Close

હે ઇશ્વર, મારે જીવવું છે મારે બહુ બહુ જીવવું છે

કભી કભી | Comments Off on હે ઇશ્વર, મારે જીવવું છે મારે બહુ બહુ જીવવું છે

એનું નામ અર્ચના તેજસિંહ ચૌહાણ.

તેઓ એક લેખિકા છે, નાટય દિગ્દર્શક છે અને ક્યારેક અભિનેત્રી પણ છે. ટૂંકી વાર્તાઓ પણ લખે છે. સુંદર અને સોહામણું ઊર્જાભર્યું વ્યક્તિત્વ છે. અર્ચના પાસે ગજબનો આત્મવિશ્વાસ છે. ગુજરાતી રંગભૂમિની તેજસ્વી પ્રતિભા છે. અત્યારે અર્ચનાની વય ૩૦ વર્ષની  જ છે. અર્ચના એવા પરિવારમાંથી આવે છે કે જેનો અગાઉ કદીયે સાહિત્ય કે રંગભૂમિ સાથે કોઈ નાતો જ નહોતો. ૨૦૧૦-૨૦૧૧માં તો અર્ચના એ પહેલી જ વાર ઓડિટોરિયમ જોયું.

અર્ચનાનાં લગ્ન ૧૮ વર્ષની વયે થઈ ગયાં અને ૧૯ વર્ષની વયે તે એક દીકરીની મા પણ બની ગઈ. રૂ. ૪,૫૦૦ના પગારથી નોકરી કરતાં કરતાં તે ભણતી રહી. સામાન્ય પરિવારમાંથી આવેલી એક છોકરી જેનું બાળક સ્કૂલે જાય પછી પોતે અભ્યાસ શરૂ કરે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્રમાં સ્નાતક પણ થાય, પછી  અનુસ્નાતક પણ થાય છે. તે પછી તે નાટકો અને ફિલ્મોેનાં પદાર્પણ કરે છે, અભિનય પણ કરે છે પછી નાટકનું દિગ્દર્શન કરે છે. આ કલાક્ષેત્રમાં અભિયાનને આગળ વધારતાં અર્ચનાએ એક નાટક લખ્યું તેનો વિષય હતો સ્ત્રીઓ સાથે થતું દુષ્કર્મ-રેપ. આવા સંવેદનશીલ વિષય પર લખેલા નાટક પર કોઈ પૈસા લગાડવા તૈયાર થતું નથી. કોઈ નિર્માતા મળતો નથી. ત્રણ વર્ષના સંઘર્ષ પછી તે પોતે જ નાટકની નિર્માત્રી બની જાય છે . એના નાટકનું નામ છે : ‘BECAUSE I WAS NOT GUILTY.’ અને આ ગુજરાતી નાટક દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે. ગુજરાતની એક સામાન્ય છોકરી કોઈ પણ ‘ગોડ ફાધર’ વગર અમદાવાદ અને મુંબઈ અને વિદેશની રંગભૂમિમાં પોતાનું નામ ગૌરવપૂર્ણ રીતે પ્રસ્થાપિત કરી દે છે. અર્ચના ચૌહાણ એક જાણીતું નામ બની જાય છે.

હવે અચાનક જ અર્ચનાના જીવનમાં એક ભયાનક આંધી આવે છે. ૨૦૧૯ એપ્રિલનો એે સમયગાળો હતો. અર્ચના  બત્રીસ પૂતળીની વેદના પર એક  સિરિયલ  માટે અભિનય કરી રહી હતી. એ સિવાય પણ તેની પાસે બીજાં ઘણાં પ્રોજેક્ટ્સ હાથ પર હતા અને એને શરીરમાં કેટલીક તકલીફ શરૂ થઈ.  નિષ્ણાત ડોક્ટરોને બતાવ્યું. ડોક્ટરોએ કહ્યું : ‘અર્ચના,  તમને કેન્સર છે, ગર્ભાશયના મુખનું CERVIX કેન્સર છે.

