Close

– આ છે વિશ્વના ભયાનક અને વિનાશક ભૂકંપોની સિલસિલાવાર કહાણી

રેડ રોઝ | Comments Off on – આ છે વિશ્વના ભયાનક અને વિનાશક ભૂકંપોની સિલસિલાવાર કહાણી
મ્યાંમાર અને થાઈલેન્ડમાં થયેલા ભૂકંપે વિશ્વને હચમચાવી દીધું છે. ગગનચુંબી ઊંચી ઈમારતો પત્તાંના મહેલની જેમ તૂટી પડી. હજારોનાં મોત થયાં. અબજોનું નુકસાન થયું. આ ભૂકંપના આંચકા બીજા કેટલાક દેશોમાં પણ અનુભવાયા. પૃથ્વીનો જન્મ થયો ત્યારથી જ ધરતીકંપો આવ્યા કરે છે અને તબાહી સર્જે છે. ચાલો આજે વિશ્વના ભયાનક-વિનાશક ભૂકંપો પર નજર નાંખીએ.
ધરતીકંપ અને જ્વાળામુખી પર્વતો વચ્ચે ગાઢ સંબંધ છે. પૃથ્વીના પોપડાનો જન્મ થયો તેની સાથે જ ધરતીકંપ શરૂ થયા, કારણ કે લાવારસમાં પુરાયેલા વાયુઓને બહાર નીકળવું છે અને લાવારસને એ વાયુઓના અંદરથી થતા દબાણને લીધે ઊકળવું છે અને ઊછળવું છે. પોપડો ઠર્યા પછી તેમાં બીજું કારણ ઉમેરાયું. એ પોપડો નીચેના `રસ’ પર સરકતો હતો, નીચેના દબાણથી તેના થરો ઊંચાનીચા થતા હતા. ધરતીકંપ ઉત્પન્ન કરતી આ બધી ક્રિયાઓ આજે પણ ઓછાવત્તા અંશે ચાલુ છે. ધરતીકંપનો એક પટ ઈટાલીથી યુગોસ્લાવિયા, ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, તુર્કી, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન, કાશ્મીરથી આસામ સુધીનો હિમાલય, હિંદુકુશ, કારાકોરમ, એશિયાઈ રશિયાનાં દક્ષિણનાં રાજ્યો, તિબેટ, બ્રહ્મદેશ, સિયામ, હિંદી ચીન, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ સુધી વિસ્તરેલો છે. ઉત્તર પ્રશાંતમાં તે જાપાન, ક્યુરાઈલ ટાપુઓ અને એશિયા તથા અમેરિકાને જોડતા એલ્યુશિયન ટાપુઓમાં થઈને અમેરિકામાં અલાસ્કામાં પહોંચે છે. ત્યાંથી તે અમેરિકાના પશ્ચિમ કાંઠે કેલિફોર્નિયા, મેક્સિકો અને મધ્ય અમેરિકામાં થઈને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે એન્ડીઝ પર્વતમાળાને આવરી લે છે. એટલાન્ટિક મહાસાગરમાં વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓ વધુ પ્રમાણમાં અને એટલાન્ટિક મહાસાગરમાં કેટલાક ટાપુઓ ઓછા પ્રમાણમાં ભૂકંપના વિસ્તારમાં છે.
ભૂકંપના સંદર્ભમાં ભારતખંડના ત્રણ ભાગ છે: ઓખાથી કચ્છ, પાકિસ્તાન, સમગ્ર હિમાલય અને તેની તળેટીનો પ્રદેશ, જેમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રાના પ્રદેશનો પણ સમાવેશ થઈ જાય છે તે બધા વધુમાં વધુ ભૂકંપને પાત્ર છે. દક્ષિણ ભારતનો પ્રદેશ ઓછામાં ઓછા ભૂકંપને પાત્ર છે, કારણ કે ત્યાં ઠરેલા લાવાનો બનેલો પોપડો નગદ છે. એ બંને વચ્ચેનો પટ મધ્યમ પ્રકારના ભૂકંપને પાત્ર છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાતો લાવારસનો બનેલો પટ દસ હજાર ફૂટ જાડો છે.
હવે આપણે જગતમાં વધુમાં વધુ ધરતીકંપને પાત્ર પ્રદેશની મુલાકાત લઈએ. જાપાન અને ફિલિપાઈન્સના પૂર્વ કાંઠા ઊભા ઢોળાવ રૂપે ઊંડામાં ઊંડા સમુદ્રમાં ઊતરી જાય છે. જગતના બધા ધરતીકંપમાંથી ૯૦ ટકા ધરતીકંપ જાપાન, ફિલિપાઈન્સ, પશ્ચિમ એશિયા, ગ્રીસ, યુગોસ્લાવિયા, ઈટાલી અને મેક્સિકોમાં થાય છે.
