Close

હું હજુ યુવાન સ્ત્રી છું મારાં અરમાનો કોણ પૂરાં કરશે

કભી કભી | Comments Off on હું હજુ યુવાન સ્ત્રી છું મારાં અરમાનો કોણ પૂરાં કરશે

દૂર દૂરનું એક નાનકડું ગામ.

નજીકમાંથી એક સડક પસાર થતી હતી. ગામને પોતાનું એક તળાવ હતું. ચોમાસામાં ખેતરોમાંથી આવતા પાણીથી તળાવ ભરાઇ જતું. આ તળાવના કિનારે જ એક ફળિયું. ફળિયામાં પાકા મકાનો. છેવાડાના ઘરમાં રામપ્રકાશ શર્માનું પરિવાર રહેતું હતું. પરિવારમાં પત્ની રજની ઉપરાંત બે પુત્રો અને એક દીકરી. પુત્રી સુનીલા સૌથી મોટી.

સુનીલા મોટી થતાં પિતા રામપ્રકાશ શર્મા હવે પુત્રી માટે છોકરો શોધવા લાગ્યા. એક દિવસ નજીકના ગામમાં જ રહેતા એક પરિવારના પુત્ર રાજેશ પર તેમની નજર પડી. બંને પરિવારો એક જ જ્ઞા।તિના હતાં. રામપ્રકાશે રાજેશના પરિવાર વિશે માહિતી એકત્ર કરી લીધી. રાજેશ એક સારો અને ભણેલો-ગણેલો યુવાન છે તેવું લાગતાં રામપ્રકાશ પોતે જ રાજેશના પરિવારને મળવા ગયા. યુવાન પુત્રી સુનીલાની તસવીર પણ સાથે લેતા ગયા.

રાજેશ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકેની નોકરી કરતો હતો. તેની પાસે નાનકડી મોટરકાર પણ હતી. રાજેશના માતા-પિતાને એ તસવીર જોતા જ સુનીલા પસંદ પડી ગઇ. રાજેશ પણ ખુશ થઇ ગયો. બંનેના પરિવારોની પારસ્પારિક સંમતિથી સુનીલા અને રાજેશની સગાઇ થઇ ગઇ. કેટલાક સમય બાદ એ બંનેના લગ્ન પણ થઇ ગયા. સાંસારિક જીવન શરૂ થયું. પરંતુ બધું ધારવા પ્રમાણે ના ચાલ્યું. સુનીલાને થોડાક દિવસોમાં જ ખબર પડી ગઇ કે રાજેશને શરાબની લત હતી. વધુ પડતો દારૂ પીવાને કારણે તે પત્નીને સુખ અને સંતોષ આપી શકતો નહોતો. સુનીલાને લાગ્યું કે તેના અરમાનો અને ઓરતા અધૂરાં જ રહી જશે. તેને લાગ્યું કે તે જેને પરણી છે તે પુરુષ તેની કલ્પના પ્રમાણેનો નથી. તે તેના પતિ રાજેશથી જરા પણ ખુશ કે સંતુષ્ઠ નહોતી. આમ છતાં તે વાતને પોતાનું ભાગ્ય સમજીને ઘર ગૃહસ્થીમાં વ્યસ્ત થઇ ગઇ.

લગ્નના બે વર્ષ બાદ તે ગર્ભવતી થઇ. તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે બાળકના ઉછેરમાં લાગી ગઇ પરંતુ પતિની આદતમાં કોઇ ફરક પડયો નહીં, એટલું જ નહીં પરંતુ રાજેશ વધુ ને વધુ શરાબ પીવા લાગ્યો. બીજી તરફ સુનીલા વધુ ને વધુ ઉદાસ રહેવા લાગી. સુનીલાને લાગ્યું કે તે તેના ઘરમાં જ એકલી પડી ગઇ છે, એના જ મહોલ્લામાં રાજેશના કાકાનો દીકરો રમાકાંત રહેતો હતો. તેને કરિયાણાની દુકાન હતી. રાજેશના ઘરનું કરિયાણું તેની જ દુકાનમાંથી ખરીદવામાં આવતું. હવે રાજેશના બદલે સુનીલા જ ઘર માટેની ચીજવસ્તુઓ ખરીદવા જતી. કોઇ વાર રમાકાંત એકલો હોય ત્યારે સુનીલા તેની સાથે પાંચ-દસ મિનિટ વાતો કરવા રોકાઇ જતી. રમાકાંત રૂપાળો અને કુંવારો હતો. સુનીલાને મનમાં ને મનમાં જ રમાકાંત ગમવા લાગ્યો હતો. પણ તે તેની લાગણીઓ શબ્દોમાં અભિવ્યક્ત કરી શકતી નહોતી. એક દિવસ સૂરજ ઢળી ગયા બાદ સુનીલાને તળાવના કિનારે રમાકાંત એકલો મળી ગયો. સુનીલાએ કહ્યું: ‘ઊભા રહો, રમાકાંત.’

