Close

અમેરિકામાં સાંસદ પ્રધાન બની શકતા નથી

રેડ રોઝ | Comments Off on અમેરિકામાં સાંસદ પ્રધાન બની શકતા નથી

ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી પ્રણાલી છે. અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી પ્રણાલી છે. વિશ્વભરમાં પ્રમુખશાહી લોકતાંત્રિક પ્રણાલીને અદ્યતન અને લોકોને તથા રાજ્યોને વધુ અધિકારો આપતી પ્રણાલી માનવામાં આવે છે.

પ્રમુખશાહી પદ્ધતિ શું છે તે સમજવાની જરૂર છે. પ્રમુખશાહી પ્રણાલીમાં વહીવટી સત્તા પ્રમુખ ભોગવે છે પરંતુ કાયદો કરવાની સત્તા પ્રમુખ પાસે નથી. પ્રમુખશાહી પદ્ધતિમાં જે તે દેશની સંસદ કાયદા ઘડે છે, બજેટ પસાર કરે છે.

અમેરિકામાં સાંસદ મંત્રી બની શકતા નથી અને તેથી સાંસદો પ્રમુખ પર કોઈ અંગત દબાણ લાવી શકતા નથી.

બીજી નોંધપાત્ર વાત એ છે કે પ્રમુખ સંસદનું વિસર્જન કરી શકતા નથી. સંસદનું સત્ર અમુક સમયગાળા માટે નિશ્ચિત હોય છે. અમેરિકામાં છેલ્લાં ૨૦૦ વર્ષથી પ્રમુખશાહી પ્રણાલીની લોકશાહી અમલમાં છે પરંતુ આજ સુધી સંસદનું વિસર્જન કરવાની એક પણ ઘટના બની નથી.

અમેરિકામાં પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે તે જાણવા જેવું છે. અમેરિકામાં મુખ્યત્વે બે જ રાજકીય પક્ષો છે. પ્રમુખપદનો ઉમેદવાર લાદી શકાતો નથી. દરેક પક્ષનું એક રાષ્ટ્રીય અધિવેશન મળે છે. તેમાં પણ ચૂંટણી દ્વારા જે તે પક્ષ તરફથી પ્રમુખપદનો ઉમેદવાર કોને બનાવવો તે નક્કી થાય છે. આ પ્રક્રિયાનું પણ રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ પર જીવંત પ્રસારણ થાય છે. રાજકીય પક્ષોમાં પ્રમુખપદના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પારદર્શક છે. તેવી જ રીતે રાજ્યોના વડા, ધારાસભ્યો તથા સંસદ માટેના ઉમેદવારોની પસંદગી પણ ગુપ્ત મતદાન દ્વારા થાય છે. કેટલાંક રાજ્યોમાં બિનપક્ષીય સામાન્ય નાગરિકોને પણ ઉમેદવારની પસંદગીમાં મતદાન કરવાનો અધિકાર છે. ભારતમાં વર્ષોથી ઉમેદવાર જે તે પક્ષનું હાઈકમાન્ડ જ નક્કી કરતું હોય તેમ કેટલાક માને છે.

નોંધપાત્ર વાત એ છે કે અમેરિકાની સર્વોચ્ચ અદાલત અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ સામે તેમના કોઈપણ ગુના બદલ કામ ચલાવી શકે છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન સામે પણ એક કેસ ચાલ્યો હતો અને ક્લિન્ટને જુબાની આપવી પડી હતી. એ આખી પ્રક્રિયા આખા અમેરિકાએ ટીવી પર નિહાળી હતી. એવો જ એક પ્રશ્ન છેઃ ‘શું અમેરિકાના પ્રમુખને સંસદ દૂર કરી શકે છે?’

જવાબ છેઃ ‘હા’

અમેરિકાની સંસદ બે તૃતિયાંશની બહુમતીથી પૂર્વ પ્રમુખને સત્તા પરથી હટાવી શકે છે. આવી જોગવાઈના કારણે ભૂતપૂર્વ પ્રમુખ નિકસનને વિપક્ષના કાર્યાલયમાં જાસૂસી કરાવવાના આક્ષેપ બદલ થયેલી કાર્યવાહી બાદ સત્તા ગુમાવવી પડી હતી. એ આખું પ્રકરણ વોટરગેટ કૌભાંડ તરીકે જાણીતું છે. આ કેસમાં પ્રેસિડેન્ટે વિપક્ષના કાર્યાલયના ફોન ટેપ કરાવ્યા હોવાનો આક્ષેપ થયો હતો.

અમેરિકામાં સંસદસભ્યો કે ધારાસભ્યો કાનૂની પ્રતિબંધના કારણે પ્રધાન બની શકતા નથી તેથી પક્ષાંતર પણ થતું નથી. વળી ત્યાં ધારાસભા કે સંસદના ઉમેદવારની પસંદગી નીચેથી થાય છે. ભારતમાં ધારાસભા કે લોકસભા માટેના ઉમેદવારોની પસંદગી જ્ઞાતિ, જાતિ અને કોમના આધારે થતી હોવાનું મનાય છે. રાજકીય પંડિતોએ ભારતમાં તેને સોશિયલ એન્જિનિયરીંગ એવું રૂપાળું નામ આપેલું છે.

