Close

એક અશ્વેતની હત્યા અને કોરોના મહામારી પ્રેસિડેન્ટ ટ્રમ્પને ચૂંટણી જિતાડશે કે હરાવશે?

રેડ રોઝ | Comments Off on એક અશ્વેતની હત્યા અને કોરોના મહામારી પ્રેસિડેન્ટ ટ્રમ્પને ચૂંટણી જિતાડશે કે હરાવશે?

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે તેની પૂર્વસંધ્યાએ ઘટેલી બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ આ ચૂંટણીને પ્રભાવિત કરશે. એક છે કોરોનાની મહામારીથી અમેરિકામાં મોતને ભેટેલા એક લાખથી વધુ લોકો અને બીજી ઘટના છે અમેરિકાના મિનિયાપોલીસ શહેરમાં એક ગોરા પોલીસ અધિકારી દ્વારા એક અશ્વેતની ગળું દબાવીને કરાયેલી હત્યા.

અમેરિકા એક લોકતાંત્રિક દેશ છે. એક જમાનામાં અહીં ગોરા અને અશ્વેત લોકો વચ્ચે ભારે વૈમનસ્ય હતું. આજે પરિસ્થિતિ અલગ છે. ગોરા પોલીસ અધિકારી દ્વારા અશ્વેત જ્યોર્જ ફ્લોઈડ નામના નાગરિકની હત્યાએ આખા અમેરિકાને હચમચાવી દીધું છે. અમેરિકામાં ઠેરઠેર શાંતિ રેલીઓનું આયોજન થઈ રહ્યું છે. ‘Black Lives Matter એવા બેનર હેઠળ અમેરિકાની જ રાજધાની વોશિંગ્ટનમાં મહારેલીનું આયોજન થયું જેના અનુસંધાનમાં લાખો લોકો એકત્ર થયા. આ રેલી માત્ર અશ્વેતોની જ નહોતી પરંતુ તેમાં ગોરા લોકો પણ જોડાયા. માત્ર વોશિંગ્ટનમાં જ નહીં પરંતુ લાસવેગાસ ન્યૂયોર્કથી માંડીને બીજાં અનેક શહેરોમાં આવી રેલીઓ યોજાઈ. આ શાંતિપૂર્ણ રેલીઓની પૂર્વે અમેરિકાનાં તમામ મુખ્ય શહેરોમાં ઠેરઠેર હિંસા ફાટી નીકળી. આગ લગાડવાના બનાવો બન્યા. ઠેરઠેર લૂંટફાટ થઈ. શરૂઆતમાં તો લોકોનો આક્રોશ જોઈ વિશ્વના સહુથી તાકાતવર મનાતા વિશ્વ જમાદાર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસના બંકરમાં છુપાઈ જવું પડયું.

પ્રેસિડેન્ટ ટ્રમ્પને ચીનથી નહીં પરંતુ પોતાના જ નાગરિકોથી ડરીને બંકરમાં છુપાઈ જવું પડે એ તેમની ભીતરી તાકાતની-ભીતરી નબળાઈની અને તેમણે કરેલી મૂર્ખામીઓની ચાડી ખાય છે. એક અશ્વેત નાગરિકની હત્યા બાદ તેમણે પ્રજાને શાંત પાડવાના બદલે ઉશ્કેરણીજનક નિવેદન કર્યું. જેના પરિણામે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ‘keep your mouth shut’- કહેવાની ફરજ પડી.

હવે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી આવી રહી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષના સભ્ય છે. તેમની સામે ડેમોક્રેટિક પક્ષના સભ્ય જો બિડેનની ઉમેદવારી નક્કી લાગે છે. જો બિડેને કહ્યું છે કે જનતાનું સમર્થન મેળવવા તેઓ રોજ લડત આપશે. આખું અમેરિકા એક રહી શકે તેવું નેતૃત્વ અમેરિકા ઝંખી રહ્યું છે. જો બિડેન છેલ્લાં ૫૦ વર્ષથી જાહેરજીવનમાં છે. ભૂતકાળમાં જો બિડેન ૧૯૮૮માં અને ૨૦૦૮માં પણ ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવી ચૂક્યા છે. તેમની વય ૭૭ વર્ષની છે. વૃદ્ધ છે છતાં ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર ધરાવે છે. ૧૯૭૨માં પહેલી જ વાર તેઓ અમેરિકા સેનેટમાં ચૂંટાઈ આવ્યા હતા.

