Close

આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં એ `હિમ માનવી’ની હત્યા કોણે કરી? હિમાલયનાં શિખરો પર હિમ માનવીનું અસ્તિત્વ હતું?

રેડ રોઝ | Comments Off on આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં એ `હિમ માનવી’ની હત્યા કોણે કરી? હિમાલયનાં શિખરો પર હિમ માનવીનું અસ્તિત્વ હતું?
ભારત, નેપાળ, તિબેટ અને કેટલાક અન્ય દેશોમાં રહેતા લોકોનું માનવું છે કે `હિમ માનવી’ એટલે કે `યેતિ’ નામની કોઈ વ્યક્તિ આજે પણ હિમાલયમાં છુપાયેલી છે. હિમ માનવીને અંગ્રેજીમાં `સ્નોમેન’ અથવા `આઈસમેન’ કહે છે. એને માનવીની જ એક પ્રકારની નસ્લ માનવામાં આવે છે કે જે બર્ફીલી ગુફાઓમાં રહે છે. તે હિમ માનવીને કોઈનોય ડર નથી. હિમ માનવી સફેદ રંગના અને મોટા વાળવાળા છે. તેમની ઊંચાઈ ૨૦ ફૂટ જેટલી હોવાનું કહેવાય છે. કેટલાંક વર્ષો પૂર્વે ભારતીય લશ્કરે પણ હિમાલયની બર્ફીલી સપાટી પર હિમ માનવીનાં પગલાં જોયાં હોવાની વાત વહેતી થઈ હતી. ભારતીય લશ્કરના એક દળના કેટલાક જવાનોનું કહેવું હતું કે તેમણે ૩૨X૧૫ ઈંચવાળા હિમ માનવીનાં પગલાં જોયાં હતાં. કહેવાય છે કે વર્ષો પહેલાં તે જવાનોએ તેની તસવીરો પણ શૅર કરી હતી. હિમ માનવીના આકાર અંગે પૂરી દુનિયામાં જાતજાતની કહાણીઓ ચાલે છે પરંતુ અસલી હકીકત શું છે તેની કોઈનેય ખબર નથી. હિમાલયની કંદરાઓમાં રહેતા કેટલાયે લોકોએ હિમ માનવીને જોયા હોવાની વાતો પણ સામે આવેલી છે. કહેવામાં આવે છે કે હિમ માનવીનું શરીર વાંદરા જેવું છે અને શરીર પર પુષ્કળ વાળ હોય છે. તેમની ખાસિયત એ છે કે હિમ માનવી માનવીની જેમ જ ચાલે છે. નેપાળમાં હિમ માનવીને `યેતિ’ કહે છે.
ભારતીય લશ્કરના એક દળે આ વાત કરી તે પહેલાં ૧૮૮૨માં બંગાળની એશિયાટિક સોસાયટીના એક પર્વતારોહકે દાવો કર્યો હતો કે તે હિમાલય પર ટ્રેકિંગ કરી રહ્યો હતો ત્યારે તેના ગાઈડે એક મોટો માનવી નિહાળ્યો હતો જે બે પગે ચાલી રહ્યો હતો. જોકે પર્વતારોહકે પોતે એ હિમ માનવી જોયો નહોતો. હિમ માનવી જોવાનો દાવો તેમના ગાઈડે કર્યો હતો. આવા હિમ માનવીનું અસ્તિત્વ છે કે કેમ તેના નક્કર પુરાવા નથી મળ્યા પણ હિમ માનવીનું અસ્તિત્વ નથી જ એમ પણ માનવા કેટલાક તૈયાર નથી.
આખું વિશ્વ અનેક પ્રકારનાં રહસ્યોથી ભરેલું છે. પૃથ્વી પર માનવી પેદા થયો પરંતુ અબજો વર્ષ પૂર્વે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે માનવી અસ્તિત્વમાં આવ્યો તે પહેલાં તે વાંદરો હતો. સમયના વહેણ સાથે વાંદરાનું ધીમેધીમે માનવીમાં રૂપાંતર થયું પરંતુ કરોડો વર્ષ પૂર્વે પૃથ્વી પર અજબગજબનાં પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં. કેટલાક લોકો માને છે કે કરોડો વર્ષ પૂર્વે `અશ્વ માનવી’ઓ પણ હતા. કરોડો વર્ષ પૂર્વે કેટલાંક વૃક્ષો ગીતો પણ ગાતાં. કેટલીક દંતકથાઓ એવી છે કે કરોડો વર્ષ પૂર્વે કોઈ ગાઢ જંગલમાંથી પસાર થતા માનવીને ભયાનક વૃક્ષોના વેલાઓ લપેટી લેતા અને માનવીને મારી નાંખતા હતા. કેટલીક દંતકથાઓમાં પણ ભાતભાતની વાતો છે. તેમાં એક વાત એવી છે કે કેટલાંક પ્રાણીઓ મોટી પાંખો સાથે ઊડી શકતાં હતાં.
