Close

અને ગાંધીએ જીવનભર અલ્પ વસ્ત્ર પહેરવાનો સંકલ્પ કર્યો

રેડ રોઝ | Comments Off on અને ગાંધીએ જીવનભર અલ્પ વસ્ત્ર પહેરવાનો સંકલ્પ કર્યો

આ વાત આઝાદી પહેલાંની છે.

લખનૌમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. જેમાં ગાંધીજી પણ હાજર હતા. વિવિધ નેતાઓએ સાંપ્રત સમસ્યાઓ પર પ્રવચન આપ્યું, પરંતુ કોંગ્રેસના એ વખતના નેતા રાજકુમાર શુક્લાએ ખેડૂતોની બેહાલી વિશે જે વાત કરી તેથી બધા વિચલિત થઈ ગયા.
શુક્લાજીની વાત સાંભળી ખેડૂતોની હાલત નરી આંખે જોવા ગાંધીજી ચંપારણ પહોંચ્યા. સાથે કસ્તૂરબા પણ હતાં. કસ્તૂરબા ભિતિહરવા નામના ગામમાં ગયાં. તેમણે નજરોનજર નિહાળ્યું કે અહીંના કિસાનો પાસે રોજબરોજનું જીવન જીવવા મૂળભૂત સાધનસામગ્રી પણ નહોતાં. કેટલીક સ્ત્રીઓએ અત્યંત મેલી અને જર્જરિત સાડીઓ પહેરેલી હતી. કસ્તૂરબાએ એ ગામમાં મહિલાઓની એક સભા ભરી અને મહિલાઓને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું.
એ દરમિયાન એક મહિલા કે જે સભામાં બેઠેલી હતી, તે ઊભી થઈ. એનાં પણ વસ્ત્રો અત્યંત જૂનાં અને ધોયા વગરનાં હતાં. એણે કહ્યું, : ‘બા, મેરે ઘરમેં આઈયે.’

કસ્તૂરબા તે ગ્રામ્ય મહિલાની સાથે એની ઝૂંપડીમાં ગયાં. એ પાકું કે કાચું ઘર જ નહોતું, માત્ર ઝૂંપડી જ હતી. એ ગ્રામ્ય સ્ત્રી બોલીઃ ‘માતાજી, દેખો મેરે ઘર મેં કુછ નહિ હૈ. બસ મેરે શરીર પર એક સાડી હૈ. દૂસરી સાડી નહિ હૈ. મૈં ક્યા પહન કે મેરી પહની હુઈ સાડી ધોઉં? આપ બાપુકો કહકર મુજે એક સાડી દિલવા દે તો મેં મેરી પેહની હુઈ સાડી ધોઉં.’

કસ્તૂરબા એ ગરીબ મહિલાની વાત સાંભળી વિહ્વળ થઈ ગયાં.

એમણે થોડીવાર બાદ ગાંધીજીને એ ગરીબ મહિલાની પાસે હતી તે એક જર્જરિત સાડીની વાત કરી.

આ વાતનો ગાંધીજી પર બહુ મોટો પ્રભાવ પડયો. તેમણે વિચાર્યું કે, ‘આ ગરીબ કિસાનની પત્નીની જે હાલત છે તેવી જ દેશની અન્ય લાખ્ખો બહેનોની હશે. જ્યાં સુધી આ બધી સ્ત્રીઓનાં તનને ઢાંકવા માટે પૂરતાં વસ્ત્રો નહીં હોય ત્યાં સુધી હું જે ધોતી-કુરતાં પહેરું છું તે યોગ્ય નથી. જો મારા દેશની મારી લાખ્ખો બહેનોને ગરીબીના કારણે પોતાનું શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રો નહીં મળે ત્યાં સુધી મને આટલાં બધાં કપડાંથી લદાઈને રહેવાનો કોઈ હક નથી.’

બસ, એ દિવસથી ગાંધીજીએ સંકલ્પ કર્યો કે તેઓ માત્ર ઘૂંટણ સુધીનું એક જ વસ્ત્ર-માત્ર એક જ ધોતી પહેરીને જીવશે!

આ સંકલ્પનું ગાંધીજીએ જીવનપર્યંત પાલન કર્યું. ચંપારણના ગરીબ કિસાનોની સ્ત્રીઓની હાલતે ગાંધીજીના શરીર પરથી સીવેલાં વસ્ત્રો ઉતારી દેવરાવ્યાં. છેલ્લા શ્વાસ પણ તેમણે એ જ હાલતમાં લીધા.

