Close

અમેરિકા અને ઇરાક વચ્ચે ખેલાયેલા ખતરનાક યુદ્ધની ગાથા

રેડ રોઝ | Comments Off on અમેરિકા અને ઇરાક વચ્ચે ખેલાયેલા ખતરનાક યુદ્ધની ગાથા

પરંપરાગત યુદ્ધનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યા સર્જીકલ સ્ટ્રાઈકે લીધી છે ત્યારે વિશ્વના એક યાદગાર પરંપરાગત યુદ્ધની કથા જાણવા જેવી છે.

યુદ્ધ એક ઉન્નાદ છે, યુદ્ધ એક ઝનૂન છે અને ક્યારેક શાંતિ માટે પણ યુદ્ધ જરૂરી છે એવી અનેક ઉક્તિઓ જાણીતી છે.

પહેલા વિશ્વયુદ્ધમાં ત્રણ કરોડ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કુલ છ કરોડ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો તેના વળતા જવાબમાં અમેરિકાએ હીરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંક્યો. તે પછી જ નાટકીય રીતે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

પાછલાં વર્ષોમાં જે અનેક યુદ્ધો ખેલાયાં તેમાં ગલ્ફમાં ખેલાયેલાં બે યુદ્ધો નોંધપાત્ર હતા. આ બંને યુદ્ધો અમેરિકા અને તેના સાથી દળોએ ઈરાક પર કરેલા આક્રમણનાં યુદ્ધો હતાં. ગલ્ફનું પહેલું યુદ્ધ ૧૯૯૧ની સાલનું હતું. તા.૨-૮-૯૦ના રોજ ઈરાકે અચાનક કુવૈત પર હુમલો કરી કુવૈતનો કબજો કરી લીધો અને આખું વિશ્વ ચોંકી ગયું. ઈરાકના આ અણધાર્યા હુમલાથી છંછેડાયેલા અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘના નામે તેલના રાજકારણના કારણે ઈરાક પર હુમલો કરી દીધો હતો.

આ યુદ્ધમાં અમેરિકાના પૂર્વ પ્રેસીડેન્ટ રોનાલ્ડ રેગનના સમયમાં એટલેકે ૧૯૮૦ના ગાળામાં ‘સ્ટાર વોર્સ’ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલી અમેરિકાની પેટ્રીયટ મિસાઈલો ખૂબ જાણીતી બની.

યુદ્ધ શરુ થયું તે પહેલાં ઈરાકના ૧૦ લાખના સૈન્ય સામે અમેરિકાએ એક લાખ સૈનિકો સાઉદી અરેબિયામાં તૈનાત કર્યા હતા. અમેરિકાનાં દળોની સાથે તેની મદદમાં ઈજિપ્ત, બ્રિટન, સીરિયા, સાઉદી અરેબિયા અને ફ્રાન્સના સૈનિકો પણ હતા. યુદ્ધ થશે તો ભારે ખુવારી થશે એવા ડરથી અમેરિકાએ એક લાખ શબપેટીઓ તૈયાર રાખી હતી.

એ યુદ્ધ શરૂ કરતાં પહેલાં અમેરિકાને સહુથી વધુ ડર ઈરાકનાં જંતુ-યુદ્ધ અને રાસાયણિક યુદ્ધ માટેનાં વેપન્સનો હતો. આ ભયના કારણે અમેરિકાએ તેના સૈનિકોને ઈરાકના ખતરનાક બેક્ટેરિયાથી બચાવવા ખાસ પ્રકારની રસી આપી હતી.

એ વખતે ઈરાક સદામ હુસેન નામના સરમુખત્યારના શાસન હેઠળ હતું. જયારે અમેરિકાના પ્રેસીડેન્ટ તરીકે સીનિયર બુશ હતા. પ્રેસીડેન્ટ બુશ સ્વયં અમેરિકાના લશ્કરમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા.

જયારે સદામ હુસેન તાલીમ વગરના સૈનિક ધરાવતાં ઈરાકી લશ્કર અને દેશના વડા હતા. એ બંને વચ્ચે અહંકારની લડાઈ હતી. યુદ્ધ શરૂ થતાં પહેલાં પ્રેસીડેન્ટ બુશે ઈરાકના શાસક અને પ્રમુખ સદામ હુસેનને જે પત્ર લખ્યો હતો તેમાં ‘પ્રેસીડેન્ટ સદામ હુસેન’ એમ લખવાના બદેલ માત્ર ‘સદામ’ એટલું જ સંબોધન કર્યું હતું. અમેરિકાના તટસ્થ વિચારકોને પ્રેસીડેન્ટ બુશની આ તોછડાઈ ગમી નહોતી.

