Close

અફઘાનિસ્તાનનું કંદહાર ક્યારેક મહાભારતનું ‘ગાંધાર’ રાજ્ય હતું

રેડ રોઝ | Comments Off on અફઘાનિસ્તાનનું કંદહાર ક્યારેક મહાભારતનું ‘ગાંધાર’ રાજ્ય હતું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૫૦૦૦ વર્ષ પુરાણા સાંસ્કૃતિક સંબંધો છે

અફઘાનિસ્તાન ફરી એક વાર ચર્ચામાં છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા બોલાવી રહ્યું છે. અમેરિકાની અફઘાનિસ્તાનમાંથી ઘરવાપસી ફરી એક વાર અફઘાનિસ્તાનને તાલિબાનોનો મજબૂત અડ્ડો બનાવી દે તેવી દહેશત સાચી છે. એક ફ્લેશબૅક જોઈએ.

મહાભારતના સમયમાં એક વખતે અફઘાનિસ્તાન મહાભારતનો એક હિસ્સો હતો.

અફઘાનિસ્તાનની રાજધાની કંદહાર એક જમાનામાં ગાંધાર નગરી હતું. ધૃતરાષ્ટ્રનાં પત્ની રાણી ગાંધારી પણ ગાંધારનાં જ રાજકુમારી હતાં. કવિવર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે લખેલી વાર્તા ‘કાબુલીવાલા’નો નાયક ખાન પણ અફઘાનિસ્તાનનો જ હતો. અફઘાનિસ્તાનમાં રહેતી પોતાની વહાલી પુત્રીને મૂકીને રોજી રળવા કોલકાતા આવેલો એ માણસ પુત્રીની યાદમાં એક બંગાળી પરિવારની દીકરીમાં પોતાની દીકરીનો ચહેરો નિહાળે છે. ભારતની આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનાર ખાન અબ્દુલ ગફાર ખાન પણ ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા હતા. તેઓ એક દિવસ અમદાવાદ પણ આવ્યા હતા.

પાકિસ્તાન નામના દેશનો જન્મ થયો તે પહેલાંથી જ ભારતના અફઘાનિસ્તાન સાથેના સંબંધો ભાવનાત્મક રહ્યા છે. શીતયુદ્ધ વખતે અફઘાનિસ્તાનમાં રશિયાએ અડ્ડો જમાવ્યો હતો. રશિયન સૈનિકોને હાંકી કાઢવા અમેરિકાએ તેની કૂટનીતિના એક ભાગ તરીકે અફઘાનિસ્તાનમાં તાલિબાનો પેદા કર્યા અને તાલિબાનોને શસ્ત્રો તથા દારૂગોળો પણ આપ્યાં. પાછળથી એ જ તાલિબાનો અમેરિકા માટે ફ્રેંકેન્સ્ટાઈન સાબિત થયા.

તાલિબાનો કટ્ટરવાદી છે. તેમણે અફઘાનિસ્તાનમાં ગીત-સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો અને અફઘાનિસ્તાનની સંસ્કૃતિને કચડી નાંખવા પ્રયાસ કર્યો.અમેરિકાએ તાલિબાનોને જેર કરવા પ્રયાસ કર્યો. ત્યારે આતંકવાદીઓ અફઘાનિસ્તાનની તોરાબોરા નામના પર્વતોની ગુફાઓમાં છુપાઈ ગયા અને પાકિસ્તાનમાં પ્રવેશી ગયા. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ તેમને પનાહ અને શસ્ત્રો આપ્યાં.

હવે અમેરિકા અફઘાનિસ્તાન છોડી રહ્યું છે ત્યારે તે શૂન્યાવકાશનો લાભ લેવા તાલિબાનો અને પાકિસ્તાન સક્રિય છે. અફઘાનિસ્તાનના કુલ ૪૨૧ જિલ્લાઓમાંથી એક તૃતિયાંશ જેટલા જિલ્લા પર તાલિબાનોએ કબજો જમાવી દીધો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની વધતી જતી તાકાત માત્ર ભારત માટે જ નહીં પરંતુ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

