Close

હું મારા વરને જ ભગવાન સમજી એને પ્રેમ કરું છું !

કભી કભી | Comments Off on હું મારા વરને જ ભગવાન સમજી એને પ્રેમ કરું છું !

એનું નામ છે દિવ્યા .
તે મુંબઈમાં રહે છે. તે મુંબઈની જ એક કોલેજમાં અધ્યાપિકા છે. તે ગુજરાતી છે પણ બાળકોને મરાઠી ભણાવે છે. તેનો એક વાર ફોન આવે છે : ‘સર, મારે મારા જીવનની એક વાત કહેવી છે’…….. અને તે પછી દિવ્યા એની કથા પત્ર દ્વારા લખી મોકલે છે. પત્ર આ પ્રમાણે છે…..’હું જ્યારે યુવાનીમાં પ્રવેશ કરી રહી હતી. યુવાની મારા હૃદયના દરવાજા ખટખટાવી રહી હતી અને જ્યારે મારા હૃદયનો દરવાજો સ્વાભાવિક રીતે ખૂલ્યો ત્યારે મારા મનમાં પહેલી જ કલ્પના હતી કે મારો વર અધ્યાપક હોય. મારો વર એક સારો સંવેદનશીલ કવિ હોય, જેનામાં પ્રેમ, કરુણા, લાગણી, વેદના, પીડા, દુઃખ સમજવાની તાકાત હોય, મારી લાગણી સમજે તે મારી આંખોની ભાષા સમજે… અને મારા બોલ્યા વગર પ્રેમ સમજે.
હું મનમાં ને મનમાં એક કાલ્પનિક વરને જોતી ગઈ. મારું ડ્રોઈંગ થોડું સારું હોય હું તેના ચિત્રો બનાવતી ગઈ. મનમાં સુખ થાય, દુઃખ થાય કોઈ અન્યાય કરે તો… મારા કાલ્પનિક વર સાથે મનમાં વાતો કરતી તેની સાથે રિસાતી વળી તેને યાદ કરી અતિ રડતી હતી. તું મને કેમ બોલાવતો નથી, તું મને કેમ તેડી નથી જતો…તું મને ક્યાંય જડતો નથી. હવે મારાથી આ જુદાઈ સહન થતી નથી… મને લઈ જા. વાર-તહેવારે મારા ભેગા કરેલા પૈસામાંથી જરૂરી વસ્તુઓ લાવતી. તો તેને પૂછતી કેવો કલર તને ગમશે ? કેવા કલરનો ડ્રેસ પહેરું ? તેને શું ગમશે? તેવું હું વિચારતી…. ભગવાનની પૂજા કરતા, જમતા પહેલાં…… કોઈ કામ કરતા, હું હંમેશા કલ્પના કરતી કે તે મારી બાજુમાં છે. અમે બંને સાથે છીએ. અમે સાથે પ્રેમ કરીએ છીએ. સાથે જમીએ છીએ. તે મારી બહુ કેર કરે છે. મને નાના બાળકની જેમ સાચવે છે. મારા માથે હાથ ફેરવે છે, મને બહુ વહાલ કરે છે.
હું મારા મા-બાપનું પ્રથમ સંતાન સૌથી મોટી દીકરી એટલે જવાબદારી મારા માથે. મારી ઈચ્છા મુજબ જીવી નથી શકી…… નાનપણમાં જ પૈસાનું મહત્ત્વ સમજતી હતી, એ જમાનામાં પણ પાંચ પૈસા, ૧૦ પૈસા ભેગા કરતી. સાથે નોકરી કરતી. પણ યુવાનીના મારા દિવસો સંઘર્ષવાળા. ઘણા લોકો મારી પાછળ પડતા અને હું મારા કાલ્પનિક પ્રેમમાં અતિ પાગલ હતી. હું મારા વર માટે મનમાં હીજરાતી હતી. હવે મારું રડવાનું વધતું ગયું. લાગણીઓ વધતી ગઈ. પ્રભુને કહેતી ગઈ મને એક વાર મારા વર સાથે મીલાવી દે… મને મારો જીવ, મારો આત્મા… આપી દે, મારું શરીર મારી પાસે પણ મારું મન મારા વર પાસે. મને તેની પાસે લઈ જા. હવે હું ભગવાનમાં ઢળી ગઈ.
