Close

હું પરિણીત હતી છતાં એક કુંવારા યુવકના પ્રેમમાં પડી

કભી કભી | Comments Off on હું પરિણીત હતી છતાં એક કુંવારા યુવકના પ્રેમમાં પડી

મારું નામ આકૃતિ છે.

હું મારા પતિ અનંતને બેહદ ચાહું છું. મારે એક નાનકડો પુત્ર પણ છે. મારા પતિ એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર છે. મારા જીવનમાં ખુશીઓ જ ભરેલી છે. લોકોને અમારા દાંપત્ય જીવનની ઈર્ષા આવે છે

એક દિવસની વાત છે. મારા પતિ એક વર્ષ માટે બેંગકોક ટ્રેનિંગ માટે ગયા હતા. મારો નાનકડો દીકરો સ્કૂલમાં જાય એટલે હું સાવ એકલી પડી જતી. સમય પસાર કરવા હું મારી સાહેલી આરાધ્યાના ઘેર ગઈ. આરાધ્યા પાર્ટીઓની બહુ શોખીન હતી. એ પાર્ટીમાં રાજ નામનો તેનો એક મિત્ર પણ આવ્યા કરતો. રાજ એક ડ્રામા આર્િટસ્ટ હતો. ઊંચો, દેખાવડો અને ગોરો. એને જોતાં જ હું તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગઈ. રાજને પણ કોણ જાણે કેમ મારી સાથે વાતચીત કરવાનું ગમતું હતું. તે પછી અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં. બીજી અનેક વાર મારી સાહેલીના ઘેર જ મુલાકાતો થઈ . રાજ મારી સાથે છૂટથી હસીમજાક કરી લેતો હતો. ક્યારેક ક્યારેક મને સ્પર્શી લેતો પણ હતો. એક દિવસ એણે કહી જ દીધું : ‘આકૃતિ, તમે મને ગમો છો.’

મેં પૂછયું : ‘એનો મતલબ ?’

એણે કહ્યું : ‘આઈ લવ યુ.’ મારે એ વખતે જ તેને ઠપકો આપવાની જરૂર હતી, પણ હું તેમ કરી શકી નહીં. હા, મેં એટલું કહ્યું : ‘રાજ, હું પરિણીત છું.’

રાજ બોલ્યો : ‘શું પરણેલી સ્ત્રીને પ્રેમ ના કરી શકાય ?’

મેં કહ્યું : ‘કરી શકાય.’

અને એક દિવસ રાજ મારા ઘેર આવ્યો. ઘરમાં કોઈ નહોતું. એણે મને એની બાહોમાં જકડી લીધી. એ વખતે હું ફરીથી એ વાત ભૂલી ગઈ કે હું એક બાળકની મા છું. હું એ વાત પણ ભૂલી ગઈ કે અગ્નિની સાક્ષીએ હું અનંતને પરણેલી છું. રાજના આકર્ષણમાં હું બધું જ ભૂલી ગઈ. તે પછી રાજ અને હું નિયમિત મળવા લાગ્યા. મારા પતિ અનંત તો બેંગકોક હતા. ઘરમાં હું સાવ એકલી હતી. દિલ બહલાવવા હું રાજ સાથે બહાર જવા લાગી. હોટલમાં અને સિનેમાગૃહમાં પણ રોજ હું ગુનો કરતી હતી. હું બેવફા બની ગઈ હતી પરંતુ મને તો એ ગુનો પણ ખૂબસૂરત લાગવા લાગ્યો. એક દિવસ મેં રાજને કહ્યું : ‘રાજ, તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે ?’

રાજ બોલ્યો : ‘તું મારા માટે આજે તારા પતિને છોડવા તૈયાર છે તો કાલે તું મને પણ છોડી શકે છે.’

રાજના એ વિધાને મને હચમચાવી મૂકી. એણે મને ‘બેવફા’ હોવાનો અહેસાસ કરાવ્યો. આમ છતાં ફરી એક વાર હું જ્યારે રાજના સાનિધ્યમાં હતી ત્યારે મેં ફરીથી રાજ સાથે લગ્ન કરી લેવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજે મને કહ્યું: ‘આકૃતિ, તું પરણેલી છે, તારે ફરી શા માટે લગ્ન કરવું છે ? કોઈ બંધનમાં બંધાયા વિના શું પ્રેમ ના થઈ શકે ? વળી તું તારા પતિથી છૂટાછેડા લેવાની હિંમત કરી શકીશ?’

