Close

અમેરિકા-કેનેડા સર્જિત ‘નોરાડ’ શું છે?

રેડ રોઝ | Comments Off on અમેરિકા-કેનેડા સર્જિત ‘નોરાડ’ શું છે?

ચીન ભારતનો દુશ્મન નંબર-૧ છે. ચીનની ભારત સાથેની નફ્ફટાઈ વધી રહી છે. ભારતની પડોશમાં ચીનના ખંડિયા રાજ્ય જેવો દેશ પાકિસ્તાન ગરીબ, કંગાળ અને ત્રાસવાદી છે તે ભારતનું કમનસીબ છે, પરંતુ બે પડોશી દેશો એકબીજાની સાથે સાચા અર્થમાં મૈત્રી કેળવી સહયોગ કરે તો કેવાં સુંદર પરિણામો હાંસલ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકા અને કેનેડા છે.

વિશ્વવિખ્યાત નાયગ્રા નદીની એક તરફ અમેરિકા છે તો બીજી તરફ કેનેડા છે. નાયગ્રાનો ધોધ જોવા વિશ્વભરમાંથી સહેલાણીઓ આવે છે. આ નદી પર પાણીના ધોધ-પ્રવાહની નીચે ટર્બાઈન મૂકી જે વીજળી પેદા થાય છે તે વીજળી બંનેને દેશો વહેંચી લે છે. નાયગ્રા નદીના ટર્બાઈનની વીજળી એક આખા ન્યૂયોર્ક શહેરને વીજપુરવઠો પૂરો પાડવા પૂરતી છે.

પરંતુ આજે વાત છેઃ ‘નોરાડ’ની. નોરાડ એટલે ધી નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ. આ સંગઠન અમેરિકા અને કેનેડાનું સંયુક્ત સાહસ છે. તેનું કામ છે એરોસ્પેસ વોર્નિંગ અને એરોસ્પેસ કમાન્ડનું. એરોસ્પેસ વોર્નિંગ એટલે અંતરીક્ષમાં કોઈ માનવસર્જિત પદાર્થ-ઓબ્જેક્ટ આવે તો તેને શોધી કાઢીને જરૂરી ચેતવણી આપવી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કોઈ દુશ્મન દેશનું સ્પેસ્ક્રાક્ટ, એરક્રાફ્ટ, મિસાઈલ કે સ્પેસ વેહિકલ આ વિસ્તારમાં પ્રવેશે અને ઉત્તર અમેરિકા પર હુમલો કરવાની શક્યતા હોય તો તેને શોધી કાઢવું. એવી જ ચેતવણી કેનેડાને પણ મળી શકે છે.

અમેરિકા અને કેનેડાના આ સંયુક્ત ઓર્ગેનિઝેશન ‘નોરાડ’નું ગઠન ૧૯૫૮માં થયું હતું. એ વખતે તેનાં ત્રણ ધ્યેય નક્કી કરવામાં આવ્યાં હતાં. (૧) અમેરિકા અને કેનેડાના અંતરીક્ષ- આકાશનું સર્વેલન્સ કરવું અર્થાત્ તેની પર નજર રાખવી. (૨) નોર્થ અમેરિકા પર કોઈ મિસાઈલ કે યુદ્ધ વિમાનનો હુમલો થવાની સંભાવના હોય તો નેશનલ કમાન્ડ ઓથોરિટીઝને જાણ કરવી. (૩) આકાશમાંથી આવનારા હુમલાને યોગ્ય જવાબ આપવો.

આ બાબતે બંને દેશો એર-સાર્વભૌમત્વનું રક્ષણ પણ કરે છે.

નોરાડનું નિયંત્રણ કેનેડિયન ફોર્સીઝ એર કમાન્ડ અને યુનાઈટેડ સ્ટેટસ એરફોર્સ સંયુક્ત રીતે કરે છે. તેનું હેડક્વાર્ટર પિટરસન એરફોર્સ બેઝ છે. ૨૦૦૬ના વર્ષમાં આ બંને દેશો વચ્ચેના આ કરારને ફરી તાજો કરવામાં આવ્યો હતો.

