Close

આજથી ૮૦૦ વર્ષ પૂર્વે મંગોલિયન શાસક ચંગેજ ખાને ૪ કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

રેડ રોઝ | Comments Off on આજથી ૮૦૦ વર્ષ પૂર્વે મંગોલિયન શાસક ચંગેજ ખાને ૪ કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા
યુદ્ધ કદી શાંતિ લાવતું નથી.
રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને બે વર્ષ કરતાં પણ વધુ સમય થયો. આ યુદ્ધના કારણે બે લાખ લોકોનાં મોત નીપજ્યાં છે છતાં આ યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાના કારણે એકલી ગાઝા પટ્ટી પર ૩૦ હજાર લોકોનાં મોત નીપજ્યાં છે છતાં યુદ્ધવિરામ થતો નથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે ૬૦ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે અગાઉ ચીનમાં ક્રાંતિના નામે માઓ-ત્સે-તુંગે ૪૦ લાખ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ યુદ્ધના ભયની પરંપરામાં આજે એક એવી વ્યક્તિની વાત કરવી છે જેણે આજથી ૮૦૦ વર્ષ પૂર્વે પૃથ્વી પરથી ચાર કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તે શાસકનું નામ હતું- ચંગેજ ખાન.
ચંગેજ ખાનના નામમાં `ખાન’ આવે છે પરંતુ તે મુસલમાન નહોતો.
ચંગેજ ખાનનું મૂળ નામ તૈમુજીન હતું. તે પછી તે ચંગેજ ખાન તરીકે ઓળખાયો. ચંગેજ એટલે `વિશ્વ’ અને `ખાન’ એટલે સમ્રાટ. આ રીતે તૈમુજીનને `ચંગેજ ખાન’ તે અપાયેલું ટાઈટલ હતું. તેના આખા નામનો અર્થ થાય છે `વિશ્વ સમ્રાટ.’
તેનો જન્મ મંગોલિયામાં આશરે ઈ.સ. 1162માં મંગોલ પ્રજાની એક ટ્રાઈબમાં થયો હતો. એણે યુવાનીમાં જ એક ડઝન જેટલી એ જમાનાની મંગોલ ટ્રાઈબ્સને એક કરી એક શક્તિશાળી સેના ઊભી કરી હતી. તે એ જમાનાનો એક શક્તિશાળી અને બર્બર શાસક હતો. સેન્ટ્રલ એશિયામાં આવેલા મંગોલ સામ્રાજ્યને એણે ૧૧ મિલિયન ચોરસ કિલોમીટર સુધી વિસ્તાર્યું હતું અને તે પણ ઘોડેસવાર સૈનિકોના સૈન્ય દ્વારા. ચંગેજ ખાને તેનું સામ્રાજ્ય કોરિયાથી માંડીને ઈરાન અને ઉઝબેકિસ્તાન સુધી વિસ્તાર્યું હતું. ચંગેજ ખાને તેનું સામ્રાજ્ય મિડલ ઈસ્ટ ઈજિપ્ત અને પોલેન્ડ સુધી વિસ્તાર્યું હતું. છેક ઈરાન સુધી તે પહોંચી ગયો હતો અને ઈરાનમાં પણ તેણે મોટો નરસંહાર કર્યો હતો. એણે એ સમયે પૃથ્વીનો ૨૨ ટકા ભૂ- ભાગ જીતી લીધો હતો.
ચંગેજ ખાન જ્યાં પણ જાય ત્યાંની પ્રજાને લૂંટી પ્રદેશોના શાસકોની પત્નીઓને ઉપાડી લાવતો હતો અને જે તે વિસ્તારની સ્ત્રીઓને પકડી તેમને પોતાના સૈનિકોને સોંપી દેતો હતો.
ચંગેજ ખાનનું જીવન અનેક આશ્ચર્યોથી ભરેલું હતું. એણે ૧૪ વર્ષની ઉંમરે જ તેના મોટા ભાઈની હત્યા કરી નાંખી હતી. એનું કારણ એના ભાગનું ભોજન એનો મોટો ભાઈ ખાઈ જતો હતો. માત્ર ૧૨ વર્ષની ઉંમરે તેનું લગ્ન બોરતે નામની છોકરી સાથે કરી દેવામાં આવ્યુ હતું, પરંતુ તેની પત્નીનું અપહરણ થઈ જતાં ચંગેજ ખાને અપહરણ કરી જનારા શાસકના રાજ્યના લાખો લોકોની હત્યા કરી દીધી હતી.
