Close

હું પહેલેથી જ શાદીશુદા છું જા તારાથી થાય તે કરી લેજે

કભી કભી | Comments Off on હું પહેલેથી જ શાદીશુદા છું જા તારાથી થાય તે કરી લેજે

તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮.

સીલમપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેનો અચાનક ગુમ થઇ જતાં હડકંપ મચી ગયો. ઠેર ઠેર તપાસ કરી. સગાં સંબંધીઓના ઘેર  તપાસ કરી. પરંતુ સગાં સંબંધીઓના ઘેર તપાસ કરી પરંતુ રુખસાર અને નબીલા નામની બે સગી બહેનોનો ક્યાંય પત્તો લાગ્યો નહીં.  પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. કોઇ જ સુરાગ ના મળી. ડીએસપી કચેરીમાં જઇ ફરિયાદ કરી પરંતુ કોઇ જ પરિણામ ના આવ્યું.

એ દરમિયાન તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ પીરાગઢીના નાળામાંથી સડી ગયેલી બે લાશો મળી અને આખા ગામમાં સનસનાટી ફેલાઇ ગઇ. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે બંને લાશોનો કબજો લીધો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું બંનેના પ્રાઇવેટ પાર્ટસ સળગાવી દેવામાં આવ્યા હતા. એ કારણે તે લાશો પુરુષોની છે કે સ્ત્રીઓની તે નક્કી કરી શકાતું નહોતું. શરીરના બાકીના અંગો સડી ગયા હતા. સ્થાનિક નેતાઓએ પોલીસ પર દબાણ કરતાં ડીએસપીએ લાપતા થયેલી બે સગી બહેનોની ખોજ માટે ડીસીપી અતુલકુમાર ઠાકુરને જવાબદારી સોંપી. એક આખી ટીમ કામે લગાડવામાં આવી.

પોલીસે હવે નાળામાંથી મળેલી બે લાશોની તપાસ શરૂ કરી. ગુમ થયેલી બે બહેનોના પરિવારજનોને બોલાવવામાં આવ્યા. તેમણે જોયું તો બે લાશો પૈકી એકના હાથ પર ‘લક્કી’ નામ  ટેટૂથી લખાયેલું હતું. અને બીજીના પગમાં જે પાયલ હતી તે પરથી કુટુંબીજનો ઓળખી ગયા કે આ બંને લાશો તેમના પરિવારની ગુમ થયેલી રુખસાર અને નબીલાની જ છે.

પરંતુ બે સગી બહેનોની હત્યા આટલી બેરહમીથી કેમ તે એક અજબની પહેલી હતી.

કોણે હત્યા કરી ?

કેમ હત્યા કરી ?

પોલીસ હવે હત્યારાઓની ખોજ કરવા કામે લાગી ગઇ.

વાત એમ હતી કે રુખસાર ૨૨ વર્ષની હતી ત્યારે નબીલા ૧૯ વર્ષની. તેઓ તેમના પરિવાર સાથે સીલમપુરના આંગર ગલી નંબર-૬માં રહેતી હતી. તેમના પિતાનું નામ અહેમદ અને માનું નામ શબનમ હતું. પરિવારમાં ચાર બહેનો અને એક ભાઇ હતો.

એક દિવસ રુખસાર કોઇના લગ્નમાં ગઇ હતી.  અહીં તેની મુલાકાત ‘લક્કી’ નામના યુવાન સાથે થઇ. રુખસારને લક્કી ગમી ગયો. બંને વચ્ચે જાન પહેચાન થઇ. ફોન પર વાત કરવા લાગ્યા. રુખસાર લક્કીના પ્રેમમાં પડી ગઇ. બંનેની શાદી પણ થઇ ગઇ. પરંતુ લગ્ન બાદ તરત જ રુખસારને ખબર પડી કે લક્કી તો પહેલેથી જ કોઇને પરણેલો છે, એટલું જ નહીં પરંતુ શરાબી પણ છે. વળી તે કોઇ કામ કરતો જ નથી.  રુખસાર આઘાતમાં સરી પડી.  પોતાની સાથે દગો કરી, જુઠ્ઠું બોલી શાદી કરવાના મુદ્દે રુખસારે લક્કીને   પ્રશ્નો પૂછયા તો લક્કી તેની પર ક્રોધે ભરાયો તે બોલ્યો. ‘હા, હું  પહેલેથી જ શાદીશુદા છું. તારાથી થાય તે કરી લેજે. ‘

ઝઘડો વધતાં રુખસાર લક્કીનું ઘર છોડી પિયર આવી ગઇ.  આ વાતને પૂરા છ મહિના વીતી ગયા. ટેલિફોન કરી લક્કી વારંવાર રુખસારને પાછી આવી જવા દબાણ કરતો હતો. દાદાગીરી પણ કરતો હતો.  તેને જોઇ લેવાની પણ ધમકી આપતો રહ્યો હતો.

લક્કીને એ વાતની પણ ઇર્ષા હતી કે રુખસાર તેની સરખામણીમાં વધુ સુંદર હતી. એ કારણે તેની પર વારંવાર શક કરતો હતો.  તેની અવરજવર પર નજર રાખતો હતો. તેનો મોબાઇલ પણ વારંવાર ચેક કરતો હતો. રુખસારમાં કોઇ જ ખરાબી ના હોવા છતાં તેના ચારિત્ર્ય પર શક કરતો જ રહ્યો, પતિનું ઘર છોડયાનું આ પણ એક કારણ હતું.