જેમ જેમ જરૂર પડે છે તે રીતે નોરાડ તેના ઢાંચાને જરૂરિયાત મુજબ બદલતું રહે છે. નોરાડના કમાન્ડરની નિમણૂક અમેરિકાના પ્રમુખ અને કેનેડાના વડાપ્રધાન સંયુક્ત રીતે મળીને નક્કી કરે છે. આ કમાન્ડર આ બંને વડાઓને જવાબદાર રહે છે. કમાન્ડરનું હેડક્વાર્ટર પિટરસન એરફોર્સ બેઝ, કોલો ખાતે છે.

નોરાડ પાસે વિશ્વની અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ એન્ટેના, સેન્સર્સ અને અન્ય ઉપકરણો છે. કોઈપણ અંતરીક્ષ એટેકની સંભાવના પર નજર રાખી તેની સ્પષ્ટ છબીઓ બંને દેશોના સંરક્ષણ વિભાગને ક્ષણભરમાં મોકલી આપે છે. નોરાડના સબોર્ડિંનેટ એટલે કે તેનાં ઉપમથકો એલેમેન્ડોર્ફ એરફોર્સ બેઝ, (અલાસ્કા), કેનેડિયન ફોર્સીઝ બેઝ (વિનિપેગ, મનીટોબાડ અને ટ્રીન્ડાલે એરફોર્સ બેઝ (ફલોરિડા) ખાતે છે. આ ઉપમથકો તેના કમાન્ડર તરફથી જરૂરી સૂચનાઓ મેળવે છે.

કોઈપણ આકાશી હુમલાની વહેલી ચેતવણી સિસ્ટમ માટે નોરાડ સેટેલાઈટ્સ, ભૂમિગત રાડાર, એરબોર્ન રાડાર, ફાઈટર્સ વગેરેનો ઉપયોગ કરી કોઈપણ અજાણ્યું યુદ્ધ વિમાન કે મિસાઈલ અમેરિકા કે કેનેડાના આકાશ ક્ષેત્ર પર પ્રવેશે તો તેને શોધી કાઢે છે. તે માત્ર બંને દેશના હવાઈ સાર્વભૌમત્વનું જ રક્ષણ કરે છે તેવું નથી પરંતુ ગેરકાયદે ડ્રગ્સ ટ્રાફિકિંગ કરતા વિમાનને પણ શોધી કાઢે છે. જો કોઈ વિમાન ડ્રગ્સ લઈને પ્રવેશી રહેલું જણાય તો જે તે દેશની સ્થાનિક પોલીસને તત્ક્ષણ જાણ કરી દેવાય છે.

હવે નોરાડ માત્ર હવાઈસીમાની જ નહીં પણ બંને દેશોની દરિયાઈ સીમામાં પણ ગેરકાયદે ગતિવિધિ કે દુશ્મન દેશની હલચલ પર પણ નજર રાખશે.

નોરાડે આજ સુધીમાં અમેરિકા અને કેનેડાની ડિફેન્સ સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો છે. અલબત્ત, તે સર્વાંગ સંપૂર્ણ છે તેવું પણ નથી. તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે ઘટના ઘટી તેની અગાઉથી ચેતવણી આપવામાં તે નિષ્ફળ નીવડયું હતું. ઓસામા બીન લાદેનના હુકમથી આતંકવાદીઓએ ન્યૂયોર્ક ખાતે આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ઉતારુ વિમાન અથડાવી ધ્વસ્ત કરી દીધાં હતાં. આ ઘટના બાદ એ વખતના અમેરિકાના પ્રમુખ બુશના વહીવટીતંત્રની ભારે ટીકા થઈ હતી. જોકે બુશ વહીવટીતંત્રએ એવો ખુલાસો કર્યો હતો કે, અમેરિકાની અંદરના હવાઈ ક્ષેત્ર પર નજર રાખવાનું કામ નોરાડને કદી સોંપવામાં આવ્યું નહોતું. નોરાડ સરહદ પરથી પ્રવેશતાં વિમાનો કે મિસાઈલો પર જ નજર રાખવાનું કામ કરે છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે હુમલો થયો તે તો સ્થાનિક ઉતારુ વિમાનો દ્વારા જ થયો હતો જેનો કબજો ત્રાસવાદીઓએ લઈ લીધો હતો.