૨૦ વર્ષની ઉંમર સુધીમાં તો તે શક્તિશાળી યોદ્ધા બની ગયો હતો.
ચંગેજ ખાનનું કોઈ અધિકૃત ચિત્ર ઉપલબ્ધ નથી પરંતુ પાછળથી કેટલાક લોકોએ કરેલા વર્ણન પ્રમાણે તે ઊંચો અને ક્રૂર દેખાવ તેવી સખત આંખો ધરાવતો શક્તિશાળી વ્યક્તિ હતો. તેની આંખો લીલી અને વાળ લાલ હતા.
ચંગેજ ખાન જેમ જેમ વયસ્ક થતો ગયો તેમ તેમ તેણે અનેક નવા સાથીઓ એકત્ર કર્યા હતા અને શક્તિશાળી મંગોલ સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો.
ચંગેજ ખાનને ૫૦૦થી વધુ પત્નીઓ હતી અને એ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં એ વિસ્તારની સ્ત્રીઓને પત્ની બનાવતો ગયો. એવો અંદાજ છે કે આજે દોઢ કરોડ લોકો ચંગેજ ખાનનું ડીએનએ ધરાવતા વંશ વારસો છે.
કહેવાય છે કે ચંગેજ ખાન જે જે અન્ય રાજ્યો પર આક્રમણ કરતો તે પહેલાં ત્યાંના શાસકને મંગોલ સામ્રાજ્યના બેનર હેઠળ આવવાની તક આપતો પણ જે તેના તાબે ન થાય તેને તબાહ કરી દેતો હતો.
ચંગેજ ખાન એક ક્રૂર શાસક હતો અને છતાં કેટલાક ઇતિહાસકારો તેને `સિલ્ક રૂટ’ને એક શાસન હેઠળ લાવવાનો શ્રેય આપે છે. આ સિલ્ક રૂટ પૂર્વોત્તર એશિયાથી માંડીને મુસ્લિમ દક્ષિણ એશિયા અને ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળના યુરોપ સુધી વિસ્તરેલો ગણાય છે. આ રીતે ત્રણ સાંસ્કૃતિક ક્ષેત્ર સુધી તેણે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું.
ચંગેજ ખાનના જીવન અંગે કેટલીક હેરતભરી વાતોનો પણ ઉલ્લેખ છે. કહેવાય છે કે તેનો જન્મ થયો ત્યારે તેની ડાબી હથેળી પર લોહીના ડાઘ હતા. ચંગેજ ખાન માત્ર આઠ વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. તેનો આખો પરિવાર ગરીબીમાં સરકી પડ્યો હતો. આમ છતાં અનેક પ્રકારના સંઘર્ષ બાદ તેઓ જીવતાં રહ્યાં હતાં. એમની જ ટ્રાઇબે તેમને એકલાં તરછોડી દીધા હતા. પણ સમય અને સંજોગો સાથે તેનો પરિવાર લડતો રહ્યો હતો.
ચંગેજ ખાન યુવાન બનતાં તેણે સાથીઓ બનાવવાનું શરૂ કર્યું હતું. એણે અન્ય મંગોલિયન નેતાઓ સાથે જોડાણ કર્યું અને પોતાની એક આગવી તાકાત ઊભી કરી હતી. તે પછી આસપાસના વિસ્તારો પર આક્રમણ શરૂ કરી દીધાં હતાં.
કહેવાય છે કે ચંગેજખાન એક જબરદસ્ત યોદ્ધા હોવા ઉપરાંત જિનિયસ પણ હતો.