આ સાંભળતાં જ અર્ચના સ્તબ્ધ બની ગઈ. તેની ઉંમર હજુ ૩૦ વર્ષની જ હતી. અચાનક આવેલા ભૂકંપ જેવા આંચકાથી તેના જીવનની ઇમારતનો પાયો જાણે કે હચમચી ગયો, કેન્સરનું નામ સાંભળતાં તે શૂન્યમનસ્ક બની ગઈ.

કેટલાક દિવસો બાદ તે માનસિક રીતે સ્વસ્થ થઈ. એણે કેન્સર સામે લડવાનો નિર્ણય કરી લીધો. એ ડોક્ટરો પાસે ગઈ.  ડોક્ટરોએ કહ્યું : ‘તમારા શરીરમાંથી અમુક ભાગ કાઢી લેવો પડશે.’

પહેલાં તો તે હચમચી ગઈ. ફરી એણે હિંમત કેળવી. એ જાણતી હતી કે આ ઓપરેશન પાછળ ખૂબ ખર્ચ કરવો પડશે. તે બધું જ  કરવા સજ્જ થઈ. હોસ્પિટલમાં દાખલ થઈ. નિયત દિવસે અર્ચનાના શરીર પર મેજર સર્જરી કરવામાં આવી. એ ભાનમાં આવી ત્યારે એના દેહમાં અનેક પાઇપ્સ નાંખેલી હતી. શરીર પરના અનેક  ઘા પર ટાંકા લીધેલા હતા. ઊભા થવા માટે પણ તે અસમર્થ હતી. છતાં તે હિંમત હારી નહીં.  ડોક્ટરોએ કહ્યું : ‘તમે નસીબદાર છો. તમારું કેન્સર શરૂઆતના સ્ટેજમાં હતું. બાકી આ પ્રકારના ર્સિવક્સ કેન્સરમાં તો છેક છેલ્લે સુધી ખબર પડતી નથી.’

ઓપરેશન પાર પડયું. તે પછી રેડિએશનની ટ્રીટમેન્ટ શરૂ થઈ. અર્ચનાએ ૧૦ કિલો વજન ગુમાવ્યું. રેડિએશન એેક અત્યંત પીડાદાયક સારવાર છે. એ કહે છે : ‘મોતની યાતના મેં જીવતે જીવ ભોગવી લીધી. અસહ્ય પીડા અને અસહ્ય બળતરાથી હું ત્રસ્ત થઈ ગઈ. હવે હું પાંચ ડગલાં ચાલવાની પણ તાકાત ધરાવતી નહોતી. પરંતુ મારા અનેક શુભેચ્છકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. એ બધાના આશીર્વાદથી મેં બધી જ વેદનાઓ સહન કરવાની ક્ષમતા કેળવી લીધી. કેટલાયે સમય બાદ એ ત્રાસદાયક  ટ્રીટમેન્ટ પૂરી થઈ.’

હવે તે રેડિએશનની સાઇડ ઇફેક્ટસ સામે લડી રહી. ફરી રિકવરીના ગાળામાં આવી ગઈ. જે થયું તેને ભૂલવાનો પ્રયત્ન કરતાં કરતાં નવેસરથી જિંદગી શરૂ કરવાનો  નિર્ણય લીધો. અર્ચનાના મુરઝાયેલા  ચહેરા  પર ફરી તાજગી આવવા લાગી. હિંમત કેળવી એણે ફરી લખવાનું શરૂ કર્યું. કેન્સરે એને જે શીખવ્યું તેને તેણે કાગળ પર ઉતારી લીધું. એક નવા નાટકનું પણ સર્જન કર્યું. ફરી એકવાર એના નામને પ્રેક્ષકોએ વધાવી લીધું. નવા પ્રોજેક્ટસ માટે તે મુંબઈ જઈ આવી અને અચાનક લોકડાઉન આવ્યું. દેશભરમાં કોરોનાએ દસ્તક દીધી. મે મહિનામાં અર્ચનાના પતિને કોરોના થયો. પતિ એક હોસ્પિટલમાં જોબ કરે છે. એક બાજુ અર્ચનાની કેન્સરની ટ્રીટમેન્ટ હમણા જ પૂરી થઈ હતી તો બીજી બાજુ પતિને કોરોના પોઝિટિવ. બંનેનું જીવન જોખમમાં હતું. પતિ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ થયા. અર્ચના ઘરમાં જ  ક્વોરન્ટાઇન થઈ. તેના ઘરની બહાર ક્વોરન્ટાઇનનું બોર્ડ લાગી ગયું.

