Close

અમેરિકાની પ્રમુખશાહી પ્રણાલી શું છે?

રેડ રોઝ | Comments Off on અમેરિકાની પ્રમુખશાહી પ્રણાલી શું છે?

અમેરિકામાં આવી રહેલી પ્રેસિડેન્ટની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે. ભારતમાં પણ લોકશાહી છે પરંતુ અમેરિકાની અને ભારતની લોકશાહી પદ્ધતિમાં-પ્રણાલીમાં ફરક છે.

ભારતમાં વડાપ્રધાનની પસંદગી લોકસભામાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના સંસદસભ્યો નક્કી કરે છે જ્યારે અમેરિકામાં પ્રમુખની પસંદગી સીધી અમેરિકાની પ્રજા નક્કી કરે છે. અમેરિકાની ફેડરલ એટલે કે સંઘીય વ્યવસ્થામાં નાગરિકો સરકારના ત્રણ સ્તરો હેઠળ આવે છે. (૧) સંઘ (૨) રાજ્ય અને (૩) સ્થાનિક. સંઘ સરકાર ત્રણ પાંખની બનેલી છે. (૧) સેનેટ અને પ્રતિનિધિ ગૃહ જેને હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટિવ પણ કહે છે. દ્વિગૃહીય કોંગ્રેસ સંઘીય કાયદા બનાવે છે, યુદ્ધ જાહેર કરે છે, સંધિઓને બહાલી આપે છે, નાણાંકોથળીની તાકાત ધરાવે છે અને મહાભિયોગ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. જ્યારે પ્રમુખ તે વહીવટી વડા છે. લશ્કરના કમાન્ડર-ઈન ચીફ છે. વૈધાનિક ખરડો કાયદો બને તેને અટકાવવાનો અને રદ કરવાનો અધિકાર ધરાવે છે. પ્રમુખ પાસે મંત્રીમંડળ અને અધિકારીઓની નિમણૂકની સત્તાઓ છે. સરકારની ત્રીજી પાંખ ન્યાયિક ક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટ અને નીચલી અદાલતો જેના ન્યાયમૂર્તિઓની નિમણૂક પ્રમુખ સેનેટની મંજૂરીથી કરે છે. કાયદાનું અર્થઘટન કરે છે અને તેમને ગેરબંધારણીય લાગતા કાયદા રદ કરે છે.

અમેરિકાનું હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ એટલે કે પ્રતિનિધિગૃહ ૪૩૫ સભ્યો ધરાવે છે.

અમેરિકામાં એકંદરે ટુ પાર્ટી સિસ્ટમ એટલે કે બે જ મુખ્ય પક્ષોની પ્રણાલી છે. આ બે મુખ્ય પક્ષોમાં (૧) ડેમોક્રેટિક અને (૨) રિપબ્લિકન પાર્ટી છે. પક્ષના હોદ્દેદારોની પસંદગીમાં પણ તમામ સ્તરે ચૂંટણીઓ થાય છે. ૧૯૫૬થી અત્યાર સુધીમાં આ બે જ પક્ષો મુખ્યત્વે ચૂંટણી લડયા છે. અમેરિકાની રાજકીય સંસ્કૃતિમાં રિપબ્લિકન પક્ષ જમણેરી-રૂઢિચુસ્ત અને ડેમોક્રેટિક પક્ષ ડાબેરી અને ઉદારમતવાદી ગણાય છે.

અમેરિકામાં મુખ્યત્વે બે જ રાજકીય પક્ષો છે જ્યારે ભારતમાં કુલ ૨૫૯૮ રાજકીય પાર્ટીઓ છે. જેમાં આઠ રાષ્ટ્રીય પક્ષો છે જ્યારે બાવન પ્રાદેશિક પક્ષો છે. ૨૫૩૮ જેટલા પક્ષો બિનઅધિકૃત છે. ભારત પર વર્ષો સુધી અંગ્રેજોએ રાજ કર્યું. ભારત આઝાદ થયું તે પછી ભારતે બ્રિટનની સંસદીય લોકતાંત્રિક પદ્ધતિ અપનાવી. બ્રિટનની સંસદમાં બે ગૃહો છે. ઉપલા ગૃહને હાઉસ ઓફ લોર્ડ્સ કહે છે જ્યારે નીચલા ગૃહને હાઉસ ઓફ કોમન્સ કહે છે. ભારતમાં નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે. અમેરિકાના પ્રમુખ પસંદ કરવાનો સીધો અધિકાર અમેરિકાની પ્રજાને છે. અમેરિકાના પ્રમુખ પાસે કોઈપણ દેશ સાથે યુદ્ધ કરવા કોઈ પણ ગૃહની મંજૂરી લેવી પડતી નથી પરંતુ એ સિવાય બીજા કોઈ પણ કામ માટે એક ડોલર પણ ખર્ચ કરવો હોય તો કોંગ્રેસ (સાંસદ) પાસે જવું પડે છે.

