Close

હું જીવી પણ શકતી નથી ને મરી પણ શકતી નથી

કભી કભી | Comments Off on હું જીવી પણ શકતી નથી ને મરી પણ શકતી નથી

અકોલા-મહારાષ્ટ્રથી  એક ગુજરાતી યુવતીનો પત્ર છે.

મારું નામ અપેક્ષા છે

હું મુંબઈ, વિલે પાર્લામાં રહું છું. મારા પપ્પાને બે દુકાન છે. અમે પૈસે ટકે સુખી છીએ. ઘરમાં અમે કુલ બે બહેનો છીએ.

મારી વાત હવે અહીંથી શરૂ કરું છું. મને યાદ છે ત્યાં સુધી હું સમજણી થઈ ત્યારથી મેં મારી જિંદગીમાં નફ્રત જ જોઈ છે. પ્રેમ તો મેં જોયો જ નથી. પહેલેથી જ મારો ઉછેર મમ્મી- પપ્પાએ બધા કરતા જુદો કર્યો છે. તેમણે મને ઘણા બધા સુખોથી વંચિત રાખી છે. મારા મગજમાં એમણે પહેલેથી જ એવું ઠસાવી દીધું કે ‘તું હોંશિયાર નથી, તું નમાલી છે, ડફેળ છે. માટે તારે અમે કહીએ એમ કરવાનું’ તેમણે મને તેમના મન વગર ભણાવી તેથી મારી બુદ્ધિનો વિકાસ ઘણો સામાન્ય રહ્યો છે. મારા ભણતર પાછળ તેમણે ક્યારેય એક રૂપિયાનો વધારાનોે ખર્ચ કર્યો નથી. આમ મારી સ્વમહેનતે ભણતા મે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જ્યારે બીજી બાજુ મારી બહેનને ઉછેર તેમણે પહેલેથી સ્વતંત્ર રીતે જ કર્યો છે. તેથી તે મોર્ડન અને સ્વતંત્ર બની. તેના ભણતર પાછળ પપ્પાએ ઘણું ધ્યાન આપ્યું તે આજે સારી ફેકલ્ટીમાં પાસ થઈ છે. તેને પપ્પાએ એમ.એ. સુધી ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે. તે આજે પોતાના પગભર ઊભી રહી શકે છે. અત્યારે તે નોકરી કરે છે. આમ તેને પહેલેથી મમ્મી પપ્પાનોે સાથ, સહકાર, પ્રેમ અને મદદ મળવાથી તે ઘણી આગળ આવી છે. તે અત્યારના જનરેશન પ્રમાણે મોર્ડન બની ગઈ છે. તેને ઘણા બધા બોય ફ્રેન્ડ છે. તેમની સાથે તે તેની જિંદગી એન્જોય કરે છે. હરે છે, ફ્રે છે, કલાકો સુધી બેસીને વાતો કરે છે. તેને તેના બોય ફ્રેન્ડ ઘરે આવે જાય તેની છૂટ પણ મળી છે. તેને કોઈ જ રોકટોક કે બંધન નથી. માટે તે મારા કરતા ઘણી હોશિયાર અને આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ બની છે. જ્યારે મને મમ્મી પપ્પાએ આ બધાથી દૂર રાખી છે.

તેથી આજે હું સમાજમાં એકલી ક્યાંય ઊભી રહી શકતી નથી. મને પુરુષોનો ડર લાગે છે. મારો આત્મવિશ્વાસ પણ એટલો બધો ડગમગી ગયેલો છે કે હું કંઈ જ કરી શકવાની હિંમત ધરાવતી નથી. આમેય પહેલેથી હું પપ્પાથી ડરી ડરીને જીવું છું. એટલે મારામાં ડર પેસી ગયો છે. ક્યારેય પપ્પાએ મને પ્રેમથી બોલાવીને પૂછયું નથી કે ‘બેટા તારી શું બનવાની ઈચ્છા છે, તને ક્યા વિષયમાં રસ છે, તારી ના-પસંદ શું છે.’ મારા પર પહેલેથી જ એટલા બધા બંધનો લગાવી દીધા છે કે હું ક્યાંય બહારની દુનિયામાં જઈ શકી નથી. ખબર નહીં પણ કેમ પહેલેથી જ મમ્મી-પપ્પા એ બે છોકરીઓ વચ્ચે અંતર રાખ્યું છે. હું ક્યારેય મારી ઈચ્છા તેમની સામે દર્શાવી શકતી નથી. મને ખબર હોય છે કે મારી ઈચ્છા તેઓ પૂરી કરવાના નથી. ઉપરથી મારે ગાળો ખાવી પડશે. મારા પર મમ્મીએ નાનપણથી જ કામનો બોજ નાંખી દીધો છે. મારું મગજ જ કંઈ વિચારી શકવાની ક્ષમતા ધરાવતું નથી. મને શાયદ તેમણે ઘરની કામવાળી બનાવી દીધી છે.