ભરતખંડમાં ધરતીકંપની જૂનામાં જૂની નોંધ આરબ ઈતિહાસકારોએ લખી છે. એ નોંધ પ્રમાણે ઈ. સ. ૮૯૩ના અંતમાં કે ૮૯૪ના આરંભમાં દાઈબુલ અથવા દાઈપુલ નામના બંદરનો નાશ થયો હતો અને એ ધરતીકંપે આશરે દોઢ લાખ માણસોનો ભોગ લીધો હતી. આ પછી ૧૬મી સદીના આરંભમાં તા. ૬ જુલાઈ, ૧૫૦૫ના ધરતીકંપની એક નોંધ હસ્તલિખિત મુસ્લિમ ગ્રંથમાં પ્રાપ્ય છે. અફઘાનિસ્તાન અને ઉત્તર ભારતને હચમચાવી ગયેલા આ ધરતીકંપમાં એક દિવસમાં ૩૩ આંચકા લાગ્યા હતા. પહાડ તૂટી પડ્યા હતા, ઘરો ધરાશાયી બન્યાં હતાં અને જાનમાલની ગંભીર ખુવારી થઈ હતી. ત્યારબાદ ૧૭મી સદીના આરંભમાં થયેલા ધરતીકંપે મુંબઈમાં આશરે બે હજાર માણસોની ભોગ લીધો હતો. એ જ સદીના ઉત્તરાર્ધમાં સમાવાણી નામનું ત્રીસ હજારની વસ્તીવાળું એક આખું નગર ભૂકંપથી ધરતીમાં ગરક થઈ ગયાની નોંધ મળે છે. એ જ અરસામાં ઔરંગઝેબના રાજ્યમાં મુંબઈના જેવા જ કૌતુકથી આખું ઉત્તર હિન્દુસ્તાન ખળભળી ઊઠ્યું હતું. વળી, એક મોટો ઉલ્કાપાત પણ થયો હતો. આ ઉલ્કાઓ એટલી બધી હતી કે એક તળાવમાં તેમનો વરસાદ પડતાં તળાવ છલકાઈ ગયું હતું!
ત્યારબાદ ૧૯મી સદીના આરંભમાં જ ભૂકંપે ઉત્તર ભારતને ભારે ફટકો માર્યો હતો. કુમાઉથી કલકત્તા સુધી આ ધરતીકંપે હાહાકાર મચાવ્યો હતો. દિલ્હીમાં કુતુબમિનારનું મથાળું ભાંગીને નીચે આવી પડ્યું. એ અરસામાં તા. ૧૬ જૂન, ૧૮૧૯નો ધરતીકંપ ગુજરાત તો કદી ભૂલી શકે નહિ. કચ્છનું પાટનગર ભૂજ તેમાં નાશ પામ્યું અને બે હજાર માણસો માર્યા ગયા હતા. સીંદડી નામનું બંદર તેમાં ગરક થઈ ગયું હતું. ધરતીકંપથી આ પ્રવાહની આડે પંદર માઈલ પહોળી એક ધાર ઊંચકાઈને બંધ બંધાઈ ગયો! આ ધરતીકંપની અસર સમગ્ર ગુજરાતમાં અને છેક પૂના સુધી થઈ હતી.
તા. ૧૯-૨-૧૮૪૨ના રોજ અફઘાનિસ્તાન અને ભારત ધરતીકંપથી ધ્રૂજી ઊઠ્યા. તેમાં જલાલાબાદ શહેરનો ત્રીજો ભાગ નાશ પામ્યો. પેશાવરમાં પણ જાનમાલની ગંભીર ખુવારી થઈ. પેશાવરમાં કેટલાક ગરમ પાણીના ઝરા ઠંડા થઈ ગયા. ૨,૧૬,૦૦૦ ચોરસ માઈલમાં આ ધરતીકંપે હાહાકાર મચાવ્યો. ઠરેલા લાવારસનો બનેલો દખ્ખણનો પ્રદેશ પણ ૧૮૪૩ના માર્ચ અને એપ્રિલમાં જોરશોરથી ખળભળી ઊઠ્યો હતો. શોલાપુર, કર્નુલ, બેલારી વગેરે ઘણાં શહેરોમાં ઘણું નુકસાન થયું હતું. આશરે સવાસો વર્ષ બાદ તા. ૧૧-૧૨-૧૯૬૭ના રોજ પૂના પાસે કોયનાનગરમાં ફરી પાછો ધરતીકંપ થયો એ હકીકત નોંધપાત્ર છે.
