Close

આધુનિક વિષકન્યાઓની મધજાળ

રેડ રોઝ | Comments Off on આધુનિક વિષકન્યાઓની મધજાળ

વિશ્વની એક અતિ વિખ્યાત મહિલા જાસૂસ માતા હરી હતી. તે મૂળ નેધરલેન્ડની વતની હતી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં તે જાણીતી નર્તકી બની ગઈ હતી. તેના રૂપના અનેક લોકો દીવાના હતા જેમાં ફ્રાન્સના લશ્કરી અધિકારીઓ પણ હતા, પરંતુ માતા હરી એક રશિયન વિમાની પાયલટ-અધિકારીના પ્રેમમાં હતી. વાત ખુલી જતાં માતા હરીને લશ્કરી બંદૂકો દ્વારા દેહાંત દંડની સજા ફરમાવવામાં આવી હતી.

જાસૂસીમાં સ્ત્રીઓનો ઉપયોગ કોઈ નવી વાત નથી. વર્ષો પહેલાં કેટલાક રાજાઓ વિષકન્યાઓનો ઉપયોગ કરતા હતા. અમેરિકાના કેટલાક પૂર્વ પ્રમુખો પણ સ્વરૂપવાન યુવતીઓના મોહપાશમાં લપેટાયા હતા. કેટલીકવાર અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ ખુદ અમેરિકાના પ્રમુખ પર નજર રાખતી હતી. પ્રેસિડેન્ટ કેનેડીના એકટ્રેસ મેરિલિન મનરો સાથેના સંબંધોથી સીઆઈએ ચિંતામાં હતી અને આ સંબંધોનો અંત આવે તે માટે સીઆઈએએ જ પ્રેસિડેન્ટ કેનેડીના પિતાને જાણ કરી દીધી હોવાની વાતો હવામાં ઘુમરાતી હતી. આ વાત કેટલી સાચી છે એ તો સીઆઈએ જ જાણે

હવે પાકિસ્તાનની નોટોરિયસ ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ મહિલા જાસૂસોનો ઉપયોગ કરી ભારતીય જવાનોને “હની ટ્રેપ”માં ફસાવવાની કોશિશ કરી રહી છે ફેસબુક કે સોશિયલ મીડિયા પર કોઈ રૂપાળી યુવતી સાથે દોસ્તી કરનારને ક્યારેક એ વાતની ખબર હોતી નથી કે તેઓ કોઈ મહિલા જાસૂસના પ્રેમમાં ફસાઈ રહ્યા છે. કમનસીબે ભારતીય જવાન પણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની હની ટ્રેપમાં ફસાતા જતા હોવાના કિસ્સા નોંધાયા છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશ એટીએસની બીએસએફના કોન્સ્ટેબલ અચ્યુતાનંદ મિશ્રને પાકિસ્તાનની મહિલાને ગુપ્ત માહિતી આપી દેવાના આરોપસર પકડવામાં આવ્યા છે. આ માહિતી આપવાના બદલામાં પૈસાની કોઈ લેવડદેવડ થઈ છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. આ ભારતીય જવાનની પાકિસ્તાનની મહિલા સાથેની મિત્રતા ફેસબુક દ્વારા ૨૦૧૬માં થઈ હતી. આ મહિલાએ પહેલાં પોતાની ઓળખ ડિફેન્સ રિપોર્ટર તરીકે આપી હતી. પરંતુ પાછળથી તેણે ગુપ્ત માહિતીઓ માંગવાનું શરૂ કરી દીધું હતું.

પાકિસ્તાન એજન્ટો દ્વારા ભારતમાં જાસૂસી કરવાની ઘટના કોઈ નવી નથી. જાસૂસીનો ઈતિહાસ બહુ પુરાણો છે. વિશ્વની અનેક એજન્સીઓ જાસૂસીમાં વ્યસ્ત છે. વર્ષો પહેલાં મોરારજી દેસાઈ પણ સીઆઈએના જાસૂસ હોવાનો આક્ષેપ થયો હતો પરંતુ તે વાતમાં કોઈ વજુદ નહોતું.

પાકિસ્તાનને લાગેવળગે છે ત્યાં સુધી તેની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સુંદર યુવતીઓની તસવીરોવાળી બનાવટી ફેસબુક આઈડી બનાવે છે અને ભારતના લશ્કરી અધિકારીઓને તથા જવાનોને ફ્રેન્ડશિપ રિકવેસ્ટ મોકલે છે. ભારતનાં સુરક્ષા દળોને પાકિસ્તાન આ રીતે પ્રેમજાળમાં ફસાવી જાસૂસી કરવા પ્રયત્ન કરે છે. બનાવટી ફેસબુક એકાઉન્ટ મારફતે પહેલાં દોસ્તી કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રેમની વાત કરવામાં આવે છે. છેલ્લે લગ્ન કરવાની ઓફર પણ કરે છે. તે પછી જ શરૂ થાય છે. જાસૂસીનો ખતરનાક ખેલ. ક્યારેક આ ચક્કરમાં કોઈ જવાન કે કોઈ ઉચ્ચ અધિકારી ફસાઈ જાય છે અને પોતાની કારકિર્દી બરબાદ કરી નાંખે છે.