હું મુક્ત પંખીની જેમ આકાશમાં ઊડી શક્તી નથી. મારી પાંખો જ કાપી નાંખવામાં આવી છે. પપ્પા એટલા બધા કડક છે મારા પ્રત્યે કે ન પૂછો વાત. તેમનો પડયો બોલ ઝીલવામાં ન આવે તો માર ખાવો પડે છે. મને લાગે છે કે ખરેખર આ મારા પપ્પા નથી,ગયા જન્મના કોઈ પાપ કર્યા હશે ત્યારે આવા પપ્પા મળ્યા. પપ્પાની સાથે સાથે મમ્મીનો વર્તાવ પણ મારી સાથે એવો છે. તેણે પહેલેથી જ મને તેના પ્રેમથી વંચિત રાખી છે. કોણ જાણે હું તેની ઓરમાન દીકરી ન હોઉં? તેણે ક્યારેય મારી સાથે સરખી વાત નથી કરી. કાયમ તોછડાપણું જ તેની વાતમાં હોય છે. જ્યારે મારી બહેનને તે હાથમાંને હાથમાં રાખે છે. પહેલેથી જ તે તેના જમવાની બાબતથી માંડીને તેની બધી બાબતોનું ધ્યાન રાખે છે. ક્યારેક તો તેને ગરમગરમ રસોઈ બનાવી ને પ્રેમથી જમાડે છે. કોઈ વસ્તુ તેને ન ભાવતી હોય તો તાત્કાલિક તેને ભાવતી વસ્તુ મમ્મી બનાવીને હાજર કરે છે. તેની સાથે સદાય હસતી હોય છે. ઘરની બધી ચર્ચાઓ પણ તેની સાથે કરે છે. જ્યારે હું આ વખતે એકલી બેઠી બેઠી રડયા કરું છું. મને મનમાં થાય છે કે મારી સાથે જ મમ્મીનું આવું વર્તન કેમ છે. પપ્પા તો ખરાબ વર્તન કરે જ છે. સાથે સાથે મમ્મી પણ આવું કરે છે.

હવે વાત મારા લગ્નની કરું છું. મારી વય લગ્ન કરવા જેવી થઈ એટલે મારા પર પપ્પાનો અધિકાર તેમણે જમાવ્યો. મારી પસંદ-નાપસંદ તો તેમણે પૂછવાનું વિચાર્યું જ નથી. તે લોકો તેમની પસંદગીનો છોકરો શોધવા લાગ્યા. આમ તેમણે મને મારા લગ્નની વાત કર્યા વગર જ તેમની જાતે તે લોકો છોકરાઓ જોવા લાગ્યા તેથી ઘરે લગભગ મને જોવા ૧૦થી ૧૫ છોકરા આવી ગયા. તેમણે પહેલેથી જ નક્કી કર્યું હતું કે જે છોકરાવાળા હા પાડે તેની સાથે મારું લગ્ન નક્કી કરી દેવું. તે લોકો તેમની જવાબદારી પૂરી કરવા માંગતા હતા. આ ૧૦થી ૧૫ છોકરામાંથી તો મને એક પણ છોકરો ગમ્યો ન હતો. પણ મને બીક હતી કે આમાંથી કોઈ પણ એક જોડે મને જબરદસ્તીથી મમ્મી- પપ્પા પરણાવી દેશે. પણ શાયદ ભગવાનને મારી પર દયા ખાધી કે આમાંથી એક પણ છોકરાનો જવાબ હા માં ન આવ્યો. હવે પપ્પા મારી પર વધારે ગુસ્સે થવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે ‘તું બુદ્ધિ વગરની છે. તારામાં કઈ છે નહીં તેથી આમાંથી એક પણ છોકરાએ તને પસંદ ન કરી. આ બધા મ્હેણાં-ટોણાં સાંભળીને પણ હું કશું પપ્પા સામે બોલી શક્તી ન હતી. બસ ચૂપચાપ રાત્રે રડી લેતી હતી. મને એમ કે ક્યારેક તો પપ્પા મને સમજશેને!’