હું એક વાર મુંબઈમાં ટ્રેનિંગ સેન્ટરમાં આવી હતી. હું જ્યાં રોકાઈ હતી ત્યાં જેને હું પ્રેમ કરું છું, જેને હું મારો પ્રિતમ, મારો વર, જેને હું મારો જીગરનો ટુકડો માનું છું તેનો મને પ્રથમ વાર તેની હાજરીનો અહેસાસ થયો પણ મને તે સમજ ના પડી. મારી ટ્રેનિંગ પતી ગઈ. સમયને જતા વાર નથી લાગતી. મારા મા-બાપે લગ્ન કરાવ્યા. જેને પરણી તેના ઘરમાં આવી પણ એકાદ અઠવાડિયામાં સમજાઈ ગયું કે આ મારો વર નથી. એક દિવસ જેની સાથે લગ્ન કર્યા હતા તેની સાથે છુટાછેડા થઈ ગયા. કદાચ તમે સાચું નહીં માનો પણ એક દિવસ કામથી હું કોઈ ઓફિસમાં ગઈ હતી. જ્યાં ૧૫ વર્ષ પહેલાં તે જગ્યાની બાજુમાં જ મારું ટ્રેનિંગ સેન્ટર હતું અને બાજુમાં જ એક કોલેજ હતી. એક અધ્યાપકને અચાનક જ મળવાનું થયું. એમને મળતા જ મારા શરીરના રોમેરોમમાં રુંવાડું ઊભા થઈ ગયા. આ એ જ અકળ અહેસાસ એવી લાગણી કે હું મારા વરને શોધી રહી અને એ જ પળે કુદરતી મારા પ્રભુનો સંકેત… મારી સાથેનો કે હું જ્યારે હું કુંવારી હતી અને હું આ જ માણસની આજુબાજુ ફરતી હતી. મને તેની હાજરીનો અહેસાસ થતો હતો તે અકળ, અદમ્ય પ્રબળ લાગણી… જે તે સમયની લાગણી મને થવા લાગી. હું સમજી ગઈ. આ જ મારો વર છે. જેને જોવામાં મારા જીવનનાં કેટલાય કીમતી વર્ષો નીકળી ગયા. જેની ઝલક જોવામાં મેં આટલા વર્ષો વેદના સહી તેના માટે આટલી તડપતી રહી, આટલી વેદનાઓ સહન કરી. આ પીડાઓ ભોગવી જેના પ્રેમ માટે… તેને જોતાં જ મારી આંખમાં આંસુઓ વહેવા લાગ્યા. એકમાં ગંગા તો બીજી આંખમાં જમના.
આટલા વર્ષે જુદા પડેલા જીવો ભેગા થયા… પ્રભુ હું જીવનભર તારી આભારી, તેે મારા ખોવાયેલા આત્માને પાછો આપ્યો. મારા જીવ કરતા તને વધારે સાચવીશ. ગમે તેવા સંજોગો આવે હવે હું તને નહીં છોડું. પ્રભુ મારી ચામડીના જુતા બનાવી તેને આપીશ પણ તેને અમૂલ્ય રત્નની જેમ સાચવીશ. આ જ મારો પ્રેમ છે, આજ મારું સ્વર્ગ છે. આ જ મારા આ ખોળીયાને અતિ સંતોષ હતો.
તેઓ એક અધ્યાપક છે. હવે હું તેને ફોન કરવા લાગી. વારે વારે મળવા લાગી. પહેલા અઠવાડિયે બે વાર ફોન કરતી પછી જ વારે વારે કરવા લાગી. હવે હું તેને મળવા લાગી….
આમ ને આમ સમય પસાર થઈ ગયો સમજો ? વર્ષ સુધી તેણે મને સ્પર્શ નથી કર્યો અને મે તેને સ્પર્શ પણ નથી કર્યો. બસ આ જીવ માટે મને અંતરથી જ પ્રેમ હતો. મારો વર્ષોથી ખોવાયેલો પ્રેમની લાગણી હતી. અમારામાં ઘણી સામ્યતા છે. બંનેને વાંચવાનો શોખ, બંનેને બીજાઓને મદદ કરવી, બધાનું સારું કરવું. એક જાતનું ભોળપણ, બંને ભોળા છીએ. અમારા વચ્ચે કાયમનો મનમેળ. હું ઝઘડા કરું કે તે કરે પણ મનથી બંનેને ખબર હોય કે હમણા મનાવી લેશે, હું રોતી રહું અને મારા માથે હાથ ફેરવ્યા કરે. આ અમારો પ્રેમ.
મને બરાબર યાદ છે. મને ૩૩ વર્ષના જીવનમાં મને કાંઈ જ ખબર નહોતી પડતી. એટલી બધી નાદાન હતી, ના સમજ હતી, બહુ જ બધાની વાતમાં આસાનીથી આવી જતી. મને લોકો છેતરી જતાં હું ભોળવાઈ જતી. હું ખૂબ જ લાગણીશીલ મને વાતે વાતે રડવું આવે, કોઈ ગીત સાંભળતા, કોઈની વાત સાંભળતા, કોઈને દુઃખી જોતા, મારી આંખોમાં આંસુ સરી પડતાં જાણે દુનિયા આખી મારી આંખોથી રોતી……
સત્ય તો એ પણ છે કે મેં જેને પ્રેમ કર્યો તેણે પણ મારી પરીક્ષાઓ કરી છે અને તેને પણ ૧૦ વર્ષ પછી જ સાચી અનભૂતિ થઈ કે હું તેને નિસ્વાર્થ પ્રેમ કરું છું.