આ જ સદીના અંતમાં બંગાળના ઉપસાગરમાં ધરતીકંપ થયો તે એટલો બધો વ્યાપક હતો કે દક્ષિણ ભારતમાં કાલિકટ અને ઉટાકામંડ, ઉત્તર ભારતમાં આગ્રા અને મોંઘીર અને પૂર્વમાં બ્રહ્મદેશ સુધી તેના આંચકા લાગ્યા હતા! ૨૦ લાખ ચોરસ માઈલમાં ફેલાયેલા આ ધરતીકંપથી બ્રહ્મદેશમાં કાદવનો એક `જ્વાળામુખી’ ફાટ્યો હતો.
ભારતમાં આસામે કદાચ સૌથી મોટા ધરતીકંપ અનુભવ્યા છે, પરંતુ દરેક વખત ધરતીકંપ વસ્તીવાળા વિસ્તારથી નથી થયો. તા. ૧૨-૬-૧૮૯૭ના ભૂકંપમાં શિલોંગ, ગૌહાટી, સિલ્હટ, ગોલપાડા વગેરે ઘણાં નગરો લગભગ ધરાશયી થઈ ગયાં હતાં અને બંગાળમાં કલકત્તા પણ બચ્યું ન હતું. ૧૭ લાખ ચોરસ માઈલ કરતાં પણ વધારે વિસ્તારમાં ફેલાયેલ આ ધરતીકંપ ૨૦૦ માઈલ લાંબા અને ૫૦ માઈલ પહોળા સ્તરભંગમાં પહાડો ખસી ગયા હતા. ૧,૬૦૦થી વધુ માણસો તેમાં માર્યા ગયા હતા. જેમ ઢોલ પર વટાણા મૂકીને ઢોલ વગાડો તો વટાણા ઊછળે તેમ ધરતી પરથી પહાડો ઊછળતા હતા! કાંપવાળા મેદાનમાં ધરતી ઠેકઠેકાણે ચિરાઈ ગઈ અને તેમાંથી પાણી અને રેતીના ત્રણ-ચાર ફૂટ ઊંચા ફુવારા ફૂટ્યા હતા. નદીનાળાના પ્રવાહમાં વિક્ષેપ પડ્યો, તેથી તેમનું પાણી અટવાઈ જતાં પૂર આવ્યાં. જ્યાં ત્યાં ડુગરો ભાંગી પડ્યા, તેથી પણ નદીનાળાંના પ્રવાહ અટકી ગયા. ડુંગરોની ઊંચાઈમાં થોડો ફેર પડી ગયો હતો. ચિત્રાંગ નદીના પ્રદેશમાં ધરતી એકથી પાંત્રીસ ફૂટ ઊંચીનીચી થઈ ગઈ. આ ધરતીકંપમાં ધરતીનાં મોજાંની ઝડપ કલાકના ૭,૨૦૦ માઈલ (સેકન્ડના બે માઈલ) હતી અને ધરતીકંપનું ઉદ્‌ભવસ્થાન સપાટીથી પાંચ માઈલ કરતાં ઓછી ઊંડાઈએ હતું.
 ત્સુનામીનું ભીષણ સ્વરૂપ-ઓહાહુ
સમુદ્રજન્ય ધરતીકંપની આવી વિનાશક અસરની તારીખમાં જૂનામાં જૂની નોંધ ઈ.સ. ૩૫૮ની છે. ભૂમધ્ય સમુદ્રમાં એક ત્સુનામી મોજું ઘણા ટાપુઓ પર ફરી વળ્યું હતું અને ઘણા દેશોના કાંઠે ચડી ગયું હતું. મિસરના એલેક્ઝાન્ડ્રિયા બંદરમાં તેણે નૌકાઓને મકાનો પર ચડાવી દીધી હતી અને હજારો માણસોને તથા પશુઓને તાણી ગયું હતું.
મધદરિયે જેમની ઊંચાઈ એક-બે ફૂટ હોય તેવાં મોજાં કાંઠે પહોંચે ત્યારે પચાસ ફૂટ ઊંચાં પણ થઈ જાય! કારણ કે કાંઠાનો ઊંચે ચડતો ઢાળ તેમને ઊંચે ચડાવે છે. ઈ. સ. ૧૭૫૫માં પોર્ટુગલના પાટનગર લિસ્બનનો નાશ કરનાર ધરતીકંપે ઉત્પન્ન કરેલાં સમુદ્રનાં મોજાં કાદીઝ બંદરે મોટામાં મોટી ભરતી કરતાં પણ ૫૦ ફૂટ ઊંચે ચડ્યાં હતાં. ત્યાંથી આટલાન્ટિક મહાસાગરના બીજા છેડે માત્ર સાડા નવ કલાકમાં પહોંચી ગયાં અને વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓના કાંઠે ચડી જઈને તેમણે જાનમાલની ભારે ખુવારી કરી.
