Close

૪૨ યુનિવર્સિટીઓ દ્વારા ૨૨ ડિગ્રીઓ હાંસલ કરી

કભી કભી | Comments Off on ૪૨ યુનિવર્સિટીઓ દ્વારા ૨૨ ડિગ્રીઓ હાંસલ કરી

તમને કોઈ પૂછે કે કોઈ એવી વ્યક્તિનું નામ કહો જે  ડોક્ટર પણ હોય, બેરિસ્ટર પણ હોય, આઇએએસ પણ હોય, આઈપીએસ પણ હોય, ધારાસભ્ય પણ હોય, સંસદ સભ્ય પણ રહ્યા હોય, મંત્રી પણ બન્યા હોય, ચિત્રકાર પણ હોય ફોટોગ્રાફર પણ હોય, પ્રેરક વક્તા પણ હોય, પત્રકાર પણ હોય, કુલપતિ પણ બન્યા હોય, ઇતિહાસકાર પણ હોય, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના તજ્જ્ઞા હોય અને કવિ પણ હોય અને અભિનેતા પણ હોય.

મોટા ભાગના લોકો કહેશે કે કોઈ એક વ્યક્તિ આવી હોય તે સંભવ નથી.

પરંતુ એ એક આૃર્યજનક ઘટના છે કે ભારત વર્ષમાં એક એવી વ્યક્તિ જન્મી હતી જેનામાં આ બધી જ લાયકાતો હતી. એમનું નામ છે શ્રીકાંત જિચકર. શ્રીકાંત જિચકરનો જન્મ ૧૯૫૪માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ ખાતે એક સુખી કિસાન પરિવારમાં થયો હતો. જિચકરે ૧૯ વર્ષની વયે જ તેમની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીનો સૌને પરિચય આપી દીધો હતો. ૧૯૭૩થી ૧૯૯૦ દરમિયાન ૪૨ જેટલી યુનિવર્સિટીઓ દ્વારા ૨૨થી વધુ ડિગ્રીઓ હાંસલ કરી લીધી હતી. રેગ્યુલર અને પત્રાચારના માધ્યમથી પણ અભ્યાસ કરીને તેમણે આ બધી ડિગ્રીઓ હાંસલ કરી લીધી હતી. તેમણે કેટલાયે સુવર્ણચંદ્રક હાંસલ કર્યા હતા. તેઓ ભારતના સૌથી વધુ ભણેલા-ગણેલા વ્યક્તિ તરીકે અધિકૃત રીતે નામના પામ્યા.

તેમણે જે ડિગ્રીઓ હાંસલ કરી તેની યાદી આ પ્રમાણે છે. (૧) એમબીબીએસ, અને એમ.ડી., (૨) એલએલ.બી. (૩) ઇન્ટરનેશનલ કાનૂનમાં એલએલએમ (૪) એમબીએ (૫) બેચલર ઇન જર્નાલિઝમ (૬) એમ.એ. (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) (૭) એમ.એ. (સમાજશાસ્ત્ર) (૮) એમ.એ. (અર્થશાસ્ત્ર) (૯) એમ.એ. (સંસ્કૃત) (૧૦) એમ.એ. (ઈતિહાસ) (૧૧) એમ.એ. (અંગ્રેજી સાહિત્ય) (૧૨) એમ.એ. (ફિલોસોફી) (૧૩) એમ.એ. (રાજનીતિશાસ્ત્ર) (૧૪) એમ.એ. (ભારતનો પૌરાણિક ઈતિહાસ, કલ્ચર એન્ડ આર્િકયોલોજી (૧૫) એમ.એ. (મનોવિજ્ઞાન) (૧૬) ડી.લીટ. (સંસ્કૃત) (૧૭) આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) (૧૮) આઇએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ). શ્રીકાંત જિચકરે આ બધી પરીક્ષાઓ મોટે ભાગે પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી. તેઓ સી.એ. પણ થયા હતા.

શ્રીકાંત જિચકર આ સદીનું એક મોટું આૃર્ય ગણાય છે.

તેમજ બીજી સિદ્ધિઓ જોઈએ. તેઓે માત્ર ૨૬ વર્ષની  વયે મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મહારાષ્ટ્ર સરકારમાં તેઓ મંત્રી પણ બન્યા અને ૧૪ જેટલા ખાતા સંભાળ્યા હતા. તેમના સમયગાળા દરમિયાન તેઓ એક પ્રભાવશાળી મંત્રી તરીકે ઉપસી આવ્યા હતા. તેમણે મંત્રીપદે રહીને તેમણે પોલીસ વિભાગમાં મહત્ત્વપૂર્ણ સુધારા પણ કર્યા હતા. તે પછી ૧૯૯૨થી ૧૯૯૮ સુધી તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા અને અનેક સમિતિઓેમાં રહી મહત્ત્વપૂર્ણ કાર્ય પણ કર્યું.

