Close

૧,૦૦૦ ભારતીયોને મારનારને અંગ્રેજોએ તલવારની ભેટ આપી

કભી કભી | Comments Off on ૧,૦૦૦ ભારતીયોને મારનારને અંગ્રેજોએ તલવારની ભેટ આપી

ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન અંગ્રેજોએ ભારતીયો પર ગુજારેલા બેરહમ અત્યાચારની આ કલંક કથા છે.

તા. ૧૩ એપ્રિલ એ બૈસાખી દિન તરીકે ઓળખાય છે પરંતુ ૨૦૧૯નું વર્ષ બ્રિટિશ રાજ દરમિયાન સૌથી મોટા નૃશંસકાંડની ૧૦૦મી વર્ષગાંઠ પણ છે.

આ ઘટના તા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ની છે. એ દિવસે પંજાબના જલિયાંવાલા બાગમાં સેંકડો પુરુષ, સ્ત્રીઓ અને બાળકો ઉત્સવ માટે એકત્ર થયા હતા. ત્યારે અંગ્રેજ અધિકારી જનરલ ડાયરે  પોલીસને લોકો પર ગોળીબાર કરવાનો સીધો આદેશ આપ્યો હતો. આ જગા ત્રણ સ્થળેથી બંધ હતી. ચોથી તરફ જનરલ ડાયરે પોતાની બખ્તરબંધ ગાડી અને સૈનિકો એકત્ર કર્યા હતા. જનરલ ડાયરે મશીનગનો દ્વારા માત્ર  ૧૫૦ ગજ દૂરથી નિર્દોષ લોકો પર ફાયરિંગ કરાવરાવ્યું. એમ કરતા અગાઉ લોકોને કોઇ ચેતવણી આપવામાં આવી નહોતી. જે લોકો એકત્ર થયા છે તે ગેરકાનૂની છે તેવી ઘોષણા પણ કરવામાં આવી નહોતી. જનરલ ડાયરે હવામાં ગોળીબાર કરવાની કે એકત્ર થયેલા લોકોના પગો પર ફાયરિંગ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો નહોતો.

જનરલ ડાયરના હુકમના આધારે નિઃશસ્ત્ર અને અસુરક્ષિત લોકોની છાતીઓ, ચહેરા અને કમર ગોળીઓથી વીંધી નાખવામાં આવી હતી. લોકો પર ૧,૬૫૦ રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી. ગોળીઓ ખતમ થઇ ગઇ ત્યારે જ ફાયરિંગ રોકવામાં આવ્યું.

બ્રિટિશ સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર જલિયાંવાલા બાગમાં ૩૭૦ લોકો માર્યા ગયા. પરંતુ બીન સરકારી અનુમાન મુજબ ૧,૪૦૦ લોકો શહીદ થયા હતા. આ હત્યાકાંડથી સંતુષ્ટ  એવા  જનરલ ડાયરે કહ્યું હતું કે, ભાગ્યે જ કોઇ ગોળી નિષ્ફળ ગઇ છે.

આ હત્યાકાંડમાં જે લોકો ઘવાયા કે જે મૃત્યુ પામ્યા તેમને કોઇ જ સહાયતા આપવામાં આવી નહોતી.

ઇતિહાસકાર રાજમોહન ગાંધી લખે છે કે, ‘૧૩ એપ્રિલના રોજ મરવાવાળા તથા ઘાયલ લોકોએ કૂતરા અને ગીધની સાથે રાત વીતાવી.’

આ ઘટના પછી પસ્તાવો કરવાના બદલે અંગ્રેજ સરકારે ભારતીયો પર દમનચક્ર શરૂ કર્યું. આ ઘટનાનો દેશભરમાં વિરોધ થયો. એ વિરોધથી શરમાવાના બદલે અંગ્રેજોએ કેટલાંક શહેરોમાં આ નરસંહારનો વિરોધ કરી રહેલા ભારતીય લોકો પર વાયુસેનાના વિમાનો દ્વારા બોમ્બ વરસાવ્યાં. એથીય ખરાબ વાત એ હતી કે લંડનમાં બેઠેલી બ્રિટિશ માફી માગવાના બદલે સરકારે આ ઘટનાની અનદેખી કરી અને તેના સંસદીય આયોગે જનરલ ડાયરના એ પગલાને માત્ર ‘અનુમાનની ભૂલ’ કહી. બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સએ  આ ક્રૂર ઘટના પર બહુમત હાંસલ કરી ભારતીયોના ઘા પર નમક છાંટી દીધું. એથી યે આગળ વધીને  ઇંગ્લેન્ડના લોકોએ ૨૦ હજાર પાઉન્ડ અને એક તલવારની જનરલ ડાયરને ભેટ આપી.

નિર્દોષ ભારતીયોની ક્રૂર  હત્યા કરનાર જનરલ ડાયરને અંગ્રેજોએ ‘હીરો’ માની લીધો અને તેને સજા કરવાને બદલે સન્માનપૂર્વક નિવૃત્ત થવા દીધો.

