગયા હતા. પરિણામે તેઓ અલગ થઈ ગયા. ડેમી બે જ વર્ષની હતી જ્યારે તેના પિતાએ બીજું લગ્ન કરી લીધું. તેઓ બીજા ઘરમાં રહેવા લાગ્યા પરંતુ ડેમીને તેઓ કદી અલગ કરી શક્યા નહીં.

ડેમી તેની માતા સાથે રહેતી હતી. પિતા તેને અવારનવાર મળવા આવતાં. તેની નવી માતાનું નામ ઇલેજ પીટર હતું. તે મનોચિકિત્સક હતી. નવી મમ્મી ઈલેજ કહે છે : ‘મેં જ્યારે પહેલી વાર ડેમીને જોઈ ત્યારે તે બે વર્ષની હતી. તે અત્યંત માસૂમ હતી જે મને સ્પર્શી ગઈ. મેં એને ગોદમાં લીધી ત્યારે મને માતા હોવાનો અહેસાસ થયો. ડેમીનું બચપણ બે ઘરોની વચ્ચે વીતવા લાગ્યું. તેને કદી સગી મા કે ઓરમાન મા વચ્ચે ફરક ના લાગ્યો. પરિણામ એ આવ્યું કે ડેમીની બંને માતાઓ વચ્ચે દોસ્તી થઈ ગઈ. બંને પરિવારો વચ્ચેનો અણબનાવ ખતમ થઈ ગયો.

ડેમીની સગી માતા ફેશન ડિઝાઈનર હતી. કેટલાક સમય બાદ તેણે બીજું લગ્ન કરી લીધું. તેણે થનાર તેના પતિ જોહાનને પહેલાં જ કહી દીધું કે, મારી પુત્રી મારી સાથે જ રહેશે ?

ડેમી કહે છે : ‘જોહાન મારા ઓરમાન પિતા છે પરંતુ મારા માટે તેઓ વિશ્વના સૌથી પ્રેમાળ ઈન્સાન છે. તેમણે મને કદીયે એવું લાગવા દીધું નથી કે તેઓ મારા ઓરમાન પિતા છે.’

હા, ડેમીને એક વાતનો હંમેશાં વસવસો હતો કે તેને કોઈ ભાઈ-બહેન નહોતા. પરંતુ નવી માએ એ ખોટ પૂરી કરી દીધી. તે દસ વર્ષની હતી ત્યારે તેની નવી માતાએ એક પુત્રીને જન્મ આપ્યો, પરંતુ તે બાળકી જન્મથી જ વિકલાંગ હતી. નાની બહેન સાથે ખેલવા કૂદવાનું તેનું સ્વપ્નું અધૂરું રહી ગયું. ડેમી કહે છે : ‘મારી સાથે તે રમી શકતી હોત તો મને બહુ જ આનંદ થાત. એને જોઈને મને એ વાતનો અહેસાસ થયો કે ઈશ્વરે મને કેટલી બધી ખૂબીઓ બક્ષી છે. એ વખતે મેં નક્કી કરી લીધું કે હું મારી જિંદગીની હરેક પળ પૂરેપૂરી માણીશ. હું એવું કાંઈક કરીશ કે મારા પરિવારને મારા પર ગર્વ થાય. એ માટે મારી બહેન જ મારી પ્રેરણા રહી.’

ડેમીને પુસ્તકો વાંચવા અને પાર્કમાં દોડવાનું બહુ જ પસંદ હતું. સ્કૂલમાં પણ તે અભ્યાસુ અને શિસ્તબદ્ધ છોકરી તરીકે જાણીતી હતી, ૧૦માં ધોરણમાં તેને સ્કૂલની હેડ ગર્લ બનાવવામાં આવી. તે ૧૧માં ધોરણમાં આવી ત્યારે તેને જ્યોર્જ સિટી કાઉન્સિલના ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત કરવામાં આવી. તે બહાર હોય ત્યારે માને તેની સતત ચિંતા રહેતી તેથી તેને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવી. હવે તે ૧૮માં વર્ષમાં પ્રવેશી. બીજી છોકરીઓની જેમ તેને સારી રીતે શૃંગાર કરી તૈયાર થવાનું ગમતું હતું. નવરાશના સમયે તે ભાતભાતની હેરસ્ટાઈલ બનાવતી. માની સાથે તે ફેશનેબલ વસ્ત્રો ખરીદવા જતી. ડેમી કહે છે : ‘હું સૌથી વધુ રૂપાળી દેખાવાની ઇચ્છા ધરાવતી હતી. એટલા માટે મેં ફેશન મેગેઝિન વાંચવા માંડયા. ફેશન શો જોવા જવા પણ લાગી. અલબત્ત હું બ્યુટીક્વીન બનીશ તેવું મેં કદી વિચાર્યું નહોતુ. મારી આ ઇચ્છા સામે મમ્મી-પપ્પો કદી વાંધો ઉઠાવ્યો નહીં. હા, તેઓ મારી કારકિર્દીની બાબતમાં સજાગ હતા કે મારી કારકિર્દી સન્માનજનક હોય.

