Close

આખી દુનિયા સાથે ખતરનાક ખેલ ખેલનાર કપટી ચીનનો વૈશ્વિક બહિષ્કાર જરૂરી

રેડ રોઝ | Comments Off on આખી દુનિયા સાથે ખતરનાક ખેલ ખેલનાર કપટી ચીનનો વૈશ્વિક બહિષ્કાર જરૂરી

ચીન એક પણ મિસાઈલ છોડયા વિના જાણે કે અજાણે કોરોના વાઇરસના જીવાણુશસ્ત્રના કારણે રોજ અમેરિકામાં ૧૫૦૦થી વધુ, ઈટાલીમાં ૯૦૦થી વધુ અને સ્પેનમાં રોજ ૭૦૦થી વધુ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે. ચીને ૨૦૦ જેટલા દેશોના નિર્દોષ નાગરિકોને વિના કારણે મોતને ઘાટ ઉતાર્યા છે. વિશ્વના હજારો પરિવારોએ તેમનાં પ્રિય સ્વજનો ગુમાવ્યાં છે. ઠેરઠેર આંસુ છે. ઠેરઠેર રુદન છે. કેટલાક દેશોમાં તો એવી પરિસ્થિતિ છે કે કોણ કોને છાનું રાખે. બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ કેર દુનિયામાં ફેલાયેલો છે. બીજા વિશ્વયુદ્ધમાં તો જર્મનીના એડોલ્ફ હિટલરના જુલ્મોનો ત્રાસ થોડા જ દેશો સુધી મર્યાદિત હતો પરંતુ ચીનના કોરોના વાઇરસે તો આખી દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે.

ચીનના વિશ્વ સાથેના આ કપટના કારણે લોકોને હવે ચીનના વડા શી જિંનપિંગનો ચહેરો પણ જોવો ગમતો નથી. મનોવૈજ્ઞાનિકો જ એના ચહેરાનું પૃથક્કરણ કરી શકે. ચીન જાણતું હતું કે વુહાનની વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં શાના પ્રયોગો થઈ રહ્યા છે. એ પ્રયોગો દરમિયાન ચીનમાં જ કોરોના વાઇરસનો ભોગ તેમના જ દેશનો એક નાગરિક બન્યો. આ ઘટનાની ચેતવણી ચીનના જ એક ડોક્ટરે આપી તો ચીનની સરકારે તે ડોક્ટરને જ જેલમાં પૂરી દીધો. ચીને એ વખતે જ દુનિયાને ખબરદાર કરી દેવાની જરૂર હતી પણ તેણે તેમ કર્યું નહીં અને હવે આખી દુનિયા ચીને પેદા કરેલા સંકટમાં ફસાઈ ગઈ છે. પાછલાં વર્ષોમાં માનવજાતિએ કોરોના વાઇરસ જેવી ત્રાસદી જોઈ નથી. વિશ્વમાં જે માનવસંહાર અને આર્થિક નુકસાન થયું છે તેની ભરપાઈ વર્ષો સુધી શક્ય નથી.

ચીન પોતાની ભૂલ અથવા તો એના ઈરાદાપૂર્વકના કૃત્યને છુપાવી રાખીને કોરોના વાઇરસના ઉપદ્રવ અને તેના ફેલાવા માટે અમેરિકાને દોષિત ઠેરવી રહ્યું છે જે હળાહળ જૂઠ છે. ચીનની આ દલીલ ‘સ્કૂલબોય પોલિટિક્સ’ જેવી લાગે છે. શાળામાં એક માથાભારે છોકરો બીજા છોકરાને મારી જાય અને ફરિયાદ હેડ માસ્ટર સુધી પહોંચે ત્યારે માથાભારે છોકરો ઉલટું બોલેઃ ‘ના, સાહેબ, મને જ આ છોકરાએ માર્યો છે.’

