Close

મારા બાળકને પિતા મળે માટે હું પરણવા માંગું છું

કભી કભી | Comments Off on મારા બાળકને પિતા મળે માટે હું પરણવા માંગું છું

વિલાસિની ટી. શ્રોફ.

‘તે ૩૧ વર્ષની છે. અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયેલી છે. તે પછી તેણે દિલ્હીની એક શૈક્ષણિક સંસ્થા દ્વારા એમબીએ કરેલું છે. તે સ્વિમર છે. ઊંચો પગાર ધરાવે છે.

– આ તેની લગ્નવિષયક જાહેરખબર છે.

વિલાસિની  સાથે લગ્ન કરવું છે?

ઓ.કે. તમને જો વિલાસિનીમાં રસ પડયો હોય તો તે પણ જાણી લો કે તે ટ્રાન્સજેન્ડર (કિન્નર) પરિવારની સભ્ય છે. તેને એચઆઇવી પોઝિટિવ પણ છે.

– આ વાત પણ તેની લગ્નવિષયક જાહેરાતમાં લખવામાં આવી છે.

તેનું આખું નામ વિલાસિની  ટી. શ્રોફ  છે. તે કહે છે : ‘મેં છ મહિના પહેલાં  મારો આ પ્રોફાઇલ નેટ પર અપલોડ કર્યો હતો. તેના જવાબમાં ઘણાં બધાના પ્રતિભાવ આવ્યા છે. ઘણા બધાંની દરખાસ્તો આવી છે. હું જાણું છું કે, મને એચઆઇવી પોઝિટિવ  હોઈ મારી સાથે લગ્ન કરનાર વ્યક્તિ મારી સાથે શારીરિક સંબંધ રાખી શકશે નહીં, પરંતુ હું તો એક સાથી જ શોધું છું.’

વિલાસિની કહે છે : ‘મારી પર જે પ્રપોઝલ્સ આવી છે તેમાં કેટલાક વિધુર છે તો કેટલાંક છૂટાછેડા પામેલા વ્યક્તિઓ છે. પણ મને બીજી શંકા એ પણ છે કે જેમણે મારી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી છે તેમાંથી કેટલાક ખુદ કિન્નર- ટ્રાન્સજેડર્ન્સ પણ છે. આપણે સમાજ ટ્રાન્સફોબિયાથી પીડતો હોઈ કેટલાંક પુરુષ વેશમાં કિન્નર હોવા છતાં તેઓ કોઈને કહેતા નથી. તેઓ પોતાના શારીરિક જેન્ડરને છુપાવે છે. તેઓ પોતાની અસલિયતની જાહેરાત કરતા સમાજથી ડરે છે. સમાજ આવા લોકોપ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે.

વિલાસિનીને લાગે વળગે છે ત્યાં સુધી તેની વય ૧૬ વર્ષની હતી ત્યારે જ તેના પરિવારે તેને ઘરની બહાર ધકેલી દીધી હતી. તેના સગાકાકાએ તેની સાથે છેડતી કરી હતી. તે પછી તેણે કિન્નરોના સમાજમાં જોડાવાનું નક્કી કર્યું હતું. વિલાસિનીએ પુરુષમાંથી સંપૂર્ણ સ્ત્રીમાં પરિવર્તિત થવા માટે શસ્ત્રક્રિયા કરાવી હતી અને તે સ્ત્રી બની ગઈ હતી.એ કારણે તેની પાસે જે કાંઈ પૈસા હતા તે બધા જ વપરાઈ ગયા હતા. દેવું પણ થઈ ગયું હતું.

વિલાસિની કહે છે : ‘અમારા કિન્નર સમાજમાં એક ગુરુ પણ હોય છે. સ્ત્રી બનવા માટે મારે જે કાંઈ દેવું થયું તે પાછું ભરપાઈ કરવા માટે મારે મારું શરીર વેચવાનો ધંધો કરવો પડયો હતો. હું શેરીઓમાં ઊભી રહેતી અને કેટલાંક લોકો મને લઈ જતાં આ સમયગાળા દરમિયાન મારી પર કેટલાક લોકોએ દુષ્કર્મ પણ કર્યો હતો અને એ કારણે હું એચઆઇવીનો ભોગ પણ બની.

વિલાસિની દિલ્હીની વતની છે. વિલાસિની અમેરિકામાં ‘ડબલ સ્ટિગ્મા’ વિષય યોજાનાર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં હાજરી આપવા જઈ રહી હતી. ભારતમાં રહેતા કિન્નર- ટ્રાન્સજેન્ડર લોકો સાથે અપનાવતાં બેવડાં ધોરણો અંગે તે બોલવાની હતી.

તે કહે છે : ‘જે સમાજે અમને ઉતારી પાડયા છે તે સમાજની ટીકા કરવાનો મારો કોઈ જ ઇરાદો નથી.’ વિલાસિની ટી.શ્રોફએ એક મેટ્રોમોનિયલ વેબ સાઇટ પર પોતાનો પ્રોફાઇલ અપલોડ કર્યો હતો. જેમાં કિન્નરો માટે કોઈ અલગ વિભાગ હતો જ નહીં. જો કે બીજી એક વેબસાઇટ કે જે માત્ર ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે જે હવે શરૂ થઈ છે. કિન્નરો માટે હવે ‘થર્ડ જેન્ડર’ એવું નામ આપવામાં આવ્યું છે.

