Close

આ નમણી સૌંદર્ય સમ્રાજ્ઞીઓ કોણ છે?

રેડ રોઝ | Comments Off on આ નમણી સૌંદર્ય સમ્રાજ્ઞીઓ કોણ છે?

થાઈલેન્ડ એક ટૂરિસ્ટ કન્ટ્રી છે. દુનિયાભરમાંથી આવતા સહેલાણીઓની અવરજવર અને પ્રવાસન આ દેશની આવકનો મોટો હિસ્સો છે. બેંગકોક એનું મુખ્ય શહેર છે. એ સિવાય પતાયા એનું બીજું આકર્ષણનું કેન્દ્ર છે.

પતાયામાં લગભગ આખી રાત ડાન્સબાર ખુલ્લા રહે છે. જ્યારે એટીએમની સુવિધા નહોતી ત્યારે પણ અહીં રાત્રે બેંકો ખુલ્લી રહેતી.

અહીં રૂપજીવિનીઓ પણ સારું કમાઈ લે છે. કારણ વગર પોલીસની કોઈ તકલીફ આ લોકોને નથી.

આ શો સામાન્ય રીતે રાત્રે જ હોય છે. વિશાળ થિયેટરમાં પ્રેક્ષકો ગોઠવાઈ જાય છે. રંગમંચ પર અવનવી લાઈટો પ્રજ્વલિત થાય છે. અને એક સાથે ૪૦થી ૫૦ જેટલી અદ્ભુત કમનીયતા ધરાવતી સૌંદર્યથી ભરેલી યુવતીઓ સ્ટેજ પર આવે છે. તેઓ મ્યુઝિકની સાથે ડાન્સ શરૂ કરે છે. દરેક નૃત્યાંગનાની દેહલતા ગજબની આકર્ષક હોય છે. કેળના થડ જેવા લિસ્સા પગ, પાતળી કમર અને ઉન્નત વૃક્ષસ્થળ જોઈ પ્રેક્ષકો ઝૂમી ઊઠે છે. તેમના ચહેરા પરની સુંદરતા અપાર હોય છે. દરેક સ્ત્રી એક અપ્સરા જેવી લાગે છે. આંખો હરણીની આંખ જેવી અને હોઠ અત્યંત કમનીય હોય છે. અદ્ભુત નૃત્ય દ્વારા આ નૃત્યાંગનાઓ પ્રેક્ષકોનું દિલ હરી લે છે.

નર્તકીઓના દેહ પર ઓછાં વસ્ત્રો હોવા છતાં તેમનો કેબ્રે ડાન્સ સપરિવાર નિહાળી શકાય તેવો હોય છે.

અનેક નૃત્યો બાદ શો સમાપ્ત થાય છે. પ્રેક્ષકો મોડી રાત્રે બહાર નીકળે છે ત્યારે તેમાંની કેટલીક અદ્ભુત સૌંદર્ય ધરાવતી નૃત્યાંગનાઓ થિયેટરના ગેટ પાસે ઊભી રહી પ્રેક્ષકો સાથે હાથ મિલાવે છે. શો નિહાળી લીધા બાદ પ્રેક્ષકો પોતાની હોટલ પર જવા માટે ટૂરિસ્ટ બસમાં બેસે છે ત્યારે ટૂર ગાઈડ એક રહસ્ય ખોલે છે. ‘તમે આ શોમાં જે સુંદર યુવતીઓને જોઈ તેમાંથી એક પણ યુવતી સ્ત્રી નથી, તે બધા જ કિન્નરો છે.’

પ્રેક્ષકો દંગ રહી જાય છે.