મેં કહ્યું: ‘હું તારા માટે બધું જ છોડવા તૈયાર છું.’

‘તારું બાળક પણ ?’

મેં કહ્યું : ‘રાજ, એવું ના થઈ શકે કે મારા બાળકને આપણે જ રાખીએ અને તું એને પિતા જેવો પ્રેમ ના આપી શકે ?’

રાજ બોલ્યો : ‘જો આકૃતિ, લગ્ન એક ગંભીર બાબત છે. હું જ્યારે તારા પ્રેમમાં પડયો ત્યારે એ વાત હું ભૂલી ગયો હતો કે તું કોઈની પત્ની છે. તું મારી સાથે લગ્ન કરી લે તો પણ અતીત તારો પીછો છોડશે નહીં. તારા સાસુ-સસરા, પતિ, તારી નણંદ, તારી ભાભીઓ-ભાઈ એ બધા તારી નિંદા કરશે. તારા કારણે એ બધા શરમ અનુભવશે અને તું જ્યારે મારા સાનિધ્યમાં હોઈશ ત્યારે ભૂલથી પણ તને તારા પતિની યાદ આવી જશે તો તે મારી સાથેની બેવફાઈ હશે. મારી સાથે લગ્ન કર્યા બાદ તું તારા ભૂતકાળ ભૂલી શકીશ ?’

રાજ બોલતો રહ્યો અને હું સાંભળતી રહી. મેં કહ્યું: ‘તો પછી આ વાત તેં મને પહેલાં કેમ ના સમજાવી ?’

રાજ બોલ્યો : ‘હું પરિણીત નથી. કુંવારો છું. તને જોતાં જ હું મોહી પડયો. મારો પણ પગ લપસ્યો અને તારી બાહોમાં મને પનાહ મળી ગઈ. હું તો તૈયાર છું, પણ હવે તારે વિચારવાનું છે કે તારે શું કરવું છે ?’

હું રડી પડી.

મને લાગ્યું કે, રાજ સાથે સંબંધ બાંધીને મેં ભૂલ કરી હતી. મારી જિંદગીની એ નાજુક ક્ષણો હતી. મને લાગ્યું કે રાજની વાતોમાં નહીં વાસ્તવિકતા છે, નરી સચ્ચાઈ છે. પ્રેમ એક વાત છે, લગ્ન બીજી વાત છે. હું મુંઝાઈ ગઈ. શું કરવું તે મને સૂઝતું નહોતું. મેં રાજને પૂછયુ : ‘મારી જગાએ તું હોત તો તું શું કરત ?’

રાજે કહ્યું: ‘એ તો દિલની વાતો છે. હા, હું તારી જગાએ હોત તો એક પરિણીત સ્ત્રી તરીકે કોઈ અન્ય પુરુષના પ્રેમમાં જ ના પડત. વીતી ગયેલી ક્ષણો અંગે હું મારી જાતની માફી લેત.’

આજે મને રાજ જુદો જ લાગ્યો. એ બોલતો જ ગયો : ‘જો આકૃતિ, હું કુંવારો છું. કોઈ પણ અપરિણીત યુવાન માટે કોઈ પણ સ્ત્રીનો પહેલો સ્પર્શ રોમાંચકારી હોય છે, પણ સ્ત્રી જો પરણેલી હોય તો તેના માટે એ અનુભવ નવો હોતો નથી. પરણેલી સ્ત્રીએ તો આવું કરતાં પહેલાં હજાર વાર વિચાર કરવો જોઈએ.’

હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. મેં કહ્યું :’રાજ, મેં તો મારી જાતે જ મારી જિંદગી બરબાદ કરી નાખી. હવે, તું મને નરી વાસ્તવિક્તા બતાવી દિલની વાતને દુનિયાની દૂર હકીકત પર લાવીને અધવચ્ચે છોડી રહ્યો છે.’

રાજ બોલ્યો : ‘એવું નથી. તું ઈચ્છતી હોય તો હું આજે પણ તારી સાથે લગ્ન કરી લેવા તૈયાર છું પણ એમાં તારી જ બરબાદી હશે, મારી નહીં.’

હું શૂન્ય મનસ્ક બની ગઈ.