એક વાત એવી છે કે ઘણાં વર્ષો પહેલાં હિમાલયનાં શિખરો પર સમાધિમાં બેઠેલા મુનિઓ સમાધિમાં જ  બેઠાં બેઠાં એક શિખર પરથી બીજા શિખરે જઈ શકતા હતા. પૃથ્વી પેદા થઈ તે પછી એની સપાટી પર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી અને આજના તબક્કે પહોંચી તે પહેલાં જીવસૃષ્ટિ અજબગજબની આકૃતિઓ, રચનાઓ અને પ્રકારમાંથી પસાર થઈ છે.
પરંતુ આજે કોઈ જમાનાના હિમ માનવીની
વાત કરવી છે.
કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં પૃથ્વી પર હિમ માનવી અર્થાત્ આઈસમેન હતા. કાળાંતરે બરફ પીગળ્યો. ગ્લેસિયર્સ પીગળી ગયાં અને હિમ માનવીનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. અલબત્ત, આજે પણ કેટલાક સંશોધકો હિમાલયનાં બરફાચ્છાદિત શિખરો પર હિમ માનવી હોવાનું માને છે. કેટલાકે હિમ માનવીનાં પગલાં પણ જોયાં હોવાનો દાવો કરવામાં આવે છે.
આજે આવા જ એક હિમ માનવીની વાત છે. ઈટાલીમાં બોલ્ઝાનો ખાતે એક મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં આલપ્સની બરફાચ્છાદિત પહાડીઓ પરથી મળેલા એક હિમ માનવીના મમી (મૃતદેહ)ને સાચવી રાખવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનાં વડાં તરીકે શ્રીમતી એન્જેલિકા ફ્લેકીન્જર છે.
છેલ્લાં ૨૫ વર્ષથી આ મ્યુઝિયમના કોલ્ડ સ્ટોરેજમાં જે હિમ માનવીના મમીને રાખવામાં આવ્યું છે તે આઈસમેનને `ઓરઝી’ એવું નામ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ વિશ્વનું એકમાત્ર યોગ્ય રીતે સચવાયેલું આઈસમેનનું મમી-મૃતદેહ  છે. ઈ.સ. ૧૯૯૧માં ઓસ્ટ્રિયા પાસે આવેલી ઈટાલીની સરહદ પાસેના પર્વત પરથી ગ્લોબલ વોર્મિંગના કારણે ખુલ્લા થઈ ગયેલા આઈસમેનના મમીને શોધી કાઢવામાં આવ્યું હતું.
આ હિમ માનવી કેવી રીતે મૃત્યુ પામ્યો તેના પર સંશોધન થઈ રહ્યું છે. તેના અનેક એક્સ ર- લેવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો એવી ફલશ્રુતિ પર આવ્યા છે કે, આ મમી પૃથ્વી પરના તામ્ર યુગનું હોવું જોઈએ.
સંશોધકો માને છે કે, આ મમી જિસસ ક્રાઈસ્ટના જન્મ પૂર્વે ૩૩૦૦ વર્ષ પુરાણું એટલે કે આજથી લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું હોવું જોઈએ.
મ્યુનિકના પોલીસ ઈન્સ્પેક્ટર મિ. હોર્ન પણ આ હિમ માનવી કેવી રીતે મૃત્યુ પામ્યો તેના પર સંશોધન કરી રહ્યા છે. તેઓ માને છે કે વિશ્વનું સહુથી સારી રીતે સચવાયેલું આ મમી છે. આ મૃતદેહના અંદરના અવયવો પણ બરાબર સચવાયેલા છે. તેમને ખાસ પ્રકારના રસાયણથી સાચવવામાં આવ્યા છે.
કહેવાય છે કે આ હિમ માનવીના મૃત્યુ બાદ બરફની ગ્લેસિયર્સના કારણે જ તેનો મૃતદેહ બરાબર સચવાયેલો રહ્યો હતો. બરફ પરના ભેજના કારણે તેના અવયવો અને તેની ત્વચા બરાબર જળવાઈ રહી છે.