હવે તા.૩જી નવેમ્બરે અમેરિકાના પ્રમુખની ચૂંટણી થવાની છ ત્યારે હાલના પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચેની રસાકસી તીવ્ર હશે. આ ચૂંટણી (૧) કોરોના વાઇરસથી અમેરિકામાં મૃત્યુ પામેલા એક લાખથી વધુ લોકો અને (૨) અશ્વેત નાગરિકની હત્યા જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત હશે.

કોરોના વાઇરસને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકા એક અતિ આધુનિક દેશ હોવા છતાં એક લાખથી વધુ અમેરિકન નાગરિકોનાં મોતને અટકાવી શક્યો નથી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ એકઝાટકે આખા અમેરિકાને લોકડાઉન કરાવી કોરોના વાઇરસના અતિક્રમણ અને સંક્રમણને હળવું કરી શક્યા હોત. તે તેમણે ન કર્યું. માસ્ક પહેરવાનો પણ આગ્રહ ન રાખ્યો. માત્ર નિવેદનો જ કરતા રહ્યા. હાઇડ્રોક્સીક્લોરોક્વીન જેવી દવાઓ માટે તેમણે ભારત પર આધાર રાખવો પડયો. કોરોના વાઇરસથી પીડાતા દરદીઓની સારવાર માટે અમેરિકાની હોસ્પિટલોમાં પૂરતાં ઉપકરણોનો પણ અભાવ રહ્યો. અમેરિકાની હોસ્પિટલોમાં કામ કરતી નર્સોએ પીપીઈ કિટ અને માસ્ક મેળવવા માટે જાહેરમાં દેખાવો કરવા પડયા. અમેરિકામાં તબીબી સારવાર પ્રાઈવેટ હોસ્પિટલો પાસે છે. અમેરિકામાં ભારતની જેમ સરકારી હોસ્પિટલો છે જ નહીં. પરિણામ એ આવ્યું કે ૪૦ કરોડની વસતીવાળા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર નાગરિકોનો આંકડો વિશ્વમાં સહુથી મોટો રહ્યો. આ મુદ્દો પ્રેસિડેન્ટ ટ્રમ્પની ચૂંટણી વખતે તેમની વિરુદ્ધ જઈ શકે છે.

હવે અમેરિકન પોલીસ દ્વારા એક અશ્વેતની હત્યાની વાત. અમેરિકામાં વંશીય ભેદભાવો અને ગોરા લોકો દ્વારા અશ્વેતો પરના જોર-જુલમનો ઇતિહાસ લાંબો અને રક્તરંજિત છે. અશ્વેતોને ગુલામ બનાવી તેમની પાસે વેઠ કરાવવાનો ઇતિહાસ કરુણ કથાઓથી ભરેલો છે. અશ્વેત ગુલામો સાથેના વ્યવહાર પર અમેરિકન લેખકોએ જ અનેક પુસ્તકો, નવલકથાઓ લખેલી છે, આમાંની એક છે હેરિયટ બીચર સ્ટોવની નવલકથા ‘Uncle Tom’s Cabin.’ જે નવલકથા યુનિવર્સિટીઓનાં પાઠયપુસ્તક તરીકે પણ ભણાવવામાં આવતી હતી. એ જ રીતે એક અશ્વેતને ભળતા જ નામના કારણે એક ગોરા જમીનદારને ત્યાં કેવી રીતે ગુલામ બનાવી દેવાય છે તેની સંવેદનશીલ કથા પરથી એક ફિલ્મ બની છે. ‘૧૨ years a Slave.’ આ કથામાં એવી વાત છે કે સોલોમન નોર્થઅપ નામના એક ફ્રી આફ્રિકન-અમેરિકનને બ્રાઉન અને હેમિલ્ટન નામના બે માણસો દ્વારા જોબની ઓફર કરવામાં આવે છે. તે વોશિંગ્ટન જાય છે ત્યારપછી જ તેને ખબર પડે છે કે તેને ગુલામ બનાવી વેચી દેવામાં આવ્યો છે. ગુલામ બન્યાનાં ૧૨ વર્ષ પછી તેને મુક્તિ મળે છે પરંતુ આ બાર વર્ષમાં તે બાર જન્મો જેટલું દુઃખ અને યાતનાઓ ભોગવી લે છે. આ ફિલ્મનું નિર્માણ બ્રાડ પીટે કર્યું છે અને સ્ટીવ મેક્વીને તેનું નિર્દેશન કર્યું છે. આ કથા સત્યઘટના પર આધારિત છે. ૨૨ મિલિયન ડોલરમાં બનેલી આ ફિલ્મે ૧૮૭ મિલિયન ડોલરની કમાણી કરી હતી અને ૨૦૧૩ની સાલની તે શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પ્રશંસા પામી હતી.