અર્ચના હવે  ઘરમાં એકલી જ હતી. જાણે કે કુદરત હજુ વધુ કસોટી કરવા માગતી હતી. એક દિવસ અર્ચનાને લાગ્યું કે તેના એક પગની સાથળ પર દુખે છે. એણે જોયું તો તેના એક પગની સાથળ પર ગાંઠ હતી. તે ગભરાઈ ગઈ. એણે ડોક્ટરને ફોન કર્યો. તે સમજી ગઈ કે ગાંઠ શાની હોઈ શકે છે. તેણે ડોક્ટર પાસે જવા પોતે ક્વોેરન્ટાઇન હોવાથી ખાસ  પરવાનગી માગી. તે ડોક્ટર પાસે ગઈ. સોનાગ્રાફી કરવામાં આવી. સોનોગ્રાફીના રિપોર્ટ જોઈ ડોક્ટર ચિંતામાં પડી ગયા. ડોક્ટરોએ એના સાથળની ગાંઠની બાયોપ્સી કરવા સૂચવ્યું. અર્ચના અપ્રત્યક્ષ રીતે સમજી ગઈ કે તે ફરી એક નવા ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. એ વખતે તેણે કોઈનેય જાણ કરી નહીં. એક બાજુ પતિ કોરોનાના કારણે હોસ્પિટલમાં ને બીજી બાજુ તે ઘરમાં એકલી જ વેદના સહન કરતી રહી. બાયોપ્સીની પીડાદાયક પ્રક્રિયામાંથી તે ફરી પસાર થઈ. ભગવાનને એક જ આજીજી કરતી રહી : ‘હે ઇશ્વર, મારે જીવવું છે… બહુ બહુ જીવવું છે.’

પણ કુદરત નારાજ હતી. અર્ચનાની ગાંઠની બાયોપ્સીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે કે તેને ફરી એક બીજા જ પ્રકારનું Metastatic કેન્સર છે. એક કેન્સરમાંથી તો માંડ બહાર આવી હતી અને ફરી એક બીજું કેન્સર,  અને તે પણ બીજા જ અવયવ પર.

અર્ચનાને આંચકો લાગ્યો. પણ હવે પહેલા અનુભવ બાદ એણે હિંમત કેળવી લીધી હતી. બધા જ રિપોર્ટ્સ આવી ગયા બાદ છેવટે તેણે ઘરમાં વાત કરી જ દીધી. મને ફરી પગની સાથળ પર બીજા જ પ્રકારનું કેન્સર છે. પરિવાર સ્તબ્ધ થઈ ગયું. સૌ ઘેરા દુઃખની ગર્તામાં સરી પડયાં. પણ અર્ચનાએ કહ્યું : ‘હું નહીં મરુ ?’ અર્ચના બીજા નિષ્ણાત ડોક્ટરો પાસે ગઈ. કોઈએ એમ ના કહ્યું કે તમને સારું થઈ જશે. ખ્યાતનામ ડોક્ટરે કહી દીધું : ‘તમને હાઇગ્રેડનું Metastatic કેન્સર છે. જે બહુ ઝડપથી પાછું આવ્યું છે. યુ આર એટ રિસ્ક, અર્ચનાબહેન.’