૧૨મું ધોરણ પાસ કર્યા બાદ ડેમીએ નોર્થ વેસ્ટ યુનિવર્સિટીમાં ભણી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી હાંસલ કરી. એ વખતે પણ તે ફેશન મેગેઝિન્સ તો વાંચતી જ હતી. નવી મમ્મીએ પુત્રીની ઇચ્છા જાણી લીધી. તે હવે ડેમીને વિવિધ ફેશન શોમાં લઈ જવા માંડી. તેઓ ‘મિસ સાઉથ આફ્રિકા’નો ફાઈનલ શો જોવા પણ પહોંચ્યા. ફાઈનલ શોમાં સુંદરીઓ જે નજીકથી સ્ટેજ પર આવી તે જોઈ ડેમી અભિભૂત થઈ ગઈ. એણે જ ડેમીને વિશ્વસુંદરી બનવાની પ્રેરણા આપી.

હવે તેણે નક્કી કરી લીધું કે મારે વિશ્વ સુંદરી બનવું જ છે. નવી માએ મને પ્રોત્સાહન આપ્યું. ફિટનેસ સેશન અને કાઉન્સેલિંગ શરૂ કર્યું. તે પછી મિસ સાઉથ આફ્રિકાની સ્પર્ધામાં જજની પેનલ અને જનતાના વોટિંગ દ્વારા પસંદ થતાં તે ‘મિસ સાઉથ આફ્રિકા’ બની ગઈ. એક્શનમાં જ ડેમી સેલિબ્રિટી બની ગઈ. રાતોરાત તે જાણીતી બની ગઈ. તે જ્યાં જાય ત્યાં ટીવી કેમેરાવાળા તેનો પીછો કરતા. લોકો તેને નિહાળવા ઊમટી પડતા. હવે તેને સુરક્ષાના ઘેરામાં રહેવું પડતું હતું જે તેને પસંદ નહોતું.

એક દિવસ બન્યું એવું કે, તે જ્હોનિસબર્ગમાં શોપિંગ કરી રહી હતી. દિવસનો સમય હતો ચારે બાજુ ભીડ હતી. અને અચાનક ત્રણ બંદૂકધારી તેની સામે આવી ગયા. એમણે ડેમીને ધમકી આપતાં કહ્યું: ‘ચૂપચાપ કારમાં બેસી જા!’

તેમાંથી એક બંદૂકધારીએ તેનો ફોન છીનવી લીધો. બીજાએ પર્સ છીનવી લીધું. ડેમી સતેજ થઈ ગઈ. તેણે સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધેલી હતી. તેણે ઝડપથી હિંમતભેર બંદૂકધારીને ધક્કો માર્યો અને ઝડપથી સડક પર દોડવા લાગી. મદદ માટે તેણે ચીસો પાડી પરંતુ લોકો તમાશો જોતા જ રહ્યા. પરંતુ લોકોની ભીડમાં ઘૂસી ગયેલી ડેમીને જોઈ બંદૂકધારીઓ ખુદ પકડાઈ ના જવાય તે માટે ભાગી ગયા.

ડેમી કહે છે : એ દિવસે સ્વરક્ષણની તાલીમ મને બહુ જ કામ આવી. એ લોકો મારું અપહરણ કરવા માગતા હતા. મારી હિંમત અને તેજ રફતાર જોઈ ભાગી ગયા.

આ ઘટના બાદ ડેમીના ઘરવાળા ખૂબ ગભરાઈ ગયા. ડેમીએ કહ્યું : ‘હું ડરીને ઘરમાં બેસી રહેવાવાળી છોકરી નથી. એણે એ જ દિવસથી છોકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવા માટે અનબેક્રેબલ નામનો કાર્યક્રમ શરૂ કર્યો. આ વર્કશોપ દ્વારા તે છોકરીઓને આત્મરક્ષા માટે જાગૃત કરવા લાગી. ડેમી કહે છે : ‘દરેક છોકરી પોતાની જાતને કમજોર ના સમજે. દરેક છોકરીઓએ સ્વરક્ષણની તાલીમ લેવી જોઈએ.’

હવે સમય આગળ વધ્યો. ડેમીએ હવે ૨૦૧૭ની મિસ યુનિવર્સની સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી તે સ્પર્ધા માટે ગઈ અહીં તેનો વિશ્વની ૯૦ સુંદર યુવતીઓ સાથે સ્પર્ધા કરવાની હતી. તૈયારીનો સમય ઓછો મળ્યો પરંતુ મનથી તે મક્કમ હતી અને અમેરિકાના લાગવેગાસમાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ગઈ.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!