આ વાત ૨૦૦૪ની છે. જ્યારે કોઈ કામ માટે વિદેશ જવાનું થયું. તેણે મને ફોર્સ કરી સમજાવીને મોકલી પણ મારું મન અહીં મારા વર પાસે. મારું શરીર હોંગકોંગમાં હતું. હું ત્યારે બહુ રડી. બહુ રડી તે સમયના બધા મેઈલ મને બહુ યાદ છે. હું ત્યાં ભૂખી રહી પૈસા બચાવતી મારા એ પૈસા હું સાયબર કાફેમાં વાપરતી. દિવસના ૪થી ૫ વખત મેઈલ ચેક કરવા જતી. ફોન કરતી રડી લેતી મારા માટે શું લખ્યું છે ? શું મેઈલ કર્યો? અને જવાબ આપતા આપતા લખતા… લખતા હું રડી રડીને લખતી કે પ્રભુ તું મને આવો પ્રેમ ન આપ, જે મારો પ્રેમ નથી…. અને તેના વગર જ હું રહી નથી શકતી……
જ્યાં મારો વર તથા હું. એ જ મારો સ્ત્રી ધર્મ. એ જ મારો પતિ ધર્મ. બસ મેં નક્કી કરી લીધું કે મારે મારા વરને મૂકીને ક્યાંય જવું નથી. તેમ તે દિવસથી નક્કી કરી લીધું. આ પ્રેમને સાચવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ આવી છે. મને ક્યારેય કરફ્યૂ, કહો કે વરસાદ કહો કે સામાજિક પ્રસંગ કહો કે હું ક્યાંય બહાર જાઉં પણ સતત મને સાંજે મળવાનો સમય સાચવાની તાલાવેલી રહેતી. ગમે તેવું કામ હું અધૂરું છોડી દેતી. મારા પ્રેમ માટે. મારા જીવનનો એ કૃષ્ણમય પ્રેમ મારો જીવનમેય બની ગયો એ ના જમે તો નહીં જ જમવાનું… પછી ભલે ગમે તે થાય, ઝઘડો થાય તો સહન કરી લેવાનો.
પણ મારા જીવનમાં બહુ લાંબા સમયે સમજ પડી કે માણસે પ્રેમ ક્યારેય ન કરવો જોઈએ. પ્રેમ તો બહુ જલદી થઈ જાય છે પણ તેની પીડા તો પ્રસૂતિની પીડા કરતા પણ અનેક ગણી છે. પણ સાહેબ સાચું કહું મને અફસોસ નથી હું સંતોષ માનું છું. મેં જે પણ કર્યું દિલ દઈને કર્યું. મેં પ્રેમ કર્યો. હું એ પળે અતીતમાં ખોવાઈ જાઉં છું. પણ પ્રેમ તો મેં તેને જ કર્યો. જેના માટે ઈશ્વર પણ સાક્ષી બનશે કે દિવ્યા જ પ્રેમ કરી શકે.આજે પણ મારો એ જ નિયમ વર્ષો પહેલાંનો તેને સાંજે મળવાનું એટલે મળવાનું જ… સવાર પડે એટલે સાંજના ૭ વાગ્યાની રાહ જોઉં છું જેમ ચક્રવાત અને ચક્રવાતી રાત પડે ભેગા થતા હોય છે અને દિવસે છુટા પડે છે. આ જ પ્રક્રિયા મારા જીવનની છે. સવારે જાગુ ત્યારે જાણે હમણા ૭ વાગશે. મારો વર મને મળશે અને છૂટી પડંુ ત્યારે એ ભાવના કે સવારે તેને વાત કરું. સવાર પડે સાંજની પ્રતિક્ષા કરવામાં અને સાંજ પડે સવારે અવાજ સાંભળવામાં પસાર થાય છે આ જીવન.
આજે પણ તેમની પરણ્યા વગરની પત્ની છું. એ ના જમે ત્યાં સુધી જમવાનું જ નહીં. ઈશ્વર જ મારા વરની અંદર છે. માટે તેને ભગવાન સમજી પ્રેમ કરું છું. ઈશ્વરની પાસે હંમેશા એક જ પ્રશ્ન છે. મારું જીવન તારી મરજી મુજબ, મારા વરની મરજી મુજબ જીવી છું પણ મૃત્યુ પરનો અધિકાર મને આપજે. મૃત્યુ મારી મરજી મુજબ દે જે, ઈશ્વર ! હું ઈચ્છું છું કે એક દિવસ ઈશ્વર પાસે જઈને કહી શકું કે મેં પણ મારા વરને તારી રાધા જેવો પ્રેમ કર્યો છે. હવે પછીના જનમમાં મને આ જ વર દે જે. તેઓ સામાજિક રીતે મારા પતિ નથી પણ મારા વરથી ઓછા નથી. મને પણ એમણે એક પત્નીની જેમ જ ભરપુર પ્રેમ કર્યો છે.
-અહીં દિવ્યાનો પત્ર પૂરો થાય છે.
દિવ્યા એની સાથે પરણી નથી છતાં એનો પ્રેમ સંપૂર્ણ, સર્મિપત અને શ્રદ્ધાપૂર્વકનો છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!