જલિયાંવાલા બાગની લોહિયાળ ઘટનાના વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો ખિતાબ બ્રિટિશ સરકારને પાછો આપી દીધો. બીજી બાજુ ગાંધીજીની ભીતર પણ હવે ભારતની આઝાદીની નૈતિક સચ્ચાઇની ધારણા વધુ મક્કમ બની. એટલું જ નહીં પરંતુ એ વર્ષથી ભારતીયો અને અંગ્રેજોની વચ્ચેનો સંબંધ ખતમ થઇ ગયો. જ્યાંથી પાછા ફરવું હવે મુશ્કેલ હતું. તેથી તા. ૧૩ એપ્રિલને ભારતમાં ‘ખૂની બૈસાખી’ દિન તરીકે યાદ કરવામાં આવે છે.

જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્વક એકત્ર થયેલા લોકોમાં ૧,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા જેમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ પણ હતી.

નોંધપાત્ર એ છે કે પંજાબ વિધાનસભાએ સર્વસંમત્તિથી એક પ્રસ્તાવ પસાર કરીને બ્રિટિશ સામ્રાજ્યવાદ દરમિયાન ઘટેલી આ ઘટના અંગે માફીની માગણી કરી છે. બ્રિટિશ સાંસદ અને ભારતીય મૂળના લોર્ડ્સએ હાઉસ ઓફ લોર્ડસમાં એક પ્રસ્તાવ મૂકીને ચર્ચાની માગણી કરી હતી પરંતુ અત્રે એ જાણી લેવું જરૂરી છે કે આ અગાઉ ૧૯૪૦માં હાઉસ ઓફ લોર્ડસએ આ ઘટના પર  ચર્ચા કરી જનરલ ડાયરને માફી આપી દીધી હતી. અર્થાત્ પાછલા ૧૦૦ વર્ષ દરમિયાન બ્રિટિશ સંસદે આ ઘટના પર હજુ સુધી કોઇ માફી માગી નથી.

૧૯૯૭ના ઓક્ટોબર માસમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જલિયાંવાલા બાગ ગયા. તેઓ ૩૦ સેકન્ડ સુધી મૌન બની ત્યાં ઊભા રહ્યા. પરંતુ તેમના શાહી ઘમંડે તેમની ખામોશી ના તો તૂટી કે ના તો તેમણે ભારતીયોની માફી માગી અને ના તો સહાનુભૂતિ વ્યક્ત કરી કે ના તો એ નરસંહારની નિંદા કરી, ગોળીબાર મહારાણી એલિઝાબેથના દાદા અને એ વખતના બ્રિટનના કિંગ પાંચમા જ્યોર્જના નામે કરવામાં આવ્યો હતો પરંતુ  બ્રિટનના ક્વીનને તેનો કોઇ  પસ્તાવો નહોતો. હા, જલિયાંવાલા બાગની મુલાકાતે જતાં પહેલાંની રાત્રે એક ડિનર પાર્ટી દરમિયાન ક્વીન એલિઝાબેથ લાપરવાહીથી બોલ્યા હતા : ‘અમારા અતીતમાં કાંઇક મુશ્કેલ ઘટના ઘટી. જલિયાંવાલા બાગ તેનું દુઃખદ ઉદાહરણ છે……. પરંતુ ઇતિહાસને ફરી લખી શકાતો નથી….. તેમાં કેટલીક  દુઃખદ ક્ષણો છે ,તો કેટલીક ખુશીની ક્ષણો છે ?

બિટિશ મહારાણીને કોણ સમજાવે કે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અમારા માટે ‘ખુશીની ક્ષણ’નહોતો, અને બ્રિટિશ રાજ માટે પણ નહીં

કેટલાક વર્ષો પહેલાં એ વખતના બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરોને આ ઘટનાને  બ્રિટિશ ઇતિહાસની ઘટના શરમજનક છે એટલું જ કહ્યું પરંતુ તેમણે પણ ભારતીયોની માફી માગી નહીં અને બ્રિટિશ મહારાણી તો ‘ઇતિહાસમાં પાછા જવું તે યોગ્ય નથી’ તેમ કહી ચાલ્યા ગયા.

આ  એ જ અંગ્રેજો છે જેમણે નાઝી અત્યાચારો માટે જર્મની  પાસે માફી મગાવી છે અને આ એ જ અંગ્રેજો છે જે જલિયાંવાલા બાગમાં થયેલા અત્યાચાર અંગે માફી માગવા તૈયાર નથી.

અંગ્રેજો એ વાત સમજી લે કે તા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જલિયાંવાલા બાગમાં ઘટેલી ખૂની ઘટનાના જખમ ભારતીયો પર ઊંડયા છે. અમે એ લોહિયાળ બૈસાખીને ભૂલ્યા નથી.

વિશ્વના સભ્ય અને સુસંકૃત ગણાતા દેશ બ્રિટનમાં શાલીનતા અને ઉદારતા કયાં છે? હજુ તેના બ્રિટિશ સામ્રાજ્યવાદનું ઘમંડ ગયું નથી.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!