Close

હું નથી ઇચ્છતી જે મારી સાથે થયું તે બીજાની સાથે પણ થાય

કભી કભી | Comments Off on હું નથી ઇચ્છતી જે મારી સાથે થયું તે બીજાની સાથે પણ થાય

અલીસિયા કોજાકેવિજ.

અલીસિયાને બીજાં બાળકોની જેમ ઇન્ટરનેટ પર નવાં નવાં દોસ્ત બનાવવાનું, ચેટિંગ કરવાનું બહું જ ગમતું હતું. એ વખતે તે તેર વર્ષની હતી. અલીસિયા એનાં માતા-પિતા સાથે અમેરિકાના પીટસબર્ગ શહેરમાં રહેતી હતી. પરિવારને એ વાતની ખબર હતી કે નાનકડી અલીસિયા કમ્પ્યુટર પર ભણવા ઉપરાંત દોસ્તો સાથે વાતચીત પણ કરતી રહે છે. અલબત્ત, દીકરીને અવારનવાર તેના મિત્રો સાથે લાઇવ ચેટ કરતી જોવા છતાં તેને કદી રોકી નહોતી. ક્રમશ : અલીસિયાને ઇન્ટરનેટનું વ્યસન થઈ ગયું.

અલીસિયા હવે સોશિયલ મીડિયા પર હતી. નેટ પર તેને એક યુવાન સાથે દોસ્તી થઇ ગઇ. અલબત્ત, એ છોકરો સ્કૂલમાં ભણતો નહોતો. એ છોકરાને તે કદી રૂબરૂ મળી નહોતી. પરંતુ સોશિયલ મીડિયા પર એ છોકરા સાથે વાત કરવાનું અલીસિયાને બહુ જ ગમતું હતું. બેઉ જણ લાંબી લાંબી વાતો કરતાં, નેટ પર તે છોકરાની તસવીર પણ અલીસિયાને ગમી ગઇ. તસવીર જોતાં એને લાગ્યું કે, એ છોકરો તેની જ વયનો છે.

નેટ પરની દોસ્તીને હવે આઠ માસ થઇ ચૂક્યા હતા. એ છોકરાને રૂબરૂમાં મળવા માટે અલીસિયાની ઉત્સુક્તા હવે વધી રહી હતી. અલીસિયાએ તેના એ અનજાન દોસ્તની બાબતમાં તેના મમ્મી-પપ્પાને કે બીજા કોઇ દોસ્તને કદી કહ્યું નહોતું.

તા. ૩૧ ડિસેમ્બર.

આ દિવસે એ છોકરાએ અલીસિયાને રૂબરૂ મળવા બોલાવી. મળવાની જગા અને સમય પણ નક્કી કરાયાં. એ વખતે ઘરમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી. સુંદર ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. ઘરમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ હતું. પરિવાર સાથે ભોજન લીધા બાદ અલીસિયા એના મિત્રને મળવા બહાર ગઇ. અગાઉથી દર્શાવેલા સ્થળ પર પહોંચી. ભીડમાં તે તેના મિત્રને શોધી રહી હતી. એવામાં કોઇ પાછળથી બોલ્યું : ‘અલીસિયા !’

અલીસિયાએ પાછળ જોયું તો ૪૦ વર્ષનો એક પુરુષ ઊભો હતો. એનો ચહેરો ઇન્ટરનેટ પર મુકાયેલ ચહેરા કરતાં સાવ અલગ હતો. છતાં તે તેને જ નામ દઇ બોલાવી રહ્યો હતો. અલીસિયાએ પૂછયું: ‘સોરી ! શું તમે મને બોલાવી રહ્યાં છો ?’

‘યસ. અલીસિયા’: એ આદમીએ કહ્યું.

‘પણ હું તમને જાણતી નથી’ : અલીસિયાએ કહ્યું.

અલીસિયા કાંઇ સમજે એ પહેલાં એ પુરુષે અલીસિયાનો મજબૂતીથી હાથ પકડયો અને નજીક ઊભેલી કારમાં ખેંચી ગયો. અલીસિયાએ પૂછયું: ‘મને ક્યાં લઇ જાવ છો?’