થોડા દિવસો પછી મારા પતિ અનંત બેંગકોકથી પાછા આવી ગયા હું વધુ ઊલઝનમાં પડી ગઈ. પતિ સાથે એકાંતમાં મને રાજ યાદ આવવા લાગ્યો. મને લાગ્યું કે પહેલા હું મારા પતિ સાથે બેવફાઈ કરી રહી હતી. હવે હું રાજ સાથે બેવફાઈ કરી રહી છું. હું કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ, હોય એમ લાગ્યું. આ તો બેતરફી બેવફાઈ હતી. મને વધુ ડર એ વાતનો લાગવા માંડયો કે હું મારા પતિ સાથે હોઉં અને ભૂલથી હું ‘રાજ’ શબ્દ ના બોલી જાઉં. પ્રણય છુપાવી શકાતો નથી. હું એક ભંવરમાં ફસાઈ ચૂકી હતી. મને ડર પણ લાગવા માંડયો કે જે દિવસ મારા પતિને ખબર પડી જશે તે દિવસે તે મને મારી જ નાંખશે. હું શું કરું તેની સમજ જ પડતી નહોતી. એક તરફ હસતું ખેલતું મારું પરિવાર હતું તો બીજી તરફ મારી કમજોર ક્ષણોનો સાથી રાજ. હું કોઈની પત્ની હતી. કોઈની મા હતી પણ રાજ મારી કમજોરી.

એક દિવસ મારા પતિ અનંતે મને કહ્યું: ‘આકૃતિ તું બદલાયેલી બદલાયેલી કેમ લાગે છે ? કાંઈ થયું છે તને ? ‘

હકીકતમાં હું શરમિંદગી અનુભવી રહી હતી. હું ગુનેગાર છું. એવા ભાવ અનુભવી રહી હતી. એક દિવસ હું ચૂપચાપ રાજ પાસે પહોંચી ગઈ. મેં જાતે જ રાજને કહી દીધું :’રાજ, હવે હું તને નહીં મળું. તું મને ભૂલી જા. વીતેલી ક્ષણોને પણ ભૂલી જા. મેં તારી સાથે લગ્ન કરી લેવાનો વિચાર છોડી દીધો છે, જે કાંઈ થયું તેને દુઃસ્વપ્ન સમજી ભૂલી જજે.’

રાજની આંખમાં આનંદ હતો. એને સંતોષ હતો. રાજને પણ લાગ્યું કે એણે જે હકીકતો સમજાવી હતી તેની મારી પર અસર થઈ છે. મને ગુમરાહ પણ એણે જ કરી હતી અને સાચા રસ્તે પણ એ જ લાવ્યો. મને પહેલી જ વાર લાગ્યું કે પ્રેમ એટલે વાસના નહીં. પ્રેમ એટલે કાંઈક પામવું એ જ નહીં. પ્રેમ એટલે બેવફાઈ નહીં. પ્રેમમાં ત્યાગ એ જ તેની ખરી કસોટી છે. રાજ સાથેનો પ્રેમ એ મારી નાજુક ક્ષણોની ભૂલ હતી. હવે એ ભૂલ હું સુધારી લેવા માગતી ગતી. મને વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો હતો કે મેં મારા પતિને છોડીને રાજ સાથે લગ્ન કરી લીધું હોત તો લોકો મને કુલટા કહેત. ચારિત્ર્યહીન કહેત. હું રાજને અલવિદા કરીને મારા ઘેર પાછી આવી ગઈ. ઘેર આવીને મેં મારા પરિવારની જવાબદારીઓ ફરી સંભાળી લીધી.

આ વાતને વર્ષો થઈ ગયા. એ પછી ના તો રાજ મને કદી મળ્યો કે મેં રાજને મળવા કદી પ્રયાસ કર્યો. રાજને મેં કાયમ માટે મારા જીવનમાંથી દૂર કરી દીધો. રાજ પણ એ ઈચ્છતો હતો. હવે હું ફરી એકવાર મારા પતિના પ્રેમ અને સન્માનની અધિકારી બની ગઈ છું. હા, જ્યારે મને પણ મારી કમજોર ક્ષણોની યાદ આવે છે ત્યારે ભરપુર પસ્તાવો કરું છું. એ ભૂલની સજા હું આત્મ ગ્લાનિના રૂપમાં ભોગવી રહી છું. રાજે મને બરબાદ પણ કરી અને વધુ બરબાદ કરતાં મને એણે જ બચાવી પણ લીધી. મને લાગે છે કે સાચું સુખ પોતાના પતિ, પોતાના બાળકો અને પોતાના પરિવારમાં જ છે.

– દેવેન્દ્ર પટેલ .

Be Sociable, Share!