Close

આંતરરાજય ડોનઃ અખિલેશ સિંહ

રેડ રોઝ | Comments Off on આંતરરાજય ડોનઃ અખિલેશ સિંહ

ડોન.
જેનો કોઈ અંત આવતો નથી. નામો બદલાય છે, સ્વરૂપ બદલાય છે. પેઢીઓ બદલાય છે. ડોનની એક પેઢીનો અસ્ત થાય છે તો બીજી નવી જ પેઢીનો ઉદય થાય છે.
વર્ષો પહેલાં કચ્છમાં ‘તાલબ’નું નામ અખબારમાં ચમક્તું રહેતું. તાલબ કચ્છનો દરિયાકિનારાનો કુખ્યાત દાણચોર હતો. અમદાવાદ જેવા શહેરમાં નવાબખાન એક જાણીતું નામ હતું. લતીફના પણ ઉદય પહેલાં દાદાઓ કે દાદા ખાં સાહેબ નવાબખાન જાણીતા હતા, પરંતુ તેમની સહુથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હિન્દુ-મુસલમાન એકતાના મોટા સમર્થક હતા. ગમે તેવા કોમી તોફાનો વખતે પણ તેઓ તેમના શાહઆલમ વિસ્તારમાં કદી તોફાનો થવા દેતા નહોતા.
એ પછી લતીફના નામનો શહેરમાં ડર હતો. લતીફની પાછળ પોલીસ હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં તે પાંચ મતક્ષેત્રમાંથી ચુંટાયો હતો. આ ઘટના રાજકીય પક્ષો માટે પણ આૃર્ય હતું. લતીફ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યો. જોકે તે એક અલગ સ્ટોરી છે.
આજે અહીં જે કથા પ્રસ્તુત છે તે પણ એક માફિયા ડોનની જ કહાણી છે. તેનું નામ છે અખિલેશ સિંહ. માફિયા ડોન અખિલેશ સિંહ ઝારખંડનો વતની છે. તાજેતરમાં જ ગુરુગ્રામ અને ઝારખંડની પોલીસે એક સંયુક્ત ઓપરેશન કરી ડોન અખિલેશ સિંહને પકડયો છે. રૂ. સાત લાખનું ઈનામ જેના માથા પર છે તેવા ડોન અખિલેશ સિંહ ડીએલએફના વિસ્તારમાંથી તેની પત્ની સહિત પકડાઈ ગયો છે. પોલીસ આવી જતાં તે ભાગવા જતો હતો અને તેણે પોલીસનો સામનો કરવાની કોશિશ કરતાં માફિયા ડોનના પગમાં બે ગોળીઓ વાગી હતી. પોલીસે ઘાયલ અખિલેશ સિંહને પકડી લઈ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
પોલીસ કમિશનર સંદીપ ખિરવારના જણાવ્યા અનુસાર ડોન અખિલેશ સિંહ સુશાંત લોકના એક ગેસ્ટ હાઉસમાં તેની પત્ની સાથે ઉતર્યો હતો. ઝારખંડ પોલીસને મળેલી બાતમીના આધારે રાતના બે વાગે પોલીસે ગેસ્ટ હાઉસ પર દરોડો પાડયો હતો. પોલીસને જોઈને અખિલેશ સિંહે પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં પોલીસે વળતો ગોળીબાર કરતાં અખિલેશ સિંહ ઘવાયો હતો. તે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
માફિયા ડોન અખિલેશ સિંહ અને તેની પત્ની ગરિમા પર સેકટર-૨૯ વિસ્તારમાં હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ થયેલી છે. બનાવટી દસ્તાવેજ બનાવવાનો તથા આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે.
આમ તો ડોન અખિલેશ સિંહ સામે કુલ ૫૬ જેટલા કેસો દાખલ થયેલા છે. તેમાંથી ઘણા બધા કેસોમાં તે મોસ્ટ વોન્ટેડ રહ્યો છે. તેની સામે હત્યા, અપહરણ, લૂંટ, ડકૈતીથી માંડી ખંડણી માંગવાના કેટલાયે કેસ છે. કેટલાયે ઉદ્યોગપતિઓએ તેને ખંડણી ચૂકવી છે પરંતુ ડરના કારણે તેની સામે ફરિયાદ કરી નથી.
