Close

હું નિરાશ થયો, પરંતુ માએ મને હંમેશાં પ્રોત્સાહિત કર્યો

કભી કભી | Comments Off on હું નિરાશ થયો, પરંતુ માએ મને હંમેશાં પ્રોત્સાહિત કર્યો

ફિલ્મ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી એક અલગ પ્રકારના લોકપ્રિય એક્ટર છે. તેમણે ખૂબ સંઘર્ષ પછી બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી છે. તેમણે તાજેતરમાં જ તેમની સ્મૃતિ શ્રૃંખલાને પુસ્તક આકારે બજારમાં મૂકી અને વિવાદમાં આવી ગયા. તેમના પુસ્તકનું નામ છે : ‘એન ઓર્િડનરી લાઈફ.’
તેમના આ પુસ્તકમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ તેમની સાથે ફિલ્મોમાં કામ કરનાર બે સહકલાકાર નિહારિકા સિંઘ અને ટી.વી. એક્ટ્રેસ સુનિતા રાજવાર વિશે જે કાંઈ લખ્યું તેથી આ બંને અભિનેત્રીઓ નારાજ થઈ ગઈ. તેમની જાહેર નારાજગી બાદ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીએ તેમની માફી માગીને પુસ્તક પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
સાચી વાત એ છે કે, બધાં જ સંબંધો જાહેર કરવાના હોતા નથી.
ખેર !
અહીં આજે નવાઝુદ્દીન સિદ્દિકીની સફળતા અને તેમના માતાના સંઘર્ષની કથા પ્રસ્તુત છે.
ફિલ્મ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીને બધા જાણે છે. ૨૦૧૪માં બનેલી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં નવાઝુદ્દીન સિદ્દિકીને બ્રેક મળ્યો તે પછી ‘બજરંગી ભાઈજાન’ અને ‘ખાખી’ ફિલ્મોમાં કામ કર્યા બાદ તેઓ મશહૂર બની ગયા.
પરંતુ અહીં પ્રસ્તુત આ કથા એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીની માતાની છે. તેમની માતાનું નામ મેહરુન્નિસા સિદ્દિકી. ઉત્તર પ્રદેશના કૈરાના વિસ્તારમાં જન્મેલી મેહરુન્નિસા કદી સ્કૂલમાં ના ગઈ. તેમને ઘરમાં જ ઉર્દૂ-અરબી ભાષા શીખવાનો મોકો મળ્યો. તેમના પિતા એક મદરેસામાં ઈમામ હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. એ વખતે તેમના ગામમાં બાળકોને ભણવા સ્કૂલમાં મોકલવાનો બહુ રિવાજ નહોતો, પરંતુ મામાનાં સંતાનો ભણતાં હોઈ મહેરુન્નિસાને પણ ભણવાની ઈચ્છા થઈ. તે મામાના સંતાનોનાં પુસ્તકો જોઈ ભણવા લાગી.
તે ૧૪ વર્ષની થઈ અને નિકાહ થઈ ગયા. સાસરી કૈરાનાથી કરીબ ૩૦ કિલોમીટર દૂર બુઢાના નામના ગામમાં હતી. તેના પતિ ખેતી કરતા હતા. અહીં પણ આર્થિક તંગી હતી. પરિવારમાં સભ્યોની સંખ્યા વધુ હતી.
લગ્નના એક વર્ષ બાદ મેહરુન્નિસાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ રાખવામાં આવ્યું નવાઝુદ્દીન. પરિવારમાં કુલ નવ બાળકો હતા, સાત દીકરાઓ અને બે દીકરીઓ. ખેતીથી ઘરના સભ્યોનો ખાવા પીવાનો ખર્ચ નીકળી જતો હતો, પરંતુ બાળકોને ભણાવવાનું નહીં. ઘરના બાળકોને ભણાવવા માટે તેમણે એક સહેલી દ્વારા હિન્દી શીખી લીધી. બાળકોને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યાં.