ચીનની આ અવળચંડાઈ પ્રથમ વખત જોવા મળી નથી. ૧૯૬૨માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીનના વડા ચાઉ એન લાઈને ભારત બોલાવી ‘હિન્દી ચીની ભાઈભાઈ’ના નારા પોકારાવ્યા હતા અને બીજા જ દિવસે ચીને ભારત પર આક્રમણ કરી દીધું હતું. ચીને હડપ કરેલી ભારતની જમીન ચીન આજે પણ ભારતને પાછી આપતું નથી.

ચીન જૂઠું બોલવામાં અને સત્યને છુપાવવામાં માહેર છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે ખરેખર કેટલા માણસો મૃત્યુ પામ્યા તે સાચા આંકડા કદીયે બહાર નહીં આવે.

૧૯૯૦ના ગાળામાં ચીનના હૈનાન પ્રાંતમાં એચઆઈવી મહામારી બહાર આવી હતી, જે બ્લડ ગ્રૂપ અને બ્લડ પ્લાઝમાના સંગ્રહ સાથે થયેલી ગરબડ હતી. એ કારણે હજારો લોકોના જીવ જતા રહ્યા અને ચીન આ ઘટનાને છુપાવતું રહ્યું. ૨૦૦૨ના અંતમાં ચીનમાં ‘સાર્સ’ મહામારીનો આરંભ થયો અને આખી દુનિયામાં ફેલાઈ ગયો. બીજિંગને આ સત્ય સ્વીકારતાં પાંચ મહિના લાગ્યા.

ચીનમાં લોકતંત્ર નથી. એક જ સામ્યવાદી પક્ષનું શાસન છે. સરકાર વિરોધી બોલવાની છૂટ નથી. મુક્ત અખબારો કે સ્વતંત્ર ન્યૂઝ ચેનલ્સ નથી. ૧૯૮૯માં ચીનના વિદ્યાર્થીઓએ બિજિંગના તિયાનામેન સ્કેવર ખાતે લોકતંત્રની માંગણી કરતા દેખાવો કર્યા ત્યારે ચીનની કમ્યુનિસ્ટ સરકારે તેમના જ દેશના વિદ્યાર્થીઓ પર ટેન્કો ચલાવી વિદ્યાર્થીઓને કચડી નાંખ્યા હતા. ચીનનું આ વલણ હોંગકોંગમાં પણ જોવા મળ્યું. ચીનના વડા શી જિંનપિંગના ચહેરા પર હંમેશાં સ્મિત હોય છે પરંતુ તેમના દિમાગની ભીતર ખતરનાક યોજનાઓ આકાર લેતી હોય છે તેનો અનુભવ ભારત સહિત આખી દુનિયાને હવે થઈ રહ્યો છે. સરદાર સાહેબ ચીન પર જરાયે વિશ્વાસ મૂકતા નહોતા. તે પછી દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝે ચીનને ભારતના દુશ્મન નંબર-૧ કહ્યા હતા. એ બંને જણ સાચા હતા. હવે ચીનના કોરોના વાઇરસે દુનિયાના હજારો લોકોના જીવ લઈ લીધા છે. હવે જે બેરોજગારી આવવાની છે તેની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

શું કરવું?  

આ વાત આખા વિશ્વએ વિચારવાની છે. ચીન હવે કોઈ એક દેશનું દુશ્મન નથી પરંતુ પૃથ્વી પર વસતી સમગ્ર માનવજાતનો દુશ્મન દેશ છે. હા, તેમાં ચીનની પ્રજા નહીં પરંતુ ચીનના શાસકો જ જવાબદાર છે. હવે જરૂર છે ચીનની સાન ઠેકાણે લાવવાની.

કેવી રીતે?  