ગલ્ફનું યુદ્ધ શરૂ કરતાં પહેલાં અમેરિકાએ કૂટ રાજનીતિ અપનાવી હતી. ઈરાક એક મુસ્લીમ દેશ હોવા છતાં અમેરિકાએ સદામ હુસેનને બીજા આરબ રાષ્ટ્રોથી વિખૂટા પાડી દીધા હતા. સદામ હુસેન સાવ એકલા અટૂલા હતા. પાકિસ્તાન જેવો કટ્ટર દેશ પણ ઈરાકની સાથે રહ્યો નહોતો. સીરિયા, સાઉદી અરેબિયા, અને જોર્ડન પણ અમેરિકા સાથે હતાં.

એ વખતના પેલેસ્ટાઈનના વડા યાસર અરાફત જ ઈરાકની સાથે હતા. હા, રશિયાને ઈરાક માટે સહાનુભૂતિ હતી પરંતુ એ વખતના રશિયાના વડા ગોર્બોચોવને શાંતિનું નોબેલ પ્રાઈઝ પકડાવી દઈને પિૃમના દેશોએ રશિયાને આ યુદ્ધથી દૂર રાખવાની મુત્સદીગીરી વાપરી હતી અને એ કારણે રશિયા પણ ઈરાકની સાથે ના રહ્યું.

અમેરિકાની ઈચ્છા હતી કે ભારત પણ ઈરાક સામેના તેના યુદ્ધમાં અમેરિકા સાથે જોડાય પરંતુ ભારતે પોતાનું સૈન્ય ના મોકલીને ઈરાક સાથેની એ વખતની દોસ્તી નિભાવી હતી. તા.૧૩-૧-૧૯૯૧ના રોજ અખાતના દેશોમાં યુદ્ધનો ભય ફેલાઈ ગયો હતો. સંભવીત બોમ્બ વર્ષાથી બચવા ભોંયરામાં જતા રહેવા તથા કેમીકલ વેપન્સથી બચવા ગેસ માસ્ક પહેરી લેવાની પદ્ધતિ લોકોને શીખવવામાં આવતી હતી. ઈઝરાયેલના જેરૂસલેમ શહેરમાં તો સ્કૂલના બાળકોને પણ ગેસ માસ્ક પહેરવાનું શીખવવામાં આવ્યું હતું.

કુવૈતને આઝાદ કરાવવાના નામે ખેલાનારા આ યુદ્ધને અમેરિકાએ ‘ઓપરેશન ડેઝર્ટ શીલ્ડ’ નામ આપ્યું હતું. જ્યારે ઈરાકે આ યુદ્ધને ધર્મયુદ્ધ કહી તેને ‘મધર ઓફ ઓલ બેટલ્સ’ એવું નામ આપ્યું હતું. યુદ્ધમાં સૈનિકોને પોરો ચડાવવા અમેરિકાએ તેની ટેંકો પર ‘કેમલ ક્રશર’ એવાં નામો ચીતરાવ્યાં હતાં. બીજી બાજુ ઈરાકે અમેરિકાના પ્રેસીડેન્ટ બુશને ‘રેમ્બો’ કહીને સંબોધ્યા હતા. કેટલાકે સદામ હુસેનને હિટલર કહીને સંબોધન કર્યું હતું.

વિયેતનામના યુદ્ધ પછી આ પહેલું હાઈટેક વોર હતું. વિયેતનામમાં એ વખતના અમેરિકી પ્રેસીડેન્ટ લિન્ડન બી જોનસને અધકચરા મને વર્ષો સુધી લડવાનું ચાલું રાખ્યું હતું. પરંતુ પ્રેસીડેન્ટ બુશ લેટેસ્ટ ઉપકરણોનો ઉપયોગ કરી આ યુદ્ધને ગણતરીના દિવસોમાં જ પતાવી દેવા માંગતા હતા.