ભારત માટે અફઘાનિસ્તાન વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ દેશ છે, કારણ કે આપણો પિૃમ એશિયા સાથેનો સીધો સંપર્ક એ જ કરાવે છે. એક તરફ એની સરહદો ઈરાનને સ્પર્શે છે તો બીજી તરફ ક્યારેક પૂર્વ યુરોપનો હિસ્સો રહેલા સોવિયેત સંઘના વિઘટન બાદ બનેલા ત્રણ નવા દેશો તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કઝાકિસ્તાનને સ્પર્શે છે. બેશક, તેનો મોટો હિસ્સો પાકિસ્તાનની સીમાઓ સાથે પણ જોડાયેલો છે પરંતુ પાકિસ્તાનના કબજામાં આપણો જે જમ્મુ અને કાશ્મીરનો જ હિસ્સો છે તેનો ‘નાર્દન એરિયા’ તરીકે ઓળખાતો ભાગ પણ અફઘાનિસ્તાનને સ્પર્શે છે.

ભારતીય સંસ્કૃતિના અવશેષો ધરાવતું અફઘાનિસ્તાન આ રીતે ભારતીય ઉપમહાદ્વીપનું એક રીતે પ્રવેશદ્વાર જ છે. પાકિસ્તાનની સરહદોમાં પનાહ લેનાર આતંકવાદીઓની કાર્યવાહી આ મુલ્કને ઉજ્જડ કરી દેવાનું કામ છેલ્લાં ૨૦ વર્ષથી ચાલ્યું આવે છે. અફઘાનિસ્તાનને તબાહીમાં તબદીલ થતું રોકવા તાકાતવર દેશોના સંગઠન-નાટોએ પોતાનું લશ્કર મોકલીને પ્રયાસ કર્યો હતો અને નાટોના સૈનિકોએ તાલિબાની રાજ ખતમ કરી અફઘાનિસ્તાનમાં લોકતંત્રની સ્થાપના કરવા ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એમાં ઝાઝી સફળતા મળી નથી.

અત્રે એ નોંધવું જરૂરી છે કે અફઘાનિસ્તાનને આપણી હકૂમતમાં સામેલ કરવા માટે મધ્યયુગમાં ભારતમાંના મોગલ બાદશાહોની ફોજ રાત-દિવસ કામ કરતી હતી પરંતુ તેમાં સફળતા મળી નહોતી. હા, એ પણ એક હકીકત છે કે બાદશાહ જહાંગીરે તેમના શાસનકાળ દરમિયાન એક ફોજ અફઘાનિસ્તાન મોકલી હતી અને તેમના એક સરદારે લડાઈ દરમિયાન અફઘાનિસ્તાનના એક હિસ્સા પર ફતેહ પણ મેળવી હતી. બાદશાહ જહાંગીરે એ સરદારને ‘શેરે અફઘાન’નો ઈલકાબ પણ એનાયત કર્યો હતો પરંતુ રસપ્રદ વાત એ હતી કે એની પત્ની મહેરુન્નીસા એક ખૂબસૂરત હતી. કહેવાય છે કે જ્યારે જહાંગીરની નજર એની પર પડી તો તેઓ તેની ખૂબસૂરતી જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા અને મહેરુન્નીસાને હાંસલ કરવાની તજવીજ કરવા લાગ્યા. જોગાનુજોગ અફઘાનિસ્તાનમાં ફરી વિદ્રોહ થયો. અગાઉ અફઘાનિસ્તાનનો એક ઈલાકો જીતનાર ‘શેરે અફઘાન’ને ફરી અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા. પરંતુ આ વખતે તેમનો પરાજય થયો અને પોતાની કુરબાની આપવી પડી. તે પછી જહાંગીરે ‘શેરે અફઘાનિસ્તાન’ની પત્ની મહેરુન્નીસા સાથે શાદી કરી લીધી. એટલું જ નહીં પણ બાદશાહ જહાંગીરે તેને નૂરજહાંનો ખિતાબ એનાયત કર્યો, પરંતુ મોગલ સલ્તનત નબળી પડતાં જ પંજાબમાં મહારાજા રણજિતસિંહનું શાસન કાયમ થયું અને એમણે આખા અફઘાનિસ્તાનને પોતાના કબજામાં લઈ લીધું. તે પછી મહારાજાએ અફઘાનિસ્તાનના કબીલાઓની સ્થાપિત શાસન પદ્ધતિને પોતાના દરબાર પ્રત્યે જવાબદાર બનાવ્યા. એ પછી મહારાજાએ તેમના હરિસિંહ નલવા જેવા સિપાહસાલારોની મદદથી આગરાથી લઈને કાબુલ સુધી પોતાનું ભવ્ય શાસન સ્થાપિત કર્યું. ‘હરવા’ એ શબ્દ મહાન યોદ્ધા હરિસિંહ નલવાનો અપભ્રંશ છે જે આજે પણ એ તરફના ભારતનાં ગામડાંઓમાં પ્રચલિત છે. કહેવાય છે કે એ તરફનાં ગામોમાં કેટલીક માતાઓ રડતા બાળકને ચૂપ કરવા માટે કહેતી હોય છે કે ‘જલદી સો જા બેટા, નહિ તો હરવા આ જાયેગા.’ હરવા એ બહાદુર યોદ્ધાનું પ્રતીક છે.