રમાકાંત ઊભો રહ્યોઃ ‘બોલો ભાભી.’

સુનીલા બોલીઃ ‘ભાભી ભાભી કરો છો પણ ભાભીની તકલીફ જાણો છો.’

‘બોલો શું મુશ્કેલી છે?’

‘કાંઇ નહીં, તમને કહીને પણ શું?’: સુનીલા બોલી.

‘એક વાર કહો તો ખરાં?’

‘તો સાંભળો. તમારા ભાઇ શરાબ પીવામાંથી નવરા પડતાં નથી. તેમને મારામાં કોઇ રસ નથી. તમને ખબર છે ને કે હું હજી યુવાન સ્ત્રી છું. મારા પણ કાંઇક અરમાનો છે. કોણ પૂરાં કરશે તે ?’: સુનીલા બોલી.

‘હું તમને શું મદદ કરી શકું?’ રમાકાંત પૂછયું.

સુનીલા બોલીઃ ‘તમે’

‘એટલે?’

‘તમે મને ગમો છો’: સુનીલાએ કહી જ દીધું.

‘પણ…?’

‘પણ ને બણ કાંઇ નહીં. તમે મને ગમો છો એટલે ગમો જ છો. મેં એક વાર કહી દીધું ને !’: સુનીલાએ સત્તાવાહી અવાજમાં કહ્યું. રમાકાંત ચૂપ રહ્યો. સુનીલાએ કહ્યું: ‘રોજ સાંજે તમે આ જ તળાવની પાળે, અહીં જ આ વડલાની નીચે મળશો. આવવાનું એટલે આવવાનું.’

‘પણ એ સારું નહીં લાગે’ : રમાકાંત બોલ્યો.

‘હું સ્ત્રી છું ને આટલી હિંમત કરું છું ને તમે પુરુષ થઇ ડરો છો ? ‘ : સુનીલા બોલી.

‘પણ ભાભી… ?’

સુનીલાએ ફરી સત્તાવાહી સ્વરે કહ્યું: ‘કાલે સાંજે દુકાન બંધ કર્યા પછી અહીં નહીં આવો તો બીજા દિવસે સવારથી જ તમારી દુકાને આવીને બેસી જઇશ. જેને જે સમજવું હોય તે સમજે.’

‘સારું’ : કહી રમાકાંત ચાલ્યો ગયો.

બસ, બીજા દિવસથી સાંજે અંધારું થતાં જ રમાકાંત તળાવની પાળે વડલાના વૃક્ષની પાછળ એકાંતમાં સુનીલાને મળવા જવા લાગ્યો. બેઉ એ જ સ્થળે મળતાં, વાતો કરતાં. એકબીજાને સ્પર્શતાં. સુનીલા કોઇ કોઇ વાર રમાકાંત માટે ખાવાની કોઇને કોઇ વાનગી લઇને આવતી. પોતાના પતિને ખવરાવતી હોય તેમ દિયર રમાકાંતને પોતાના હાથે ખવરાવતી. કોઇ વાર દિયરના માથાના વાળ સરખા કરી આપતી. કોઇ વાર રમાકાંતનું શર્ટનું બટન તૂટી ગયું હોય તો બટન લગાડી આપતી.

પરંતુ આ તો નાનકડું ગામ. રોજરોજ એકબીજાને મળે એ વાત કેટલા દિવસ ખાનગી રહે ? ગામના લોકો હવે વાતો કરવા લાગ્યા. આ વાત સુનીલાના સાસુ-સસરા સુધી પહોંચી. એમણે પુત્ર રાજેશને ચેતવ્યો અને તેની પત્ની સુનીલા પર નજર રાખવા કહ્યું પરંતુ દારૂની લતમાં ડૂબેલો રાજેશ કાંઇ સાંભળવા કે સમજવા તૈયાર નહોતો. એ કારણથી સુનીલા વધુ ખુલીને રમાકાંતને મળવા લાગી. પતિ જે આપી શકતો નહોતો તે મેળવવાના પ્રયાસમાં તે દિયરને રિઝવવા લાગી. સુનીલા પતિમાં જે ખૂટતું હતું તે દિયરમાં શોધવા લાગી હતી. રમાકાંતને આ બધું ગમતું હતું પરંતુ તે હજુ અવઢવમાં હતો.