ઈ. સ. ૧૮૬૮માં દક્ષિણ અમેરિકાના કાંઠે ત્રણ હજાર માઈલના વિસ્તારમાં ધરતીકંપ થયો. આથી બંદરોમાંથી અને બારાંઓમાંથી સમુદ્રનું ૪૦ ફૂટ ઊંડું પાણી ખેંચાઈ ગયું અને જહાજો તળિયે કાદવ પર અને રેતી પર બેસી ગયાં. પછી ત્સુનામી મોજું આવ્યું અને આ જહાજોને ઊંચકીને ધરતી પર પા માઈલ સુધી ચડાવી દીધાં!
જ્યારે દરિયાકાંઠા પાસેથી દરિયાનું પાણી ઓચિંતું જતું રહે ત્યારે એ ચેતવણી ગ્રહણ કરીને કાંઠાથી દૂર ઊંચી જગ્યાએ ભાગી જવું જોઈએ. ૧૯૪૬ના એપ્રિલમાં હવાઈ ટાપુઓ પર જે લોકો આ ચેતવણી સમજ્યા નહિ અને અચાનક ઘૂઘવતા સમુદ્રને લુપ્ત અને ખાલી થઈ ગયેલો જોવા કુતૂહલવશ થઈ જેઓ કાંઠે દોડી ગયા તેઓ તેનું કારણ સમજવા કે સમજાવવા જીવતા ન રહ્યા. બે હજાર માઈલ દૂર એલ્યુશિયન ટાપુઓમાં ઉત્તર પ્રશાંત અને ઉત્તર ધ્રુવ મહાસાગરોના સીમાડે સમુદ્રની એક ઊંડી ખાઈમાં ધરતીકંપ થયો હતો અને તેણે ઉત્પન્ન કરેલાં ત્સુનામી મોજાં આવી રહ્યાં હતાં. પહેલાં કાંઠાથી ૫૦૦ ફૂટ સુધી પાણી ખસી ગયું. પછી મોટી ભરતી કરતાં પણ આ મોજાં ૨૫ ફૂટ વધુ ઊંચે ચડી આવ્યાં. સમુદ્રનું ધસી આવતું પાણી સૂસવતું, ઘૂઘવતું અને કડાકા કરતું હતું અને ઘૂમરી ખાતું હતું. તેમાં મોટી ભેખડો પણ તણાઈ આવી અને મકાનો ભાંગીને તણાઈ ગયાં. વિમાનો અને આગબોટોએ દરિયામાં તણાતા અને તરફડતા માણસોને બચાવવા કલાકો સુધી જહેમત કરી.
જાપાન, ફિલિપાઈન્સ અને પ્રશાંત મહાસાગરના કાંઠે આવેલા ઘણા પ્રદેશોએ સમુદ્રને તળિયે થતા ધરતીકંપે ઉત્પન્ન કરેલા ત્સુનામી(મોજાં)થી ઘણી વાર જાનમાલની ભારે ખુવારી ભોગવી છે, પરંતુ હવે તો પાણીમાં ઉત્પન્ન થતું દબાણ માપીને યંત્રો આવી રહેલા ત્સુનામીની ચેતવણી આપી શકે છે.
ઈ. સ. ૧૭૫૫માં લિસ્બનનો વિનાશ કરનાર ધરતીકંપ થયો ત્યાં સુધી ધરતીકંપ વિશે માનવીનું જ્ઞાન નહિવત્ હતું. આ ધરતીકંપે આ કુદરતી આફતનાં કારણો અને અસરનો અભ્યાસ કરવાની વિજ્ઞાનશાસ્ત્રીઓને તક આપી. આજે દુનિયામાં ક્યાંય પણ ધરતીકંપ થયો હોય તો તે ક્યાં થયો છે, કેવોક ગંભીર હતો, તેનું કેન્દ્ર ક્યાં હતું અને ક્યાં ફેલાયો એ વેધશાળાઓમાં સિસ્મોગ્રાફ યંત્રો કહી આપે છે. ભૂગર્ભમાં કોઈએ આણુબોમ્બ ફોડ્યો હોય એ પણ હવે તો જાણી શકાય છે.

Be Sociable, Share!