કોઈ પણ વ્યક્તિ એક વિષયમાં તજ્જ્ઞા કે નિષ્ણાત બની શકે છે પરંતુ આર્ટ્સથી માંડીને સાયન્સ, તબીબી ક્ષેત્રથી માંડીને કળા અને સંસ્કૃતથી માંડીને ગણિતના વિષયમાં પણ નિષ્ણાત હોય તેવી વ્યક્તિ દુનિયામાં પણ નહીં જડે. આવી વ્યક્તિને મેધાવી પ્રતિભા કહે છે.

૧૯૭૮માં તેમણે ઇન્ડિયન સિવિલ  સર્વિસિસની પરીક્ષા આપી હતી અને તેઓ ઇન્ડિયન પોલીસ સર્વિસ માટે પસંદગી પામ્યાં હતાં પરંતુ તેમાંથી રાજીનામું  આપીને તેમણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ) ની પરીક્ષા આપી હતી,  આઇએએસ  તરીકે માત્ર ચાર જ મહિનાની નોકરી કરી તેમણે રાજીનામું આપી દીધું હતું અને માત્ર ૨૬ વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા હતા.

તેઓ પુસ્તકો વાંચવાના જબરદસ્ત શોખીન હતા. તેમની અંગત લાઇબ્રેરીમાં ૫૨,૦૦૦ પુસ્તકો  હતા. લાઇબ્રેરીનું મહત્ત્વ ના સમજનારા મૂર્ખાઓએ આ વાત સમજી લેવી જોઈએ કે દેશમાં સૌથી વધુ ડિગ્રીઓ ધરાવનાર વ્યક્તિના ઘરમાં ૫૨ હજાર પુસ્તકો હતા.

શ્રીકાંત જિચકરનું એક સ્વપ્ન હતું કે ભારતના તમામ ઘરમાં કમસે કમ એક વ્યક્તિ તો સંસ્કૃત ભાષાનો વિદ્વાન હોય. આ હેતુથી તેમણે નાગપુર પાસે સાંદીપનિ સ્કૂલની સ્થાપના કરી હતી.  ભારત તરફથી તેમણે યુનેસ્કોમાં પણ પ્રતિનિધિત્વ કર્યું હતું.

પરંતુ કુદરત પણ તેજસ્વી વ્યક્તિઓ સાથે ક્રૂરતાપૂર્વક વર્તે છે. ૧૯૯૯ની  સાલમાં તેઓ બીમાર પડયા. સપ્ટેમ્બર, ૨૦૦૦ની સાલમાં તેમને ફાલ્સીપેરમ મેલેરિયાની સારવાર આપવામાં આવી. ખૂબ તાવ આવતાં તેમને ટી.બી.ની પણ સારવાર પણ આપવામાં આવી. તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો ના થયો. તે પછી તેમને વધુ સારવાર માટે અમેરિકામાં ન્યૂયોર્કની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં તેમને એવા કેન્સરનું નિદાન થયું અને તે પણ છેલ્લા સ્ટેજમાં ડોક્ટરોએ તેમને કહ્યું કે, તેમની પાસે હવે માત્ર ૧૫ દિવસ જ છે પરંતુ શ્રીકાંત જિચકર ડર્યા નહીં. તેમણે કેન્સર સામે લડવાનો નિર્ધાર કર્યો. એ  વખતે કોઈ સંન્યાસી હોસ્પિટલમાં આવ્યા અને તેમણે તેમને સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોનું અધ્યતન કરવા પ્રેરિત કર્યા. સંન્યાસીએ કહ્યું : ‘તમે હમણાં મૃત્યુ પામવાનાં નથી !’

એક ચમત્કાર થયો અને શ્રીકાંત જિચકર સ્વસ્થ થઈ પાછા આવ્યા. રાજનીતિનું ક્ષેત્ર ત્યજી દીધું. સ્વસ્થ થયા બાદ તેમણે સંસ્કૃતમાં ડી.લીટની ડિગ્રી હાંસલ કરી. તે પછી જ તેમણે નાગપુર પાસે સાંદીપનિ સ્કૂલની સ્થાપના કરી. નાગપુરના કાલીદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીના તેઓ કુલપતિ બન્યા.

પરંતુ કુદરતે તેની ક્રૂરતા છોડી નહીં. કુદરતને બીજુ જ કાંઈ મંજૂર હતું. તા. ૨જી જૂન ૨૦૦૪ના રોજ નાગપુર પાસે તેમની મોટરકારમાં તેમના ફાર્મથી ઘેર આવી રહ્યા હતા ત્યારે તેમની કાર બસ સાથે અથડાતાં એક ભયંકર અકસ્માત નડયો અને માત્ર ૪૯ વર્ષની  અલ્પ આયુએ તેઓ મૃત્યુ પામ્યાં.

ભારતવર્ષ એક મેધાવી પ્રતિભા ગુમાવી દીધી. ગિનિસ બુક ઓફ લિમ્કામાં ભારતના સૌથી વધુ ભણેલા વ્યક્તિ તરીકે તેમનું નામ નોંધાયેલું છે. કહેવાય છે કે અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓેનું જીવન લાંબુ હોતું નથી. શંકરાચાર્ય અને મર્હિષ દયાનંદ સરસ્વતીને પણ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું નહોતું. કુદરત આવું કેમ કરતી હશે?

