Close

આવા પતિ કરતાં વિધવા બની જવું એ વધુ સારું છે

રેડ રોઝ | Comments Off on આવા પતિ કરતાં વિધવા બની જવું એ વધુ સારું છે

ત્રેવીસ વર્ષની સુનિતાના પિતા મૂળ પંજાબી હતા.

ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ સુનિતાના પિતા રામસ્વરૂપ શર્મા લખનઉમાં રહેવા આવ્યા હતા. સુનિતાનો ભાઈ રાકેશ શર્મા પરણ્યા બાદ અલગ રહેવા જતો રહ્યો હતો.

સુનિતા અત્યંત સુંદર હતી. તે મોટી થતાં માતા-પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી. સુનિતા માટે યોગ્ય છોકરાઓની શોધ શરૂ થઈ. એક પરિચિત મિત્રએ સુનિતા માટે એક છોકરો બતાવ્યો. છોકરાનું નામ અમરજિત હતું. તેનું જમા પાસું એ હતું કે તે ખૂબ કમાતો હતો. તેનું નબળું પાસું એ હતું કે, તેની ઉંમર ૩૭-૩૮ વર્ષની હતી. દેખાવમાં કુરૂપ હતો. શ્યામ પણ હતો. ઘરવાળાએ સુનિતાને સુખી ઘરમાં જવા ઉંમર અને રૂપની બાબતમાં સમાધાન કરી અમરજિત સાથે લગ્ન કરી લેવા ભારે દબાણ કર્યું.

સુનિતાએ કમને હા પાડી.

સુનિતાને અમરજિત સાથે પરણાવી દેવામાં આવી. અમરજિત આવી અત્યંત સુંદર સ્ત્રીને પત્ની તરીકે પામીને ખુશ હતો. લગ્ન પછી તે કેટલાંક હિલસ્ટેશનો પર સુનિતાને લઈ ફરવા ગયો. એક વર્ષ તો હંસીખુશીમાં નીકળી ગયું.

સુનિતાએ ગમે તેમ કરીને જીવન ગોઠવવા પ્રયાસ કર્યો. અમરજિત શરાબી અને અત્યંત કામુક હતો. ઉંમર વધવાની સાથે તે વધુ વિકૃત થતો ગયો. તે હવે ઘરમાં અશ્લીલ ફિલ્મોની સીડી પણ લાવવા માંડયો. સુનિતાને પણ એવી ફિલ્મો જોવા ફરજ પાડતો. સુનિતા ઇનકાર કરે તો એને મારતો. ધીમે ધીમે બેઉ વચ્ચે કટુતા વધવા માંડી. પતિ હવસખોર હોવા છતાં સુનિતા ‘મા’ બનવાની આશામાં પતિને તાબે થઈ જતી.

અમરજિત હવે ૫૦ વર્ષની વયે પહોંચી ગયો. આ ઉંમરે પણ તે મહોલ્લાની યુવતીઓેને કોઈને કોઈ બહાને સ્પર્શ કરી લેતો. કેટલીક છોકરીઓએ સુનિતાને ફરિયાદ કરી. સુનિતાએ પતિને ઠપકો આપ્યો તો અમરજિતે સુનિતાને ફટકારી.

સુનિતાએ ઘરમાં એક નોકરાણી રાખી હતી. તેની ઉંમર તો વધુ હતી પરંતુ તે શરીરથી હૃષ્ટપુષ્ઠ હતી. એક દિવસ અમરજિતે રસોઈ ઘરમાં જઈ નોકરાણીનો  જ હાથ પકડી લીધો. નોકરાણી સામે થઈ ગઈ. અમરજિતને તમાચો ફટકારી કાયમ માટે જતી રહી. આ વાત પણ સુનિતા જાણી ગઈ.

સુનિતા મૂળ પંજાબ- અમૃતસરની હતી. તેની એક દૂરની રિશ્તેદાર બહેન પથરીના ઇલાજ માટે લખનઉ આવી. અમરજિત હવે તેની પાછળ પડી ગયો. ‘સાલી સાલી’ કહીને તેને પકડી લેતો. કદીક તેને પોતાની બાહોમાં  લેવા પ્રયાસ કરતો. સુનિતા આ જોઈ ગઈ. એણે પતિ સાથે ઝઘડવાના બદલે ઘેર આવેલી દૂરની રિશ્તેદાર બહેનને કહ્યું : ‘બહેન, તારા જીજાજી પર વિશ્વાસ મૂકવા જેવો નથી.’ એમ કહી તેને અન્યત્ર મોકલી દીધી. આખાયે મહોલ્લામાં અમરજિત બદનામ હતો.