જવાબ આપવાના બદલે એ પુરુષે કારનો દરવાજો બંધ કરી કાર સ્ટાર્ટ કરી. અલીસિયા ચીસો પાડવા લાગી પરંતુ કારના કાચ બંધ હતા. તેનો અવાજ બહાર જતો નહોતો. રસ્તામાં એ આદમીએ કહ્યું : ‘હું તારો ઇન્ટરનેટવાળો દોસ્ત છું.’

અલીસિયા ગભરાઇ ગઇ. તે વિચારવા લાગી કે ચેટિંગ પર સારી સારી વાતો કરવા વાળો દોસ્ત આવો ? વળી નેટ પર જે ફોટો જોયો હતો તે તો તેની ઉંમરનો કિશોરનો હતો જ્યારે આ માણસ તો આધેડ લાગે છે.

અલીસિયા ચીસો પાડી રહી હતી પરંતુ તેની ચીસો સાંભળવાવાળું હવે કોઇ નહોતું. લગભગ એક કલાક સુધી કાર ડ્રાઈવ કર્યા બાદ એ આદમી નિર્જન વિસ્તારમાં આવેલા તેના ઘરમાં અલીસિયાને ખેંચી ગયો. તેને એક ભોંયરામાં બંધ કરી દીધી. આખી રાત તે અંદર જ પૂરાયેલી રહી.

તા. ૧ જાન્યુઆરી, ૨૦૦૨. સવાર વધુ ભયાનક નીવડી. સવારે એ આદમી ભોંયરામાં આવ્યો અને એક હેવાનની જેમ તેની પર તૂટી પડયો. તેની પર બળાત્કાર કર્યો. અલીસિયાએ બહુ જ પ્રતિકાર કર્યો પરંતુ તે હજુ નાની અને નાજુક હતી. તેણે ભાગવાની કોશિશ કરી તો તે આદમીએ તેને ફટકારી. અલીસિયા ભાગી ના જાય એટલે કૂતરાના ગળે બાંધવાના પટ્ટાથી એના ગળામાં પટ્ટો ભરાવી તેને બાંધી દેવામાં આવી. કેટલાયે દિવસો સુધી એ પુરુષ અલીસિયા પર હેવાનિયત કરતો રહ્યો. તે હવે એકલી એકલી રડતી હતી. તેના મમ્મી-પપ્પાને યાદ કરતી હતી. નેટ પર દોસ્તી કરી એક પુરુષે ગલત તસવીર મૂકી તેને છેતરી હતી. હદ તો ત્યારે થઇ ગઈ કે જ્યારે પ્રતાડિત કરનાર એ પુરુષે એની સાથે દુષ્કર્મ કરતાં દૃશ્યોનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું. બે દિવસ પછી એ પુરુષે એ વીડિયો ઇન્ટરનેટ પર મૂકી દીધો.

આ તરફ પુત્રી ગૂમ થઇ જતાં અલીસિયાના માતા-પિતા ચિંતામાં હતાં. તેમણે પોલીસને પણ જાણ કરી દીધી હતી. અલીસિયા નામની ટીન એજ છોકરી ગૂમ થઇ ગઇ છે તે સમાચાર મીડિયામાં પણ છવાઇ ગયા હતા. ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર ગૂમ થયેલી અલીસિયાની તસવીરો પણ પ્રર્દિશત કરવામાં આવી હતી.

દરમિયાન બન્યું એવું કે ઇન્ટરનેટ પર એક યુવાને અલીસિયા સાથે થઈ રહેલા દુષ્કર્મનો વીડિયો નિહાળ્યો. એણે ટેલિવિઝન પર ગૂમ થયેલી અલીસિયાની તસવીર નિહાળી હતી. આ વીડિયો જોયા બાદ એ યુવકે એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને જાણ કરી. એફબીઆઈએ વીડિયોમાં દેખાતા માણસની તસવીરના આધારે તપાસ શરૂ કરી. તસવીરના આધારે તેની ઓળખ અને ઘરનું સરનામું પણ શોધી કાઢયું. એફ.બી.આઇ.ની ટીમે એ માણસના ઘેર અચાનક દરોડો પાડયો. એ વખતે તે શખ્સ ઘરમાં જ હતો. ભોંયરામાં છૂપાવી રાખેલી અલીસિયાનો કબજો લઇ એ શખ્સની ધરપકડ કરી.