મેહરુન્નિસા કહે છે : ”મારું પિયર પણ વિશાળ હતું. બાળકો ઓછાં હોવા જોઈએ એવું અમે કદી વિચાર્યું નહોતું, પરંતુ મેં એવો પ્રયત્ન જરૂર કર્યો કે બધાં સંતાનો ભણે. મેં દીકરા-દીકરીઓ વચ્ચે કદી બેદભાવ રાખ્યો નહીં.”
પતિની આવક ટૂંકી પડવા લાગી એટલે મેહરુન્નિસાએ સિલાઈ કામ શરૂ કર્યું. તે કપડાં સીવવા લાગી. જોકે તેના પતિને એ વાત પસંદ નહોતી કે પત્ની કામ કરે. મેહરુન્નિસા કહે છે : ”મારા પતિ હું કામ કરું તેમ ઈચ્છતા ના હોઈ તેઓ ઘરે આવે તે પહેલાં હું સિલાઈ મશીન છુપાવી દેતી હતી. સિવણ કામના લીધે ગામની બધી જ મહિલાઓ સાથે દોસ્તી થઈ ગઈ. તે પછી કેટલીક સ્ત્રીઓ તો મારા ઘરે સિવણ શીખવા આવવા લાગી.”
પરંતુ મેહરુન્નિસાએ આ વાતની ખબર પડવા દીધી નહીં. મેહરુન્નિસાને સીવણ ઉપરાંત રસોઈ બનાવવાનો પણ શોખ હતો. તે ગામની મહિલાઓને નવા નવા પકવાન બનાવતાં શીખવવા લાગી. કેટલીક અભણ ઔરતોને તે ઉર્દૂ-અરબી પણ શીખવવા લાગી. આ કારણે ગામમાં અનેક સાહેલીઓ બની ગઈ.
મેહરુન્નિસાના પરિવારને ફિલ્મો સાથે દૂર દૂરનો પણ કોઈ સંબંધ નહોતો. તે ખુદ કદી કોઈ ફિલ્મ જોવા જતી નહીં. રસપ્રદ વાત એ છે કે, શાદી પછી મેહરુન્નિસા તેના પતિ સાથે પહેલી જ વાર શહેરમાં ફિલ્મ જોવા ગઈ અને જિંદગીમાં પહેલી જ વાર એણે સિનેમા હોલ જોયો. એ ફિલ્મ હતી ‘આરઝુ.’ ફિલ્મ શરૂ થઈ. ઈન્ટરવલ પડતાં હોલમાં લાઈટો થઈ ત્યારે તેનો પતિ પત્નીને જોઈ ચોંકી ગયો. મેહરુન્નિસા કહે છે : ”અડધી ફિલ્મ પૂરી થઈ ગઈ ત્યાં સુધી મેં મારા ચહેરા પરથી પરદો હટાવ્યો નહોતો. મારા પતિ મને જોઈને ખૂબ હસ્યા. મને ખબર નહોતી કે ફિલ્મ જોવા માટે ચહેરા પરનો નકાબ હટાવવો જોઈએ. હું અગાઉ કદીયે બુરખા વગર બહાર ગઈ જ નહોતી.”
અલબત્ત, મેહરુન્નિસા ભલે પરદામાં રહી, પરંતુ તેના વિચારોથી તે કદી પાછળ રહી નહીં. તે તેનાથી આગળ પણ વિચારી શકતી હતી.
મોટો પુત્ર નવાઝુદ્દીન હવે પુખ્ત બની રહ્યો હતો. એક દિવસ એણે માને કહ્યું : ”હું ફિલ્મોમાં કામ કરવા માગું છું.”
માએ ખુશ થતાં પુત્રને ફિલ્મમાં કામ કરવા પરવાનગી આપી. સગાં-સંબંધીઓને આ વાત ગમી નહીં. કેટલાકે કહ્યું : ”નવાઝુદ્દીનનો ચહેરો એક્ટર બનવાને લાયક નથી. તે કારણ વગર સમય બરબાદ કરી રહ્યો છે.”