આ યુદ્ધ હવે બંદૂકો, ટેંકો, મિસાઈલો કે બોમ્બથી લડવાનો સમય રહ્યો નથી. એ પરંપરાગત યુદ્ધનો સમય હવે જતો રહ્યો છે. ચીનની સાન ઠેકાણે લાવવી હોય તો ગામડાની ભાષામાં કહી શકાય કે તેને નાતબહાર મૂકો. બીજા શબ્દોમાં કહી શકાય કે આખી દુનિયા એક થઈ ચીનનો આર્થિક, રાજકીય અને સામાજિક બહિષ્કાર કરે. ચીન પાસે જંગી કારખાનાં છે. તેમાં પેદા થતો કન્ઝયુમર પ્રોડક્ટનો માલ ચીનમાં વેચાય છે તે કરતાં વિશ્વમાં અનેક ગણો વેચાય છે. દુનિયાના ચીનથી ત્રસ્ત તમામ દેશો એક થઈ ચીનના માલનો સંપૂર્ણ બહિષ્કાર કરે તો ચીનની આર્થિક કમર ભાંગી જાય તેમ છે. ચીનના કોરોના વાઇરસનો ભોગ બનેલા યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશો ચીનથી આવતા તમામ માલ પર પ્રતિબંધ મૂકી દે તો ચીન સીધું દોર થઈ જાય. ઘરઆંગણે બનતો માલ ભલે મોંઘો પડે પરંતુ દરેક દેશના નાગરિકોએ સ્વદેશી માલ ખરીદવાનું રાષ્ટ્રાભિમાન હવે કેળવવું પડશે. ગાંધીજીએ અંગ્રેજો સામે લડવા આ જ રસ્તો અપનાવ્યો હતો. ભારતનું રૂ ઇંગ્લેન્ડ જતું અને બ્રિટનની મિલો કપડું તૈયાર કરી ભારતમાં મોકલતી. ગાંધીજી આ વાત સમજી ગયા હતા અને તેથી તેમણે જાહેરમાં વિદેશી વસ્ત્રો અને વિલાયતથી આવતા માલની હોળી કરાવી વિદેશી માલનો બહિષ્કાર કરવા ભારતની પ્રજાને અપીલ કરી હતી. આજથી ૧૦૦ વર્ષ પહેલાંના એ સમયે અમદાવાદમાં વકીલાત કરી રહેલા સરદાર સાહેબ મહિને રૂ.૪૦ હજારની પ્રેક્ટિસ કરતા હતા છતાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે પણ પોતાનાં કોટ-પાટલૂન ફગાવી દઈ ભારતમાં જ પેદા થતી ખાદી અપનાવી હતી અને આજે પણ ગાંધીજીના એ વિચારો આ મુદ્દા પર સાંપ્રત છે. યુરોપ-અમેરિકા સહિતના દેશોના નાગરિકોએ પણ ચીનના માલનો બહિષ્કાર કરીને તેમના જ દેશમાં બનતી ચીજવસ્તુઓ દ્વારા ચલાવી લેતા શીખવું પડશે. ભારતના હોલસેલર્સ પણ ચીનથી આવતો માલ મંગાવવાનો બંધ કરે. કોઈ મંગાવે તો સરકાર ચીનથી આવતા માલ પર ૧૦૦૦ ગણી ડયૂટી નાંખી દે એટલે ચીનનો માલ સસ્તો રહે જ નહીં.

એ જ રીતે ચીનના કોરોના વાઇરસથી સહુથી વધુ ત્રસ્ત અમેરિકા, યુરોપ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારાવાળા દેશોને સાથે રાખી ચીનના આ ભયાનક કૃત્ય અંગે સંયુક્ત નિવેદન કરી ચીન પાસે જવાબ માંગે. ચીનના વડાને પોતાના દેશમાં બોલાવવાનું બંધ કરી તેનો સામાજિક બહિષ્કાર કરે. ચીનની પ્રજાની ભીતર જ ચીનના પ્રવર્તમાન શાસકો પ્રત્યે નફરત થાય તે માટે આ પગલાં જરૂરી છે. ચીનની પ્રજા ભૂખે મરશે એટલે શી જિનપિંગ પાસે જવાબ માંગશે કે ‘અમને વાઇરસ નહીં પણ ભોજન જોઈએ છે.’

સંયુક્ત રાષ્ટ્રસંઘને લાગેવળગે છે ત્યાં સુધી તેની તાકાત મર્યાદિત જ છે વળી ચીનનો સલામતી સમિતિમાં વીટોનો અધિકાર છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ચીન સામે કોઈ પગલાં ભરવા સક્ષમ છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે

DEVENDRA PATEL

Be Sociable, Share!