સંશોધકોએ આ મમીનો અભ્યાસ કર્યા પછી એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, ઓરઝી નામના આ હિમ માનવની હત્યા કરવામાં આવી હશે. આજના સંશોધકો પણ મોટાભાગની હત્યાઓના કેસમાં ફોરેન્સિક સાયન્સ પર ખૂબ આધાર રાખે છે પરંતુ આ હિમ માનવીની હત્યાના કેસમાં વધુ ઊંચી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં આર્કિયોબોટની તથા પોલિયો મેટલર્જી જેવી એક્સોલિક સ્પેશિયાલિટીઝનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ મૃતદેહના તલસ્પર્શી અભ્યાસ બાદ તેની હત્યાની તારીખ પણ વૈજ્ઞાનિકો નક્કી કરી શક્યા છે. તેઓ માને છે કે આ હિમ માનવીનું મોત એ વખતની વસંતની આખરમાં કે ગ્રીષ્મના આરંભમાં થયું હોવું જોઈએ.
બીજું મહત્ત્વનું સંશોધન એ છે કે, મૃત્યુના બે દિવસ પહેલાં આ હિમ માનવીએ ત્રણ વખત અલગ અલગ સમયે ભોજન લીધું હશે. તે પછી તે પર્વત પરથી ૬૫૦૦ ફૂટ નીચે ઊતર્યો હોવો જોઈએ. તેની હત્યાની ક્રાઈમ સાઈટ ૧૦,૫૦૦ ફૂટની ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. મરનાર આ હિમ માનવીના શરીરના પાછળના ભાગે ઘા થયેલો છે. શક્ય છે કે કોઈએ પાછળથી તેને ભાલો માર્યો હોવો જોઈએ. તેના હાથ પર પણ ઈજાઓ થયેલી છે. તેના અંગૂઠા અને આંગળીઓ પર પણ વાગેલું છે.
મ્યુનિકના પોલીસ ઈન્સ્પેક્ટર મિ. એલેકઝાન્ડર હોર્ન માને છે કે બહાર ગયેલો `ઓરઝી’ નામનો આ હિમ માનવી તેના ગામ પાછો ફર્યો હોવો જોઈએ અને તે પછી કોઈ હિંસાનો ભોગ બન્યો હોવો જોઈએ. તેણે હુમલો થયા પછી બચાવ કરવાનો પણ પ્રયાસ કર્યો હોવો જોઈએ. એ સિવાય તેના શરીર પર બીજે ક્યાંય ઈજાઓ દેખાતી નથી.
૫૦૦૦ વર્ષ પહેલાં થયેલી હત્યાનો આજે ભેદ ઉકેલી રહેલા ઈન્સ્પેક્ટર એલેકઝાન્ડર હોર્ન માને છે કે જે કોઈની પણ સાથે આ હિમ માનવીની લડાઈ થઈ હશે તેમાં પોતે ઈજા પામ્યો હોવા છતાં તે જ વિજેતા બન્યો હોવો જોઈએ.
તે પછી તે ચાલ્યો ગયો હશે. કોઈએ તેને ખાવાનું પણ આપ્યું હશે. એણે ખોરાક એક પાંદડામાં લપેટ્યો હોવો જોઈએ. તે પછી કોઈ એક જગાએ બેસીને તેણે ભોજન લીધું હોવું જોઈએ. એ એનું છેલ્લું ભોજન હોવું જોઈએ.
સંશોધનના આધારે મ્યુનિકના ઈન્સ્પેક્ટર માને છે કે ઓરઝીના જમી લીધાના અડધો કલાક બાદ જેની સાથે લડાઈ થઈ હતી તે હિમ માનવી ફરી તેને શોધતો શોધતો અહીં આવ્યો હશે અને પાછળથી તેના પર તીક્ષ્ણ બાણથી હત્યા કરી નાખી હોવી જોઈએ. આ તીર ૧૦૦ ફૂટ દૂરથી છોડવામાં આવ્યું હોવું જોઈએ. આ તીર તેના હાથની નીચેના ભાગમાં ઘૂસી ગયું હોવું જોઈએ જેણે તેના શરીરની મુખ્ય નસને કાપી નાંખી હોવી જોઈએ. આ હુમલો ઓરઝી માટે જીવલેણ સાબિત થયો હોવો જોઈએ. એ જમાનામાં આવા ઊંડા ઘા માટે કોઈ સારવારની વ્યવસ્થા નહોતી અને પુષ્કળ લોહી વહી જવાના કારણે તે મૃત્યુ પામ્યો હોવો જોઈએ.
સંશોધકો માને છે કે હુમલાખોરનું લક્ષ્ય આ હિમ માનવીનું મોત નિપજાવવાનું જ હોવું જોઈએ અને તેમ કરવામાં તે સફળ થયો.
૫૦૦૦ વર્ષ પહેલાં જેની હત્યા થઈ હોવાનું મનાય છે તેવા હિમ માનવીના ખૂનકેસની આજના પોલીસ અધિકારી તપાસ કરી રહ્યા છે તે પણ સાંપ્રત વિજ્ઞાન અને અન્વેષણની નવી ક્ષિતિજ છે. 

Be Sociable, Share!