અલીસિયાને મુક્ત કરી તેના માતા-પિતાને સોંપી. દીકરીની હાલત જોઇ તેના માતા-પિતા આઘાતમાં સરી પડયા. બીજી બાજુ અલીસિયા ડિપ્રેશનમાં ચાલી ગઇ. તેની તબિયત પણ બહુ ખરાબ થઈ ગઈ. મહિનાઓ સુધી તેને મનોચિકિત્સકો પાસે લઇ જઇ તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું.

આઘાત અને હતાશાના દિવસોમાં સૌથી પહેલાં તેના મમ્મી-પપ્પા સ્વસ્થ થયાં. મમ્મી-પપ્પાએ દીકરીને સ્વસ્થ કરવા તેને હિંમત આપી. પુત્રીને એટલો બધો પ્રેમ અને હિંમત આપ્યા કે અલીસિયા હવે સ્વસ્થ થવા લાગી. એક વર્ષ બાદ તે ફરી સ્કૂલે જવા લાગી.

અલીસિયાને હવે ખ્યાલ આવી ગયો હતો કે ઇન્ટરનેટ પર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવી કેટલું ખતરનાક છે. સમય જતાં એણે એના પપ્પાની મદદથી એક પ્રોજેક્ટ શરૂ કર્યો. એ પ્રોજેક્ટને ‘અલીસિયા પ્રોજેક્ટ’ એવું નામ આપવામાં આવ્યું. ઇન્ટરનેટ પર અજાણ્યા લોકો સાથે કરાતી દોસ્તીના જોખમો અંગે બાળકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

અલીસિયા ખુદ અલગ અલગ સ્કૂલો- કોલેજોમાં જઇ વાર્તાલાપ આપવા લાગી. પોતાની કહાણી શાળાના અન્ય બાળકોને સંભળાવવા લાગી અને ઇન્ટરનેટ પર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવી કેટલી જોખમી છે તે વાત તે સમજાવવા લાગી જેથી એ બાળકો સાવચેત રહે.

તે પછી અલીસિયા મોટી થઇ. વયસ્ક થયા બાદ તેણે ઇન્ટરનેટ સુરક્ષા કાનૂન બનાવવા ઝુંબેશ ચલાવી. અમેરિકન સરકારે તેની ગંભીરતાથી નોંધ લીધી. તેના નામ પર જ ‘અલીસિયા કાનૂન’ બન્યો. આ કાયદાના અન્વયે બાળકોને યૌન- ઉત્પીડનથી બચાવવા માટે સરકાર તરફથી એક ફંડ પણ ફાળવવામાં આવ્યું. અલીસિયાના જીવન પર એક દસ્તાવેજી ફિલ્મ પણ બની. ‘અલીસિયા મેસેજ’ નામની આ ફિલ્મ અમેરિકાના લોકોને બહુ જ પસંદ આવી. અમેરિકન સંસદ (કોંગ્રેસ) માં બાળકો માટે ઇન્ટરનેટ સુરક્ષાના મુદ્દે બોલવા માટે અલીસિયાને આમંત્રણ પણ આપવામાં આવ્યું. અલીસિયાને ૨૦૦૭માં કરેજ એવોર્ડ મળ્યો અને ૨૦૦૮માં અલીસિયાની ઝુંબેશના કારણે અમેરિકામાં પ્રોટેક્ટ ઓવર ચિલ્ડ્રન લો બન્યો.

અલીસિયા કહે છેઃ ‘હું નથી ઇચ્છતી કે જે મારી સાથે બન્યું તે બીજા કોઇની સાથે પણ થાય ?’

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!