આ તરફ પિયરમાં સુનિતાના માતા-પિતા પણ એક જ વર્ષના ગાળામાં મૃત્યુ પામ્યા. હવે તે એકાકી હતી. દુઃખ ઘણું હતું પણ કહેવું કોને ? દરમિયાન સુનિતાનો ભાઈ રાકેશ શર્મા કોઈ કોઈ વાર બહેનની ખબર લેતો હતો. પણ તેની આર્િથક પરિસ્થિતિ સારી નહોતી. એકવાર તેની પત્ની બહુ જ બીમાર પડતાં તેણે સુનિતાના પતિ અમરજિત પાસેથી રૂ. ૫૦ હજાર ઉછીના માગ્યા. અમરજિતે રાકેશને પૈસા આપ્યા. પણ સુનિતાને તો તે મારતો જ રહ્યો. એ દરમિયાન બન્યું એવું કે મહોલ્લાની બહાર- કરિયાણાની દુકાન ચલાવનાર  મનીષ ઘણીવાર સુનિતાને જોઈતો માલ-સામાન ઘેર પહોંચાડતો. એ સુનિતાના દુઃખથી વાકેફ હતો. એણે સુનિતાના દુઃખમાં સહભાગી થવા ઇચ્છા વ્યક્ત કરી. મનીષ કુંવારો હતો. સુનિતા માત્ર તેની આગળ જ પતિના હવસખોર ધંધા અને મારપીટની વાત કરી પોતાનાં દુઃખ દર્દ વ્યક્ત કરતી. ધીમે ધીમે બેઉ એકબીજાની વધુ નજીક આવ્યા. કોઈવાર મનીષ સુનિતાને કંઈ કામ હોય તો પોતાની દુકાન બંધ કરી સુનિતાને મોટા બજારમાં લઈ જતો. સુનિતાને સારું લાગતું.

એક રાત્રે અમરજિત ખૂબ દારૂ પીને ઘેર આવ્યો. તેણે  સુનિતાએ તેની બહેનને ઘરમાંથી બીજે મોકલી જ કેમ તે પ્રશ્ને ખૂબ માર માર્યો. માર સહન ના થતાં સુનિતા ઘરમાંથી બહાર નીકળી ગઈ અને સીધી મનીષના ઘેર પહોંચી ગઈ. મનીષે તેને આશ્રય આપ્યો. સુનિતા પ્રેમ અને લાગણીની ભૂખી હતી.

હવે આ તરફ અમરજિતને અચાનક પૈસાની જરૂર પડી. એને અચાનક યાદ આવ્યું કે, ‘મેં સુનિતાના ભાઈ  રાકેશ શર્માને ૫૦ હજાર રૂપિયા ઉછીના આપેલા જ છે.’ તે સીધો તેના સાળા રાકેશ શર્માના ઘેર પહોંચી ગયો. રાકેશ અને તેની પત્ની બેઉ નોકરી કરતાં હતાં તેથી ઘરમાં તેમની સોળ વર્ષની  તેમની પુત્રી કૃતિ એકલી જ ઘરમાં હતી. તે ફુઆને ઘેર આવેલા જોઈ ખુશ થઈ ગઈ. એ ફુઆ માટે પાણી લઈ આવી. અમરજિત પાણીનો ગ્લાસ લેતાં બોલ્યો : ‘અરે ! તું તો મોટી થઈ છે, છોકરી ! તું તો અભિનેત્રી જેવી લાગે છે.’- એમ કહી એણે કૃતિને પકડી તેના હાથ જોરથી દબાવ્યા.  કૃતિને ખ્યાલ આવી ગયો કે ફુઆની નિયત ઠીક નથી. તે કાંઈ બોલી નહીં કારણ કે તે ફુઆને પિતાની જેમ જ સમજતી હતી. અમરજિતે ફરી તેને પકડી પોતાની તરફ ખેંચવા કોશિશ કરી. કૃતિએ ગુસ્સો કરી કહ્યું : ‘આ શું કરો છો?’ કૃતિ ઝડપથી છટકીને ચીસો પાડતી ઘરની બહાર ભાગી ગઈ.

અમરજિતને લાગ્યું કે મહોલ્લાના લોકો ભેગા થઈ જશે તો બબાલ થઈ જશે એટલે તે પણ ઘરની બહાર નીકળી ગયો અને લોકો ભેગા થાય તે પહેલાં ઝડપથી સ્કૂટર સ્ટાર્ટ કરી ભાગી ગયો.  પરંતુ તેની મનોવિકૃતિ હવે હદ પાર ગઈ હતી. બીજા દિવસે બપોર થતાં તે ફરી તેના સાળાના ઘેર પહોંચી ગયો. કૃતિ હવે સાવધાન થઈ હતી. અમરજિતે તેની ભત્રીજીને પૈસાની લાલચ આપી. અશ્લીલ હરકતો શરૂ કરી. કૃતિએ સ્વસ્થતાપૂર્વક કહ્યું : ‘ફુઆ ! તમે ચાલ્યા જાવ, નહીંતર સાંજે મમ્મી-પપ્પાને બધી જ વાત કહી દઈશ.’

એટલામાં કોઈ પડોશી આવી જતાં અમરજિત ચૂપચાપ ચાલ્યો ગયો. પણ એણે ફરી કોઈ વાર પાછા આવવાનું મન બનાવી લીધું હતું.