આજે ઘણા નિષ્ણાતો માને છે કે ભારતે પણ અમેરિકા જેવી પ્રમુખશાહી પદ્ધતિ અપનાવવી જોઈએ. તેમને લાગે છે કે હાલની સંસદીય પ્રણાલીની કેટલીક મર્યાદાઓ છે. આ વિષય પર એક પુસ્તક બહાર પડયું છે.  પુસ્તકનું નામ છેઃ ‘ભારત મેં રાષ્ટ્રપતિ પ્રણાલીઃ કિતની જરૂરી, કિતની બહેતર?’ પુસ્તકના લેખક માને છે કે ભારતની હાલની પ્રણાલીના બદલે પ્રમુખશાહી પ્રણાલી શ્રેષ્ઠ વિકલ્પ છે. પુસ્તકમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે સંસદીય પ્રણાલીમાં કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તાઓ હોવાના કારણે રાજ્યોની તાકાત ઘટી ગઈ છે. જ્યારે પ્રમુખશાહી પદ્ધતિમાં સત્તાનું કેન્દ્રીકરણ થઈ શકતું નથી. એથી ઊલટું રાજ્યોને વધુ સત્તા મળે છે. આમેય ભારત અનેક ભાષાઓ, અનેક વેશભૂષાઓ, અનેક ધર્મો અને અનેક સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે.

આ પુસ્તકના લેખક કહે છે કે ‘હું ૧૮ વર્ષ અમેરિકામાં રહ્યો છું. એ દરમિયાન મેં અમેરિકન પ્રશાસન વ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે. અનુભવ પણ કર્યા છે. ભારત પાછા આવ્યા બાદ મેં ભારતની સંસદીય પ્રણાલીનો પણ અભ્યાસ કર્યો છે. આ દિશામાં સંશોધન કર્યા બાદ મને લાગ્યું છે કે વિવિધતાપૂર્ણ દેશ માટે સંસદીય પ્રણાલી બહુ કારગત નથી.’

કહેવાય છે કે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ પણ ભારતમાં સંસદીય પ્રણાલીના બદલે પ્રમુખશાહી પદ્ધતિ લાવવાની વાત કરી હતી. મહાત્મા ગાંધી, ડો.બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલ પણ સંસદીય પ્રણાલીના બદલે પ્રમુખશાહી લોકતાંત્રિક પ્રણાલીના હિમાયતી હતા. આજે ઘણીબધી સમસ્યાઓનું મૂળ સંસદીય પ્રણાલી હોવાનું મનાય છે.

કેટલાક માને છે કે સંસદીય પ્રણાલીના કારણે લોકતંત્રની ગુણવત્તામાં ફરક પડે છે. દા.ત. કેન્દ્રમાં એક પક્ષની સરકાર હોય અને રાજ્યમાં બીજા પક્ષની સરકાર હોય તો કેટલીક વાર વિવાદો ઊભા થાય છે. ભૂતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોના ગવર્નર પાસેથી અહેવાલ મંગાવી કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્ય સરકારને બરખાસ્ત કરી દેવાની ઘટનાઓ ઘટેલી છે. અમેરિકામાં આવું ભાગ્યે જ બને છે.

જોકે હાલ સુધી કેન્દ્રમાં સત્તા પર આવેલા એક પણ રાજકીય પક્ષે હાલની સંસદીય પ્રણાલી બદલવામાં રુચિ દાખવી નથી. નિષ્ણાતો માને છે કે શાસનમાં બદલાવ એવો આપવો જોઈએ કે જનતાના હાથમાં વધુ સત્તા આવે. અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિ સત્તાનું વિકેન્દ્રીકરણ કરે છે. પ્રમુખશાહી પદ્ધતિમાં દેશના નાગરિકોના અધિકારો અને તેમના જીવનની ગુણવત્તા ઉત્કૃષ્ટ બને છે.