ભારત અંગ્રેજોનું ગુલામ હતું ત્યારે એ વખતના બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ર્ચિચલે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કહ્યા હતા પરંતુ છેવટે એ જ અંગ્રેજોએ ભારતના આ અર્ધનગ્ન ફકીર આગળ ઝૂકવું પડયું હતું.

ભારતમાં આઝાદીનો જંગ પરાકાષ્ઠાએ હતો. દેશ છોડવા અંગ્રેજો પર દબાણ વધી રહ્યું હતું, એ વખતે ઈંગ્લેન્ડમાં પાંચમા જ્યોર્જ રાજા તરીકે હતા. તેઓ પંચમ જ્યોર્જ તરીકે પણ જાણીતા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓની સાથે ચર્ચા કરવા બ્રિટિશ સરકારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું. આ ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ગાંધીજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાપુ લંડન જવું કે ના જવું તેની અવઢવમાં હતા. ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’- જેવાં કાવ્યગીતની રચના કરી જે આજે પણ લોકજીભે છે.

છેવટે બાપુએ ઈંગ્લેન્ડ જવાનો નિર્ણય કર્યો. ઈંગ્લેન્ડના રાજાને મળવા માટે કેટલાક પ્રોટોકોલ્સ હતા. તેમની સામે સુટ, ટાઈ, બંધ કોલર અને બૂટ-મોજા પહેરીને જ પેશ થવું પડે તેવો પ્રોટોકોલ્સ હતો. બાપુને કહેવામાં આવ્યું કે ઈંગ્લેન્ડના રાજા સમક્ષ બ્રિટનના રોયલ પરિવારના શિષ્ટાચાર મુજબ તમારે વસ્ત્રો પહેરવાં પડશે.

ગાંધીજીએ કહ્યુઃ ‘મારા દેશના ગરીબ લોકો અડધા નાગા અને ભૂખ્યા રહેતા હોય તો હું ઈંગ્લેન્ડના રાજાના શિષ્ટાચાર માટે તેેમણે નક્કી કરેલાં વસ્ત્રો પહેરીને આવીશ નહીં. પાંચમા જ્યોર્જે મને મળવું હોય તો હું તો જે વસ્ત્રો પહેરું છું તે પહેરીને જ આવીશ.’

અને ઈંગ્લેન્ડના રોયલ પેલેસે બાપુની ઇચ્છાને માન આપવું જ પડયું. બાપુ લંડન ગયા. એ દિવસોમાં લંડનમાં સખત ઠંડી અને ઠંડા પવનો હોવા છતાં બાપુ તેમની પોતડી પહેરીને જ ગયા અને બદન પર ઢાંકેલું એક વસ્ત્ર જ પહેર્યું. આમ છતાં અનેક ગોરા અંગ્રેજોએ લંડનમાં તેમનું સ્વાગત કર્યું. ઈંગ્લેન્ડમાં સંખ્યાબંધ ગોરા અંગ્રેજો પણ તેમના ચાહકો હતા જેમાં ચાર્લી ચેપ્લીન પણ એક હતા.

ઈંગ્લેન્ડના રાજા સાથેની મિટિંગ પૂરી થયા બાદ બ્રિટિશ પત્રકારોએ ગાંધીજીને પૂછયું: ‘તમે આટલાં ઓછાં વસ્ત્રો કેમ પહેર્યાં હતાં?’

તો બાપુએ હસીને જવાબ આપ્યો હતોઃ ‘તમારા રાજાએ અમને બંનેને થાય એટલાં વસ્ત્રો પહેર્યાં હતાં માટે.’

બાપુના ચાહકોમાં એક વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન પણ હતા. તેમણે ગાંધીજી માટે કહ્યું હતું: ‘સંભવ છે કે આવનારી પેઢીને એ માન્યામાં પણ નહીં આવે કે આવો કોઈ હાડ-માંસવાળો માનવી આ પૃથ્વી પર સદેહે વિચર્યો હશે.’

જાણીતા ફિલોસોફર વેબર ગાંધીના કરિશ્માની વ્યાખ્યા કરતાં કહે છેઃ ‘ગાંધીજી પણ બીજાઓ કરતાં વધુ કેરિશ્મેટિક હતા. ફેશનેબલ વસ્ત્રોનું એક આગવું મહત્ત્વ છે પરંતુ ઘણીવાર સાદગી ફેશન પર ભારે પડી શકે છે. ગાંધીજી પાસે મજબૂત બાંધાનું શરીર નહોતું. દેખાવમાં પણ આકર્ષક નહોતા. મોંમાં દાંત પણ નહોતા. માથામાં વાળ નહોતા, છતાં ગાંધીજી જેવા કેરિશ્મેટિક નેતા આજ સુધી પેદા થયા નથી.’

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!