હવે નવરાત્રિ આવી. આખું ગામ ગામના ચોકમાં ગોઠવાયેલી માંડવળીએ ગરબા ગાવા જતું. સુનીલાને આ સમય રમાકાંતને છૂટથી મળવા ઠીક લાગ્યો. મોડી રાત સુધી ઘરમાંથી બધા ગામના ચોકમાં ગરબા ગાવા જતાં. રાતના બે વાગે જ પાછા આવતાં. સુનીલાએ રમાકાંતને કહ્યું: ‘મોડી રાત સુધી મારા ઘરમાં કોઇ હોતું નથી. તમારા ભાઇ તો આમેય દારૂ પીને રાત્રે બાર પહેલાં આવતા નથી. આજે તમે રાત્રે નવ વાગે મારા ઘેર આવજો. ઘેર હું એકલી જ હોઇશ.’

રમાકાંત બોલ્યોઃ ‘આ ઠીક નથી.’

સુનીલા બોલી : ‘તમે નહીં આવો તો હું આપઘાત કરી લઇશ.’

રમાકાંત ડરી ગયો. એણે કહ્યું: ‘ના ભાભી ના. એમ ના કરશો. હું જરૂર આવીશ.’

રાત પડી ગઇ, અંધારું થઇ ગયું. ગામના લોકો ચોકમાં માંડવળીએ પહોંચી ગયા. સુનીલા આજે ઘરમાં જ રહી. ઘરનાં બીજાં સભ્યો પણ ગામના ચોકમાં ગયા. સુનીલા હવે ઘરમાં સાવ એકલી હતી. બહારની લાઇટ બંધ રાખી. ફળિયું પણ હવે સૂમસામ હતું. સુનીલા તેના ઘરની અંદર હતી. તેણે બારણું ખુલ્લું રાખ્યું. રાતના નવેક વાગે રમાકાંત આવ્યો. ધીમેથી સુનીલાના ઘરમાં પ્રવેશ્યો. બારણું બંધ થઇ ગયું. સુનીલા બોલીઃ ‘તમે આવ્યા ખરા. થેંક્યું.’

રમાકાંત કાંઇ ના બોલ્યો. સુનીલાએ પૂછયું : ‘કેમ કાંઇ ના બોલ્યા? ‘

‘બસ એમ જ. તમે કહ્યું હતું ને કે હું નહીં આવું તો તમે આત્મહત્યા કરી લેશો. લ્યો હું આવી ગયો.’

સુનીલા ફરી બોલીઃ ‘થેંક્યું.’

એ સામેથી ધીમેથી રમાકાંત તરફ સરકી. દૂર દૂરથી ડીજેના અવાજો આવતા હતા. જાણે કે એક ભયાનક વાવાઝોડું આવીને જતું રહ્યું. વીજગર્જનાઓ થતી હોય તેમ લાગ્યું અને …..

રમાકાંત હવે બહાર જવા નીકળ્યો. સુનીલાએ તેને ફરી કહ્યું: ‘કાલે તળાવની પાળે મળવાનું તો ખરું જ. રાહ જોઇશ નહીં આવો તો આપઘાત કરી લઇશ.’

રાત પસાર થઇ ગઇ.

દિવસ ઊગ્યો. સાંજ ઢળી ગઇ. સુનીલા તળાવના કિનારે વડલાના વૃક્ષ પાસે પહોંચી. એણે જોયું તો દિયર રમાકાંત વૃક્ષ નીચે જમીન પર જ સૂતેલો હતો. સુનીલાએ કહ્યું : ‘ઉઠો હવે. અહીં જમીન પર સૂઇ ના જવાય.’

પણ રમાકાંત ઊઠયો નહીં.

સુનીલાએ તેને ઢંઢોળ્યો. પણ રમાકાંત ઉઠયો નહીં. સુનીલાને ધ્રાસ્કો પડયો. તેણે રમાકાંતને હલાવી નાંખ્યો. રમાકાંતે સહેજ આંખ ખોલી. તે એટલું જ બોલી શક્યોઃ ‘માફ કરજો, ભાભી મેં પાપ કર્યું છે. એ પાપ બદલ આજે મેં જ દવા પી લીધી છે. મારા ભાઇને સાચવજો.’

– અને રમાકાંતે કાયમ માટે આંખો મીંચી દીધી. હવે સુનીલાના ખોળામાં દિયરની લાશ હતી. સવાર સુધીમાં તો ગામથી વાત છાની રહી નહીં. સુનીલાને પણ ભૂલ સમજાઇ, બીજા દિવસે રાત્રે સુનીલા પણ રમાકાંતને અનુસરી. એણે પણ જંતુનાશક દવા પી લીધી.

સુનીલાને ડાયરી લખવાની ટેવ હતી. પોલીસે કબજે કરેલી ડાયરીમાંથી આખી ઘટના પ્રકાશમાં આવી.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!