શ્રીકાંત જિચકરની વિશેષતા એ હતી કે તેઓ આટલા બધા જ્ઞાની અને પ્રતિભાશાળી વ્યક્તિ હોવા છતાં ભારતને જ પોતાની કર્મ ભૂમિ બનાવી. પરદેશ જવાના બદલે તેમણે દેશવાસીઓની જ સેવા કરવાનો નિર્ણય કર્યો તે ગર્વની વાત છે. તમામ આધુનિક વિષયોનું જ્ઞાન હોવા છતાં લાઇબ્રેરી ધરાવતા શ્રીકાંત જિચકર શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, ઉપનિષદ અને પુરાણોનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. આજે નવી  પેઢી પુસ્તકો અને પુસ્તકાલયોથી વંચિત થઈ રહી છે ત્યારે જે કોઈ જ્ઞાનપિપાસુ યુવક-યુવતિઓ પોતાના ભણવાનાં પાઠયપુસ્તકો ઉપરાંત પણ તેમને પ્રિય એવાં વિષયોનાં પુસ્તકો વાંચે છે તેઓ તેમના સમૃદ્ધ જ્ઞાનથી અન્ય કરતાં જુદા તરી આવે છે. પુસ્તકો જ માનવીના શ્રેષ્ઠ મિત્રો છે એમ માનતા શ્રીકાંત જિચકર આજના ભારતની એક અનન્ય પ્રતિભા હતા. પુસ્તકો માનવીનું જીવન બદલી શકે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે એકવાર જોહાનિસબર્ગથી ટ્રેનમાં ડર્બન  જઈ રહ્યા હતા. રેલ્વે સ્ટેશન પર તેમના એક અંગ્રેજ મિત્ર મિ. પોલાક તેમને મૂક્વા આવ્યા હતા. મિ. પોલાકે યુવાન મો.કા. ગાંધીને એક અંગ્રેજ પુસ્તક આપતાં કહ્યું: ‘મિ.ગાંધી, આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે, વાંચી લેજો તમને ગમશે? ‘

પોલાકે આપેલા પુસ્તકનું નામ હતું: ‘અન ટુ ધીસ લાસ્ટ’ , જેના લેખક હતા જ્હોન રસ્કિન. ગાંધીજી એમની આત્મકથામાં લખે છેઃ ‘જોહાનિસબર્ગથી ડર્બન સુધીની યાત્રા ૨૪ કલાકની હતી. આ પુસ્તક હાથમાં લીધા બાદ હું તેને છોડી શક્યો નહીં આ પુસ્તકમાં સૂચવેલા વિચારો મેં અમલમાં મૂક્વા નિર્ણય કર્યો. આ પુસ્તકે મારા જીવનમાં રચનાત્મક પરિવર્તન આપ્યું?

‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની ગાંધીજી પર એટલી બધી અસર થઈ કે અસીલોની વકીલાત કરવાના બદલે તેઓ ગરીબ દરિદ્રનારાયણોના અને અંગ્રેજાના અન્યાય સામે લડનારા ભારતવાસીઓના વકીલ બની ગયા. ગાંધીજીએ પોતાના પર પ્રભાવ પાડનારી જે ત્રણ વ્યક્તિઓનાં નામો લખ્યા છે તેમાંના એક જ્હોન રસ્કિન હતા. ગાંધીજીએ ચરખો અને રેંટિયો હાથમાં લીધો. સત્યનો આશ્રય  લીધો. સમાજના છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે જે ભેખ ધર્યો તે આ પુસ્તકનો પ્રભાવ હતો. ‘સર્વોદય’ અને ‘અંત્યોદય’ જેવા શબ્દો આ પુસ્તકનો પ્રભાવ હતો. એ વખતના ઈંગ્લેન્ડમાં દ્યોગિકરણ અને ઉદ્યોગપતિઓના શોષણનાં ભોગ બનતા શ્રમિકોને ન્યાય અપાવવા બ્રિટનમાં જે લેબર પાર્ટી ઊભી થઈ તે પણ ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકનો જ પ્રભાવ હતો.

આવી તાકાત છે પુસ્તકની અને શ્રીકાંત જિચકર પણ આવા જ પુસ્તક પ્રેમી હતા. આજકાલ  પુસ્તકાલયો પ્રત્યે સૂત્ર ધરાવનારા બેવકૂફોનો આ દેશમાં તોટો નથી.

૫૨ હજાર પુસ્તકોની અંગત લાઇબ્રેરી ધરાવનાર શ્રીકાંત જિચકર આજે આપણી વચ્ચે નથી પરંતુ ઘણો મોટો સંદેશ મૂકીને ગયા છે..

http://www.devendrapatel.in

Be Sociable, Share!