એ  રાત્રે સુનિતા કોઈ કામ સર તેના ભાઈ રાકેશ શર્માના ઘેર ગઈ. કૃતિએ ફુઆ અમરજિતના છેલ્લા બે દિવસનાં કરતૂતોની બધી જ વાત તેનાં મમ્મી-પપ્પા તથા ફોઈને કહી દીધી. સુનિતા દંગ રહી ગઈ. અત્યાર સુધીતો તેના પતિએ અન્ય સ્ત્રીઓની છેડતી કરી હતી પરંતુ  હવે તો તેની ટીનએજ ભત્રીજી પર નજર બગાડી હતી.

તે સીધી જ પોતાના ઘેર ગઈ અને અમરજિત સાથે બહુ જ ઝઘડો કર્યો. અમરજિત પીધેલો હતો. એેણે સુનિતાના ક્રોધનો જવાબ બાજુમાં પડેલી લાકડીથી આપ્યો. અમરજિતે સુનિતાને મારી મારીને લોહી-લુહાણ કરી દીધી. અમરજિતના છેલ્લી કક્ષાના શારીરિક અત્યાચારથી બચવા તે બહાર ભાગી ગઈ, અને સીધી જ મનીષના ઘેર પહોંચી. મનીષ તેને ડોક્ટર પાસે લઈ ગયો. સુનિતા હવે તેના પતિથી સંપૂર્ણ ત્રસ્ત થઈ ચૂકી હતી. હવે પતિની હવસખોરી, ભત્રીજી પર બૂરી નજર અને બેરહમ માર તેનાથી સહન થાય તેમ નહોતો. અમરજિતને તેની આબરૂની પણ પડી નહોતી. સુનિતા તેના શરીર પરના ઘા રૂઝાય તેની રાહ જોવા લાગી.

આ વાતને થોડા દિવસો વીત્યા.

ફરી એકવાર અમરજિત બપોરના સમયે તેના સાળાના ઘેર પહોંચી ગયો. તે હજી કૃતિને ભૂલી શક્યો નહોતો. કૃતિએ દરવાજામાં જ વચ્ચે ઊભી રહી ગઈ. અમરજિતે કહ્યું : ‘બેટા, એક ગ્લાસ પાણી પીવરાવને. પાણી પીને હું જતો રહીશ. અહીંથી પસાર થતો હતો મને  તરસ લાગી છે.’

કૃતિને લાગ્યું કે ‘હવે તો ફુઆ પર ઠપકાની અસર થઈ લાગી છે માટે જ મને બેટા કહી બોલાવી.’

-તે અંદર ગઈ અને પાણી લઈ આવી. પરંતુ તે દરમિયાન અમરજિતે બારણું બંધ કરી દીધું. કૃતિને બેઉ મજબૂત હાથોથી પકડી લીધી. કૃતિએ ચીસાચીસ શરૂ કરી દીધી. એ દરમિયાન  જ કોઈએ બારણું ખખડાવ્યું. અમરજિત ગભરાયો.  કૃતિએ  દોડીને બારણું ખોલ્યું. ઓફિસમાં કોઈનું મૃત્યુ થતાં કૃતિના પિતા રાકેશ શર્મા રજા પડી જતાં ઘેર આવ્યા હતા. કૃતિ પિતાને વળગી  રડવા લાગી. અમરજિત લાગ જોઈ ભાગી ગયો.

એ રાત્રે જ રાકેશ શર્મા તેની બહેનને મળવા મનીષના ઘેર ગયો. રાકેશે ત્રીજી વાર તેની પુત્રી કૃતિ પર તેના બનેવીએ બળાત્કાર કરવાની કરેલી કોશિશની વાત કરી. સુનિતાનો ગુસ્સો હવે આસમાને પહોંચી ગયો. તેણે કહ્યું : ‘ભાઈ મારો પતિ માણસ નહીં શેતાન છે. આવા પતિ સાથે રહેવું તે કરતાં હું વિધવાનું જીવન જીવવા તૈયાર છું.’ સુનિતાને આશ્રય આપનાર મનીષે પણ સુનિતાની વાતને ટેકો આપ્યો. ત્રણેય જણે બારણું બંધ કરી દીધું. ઘરની બત્તીઓ ધીમી કરી દીધી. બારીઓ પણ બંધ કરી દીધી. ખૂબ જ ધીમા અવાજે  કાંઈક વાતો કરી.

– આ વાતના બરાબર એક અઠવાડિયા બાદ લખનઉના એક નિર્જન વિસ્તાર-રામગઢ કોલોની પાસેથી પોલીસને એક લાશ મળી. બાજુમાં સ્કૂટર પડયું હતું. છેક સવારે લોકોએ લાશ જોઈ પોલીસને બોલાવી લીધી હતી. સ્કૂટરના નંબર પરથી મરનારની ઓળખ થઈ.

એ લાશ સુનિતાના પતિ અમરજિતની હતી.

અમરજિત હત્યા પ્રકરણમાં તેનો સાળો રાકેશ શર્મા પકડાઈ ગયો પરંતુ સુનિતા અને તેને આશ્રય આપનાર મનીષ ક્યાંક ગાયબ થઈ ગયા.

સુનિતાને વિધવા બનવા છતાં શાયદ કોઈ પસ્તાવો નહીં હોય..

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!