પિયર જતી રહેલી રુખસાર પર તે હવે વધુ શક કરવા લાગ્યો હતો. લક્કીએ રૂખસારને છેલ્લી ચેતવણી આપી : ‘તું હવે પાછી નહીં ફરે તો હું ગમે તે પગલું ભરીશ.’

પરંતુ રુખસાર હવે ધોખાબાજ પતિના ઘેર પાછી ના ફરવા મક્કમ હતી.

લક્કીએ  હવે એક યોજના બનાવી, એની યોજના પાર પાડવા એણે તેના બે મિત્રોને સામેલ કરી દીધા. એણે શિવમ નામના એક મિત્ર દ્વારા રુખસારને ફોન કરાવ્યો. રૂખસાર જોબ શોધતી હતી. તે વાતની ખબર પડતાં શિવમે રુખસારને ફોન કરીને  કહ્યું  કે તમે  કશ્મીરી ગેટ પાસે આવી જાવ.  તમારા માટે એક સારી જોબ છે.

રુખસાર શિવમ પર ભરોસો રાખી તેની નાની બહેન નબીલાને લઇ કશ્મીરી ગેટ પાસે પહોંચી. શિવમે નજીકની એક ઓફિસે જવાનું છે. તેમ કહી બંને બહેનોને પોતાની કારમાં બેસાડી અને કોલ્ડડ્રિંક  પીવરાવ્યું. થોડી જ વારમાં બંને બહેનો કારમાં જ બેભાન થઇ ગઇ  કારણ કે કોલ્ડડ્રિંક્સમાં અગાઉથી જ ‘નશીલું ડ્રગ્સ નાખેલું હતું.

કાર શિવમ ચલાવી રહ્યો હતો અને લક્કી કારની પાછળ મોટરબાઇક પર આવી રહ્યો હતો. તેની સાથે પ્રેમ નામનો મિત્ર પણ બાઇકની પાછળ બેઠેલો હતો.  સમયપુર બાદલી પાસે શિવમે કાર ઊભી રાખી.  લક્કીએ બાઇક બાજુમાં પાર્ક કરી દીધું અને તે પણ કારની અંદર આવી ગયો. સાથે તેનો મિત્ર પ્રેમ પણ કારની અંદર આવી ગયો.

કાર આગળ વધી એવામાં રુખસારની નાની બહેન નબીલા ભાનમાં આવી. એને ખ્યાલ આવી ગયો કે જોબ આપવાના બહાને ધોખો થયો છે. તેણે ચીસ પાડીને વિરોધ કર્યો તો લક્કીએ તેનું ગળું દબાવી દીધું. નબીલાના શ્વાસ રૃંધાઇ  જાય ત્યાં સુધી તેણે ગળું દબાવી રાખ્યું. રુખસાર હજુ બેહોશ હતી અને ચાલુ કારે તેનું પણ ગળું દબાવીને તેની હત્યા કરી  નાખવામાં આવી તે પછી બંને બહેનોની લાશોને અલીપુરના નાળામાં ફેંકી દઇ આરોપીઓ રવાના થઇ ગયા.

પોલીસે આ રહસ્ય કેવી રીતે ઉકેલ્યું તે પણ જાણવા જેવું છે. શિવમે પોતાના જે મોબાઇલથી રુખસારને જોબની ઓફર કરતો ફોન કર્યો હતો તે મોબાઇલ હકીકતમાં ચોરેલો ફોન હતો પરંતુ રુખસાર કશ્મીરી ગેટ પાસે આવે તે પહેલાં શિવમે લક્કીને રસ્તામાંથી એક કેન ભરેલું પેટ્રોલ લઇને આવવા ફોન કર્યો હતો. લક્કીએ  આ કામ  પ્રેમને સોપ્યું. પ્રેમ રસ્તામાં પેટ્રોલ લઇને ઊભો હતો. પોલીસે રુખસારના માતા-પિતાના કહેવાથી લક્કીનો ફોન જપ્ત કર્યો. લક્કીને પૂછયું કે ઘટનાના થોડા સમય પર આવેલો ફોન કોનો હતો  તે પહેલાં તો તેણે કાંઇ કહેવા સાફ ઇનકાર કર્યો હતો. પોલીસે ઊંડી તપાસ કરી  તો લક્કી પર  આવેલો ફોન ચોરીનો હતો. અને કારમાં બેસતાં પહેલાં નબીલાએ તેના ઘેર ફોન કર્યો હતો. પોલીસે નબીલાના ફોનના લોકેશનની  તપાસ કરી તો લક્કી પર શિવમે ચોરીના મોબાઇલ ફોનથી કરેલાં ફોનનું લોકેશન નબીલાના મોબાઇલ લોકેશનને મેચ થતું હતું.

આ ભૂલ આરોપીઓને ભારે પડી ગઇ.

રુખસાર અને નબીલાના અંગોને સળગાવી દેવા પેટ્રોલ મગાવ્યું હતું એ કારણે કરેલો ફોન આખીયે વારદાતના રહસ્યને ઉકેલવા કારણભૂત બન્યો અને તે પછી પોલીસે પહેલા લક્કી અને ત્યાર પછી લક્કીના બંને સાગરીતોની ધરપકડ કરી.

ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બંને બહેનોની હત્યાનું રહસ્ય ઉકેલાઇ ગયું. તમે ગમે ત્યાં ફરતા હોવ મોબાઇલ કંપની જાણે છે કે તમે ક્યાં છો !.

– દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!