આ સાંભળતા જ અર્ચનાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. આશાનું કિરણ શોધવા તે  મુંબઈના ખ્યાતનામ તબીબો પાસે ગઈ. બધાં એ એક જ વાત કરી : ‘વી કેન ટ્રાય… પણ તમે કેટલું  સર્વાઇવ કરશો તે અમે કહી શકીએ તેમ નથી?

કેન્સરની સારવાર  માટે પાણીની જેમ પૈસા વપરાતા ગયા. છેવટે ડોક્ટરોએ ઓપરેશન કરવાનો વિકલ્પ બતાવ્યો. ફરીવાર ડોક્ટરોએ  કહ્યું : ‘તમારા શરીરમાંથી અમુક ભાગ કાઢી નાખવો પડશે?’ અર્ચના એ કહ્યું  : ‘જે કરવું હોય તે કરો. મને બચાવી લો, પ્લીઝ. મારે જીવવું છે. બહુ બહુ જીવવું છે ડોક્ટર.’

અને અર્ચનાને ઓપરેશન ટેબલ પર સૂવરાવી દીધી. શસ્ત્રક્રિયા લાંબી ચાલી. તે ભાનમાં આવી ત્યારે શરીર પર પુષ્કળ ટાંકા હતા. દેહમાં અનેક પાઇપો નાંખેલી હતી… અને છતાં એણે  એક સ્મિત આપ્યું. અને આશા હતી ફરી જીવવાની. અલબત્ત અનેક લોકોની વાર્તાઓ લખનાર એ લેખિકા આજે એના પોતાના જીવનની વાર્તામાં ભીતરથી લાચાર હતી છતાં તે હસતી રહી. આજે પણ જીવવાની એ જ આશા સાથે તે બેઠેલી છે.

બે-બે વારના કેન્સર પછી પણ અર્ચના કહે છે : ‘જીવને મને બધું જ આપ્યું છે. મારા ગજા કરતાં યે વધારે આપ્યું છે. લોકોએ મને મારા પરિવારે બહુ જ પ્રેમ અને શુભેચ્છાઓ આપી મારા માટે પ્રાર્થનાઓ કરી છે. એક ક્ષણ માટે મને કોઈ પૂછે કે બે બે વખતના કેન્સર પછી શું હું જીવનની  આભારી છું તો મારો જવાબ છે ‘હા’.  મને મળેલ પ્રેમ, પ્રસિદ્ધિ,  સાથ- સહકાર, મિત્રો અને પરિવાર તથા લખવાની કળા માટે  હું ભગવાનની આભારી છું તો કેન્સર માટે કેમ નહીં ?’

અને અર્ચના કહે છે  : ‘હા, એક વાત ખરી કે કેન્સરે મને અસહ્ય પીડા આપી છે. ખૂબ ત્રાસ, આંસુ, ચિંતા અને સતત મોતનો ડર પણ આપેલો છે. પરિવાર ગુમાવી દેવાનો ભય પણ આપેલો છે. તેથી જ સાચું કહું તો કેન્સરે મને જીવનનું મહત્ત્વ સમજાવ્યું છે. હું એ શીખી ગઈ છું કે સુખમાં  માનવીનો આ ગ્ષ્ટિકોણ જ ખૂલતો નથી. મારા અનુભવો એ કેન્સરનો મને પદાર્થપાઠ છે.’

પલંગ પર સૂતેલી અર્ચના કહે છે : ‘મારું નામ હવે અર્ચના ઁછઁઁરૂ ચૌહાણ. તે કહે છે : ‘મારે જીવવું છે, બહુ બહુ બહુ જીવવું છે.’

બહેન અર્ચના જલદી સાજી થઈ પહેલાંની જેમ જ પ્રફુલ્લિત થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના. )

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!