ડોન અખિલેશ સિંહ ઝારખંડનો સહુથી મોટો ઈનામી માફિયા ડોન છે. દેશના પાંચ રાજ્યોમાં તેણે બનાવટી નામોથી અબજોની સંપત્તિ ખરીદી છે. ડોન અખિલેશ સિંહ કુલ ૧૦ જેટલાં બનાવટી નામો ધરાવે છે. જેમાં તે (૧) અખિલેશ સિંહ (૨) સંજય સિંહ (૩) મનોજ સિંહ (૪) દિલીપ સિંહ (૫) અરવિંદ શર્મા (૬) હરજીત સિંહ (૭) જસબીર અને અજીત સિંહ મુખ્ય છે. પાંચેય રાજ્યોમાં તે અલગ-અલગ નામોથી જાણીતો છે. રાજ્ય બદલાતા તે ઓળખ બદલી કાઢતો હતો. દરેકના નામો પર તેણે સર્ટિફિકેટ પણ બનાવેલાં છે. મધ્ય પ્રદેશમાં જબલપુરમાં તેણે કોઈ એક નામે ગેસ કનેકશન લીધેલું છે. તેનું મતદાન ઓળખકાર્ડ આરામાં બનેલું છે. ઉત્તર પ્રદેશમાં તે મનોજકુમાર સિંહ અને દિલીપ સિંહના નામો ધરાવતાં ઓળખકાર્ડ ધરાવે છે. એમાં ફોટો અખિલેશ સિંહનો છે પરંતુ પિતાનું નામ કમલાપ્રસાદ લખેલું છે. ઉત્તર પ્રદેશના શ્રીરામનગર કોલોની લખરાળના સરનામે દિલીપ સિંહના નામે ડ્રાઈવિંગ લાયસન્સ લીધેલું છે.
હરિયાણામાં તે અરવિંદ શર્માના નામે જાણીતો છે. અહીંથી તેણે એવી ગેસ કનેકશન જેએમડી ગાર્ડન, ગુરુગ્રામના સરનામાથી લીધેલું છે. જેએમડી એપાર્ટમેન્ટ તેની પત્ની ગરિમા સિંહના નામે છે. ગરિમા સિંહ અને અખિલેશ સિંહના સસરા ચંદન સિંહના નામે ગાજિયાબાદના કેન્સિન્ટન પાર્ક, નોઈડામાં જમીન લીધેલી છે.
જબલપુરમાં તેની ૧૪૩૭ ચોરસ ફૂટ, રજુલ ટાઉનશિપમાં ૧૬૫૦ ચોરસ ફૂટ અને ગુરૈયા ઘાટમાં એક એકર જમીન તેણે ખરીદી છે. દેહરાદૂનમાં મસૂરી ડાયવર્સન રોડ પર (રાયપુર રેસીડેન્સી)માં તેણે એક ફ્લેટ ખરીદેલો છે. પાન કાર્ડમાં અજીત સિંહ નામ છે. ૩૯ વર્ષનો માફિયા ડોન અખિલેશ સિંહ ઝારખંડના જ પોલીસ સબ ઈન્સ્પેકટરનો પુત્ર છે. તે પહેલાં તે એક કોચ હતો. અપરાધની શરૂઆત તેણે એક અપહરણથી શરૂ કરી હતી. તે પછી તેણે ડઝનબંધ હત્યાઓ, અપહરણ, લૂંટ, ડકૈતી અને ખંડણીની ઘટનાઓને અંજામ આપ્યો.
૨૦૦૧માં તેણે એક વેપારીનું અપહરણ કર્યું. ૨૦૦૨માં તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો. ૨૦૦૪માં તે બિહારના બકસરમાંથી પકડાયો.
૨૦૦૧માં તે દર મહિને રૂ. એક કરોડની ખંડણી ઉઘરાવતો હતો. ૨૦૦૬માં તેણે એક વેપારીની હત્યા કરી નાંખી. ૨૦૦૭માં તેણે એક જૂતાના વેપારીનું ખૂન કરી નાંખ્યું. ૨૦૦૮માં એક જજ પર ફાયરિંગ કર્યું. ૨૦૦૮માં એક કંપનીના અધિકારીને મારી નાંખ્યો. ૨૦૦૯માં જેલમાં જ એક કેદીની હત્યા કરી નાંખી. આમ તે અપરાધો પર અપરાધ કરતો રહ્યો અને ૧૬ વર્ષના તેના ગુનાખોરીના સમયગાળા દરમિયાન તે રૂ. સાત લાખનો ઈનામી ડોન બની ગયો.
પોલીસે તેની પાસેથી ૧૨ મોબાઈલ ફોન, ૩૩ સીમ કાર્ડ, બે પિસ્તોલ અને લેપટોપ પણ કબજે કર્યાં છે.
તે હવે પોલીસના સકંજામાં છે. પરંતુ એક ડોન પકડાશે તો બીજો ડોન પેદા થશે. આ સિલસિલો ક્યારે અટકશે? ડોન મરતો નથી, ડોન અમર છે, કેમ?
www.devendrapatel.in

Be Sociable, Share!