એ જ રીતે કેટલાક કટ્ટરપંથી સંગઠનો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની વિચારધારાના પ્રચાર અને પ્રસાર માટે કરે છે. વિશ્વનું ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસ પણ પોતાની કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર આ રીતે જ કરે છે. કેટલાક ગુમરાહ થયેલા ભારતના મુસ્લિમ યુવકો પણ મુસ્લિમ યુવા જેહાદમાં જોડાઈ જવા સીરિયા પહોંચી જાય છે. જ્યાં સુધી પાકિસ્તાનને લાગેવળગે છે ત્યાં સુધી તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ભારતીય લશ્કરમાં તેના જાસૂસો ઘૂસાડવાની કોશિશ કરે છે. આ એક ચિંતાજનક બાબત છે. દેશની સુરક્ષા માટે આ એક ગંભીર વાત છે. કેટલાક મહિના પહેલાં હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નૌર નામના ગામથી ગૌરવ નામના યુવાનને પકડવામાં આવ્યો હતો. તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા દ્વારા બનવાયેલી બે મહિલા જાસૂસોના બનાવટી ફેસબુક એકાઉન્ટની જાળમાં ફસાયેલો હતો અને તે ભારતીય લશ્કરમાં જોડાયા બાદ લશ્કર અંગેની ગુપ્ત માહિતી તેની બે ફેસબુક મહિલા મિત્રોને આપતો હતો જે ખરેખર તો પાકિસ્તાનની મહિલા જાસૂસો જ હતી. ગૌરવે પોતાના ફેસબુક પ્રોફાઈલ પર ‘ઈન્ડિયન આર્મી’ લખ્યું હતું. એ કારણે બહુ આસાનીથી તે આઈએસઆઈની હની ટ્રેપનો શિકાર બની ગયો હતો. ગૌરવ ભારતીય લશ્કરમાં જોડાઈ રહેલા અન્ય યુવકોનો પણ તે મહિલા જાસૂસો સાથે સંપર્ક કરાવી રહ્યો હોવાનો આરોપ છે.

ગૌરવ ફેસબુક દ્વારા જે યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો તે મહિલાઓનાં નામ અમિતા અહવાલિયા અને સોનુ કૌર હતાં. હકીકતમાં આ બંને મહિલાઓના ફેસબુક એકાઉન્ટ બનાવટી હતાં. તે એકાઉન્ટ આઈએસઆઈએ ક્રિયેટ કર્યાં હતાં.

આઈએસઆઈનું લક્ષ્ય ભારતીય લશ્કરમાં તેના જાસૂસો ઘૂસાડવાની સાથે સાથે લશ્કરનાં તાલીમ મથકોની ભીતરની માહિતી પણ એકત્ર કરવાનું હોય છે. ગૌરવનો પણ હની ટ્રેપમાં ફસાવ્યા બાદ આવો જ ઉપયોગ કરવાનો પ્રયાસ આઈએસઆઈ કરી રહ્યું હતું. કહેવાય છે કે ગૌરવ વોટસએપ અને સ્કાઈપ વીડિયો મારફતે ભારતીય લશ્કરનાં ભરતી કેન્દ્રોની માહિતી દુશ્મનોને ઉપલબ્ધ કરાવી દેતો હતો.

આ પહેલાં પણ આવી જાસૂસીના કિસ્સા બહાર આવ્યા છે. જેમાં ભારતીય લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ અને લશ્કરી કર્મચારીઓ આઈએસઆઈની મહિલા જાસૂસોની પ્રેમજાળમાં ફસાઈ ગયા હોય. ભારતીય એરફોર્સના અરૂણ મારવાહ અને ભૂમિ દળના એક અધિકારીને પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતાં પકડી લેવાયા હતા.

અત્રે એ નોંધવું જરૂરી છે કે પાકિસ્તાનને ગુપ્ત માહિતી લીક કરવાના મામલામાં ભારતનાં પૂર્વ ઉચ્ચ મહિલા અધિકારી માધુરી ગુપ્તાને પકડવામાં આવ્યાં હતાં. તેમને ત્રણ વર્ષની કેદની સજા પણ કરવામાં આવી હતી. માધુરી ગુપ્તા ૨૦૦૭થી ૨૦૧૦ સુધી પાકિસ્તાન ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપતા હતાં. માધુરી ગુપ્તા આઈએસઆઈના બે અધિકારીઓ એમ. રાજા રાણા અને જમશેદના સંપર્કમાં હતાં અને કેટલીક સંવેદનશીલ માહિતી ઉપલબ્ધ કરાવતાં હતાં.

આ દેશમાં હજી પણ કેટલાક રાષ્ટ્રવિરોધી તત્ત્વો છે જે આવું નાપાક કામ કરે છે. કેટલાક અમેરિકાની સીઆઈએ માટે તો કેટલાક તત્ત્વો પાકિસ્તાનની આઈએસઆઈ માટે કામ કરે છે. આવાં તત્ત્વોને જેલની સજા નહીં પરંતુ ફાંસી જ થવી જોઈએ.

તમે આર્મીમાં હોવ કે ના હો, પરંતુ ફેસબુક અજાણી વ્યક્તિની ફ્રેન્ડશિપ રિકવેસ્ટ કદી ના સ્વિકારો. ક્યારેક હનીટ્રેપમાં ફસાઈ શકો છો

Be Sociable, Share!