અમેરિકામાં ધારાસભ્યોને કે સાંસદને મતદાન કરવા માટે ઉપરથી વ્હીપ આપવામાં આવતો નથી. અમેરિકામાં સત્તાધારી પક્ષના ચૂંટાયેલા સભ્યો પ્રમુખના કાનૂની ખરડાની વિરુદ્ધ પણ મતદાન કરી શકે છે અને તેમ થાય પણ છે. અને તેમની સામે પક્ષ કોઈ પગલાં લેતો નથી. પોતાના જ પક્ષના પ્રમુખે રજૂ કરેલા ખરડાની વિરુદ્ધ મતદાન કરવાનો એમના જ પક્ષના સભ્યને અધિકાર છે. આ પ્રણાલીનો ફાયદો એ છે કે અમેરિકાના પ્રમુખ મરજી પડે તેવા મત રચી કાયદા પસાર કરાવી શકતા નથી.

હવે બીજો પ્રશ્ન એ છે કે પ્રમુખશાહી પદ્ધતિમાં ન્યાયતંત્રની ભૂમિકા સ્વતંત્ર છે ખરી?

જવાબ છેઃ હા.

અમેરિકામાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતે થાય છે તે જાણવા જેવું છે. અમેરિકાના બંધારણ પ્રમાણે ચૂંટાયેલા પ્રમુખે ૧૦૦ સભ્યોની ચૂંટાયેલી પેનલ સમક્ષ ન્યાયાધીશોની પસંદગી માટેનાં નામોની પેનલ રજૂ કરવી પડે છે. સાંસદ એટલે કે સેનેટની આ પેનલ દરેક નામ પર ઝીણવટભરી ચર્ચા અને ચકાસણી કરે છે. આ પ્રક્રિયાનું પણ ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થાય છે. પેનલમાં મુકાયેલાં વિવાદાસ્પદ અને શંકાસ્પદ નામોને દૂર કરવામાં આવે છે અને તે પછી જ જે નામ પસંદ થયાં હોય તેમને આખરી મંજૂરી મળે છે. આમ, ન્યાયાધીશોની પસંદગીની આખરી સત્તા સેનેટ પાસે છે.

એ જ રીતે અમેરિકામાં એટર્ની જનરલની પસંદગી પણ છેવટે તો સેનેટ એટલે કે સંસદ જ કરે છે. વિદેશમાં રાજદૂતોની નિમણૂક માટે પણ અમેરિકાના પ્રમુખે છેવટે તો સેનેટ સમક્ષ જ જવું પડે છે અને સેનેટની મંજૂરી બાદ જ રાજદૂતોની નિમણૂક થાય છે.

અમેરિકાની જેમ ફ્રાન્સ અને જર્મનીએ પણ સંસદીય લોકતાંત્રિક પ્રણાલીનો ત્યાગ કરીને પ્રમુખશાહી પદ્ધતિ અપનાવી છે. ઇતિહાસ એવો છે કે ફ્રાન્સમાં દાયકાઓ સુધી કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં વારંવાર મિશ્ર સરકારો રચવી પડી અને તે સરકારો તેમની ટર્મ પૂરી કરે તે પહેલાં જ વારંવાર તેમને વિર્સિજત કરવી પડી. આવી રાજકીય અસ્થિરતાના કારણે ફ્રાન્સ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના હિટલર સામે હારી ગયું હતું. આવી રાજકીય અસ્થિરતાનો અંત લાવવા માટે ફ્રાન્સમાં સંસદીય પ્રણાલીના બદલે પ્રમુખશાહી પદ્ધતિ લાવવી પડી.

એવું જ જર્મનીમાં થયું. જર્મનીમાં હિટલરે સંસદીય પ્રણાલીનો દુરુપયોગ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી લાદી દીધી હતી. હિટલરના મૃત્યુ બાદ ફરી એનું પુનરાવર્તન ન થાય તે હેતુથી જર્મનીમાં પણ પ્રમુખશાહી પ્રણાલીની લોકશાહી સ્થાપવામાં આવી.

અમેરિકા, ફ્રાન્સ અને જર્મનીમાં પ્રમુખશાહી પદ્ધતિના કારણે આંતરિક લોકશાહી મજબૂત છે. અમેરિકામાં જે તે રાજકીય પક્ષો પણ આંતરિક મતદાનથી પક્ષના હોદ્દેદારોની પસંદગી કરે છે.

હવે ભારતમાં સંસદીય પ્રણાલીના બદલે પ્રમુખશાહી પદ્ધતિ લાવવી હોય તો બંધારણ બદલવું પડે. સંસદમાં બે તૃતિયાંશની બહુમતીથી બંધારણ બદલી શકાય પરંતુ જ્ઞાતિવાદની વોટબેંક પર આધારિત કેટલાક રાજકીય પક્ષોને પ્રમુખશાહી પ્રણાલી લાવવામાં રસ નથી, કારણ કે ટિકિટોની વહેંચણીમાં સોશિયલ એન્જિનિયરીંગનો સિદ્ધાંત જ અહીં મહત્ત્વનો રોલ ભજવે છે.

: દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!