થાઈલેન્ડમાં આ જેન્ડરને ‘લેડી બોયઝ’ પણ કહે છે. ઈશ્વરે જેમને કેટલીક શારીરિક ક્ષતિઓ આપી છે તેવા કિન્નરો અહીં શ્રેષ્ઠ કલાકારો છે. તેમના દેહને કોસ્મેટિક સર્જરીથી વધુ સ્ત્રૈણ બનાવવા માટે આ દેશમાં તબીબી સુવિધાઓ અને નિષ્ણાત તબીબો છે. થાઈલેન્ડમાં આવા કિન્નરોની સંખ્યા ૨૦૦,૦૦૦ છે. અહીં આવા લેડી બોયઝને સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. તેમને કોઈ ધુત્કારતું નથી. તેઓ માનપૂર્વક કમાઈ શકે તેવી કાયદાકીય તમામ સુવિધા છે. થાઈલેન્ડમાં સેક્સ ચેન્જ એટલે કે લિંગ પરિવર્તનનો મોટો ઉદ્યોગ પણ વિકસ્યો છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાંથી એક લાખ લોકો અહીં સેક્સ ચેન્જ ઓપરેશન માટે આવે છે.

અહીં મસાજ પાર્લર પણ છે. અહીં ડાન્સ બાર પણ છે અહીં હોટેલ્સ પણ છે અને એપાર્ટમેન્ટ્સ પણ છે. બધાંને કાયદાકીય પરવાનગી આપવામાં આવે છે. પોલીસ રેડ કરીને બહારથી આવેલા સહેલાણીને કે પ્રોસ્ટિટયૂટ અથવા કિન્નરને પરેશાન કરતી નથી. માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ બહારથી આવેલી સ્ત્રી સહેલાણીઓ માટે ફૂટ મસાજની પણ સુવિધા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે થાઈલેન્ડ એ લેડી બોયઝ માટેનું ઘર છે. થાઈલેન્ડની થાઈ ભાષામાં તેઓ ‘કહોયે’ તરીકે ઓળખાય છે. અહીં સેક્સ ચેન્જ માટેની મેડિકલ સર્જરીની આર્ટ વિકસાવવામાં આવી છે. આવા કિન્નરોને અહીં સમાજે સ્વીકૃતિ આપેલી છે. વાળ કપાવવા માટેના સલૂનમાં પણ કિન્નરો સારા હેરડ્રેસર છે. આ પ્રકારનું કલ્ચર થાઈલેન્ડની સંસ્કૃતિનો એક ભાગ છે. અહીં કિન્નરો સ્ત્રી જેવા વધુ લાગે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવે છે. કેટલાક કિન્નરોની દેહલતાને જોઈને તો અસલી સ્ત્રીઓને પણ ઈર્ષા થાય તેવા તે નાજુક લાગે છે. તમારે દારૂના કોઈ બારમાં માત્ર ડ્રિંક્સ લેવા માત્ર કંપની જ જોઈતી હોય તો પણ આવા કિન્નરો ઉપલબ્ધ છે.

થાઈલેન્ડની સરકારે ૧૯૯૭માં એક કાયદો પસાર કરીને થર્ડ સેક્સને સ્ત્રી અને પુરુષની બરાબર ગણ્યાં છે. જોકે આમ છતાં થાઈલેન્ડના આ લેડી બોયઝ જાહેર સ્થળોએ તેમના માટે અલગ બાથરૂમની સુવિધા માંગી રહ્યા છે. આ બધા લેડી બોયઝ સામાન્ય રીતે થાઈલેન્ડના ટૂરિસ્ટ સેન્ટર્સ અને મનોરંજન સ્થળોએ વધુ જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીઓના કેબ્રે ડાન્સ કરતાં આવા લેડી બોયઝના કેબ્રે ડાન્સ થાઈલેન્ડમાં વધુ લોકપ્રિય છે. કિન્નરોના કેબ્રે ડાન્સનો શો જે થિયેટર પર હોય ત્યાં સહેલાણીઓની ભીડ વધુ જોવા મળે છે. આવા કેબ્રે શો અહીંનાં પ્રવાસન સ્થળો પર રોજ રાત્રે યોજાય છે અને તે બધાં સારું કમાઈ લે છે.