ઈરાક પર જાસૂસી કરવા અમેરિકાએ માનવ જાસૂસોના બદલે સ્પાય સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો. સેટેલાઈટ જ અમેરિકી દળોને ઈરાકી દળોની ગતિવિધિની માહિતી આપે તેવી જ્યારે અમેરિકાની આ હાઈટેક સિસ્ટમ સામે ઈરાકની પરિસ્થિતિ એક દેખતા માનવીની સામે આંધળા માનવીની લડાઈ જેવી હતી. ઈરાકમાં ખેલાનારું આ યુદ્ધ અમેરિકાના લશ્કરી વડાઓ અમેરિકી ખાતેના લશ્કરી મથક પેન્ટાગોનમાં બેઠાં બેઠાં નિહાળે અને દિશા સૂચન આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ પ્રથમ હાઈટેક વોરમાં બીજી એક ખૂબી એ હતી કે ઈરાકનાં સંદેશા વ્યવહારને ખોરવી નાંખે તેવી શક્તિશાળી યંત્ર સામગ્રી અમેરિકાએ કાર્યરત કરી હતી. ઈરાકના પ્રેસીડેન્ટ સદામ હુસેન તેના જનરલ્સ સાથે વાત કરતા હોવા અને અચાનક જ તેમનો ફોન જામ થઈ જાય તેવાં જામર ડિવાઈસનો ઉપયોગ અમેરિકાએ ગોઠવ્યો હતો.

એ જ રીતે અમેરિકન સૈનિકોએ ઈન્ફારેડ ગોગલ્સ આપવામાં આવ્યા હતા. જેથી તેઓ અંધારી રાત્રે પણ જોઈ શકે. અમેરિકાના યુદ્ધ વિમાનો પણ રાત્રે તેનો ટારગેટ જોઈ પ્રહાર કરી શકે તેવાં અદ્યતન હતા.

તા.૧૫ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ અમેરિકાએ ઈરાકને કુવૈત ખાલી કરવા અથવા યુદ્ધ માટે તૈયાર રહેવાની ડેડલાઈન આપી હતી. આ ડેડલાઈનમાં ફેરફાર કરવા પ્રેસીડેન્ટ બુશ તૈયાર નહોતા. જો કે અમેરિકા અને બ્રિટનમાં ‘નો બ્લડ ફોર ઓઈલ’ (તેલ માટે લોહી નહીં) એવાં સૂત્રો લખેલા બેનરો લાગ્યા હતાં. પરંતુ તેની કોઈ અસર પ્રેસીડેન્ટ બુશ પર થઈ નહોતી. આખુંયે અમેરિક યુદ્ધ જવરમાં આવી ગયું હતું.

હવે ઈરાકના ૧૦ લાખના સૈન્ય સામે અમેરિકા અને તેનાં સાથી રાષ્ટ્રોનાં દળોનું સાડા છ લાખ સૈનિકોનું દળ આમને સામને ઊભું હતું. ઈરાકનાં ૬૮૯ યુદ્ધ વિમાનોની સામે અમેરિકા અને તેના સાથી દેશોનાં દળોનાં ૧૨૦૦ યુદ્ધ વિમાનો તૈનાત હતાં. ૪૩ નૌકા જહાજો સામે અમેરિકા અને તેનાં સાથી દેશોનાં ૧૫૦ યુદ્ધ જાહાજો મિસાઈલો તથા અદ્યતન શાસ્ત્રોથી સજ્જ થઈને ઈરાકની આસપાસ સજજ હતાં. એ જ રીતે ઈરાકની ૩૬૦૦ જેટલી યુદ્ધ ટેંકો સામે અમેરિકા અને સાથી દેશોની ૪૩૬૮ ટેકો ઈરાકની આસપાસના દેશોની સરહદો પર તૈનાત કરવામાં આવી હતી. ઈરાક વિરોધી દળો સાઉદની ભૂમી પર હતાં. બધાં મળીને કુલ ૩૪ દેશોએ અમેરિકાની મદદ માટે ઈરાક સામેના યુદ્ધ માટે મોકલ્યા હતા.

અમેરિકાએ ચાલાકી કરીને કુવૈતને આઝાદ કરાવવા માટે ખેલનારા જંગમાં કુવૈતના ૭ હજાર સૈનિકોને આગલી હરોળમાં રાખ્યા હતા, જેથી પહેલી ખુવારી કુવૈતી સૈનિકોની જ થાય.

હવાઈ યુદ્ધ મોટેભાગે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના યુદ્ધ વિમાનોને સોંપવામાં આવ્યું હતું. નૌકાદળનાં જહાજોને રાતો સમુદ્ર અને પર્સિયલ ગલ્ફમાં ગોઠવવામાં આવ્યા હતા. ઈરાક કુવૈત અને સાઉદી અરેબિયાનાં તેલ ક્ષેત્રો પર હૂમલો ના કરે તે જોવાની જવાબદારી આ ૧૫૦ નૌકા જહાજોને સોંપવામાં આવી હતી.

(ક્રમશઃ)

www.devendrapatel.in

 

Be Sociable, Share!