ઇતિહાસ એવો છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને કેનેડાને સોવિયેત રશિયાની ન્યુક્લિઅર મિસાઈલોનો ડર રહેતો હતો અને તે કારણે જ અમેરિકા અને કેનેડાએ નોરાડનું ગઠન કર્યું. વાત એમ હતી કે પેસિફિક કે એટલાન્ટિક સમુદ્રમાંથી કોઈ દરિયાઈ જહાજ દ્વારા હુમલો થાય તો તે માટે તો તેમના નૌકાદળની શિપ્સ પાસે અર્લી વોર્નિંગ સિસ્ટમ હતી જ. પરંતુ હવાઈહુમલા સામે આવે પૂર્વ ચેતવણીની સિસ્ટમ નહોતી. તેથી ૧૯૫૦માં સહુથી પ્રથમ અમેરિકા અને કેનેડાએ સાથે મળીને રશિયનોના હુમલાને શોધી કાઢવા રાડાર સ્ટેશન ઊભું કરવા સંમતિ સાધી હતી. તે પછી ૧૯૫૪માં પિનેન્ટ્રી લાઈન તરીકે ઓળખાતા રાડારની શ્રેણી ઊભી કરાઈ. તેના કેનેડા ખાતે ૩૩ રાડાર સ્ટેશનો ઊભાં કરાયાં. તેમાં કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે ૧૯૫૭ સુધીમાં આ રાડાર નેટવર્કનો વિસ્તાર કરવામાં આવ્યો જે મેકગીલ ફેન્સ તરીકે ઓળખાય છે. તેમાં નીચેની ઊંચાઈ પર ઊડતાં યુદ્ધ વિમાનોને શોધી કાઢવા ડોપલર સિસ્ટમ લગાવવામાં આવી હતી. ૧૯૫૭માં ડિસ્ટન્ટ અર્લી વોર્નિંગ લાઈન (ડયૂલાઈન) નામની ત્રીજી સિસ્ટમ ઊભી કરવામાં આવી. આ નેટવર્ક હવે ૫૮ સ્ટેશનોનું થયું. બંને દેશો વચ્ચેનો ‘નોરાડ’ અંગેનો વિધિસરનો કરાર તા.૧૪ મે, ૧૯૫૮ના રોજ થયો.

૧૯૬૦ના ગાળામાં નોરાડમાં ૨૫,૦૦૦ ટેક્નિશિયનો અને નિષ્ણાતો કાર્યરત હતા. તે પછી આ સંખ્યામાં વધઘટ થતી રહી છે. અમેરિકા અને સોવિયેત સંઘ (રશિયા) વચ્ચેના શીતયુદ્ધની સમાપ્તિ બાદ નોરાડાની કામગીરીની પુનઃચકાસણી અને પુનઃઅવલોકન થયું. અમેરિકા કે કેનેડાને હવે રશિયાના આક્રમણનો ભય નથી છતાં બંને દેશોએ ‘નોરાડ’નું અસ્તિત્વ ખતમ કર્યું નથી.

અહીં ‘નોરાડ’ કરતાં બે દેશો વચ્ચેના સહયોગનું વાત વધુ મહત્ત્વની છે.

ભારત માટે તો પાકિસ્તાન અને ચીન જ એક ન્યૂસન્સ છે. ભારતનો પડોશી દેશ પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે તેથી તેના સાથે નોરાડ જેવા સહયોગની કલ્પના પણ કરી શકાય નહીં.

  • devendrapatel.in

Be Sociable, Share!