થાઈલેન્ડના આવા કિન્નરોના પોતાના આગવાં બેન્ડ પણ છે. કિન્નરોનું આ બેન્ડ ચલાવે છે તેમાંના એક બેન્ડ ગ્રૂપનું નામ – ‘વિન્ટસ ફ્લાય ટ્રેપ’ છે.

નોંધપાત્ર વાત એ છે કે થાઈલેન્ડના કિન્નરોની એક સંસ્થા અહીં આવા થર્ડ જેન્ડર માટે ‘મિસ ઈન્ટરનેશનલ ક્વીન’ જેવી સ્પર્ધા પણ યોજે છે.

તે થર્ડ જેન્ડર માટેની સૌંદર્ય સ્પર્ધા હોય છે.

બીજી જાણવા જેવી વાતઃ થાઈલેન્ડની સ્ત્રીઓની સરખામણીમાં થાઈ-લેડી બોયઝ વેસ્ટર્ન પિૃમના દેશોની સ્ત્રીઓ જેવા વધુ લાગે છે. તેમનો સ્વર પણ વધુ ઊંડાણભર્યો હોય છે. જાહેરમાં ફરતી વખતે પોલો નેક્સ વધુ પહેરે છે અને શરીરને ઢાંકી રાખે છે.

ખેર!  

ભારતમાં પણ હવે કિન્નરોને સન્માન મળે તેવું કાયદાકીય સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. ભારતમાં નામદાર અદાલતે કિન્નરોને સન્માન બક્ષ્યું છે. સમાજ પણ આ કિન્નરોને સમાજના અભિન્ન હિસ્સા તરીકે સ્વીકારે અને તેમને ધુત્કારવાના બદલે તેમનું પણ સન્માન કરે.

ભારતમાં આવા કિન્નરો પૈકી કોઈનું નામ શેફાલી છે, કોઈનું નામ ગીતા છે કોઈનું નામ રૂબી છે, કોઈનું નામ ગૌરી છે, કોઈનું નામ સ્વપ્ના છે, કોઈનું નામ ઊર્મી છે તો કોઈનું નામ પદ્મશાળી છે. થાઈલેન્ડમાં કેટલાક થર્ડ જેન્ડર કિન્નર મોડેલ્સ પણ છે, ગાયિકાઓ પણ છે અને ફિલ્મસ્ટાર્સ પણ છે. આવી તક ભારતમાં પણ કિન્નરોને આપવી જોઈએ. તેમને ચૂંટણી લડવાની પણ તક આપવી જોઈએ.

ભારતના કર્ણાટકના વતની અક્કાઈ પદ્મશાળી પણ આવા જ એક કિન્નર સેલિબ્રિટી છે. છોકરા તરીકે જન્મ્યા, પરંતુ બચપણમાં જ તેમને લાગ્યું કે તેઓ છોકરી છે. વયસ્ક બનતાં સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યું અને હવે તેઓ સિંગર, મોડેલ અને ઉત્કૃષ્ટ વક્તા પણ છે. પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા એક વાર ભારત આવ્યા ત્યારે એકમાત્ર ટ્રાન્સજેન્ડર અર્થાત્ કિન્નર અક્કાઈ પદ્મશાળીને તેમના એક કાર્યક્રમમાં હાજરી આપવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અક્કાઈ પદ્મશાળીના વ્યક્તિત્વથી બરાક ઓબામા પણ પ્રભાવિત થયા હતા. અક્કાઈ પદ્મશાળીને કર્ણાટક રાજ્ય તરફથી રાજ્યોત્સવ પ્રશસ્તિ પુરસ્કાર પણ એનાયત થયેલો છે. તેમણે લગ્ન પણ કર્યું છે.

ચાલો, આપણે સહુ પણ કિન્નરોનો સામાજિક આદર કરીએ.

Be Sociable, Share!