પપ્પાની સાથે સાથે મમ્મી પણ મને મ્હેણાંટોણા મારવા લાગ્યા. મમ્મી પપ્પા મને હવે રીતસર ઘરમાંથી જલ્દી કાઢી મૂકવા માંગે છે. મમ્મી કહે છે કે હવે આ બલા ઘરમાંથી જાય તો સારું. ઘણીવાર કહે છે કે ક્યાં સુધી અમારા ઘરના રોટલા ખાવા છે. હવે તો તું જા. પણ હું વિચારું છું કે ક્યાં જાઉં? શું મમ્મી પપ્પા સગી છોકરીને આવું કહી શકે છે. હું એટલી બધી હવે તો કંટાળી ગઈ છું કે હું શું કરું તેની જ મને ખબર પડતી નથી. હું જીવી શકતી પણ નથી કે મરી શકતી પણ નથી. હું વિચારું છું કે શા માટે ભગવાને મને ધરતી પર મોકલી? મારો આત્મા મને કાયમ એક જ સવાલ કર્યા કરે છે કે સગા મા-બાપ થઈને પોતાની છોકરી જોડે આવું વલણ દાખવી શકે. બે છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખી શકે છે! મમ્મી-પપ્પાની મેં એટલી બધી નફ્રત જોઈ છે કે સપનામાં પણ હું ક્યારેય તેમનો ચહેરો મને બહુ ભયાનક લાગે છે. પપ્પાની સાથે સાથે મમ્મી પણ તેની એક મા તરીકેની ફ્રજ ભૂલીને મારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે. તેની હાજરીમાં તો હું શાંતિથી ખાઈ પણ શક્તી નથી. માટે ઘણીવાર તો છુપાઈ છુપાઈને ખાવું પડે છે. ઘરમાં કોઈ સારી ચીજવસ્તુ લાવ્યા હોય તો હું તો તે ખાઈ જ ના શકું. મને હવે આ ઘરનું ખાતા પણ બીક લાગે છે. આમેય તે લોકોને હું તેમના રોટલા ખાઉં એ ગમતું નથી. ઘણીવાર તો માટે ભૂખ્યા દિવસો કાઢવા પડે છે. ઘણી રાતો મેં ઊંઘની ગોળીઓ લઈને વીતાવી છે. હું માનસિક રીતે એટલી બધી પડી ભાગી છું કે હવે મને ખુશી મળશે તો પણ મને તે છીનવાઈ જવાની બીક લાગશે. મારી આજુબાજુ ઘરમાં છોકરીઓ રહે છે. તેમના મમ્મી પપ્પા તેમની છોકરીને પ્રેમ કરતા હોય ત્યારે મારી નજર પડે તો મારી આંખમાં આસુંઓ આવી જાય છે ત્યારે મને મારા નસીબ પર ખરેખર નફ્રત થાય છે. ભગવાનને પણ ફ્રિયાદ કરવાનું મન થાય છે કે હે ભગવાન શા માટે તે મને તારી આ સ્વાર્થી દુનિયામાં જન્મ આપ્યો. ઉદાસીના બોજથી લાચારીવશ જિંદગીના શ્વાસોચ્છ્વાસ ખેંચીને દિવસો કાઢું છું. મારું ભાવિ તો મને અંધકારમય જ લાગે છે. જ્યાં સુધી જીવાશે ત્યાં સુધી જીવીશ. સહનશક્તિની હદ પૂરી થતા હું આ દુનિયા છોડીને જતી રહીશ.

મારી જિંદગીના ચહેરા પર સતત પડતી રહેલી સમયની સખત થાપડો એ મને સવાલ પૂછવાનું મન કર્યું છે કે શું ભગવાને ખરેખર’મા’ ને દેવીની ઉપમા આપીને મહાન કહી છે? આ જગતની બધી જનેતાને મારો સંદેશો છે કે ક્યારેય પોતાની છોકરીને માની ખોટ ન સાલવા દો. ક્યારેય મનમાં પ્રશ્ન ન થાય કે કયા છે ‘મા’ કે જેને ભગવાને પોતાના રૂપમાં ધરતી પર પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે મોકલી છે. તમે ખરેખર મા છો તો ‘મા’ શબ્દને સાર્થક કરી બતાવજો કે જેથી કરીને બાળકો પોતાની ‘મા’ના અસ્તિત્ત્વનું ગૌરવ લઈ શકે. બાળકને ક્યારેય પોતાના પ્રેમથી વંચિત ન રાખશો. આમેય છોકરીઓ તો પારકી થાપણ હોય છે તો પછી છોકરી પ્રત્યે આટલું ક્રૂર વલણ ન દાખવશો કે જેથી કરીને તેને પોતાનું હૃદય ‘મા’ ને ધિક્કારવા મજબુર બને. મારા જેવી તો શાયદ કોઈ અભાગી છોકરી નહીં હોય કે જેને આટઆટલા દુઃખ આવવા છતાં પણ જિંદગીના દિવસો પૂરા કરવા પડે છે. મારા નામનો અર્થ ખરેખર ‘ઈચ્છા’ થાય છે પણ મારી ઈચ્છા બધી મરી પરવારી છે. મને તો ખરેખર જીવવાની ઈચ્છા જ નથી રહી. હું એવું ઈચ્છું છું કે મારા જેવું દુઃખ દુનિયાની કોઈ છોકરીને સહન ન કરવું પડે. ક્યારેય છોકરી એવું ન વિચારે કે તે તેના મા-બાપ પર બોજ બનીને રહે છે. દરેક છોકરીના ચહેરા પર સદાય સ્મિત ફ્રકતું રહે. ખુશ રહે એવી મારી ભગવાનને પ્રાર્થના!

અને અપેક્ષાનો પત્ર પૂરો થાય છે.

  • દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

Be Sociable, Share!