વિલાસિની કહે છે : ‘હું ઇચ્છું છું કે આપણો સમાજ અમને ‘થર્ડ જેન્ડર’ કહેવાને બદલે અમને અપનાવે, અમને સ્વીકારે,. અમારે બધાથી અલગ થવું કે રહેવું નથી. અમારે કિન્નરો માટે કોઈ ખાસ કલ્યાણ યોજનાઓ જોઈતી નથી. અમે તો બીજી બધી પ્રજા માટે જે લાભો ઉપલબ્ધ છે તે અમને પણ મળે તેમ અમે ઇચ્છીએ છીએ.’

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જ થર્ડ જેન્ડર અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. થર્ડ જેન્ડરને અધિકૃત રીતે માન્યતા પણ આપવામાં આવી છે. થર્ડ જેન્ડર માટે કૌશલ્ય વિકાસ, પેન્શન યોજના, નાણાકીય સુવિધાઓની દરખાસ્તો થઈ છે. વિલાસિની કહે છે : ‘જે પરિવારમાં બાળક  થર્ડ જેન્ડર હોય તે પરિવારને સરકાર પૈસા આપે તેથી પ્રશ્ન  હલ થઈ જવાનો નથી. એના બદલે સમાજ આવાં થર્ડ જેન્ડર બાળકોને સ્વીકારે એ વધુ જરૂરી છે. વિલાસિની કહે છે : ‘મારી પર દુષ્કર્મ થયો તે પછી મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મારું માત્ર ચેકઅપ જ કરવાનું હતું. હોસ્પિટલના ડોક્ટરોએ મારી ઇચ્છા વિરુદ્ધ તાલીમ લેતા તબીબો સમક્ષ મારી પરેડ કરાવવામાં આવી હતી અને કેવી રીતે મારા અંગને સ્ત્રીમાં પરિવર્તિત કરવામાં આવ્યું તે દર્શાવવામાં આવ્યું હતું. મારા માટે આ ક્ષોભજનક પરિસ્થિતિ હતી.’

વિલાસિની કહે છે : ‘મારી પર દુષ્કર્મ થયા પછી હું ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ગઈ હતી પરંતુ પોલીસે કહ્યું કે, સેક્સ વર્કર પર દુષ્કર્મ થયો છે તેવો કેસ નોંધી શકાય નહીં.’

અલબત્ત, તે મુંબઈ આવી ત્યારે એક દુકાનદારે તેને ભણવા પૈસા આપ્યા. તે પૈસા લઈ વિલાસિની  દિલ્હી ગઈ. દિલ્હીમાં ભણી તે ગ્રેજ્યુએટ થઈ.  જ્યાં તેણે એમ.બી.એ. કર્યું.

હવે તે મુંબઈમાં સ્થિર થઈ છે. ભૂતકાળમાં તેણે મુંબઈના એક ડાન્સબારમાં ટીનએજ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું. હવે પ્રતિષ્ઠાપાત્ર જોબ કરે છે. વિલાસિની ટી.શ્રોફ બીજા કોઈ પણ પ્રોફેશનલ જેટલી વ્યવસાયિક લાયકાત ધરાવે છે. અમેરિકા જઈ તેણે પેન્સિલ્વેનિયા કન્વેન્શન સેન્ટર ખાતે ફિલાડેલ્ફિયા ટ્રાન્સ હેલ્થ કોન્ફરન્સમાં પ્રવચન પણ આપ્યું. એણે પ્રવચન કરતાં કહ્યું :’ટ્રાન્સજેન્ડર બાળકો માટે ભીખ માગવા માટે જન્મતાં નથી. તેઓ ભણી પણ શકે છે અને કામ પણ કરી શકે છે. તેમની જેન્ડર-જાતિથી ઉપર પણ એક તેમનું જીવન પણ છે.’

વિલાસિની હવે પરણવા પણ માગે છે. તેનો આગળનો એક પ્રેમસંબંધ નિષ્ફળતામાં પરિણમ્યો કારણ કે તે બાળકની માતા બની શકે તેમ નથી. અલબત્ત, તેણે પોતાના એક ભાઈના આઠ વર્ષના દીકરાને દત્તક લીધો છે. તેના ભાઈનું હમણાં જ મૃત્યું થયું તે પછી તેણે એના બાળકને પોતાના સંતાન તરીકે અપનાવ્યો છે. ભાઈના મૃત્યુ પછી તેની ભાભીએ વિલાસિની માટે તેનાં ઘરનાં બારણાં ખોલી નાખ્યા. વિલાસિની  હવે એ બધાની સાર સંભાળ લે છે.

વિલાસિની કહે છે : ‘હું પરણવા માંગુ છું. કારણ કે મે જે બાળકને દત્તક લીધું છે તેને એક પિતા મળી રહે.’

આવી છે વિલાસિની ટી.શ્રોફની કહાણી.

(નામ પરિવર્તિત છે.)

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!