એ એક ઐતિહાસિક સત્ય છે કે સમ્રાટ અશોક, ધી ગ્રેટ બાદ અફઘાનિસ્તાન મહારાજા રણજિતસિંહના શાસનકાળમાં જ ભારત સાથે સમરસ થયું. સમ્રાટ અશોકનું શાસન પાટલીપુત્રથી લઈને ઈરાનના તહેરાન સુધી હતું. પૂરા ભારતીય મહાદ્વીપના ભારતીય બૌદ્ધ સંસ્કૃતિના અવશેષ પૈકીના કેટલાક અવશેષોને તાલિબાનોએ નષ્ટ કરી દીધા છે ને આ બધાં દુષ્કૃત્ય જેહાદના નામ પર.

એ જ રીતે ભારતમાં પહેલાં ઈસ્ટ ઈન્ડિયા કંપની આવી અને તે પછી અંગ્રેજોએ ભારતમાં તેમનું શાસન પ્રસ્થાપિત કરી દીધું ત્યારે તેમણે અફઘાનિસ્તાનને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવ્યું. અને શહેનશાહ જહીર શાહને તેની કમાન સોંપી. બેશક, એ એક ઈસ્લામિક દેશ હતો પરંતુ ‘કાબુલીવાલા’ જેવી કહાણીઓ પણ ભારત સાથેના તે વખતના તેના મધુર સંબંધોનું ઉદાહરણ રહ્યું.

આટલી પૃાદ્ભૂમિકા પછી હવે આજનું અફઘાનિસ્તાન પહેલાં રશિયનો તે પછી તાલિબાનો, તે પછી પાકિસ્તાનીઓ અને હવે પછી તાલિબાનીઓ દ્વારા રગદોળાઈ રહ્યું છે.પાકિસ્તાન જ્યાં સુધી અફઘાનિસ્તાનની બહાર ફેંકાઈ ન જાય ત્યાં સુધી તાલિબાનીઓ માટે અફઘાનિસ્તાન સ્વર્ગ રહેશે અને અફઘાનિસ્તાનમાં અમન અને ચૈન ગાયબ રહેશે.અફઘાનિસ્તાનમાં લોકતંત્ર ફૂલેફાલે તેવું પાકિસ્તાન ઈચ્છતું નથી. પાકિસ્તાન એ વાત સારી રીતે જાણે છે કે ભારતની મદદથી જ અફઘાનિસ્તાન વિકસિત અને મજબૂત બની રહ્યું છે અને એથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. આ કારણથી જ પાકિસ્તાન જેહાદના નામ પર એ મુલ્કના લોકોને તાલિબાની બનાવી ભારતને એ આગમાં હોમવા પ્રયત્ન કરી રહ્યું છે. તેથી હવે એ જરૂરી છે કે અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનને જ બહાર અને હાંસિયામાં ધકેલી દેવામાં આવે. એમ થશે તો જ અફઘાનિસ્તાનમાં શાંતિ અને અમન સ્થાપિત થશે.

અફઘાનિસ્તાનમાં ભારત સરકારે અબજો રૂપિયાના રોકાણો કરી તે દેશનાં ઈન્ફ્રાસ્ટ્રકચરને વિકસાવવા તથા વીજ ઉત્પાદના ક્ષેત્રમાં ખૂબ સહાય કરી છે. ભારત અને અફઘાનીસ્તાનના સંબંધો સુમધુર રહ્યાં છે પરંતુ હવે ચીનનો ડોળો અફઘાનીસ્તાન પર છે અને તે પણ ખૂબ મોટું મૂડીરોકાણ કરવાના બહાને અફઘાનીસ્તાનમાં કબજો જમાવવા માંગે છે. ભારતે ચીન અને પાકિસ્તાનથી સાવધ રહેવું પડશે.

Be Sociable, Share!