પરંતુ માને પોતાના પુત્ર પર ભરોસો હતો. નવાઝુદ્દીન મોટો દીકરો હોઈ તેમની સૌથી વધુ નજીક હતો. માએ નવાઝુદ્દીનને તેનું નસીબ અજમાવવા મુંબઈ જવાની પરવાનગી આપી. નવાઝુદ્દીન મુંબઈ પહોંચ્યો. મુંબઈમાં તેને ખૂબ તકલીફો વેઠવી પડી. ખૂબ સંઘર્ષ કરવો પડયો. જ્યારે જ્યારે પણ તેને નિરાશા મળતી ત્યારે ત્યારે તે મા સાથે ફોન પર વાત કરી લેતો. મા તેને પ્રોત્સાહન આપતી. ધીરજ રાખવાનું કહેતી. મા સાથે વાત કર્યા બાદ તેને નવી શક્તિ હાંસલ થતી. માએ તેને ઘરે પાછા આવી જવા કદી કહ્યું નહીં. તે હંમેશાં પુત્રને કહેતી : ”બેટા, કરેલી મહેનત કદી પાણીમાં જતી નથી.”
નવાઝુદ્દીન કહે છે : ”અમ્મીની અંદર ભારે મોટો આત્મવિશ્વાસ હતો. ઘરની હાલત જે કાંઈ હોય, પરંતુ મારી મા મારી પાછળ એક અડીખમ દીવાલ બનીને ઊભી રહેતી. માએ મારામાં જગાવેલા આત્મવિશ્વાસ બાદ મેં મુંબઈમાં ભારે સંઘર્ષ કર્યો. કેટલીયે વાર એમ લાગ્યં કે પાછો ગામડે જતો રહું, પરંતુ માએ મને કદી પરાજિત થવા દીધો નહીં.”
તે પછી ભારે સંઘર્ષ બાદ નવાઝુદ્દીનને ફિલ્મોમાં નાના નાના રોલ મળ્યા. ગામના લોકોએ તેની મજાક પણ કરી, પરંતુ મેહરુન્નિસાએ પુત્રની મજાક ઉડાડનારા લોકોને કદી જવાબ આપ્યો નહીં. છેવટે ૨૦૧૨માં ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ રિલીઝ થઈ. આ ફિલ્મ જ નવાઝુદ્દીન સિદ્દિકીની પહેચાન બની ગઈ. તે પછી ગામના લોકોની તેની તરફ જોવાની દૃષ્ટિ જ બની ગઈ. ‘બજરંગી ભાઈજાન’ અને ‘ખાખી’ ફિલ્મ પછી નવાઝુદ્દીન મોટો એક્ટર બની ગયો. તે પછી તે એક કામિયાબ એક્ટર ગણાવા લાગ્યો. હવે તેના સગાં-સંબંધીઓ પણ તેની તારીફ કરવા લાગ્યા.
મેહરુન્નિસા કહે છે : ”મારો દીકરો એક મશહૂર એક્ટર બની ગયો તેથી વધુ ખુશી મારા માટે બીજી શું હોઈ શકે ? મારા દીકરાએ બહુ જ મહેનત કરી છે. તેની ભીતર ખૂબ જ ધીરજ છે. અવારનવાર હું પણ તેની સાથે મુંબઈમાં જ રહું છું. તે મારી ખૂબ જ કાળજી રાખે છે. અલ્લાહ તેને વધુ કામિયાબી બક્ષે.”
બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે બીબીસીએ ૧૦૦ પ્રભાવશાળી મહિલાઓમાં મેહરુન્નિસા સિદ્દિકીનું નામ પણ સામેલ કરી દીધું.
મેહરુન્નિસા હવે ઉત્તર પ્રદેશમાં તેના ગામ બુઢાનામાં બાળકોનાં શિક્ષણ માટે કામ કરવા માગે છે. તેની ખ્વાહિશ છે કે તેમના વિસ્તારની દરેક સ્ત્રી ભણે જેથી તે ઔરતો પણ તેમનાં બાળકોને ભણાવી શકે.
નવાઝુદ્દીન સિદ્દિકી કહે છે : ”મારી મા હંમેશાં ગામમાં જ રહી. તેમનું જીવન સંકીર્ણ વિચારધારાવાળા વાતાવરણમાં જ ગુજર્યું. તેમ છતાં તેમણે મને અને મારાં ભાઈ-બહેનોને ભણાવ્યાં. સારી તાલીમ આપી અમને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.”
મેહરુન્નિસા સિદ્દિકીને સલામ..
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!