શરૂઆતમાં જમૂકા નામનો એક શક્તિશાળી યોદ્ધા તેનો મિત્ર હતો, પરંતુ પાછળથી તે તેનો શત્રુ બની ગયો હતો. આ સમયગાળા દરમિયાન તેણે સુસંગઠિત સૈન્ય તૈયાર કરી દીધું હતું. ઈ.સ.૧૨૦૬ની સાલમાં તેણે જમૂકા અને નેપન લોકોને હરાવ્યા તે પછી તે એ વિસ્તારનો શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યો હતો અને તેનું પ્રભુત્વ જોયા બાદ મંગોલ કબીલાના સરદારોએ તેને `તૈમુજીન’ના બદલે `ચંગેજ ખાન’ તરીકે એટલે કે `વિશ્વસમ્રાટ’ તરીકે સંબોધવાનું ચાલુ કર્યું હતું.
ચંગેજ ખાને એના સમયમાં ચીનનો પણ ઘણોબધો વિસ્તાર જીતી લીધો હતો. એ સમયે ચીન ત્રણ વિભાગોમાં વિભક્ત હતું. ૧. ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં તિબેટી મૂળના સી-લિયા લોકો (૨) જરચેન લોકો કે જે ચીની રાજવંશમાંથી આવતા હતા અને (૩) શુંગ રાજવંશ કે જ દક્ષિણ ચીન વિસ્તારમાંથી આવતો હતો. ઈ.સ.૧૨૦૬માં તેણે સી-લિયા લોકોને પરાસ્ત કરી દીધા. ઈ.સ.૧૨૧૯-૧૨૨૧ દરમિયાન કેટલાંયે મોટાં રાજ્યો જેવાં કે ઓટ્રાસ, બુખારા, સમરકંદ, બલ્ખ, ગુરગંજ, મર્વ, નિશાપુર અને હેરાતની સેનાઓએ મોંગોલ સેના સામે આત્મસમર્પણ કરી દીધું પરંતુ આ દરમિયાન ચંગેજ ખાનની મોંગોલ સેનાએ બર્બરતાપૂર્વક લાખો લોકોને મારી નાંખ્યા.
ચંગેજ ખાને હવે ભારત તરફ પણ પ્રસ્થાન કર્યું. ચંગેજખાને પેશાવર અને ગજની કબજે કરી લીધું અને ખ્વારિજમ વંશના શાસક અલાઉદ્દીન મોહંમદને સાગર તરફ ભાગવા મજબૂર કરી દીધો. ૧૨૨૦માં તેનું મોત નીપજતા તેના ઉત્તરાધિકારીતરીકે જલાલુદ્દીન મંગવની આવ્યો પરંતુ તે પણ મંગોલ આક્રમણથી ભયભીત થઈને સિંધુ નદી પાર કરીને ભારત આવી ગયો. ચંગેજ ખાન પણ હવે સિંધુ નદી પાર કરીને ઉત્તર ભારત અને આસામના રસ્તે થઈ મોંગોલિયા પાછો જવા માંગતો હતો પણ અસહ્ય ગરમી અને પ્રાકૃતિક મુશ્કેલીઓ જોઈ તેણે જલાલુદ્દીન વિરુદ્ધ એક સૈનિક ટુકડી મોકલી અને મંગોલિયા પાછો જતો રહ્યો. આ રીતે ચંગેજ ખાનના ભારત ન આવવાથી તે વખતનું ભારત એક સંભવીત લૂંટફાટ અને મોટા ઉત્પાતથી બચી ગયું.
ચંગેજ ખાન એના સમયનો ક્રૂર અને બર્બર શાસક હોવા છતાં તેના જીવનકાળ દરમિયાન તેણે તેના લોકોને તેનો જ ધર્મ પાળવા કોઈ દબાણ કર્યું નહોતું. ચંગેજ ખાન તેની મંગોલની તેમની ટ્રાઈબ પરંપરાનો ધર્મ પાળતો હતો. તેણે દરેકને ધર્મની બાબતમાં સ્વતંત્રતા આપી હતી. આજની મંગોલ પ્રજા તેને તેમના મંગોલિયાના સ્થાપક – ફાધર ઓફ નેશન તરીકે ઓળખે છે.
ઇતિહાસની એક નોંધ પ્રમાણે ચંગેજ ખાનનું મૃત્યુ તા.૧૮ ઓગસ્ટ, ૧૨૨૭ના રોજ થયું હતું, પરંતુ તેની કબર ક્યાં છે તે વાત આજ સુધી ગુપ્ત રાખવામાં આવી છે.

Be Sociable, Share!