રાજનીતિશાસ્ત્રના તજજ્ઞાોનું માનવું છે કે વર્તમાન સંસદીય પ્રણાલીએ ચૂંટણી વખતે દેશમાં જ્ઞાતિવાદ અને કોમવાદને બળ પૂરું પાડયું છે. તે આધારે જ વોટબેંક ઊભી થાય છે. આ કારણે દેશના સમાજજીવનમાં એકાગ્રતાનો અભાવ વર્તાય છે. દેશમાં કોમવાદ અને જ્ઞાતિવાદને નિયંત્રણમાં રાખવો હોય તો દેશમાં પ્રમુખશાહી પ્રણાલીને લાવવા કેટલાક સૂચવે છે. તેઓ માને છે કે દેશમાં પ્રમુખશાહી લોકતાંત્રિક પ્રણાલી અપનાવવામાં આવે તો રાષ્ટ્રીય એકતા મજબૂત બનશે અને તકવાદી રાજકીય જોડાણોનો અંત આવશે.

કેટલાક નિષ્ણાતો માને છે કે ભારતના વડાપ્રધાનની પસંદગી ભારતના નાગરિકો દ્વારા જ સીધી કરવામાં આવે તે શ્રેષ્ઠ હશે. દેશના સર્વોચ્ચ સુકાનીને પસંદ કરવાનો સીધો અધિકાર દેશના નાગરિકોનો જ હોવો જોઈએ, કારણ એ છે કે દેશના નાગરિકો દેશના વડાની પસંદગી માટે જ્યારે મતદાન કરે છે ત્યારે રાષ્ટ્રીય હિતને જ લક્ષ્યમાં રાખીને મતદાન થતું હોય છે. આવી પ્રમુખશાહી પદ્ધતિ અમેરિકામાં છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ જે કાંઈ વહીવટ કરે છે તેની પર સેનેટ મુક્ત રીતે દેખરેખ રાખી શકે છે. પ્રમુખશાહી પદ્ધતિમાં ચૂંટાયેલો સાંસદ મંત્રી થવાની લાલચ રાખી શકતો નથી અને એ જ રીતે ચૂંટાયેલા પ્રમુખે પણ સાંસદને કોઈ પ્રલોભન આપવું પડતું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ સંસદ બહારની કોઈપણ નિષ્ણાત વ્યક્તિને મંત્રી બનાવી શકે છે.

એ જ રીતે અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિમાં નિર્ભય અને તટસ્થ ન્યાયતંત્ર માટે પણ ભૂમિકા છે. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ન્યાયતંત્રના ન્યાયાધીશોની વરણી માટે પ્રમુખે સંસદના ઉપલા ગૃહમાં ન્યાયાધીશોની નામાવલી રજૂ કરવાની રહે છે. સંસદ પ્રમુખે રજૂ કરેલા પ્રત્યેક નામો પર બારીક ચર્ચા કરે છે. આ કાર્યવાહીનું અમેરિકન ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આખા રાષ્ટ્રની નજર સમક્ષ ન્યાયાધીશોની વરણીની પ્રક્રિયા થતી હોવાથી પ્રમુખશાહી પદ્ધતિમાં તટસ્થ ન્યાયતંત્ર સ્થપાય છે.

અમેરિકાના પ્રેસિડેન્ટને લોકો સીધા ચૂંટી કાઢે તે પહેલાં બે મુખ્ય પક્ષના પ્રમુખપદના ઉમેદવારો અમેરિકાની ન્યૂઝ ચેનલમાં એક જ મંચ પરથી જાહેર ડીબેટ કરે છે અને દેશના વિકાસ માટે પોતપોતાના ખ્યાલો રજૂ કરે છે. બંને ઉમેદવારોનું પરફોર્મન્સ આખો દેશ નિહાળે છે.

વળી અમેરિકામાં બે જ મુખ્ય રાજકીય પક્ષો છે. (૧) ડેમોક્રેટિક પાર્ટી અને (૨) રિપબ્લિકન પાર્ટી. ભારતમાં બહુ પાર્ટી સિસ્ટમ છે. એકને બીજા સાથે વાંકું પડે એટલે રાતોરાત નવી પાર્ટી ઊભી કરી દે છે. આ કારણે ભારતમાં નાનીમોટી થઈને ૭૦૦થી વધુ પાર્ટીઓ છે. અમેરિકાની પ્રેસિડેન્સિયલ સિસ્ટમમાં આવું નથી. અમેરિકાના લોકોએ તેમના પ્રમુખ તરીકે એ જ ઉમેદવારોમાંથી એકની પસંદગી કરવાની હોય છે.

– ક્રમશઃ

Be Sociable, Share!