અમેરિકામાં ગુલામીની પ્રથાની શરૂઆત ૧૭મી સદીથી થઈ હતી. કેટલાક લોકો આફ્રિકા ખંડમાંથી અશ્વેત લોકોનાં અપહરણ કરી તેમને અમેરિકા લાવી ગુલામ બનાવી દેતા, તેમને કપાસ અને તમાકુનાં ખેતરોમાં વેઠિયા મજૂરો તરીકે કામે લગાડી દેવાતા હતા. ગુલામીની આ પ્રથાનો અંત આવતાં વર્ષો લાગ્યાં. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન ગુલામોના તારણહાર ગણાયા. તેમની પણ હત્યા થઈ ગઈ. ગુલામીની પ્રથાના અંતનાં વર્ષો બાદ આજે પણ કેટલાક ગોરા લોકો તરફથી અશ્વેતો તરફનો અણગમો યથાવત્ છે જે એક અશ્વેત વ્યક્તિની હત્યા બાદ છતો થયો. બહારથી સિવિલાઇઝડ અને સભ્ય લાગતા ગોરા લોકોમાં એક નાનકડો આવો કટ્ટરતાભરેલો વર્ગ છે. જોકે આવો કટ્ટર વર્ગ નાનો છે કે મોટો તે હવે અમેરિકાની આવી રહેલી ચૂંટણીનાં પરિણામો નક્કી કરશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જોતાં તો લાગે છે કે તેઓ અશ્વેતો વિરુદ્ધ ગોરાઓને ઉશ્કેરી તેનું ધ્રુવીકરણ કરાવી એ ધ્રુવીકરણના સહારે ફરી અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા માંગે છે. અમેરિકામાં વસતા એશિયનો અને ખાસ કરીને ભારતીયોનાં વિઝા નિયંત્રણો કડક બનાવી તેઓ અમેરિકા ફર્સ્ટના નારા દ્વારા અમેરિકન રાષ્ટ્રવાદની છૂપી ફોર્મ્યુલા દ્વારા ફરી પ્રેસિડેન્ટ બનવા માંગે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ વાત યાદ રાખે કે આજના અમેરિકન આર્થિક વિકાસમાં યહૂદીઓ પછી સહુથી વધુ ફાળો ભારતીયોનો છે. અમેરિકામાં વસતા ભારતીયો સહુથી વધુ મહેનતકશ, ઉદ્યમી અને પરિશ્રમ કરનારા લોકો છે. આજે પણ અમેરિકામાં ભારતીય ડોક્ટરો, સોફ્ટવેર એન્જિનિયરોની બોલબાલા છે. અમેરિકાની કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓના વડા તરીકે ભારતીયો છે. મોટા ભાગના ગોરાઓ તો સોમથી શુક્ર જે કમાય છે તે શનિ-રવિવારે પબમાં જઈ ઉડાવી દે છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જે કમાય છે તેની બચત કરે છે.

અશ્વેતો પ્રત્યેની નફરત ધરાવતા લોકોને ઉશ્કેરીને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી જીતી જાય તો એમ સમજવું કે અમેરિકાની ગોરી પ્રજાનું માનસ આજે પણ ૧૭મી કે ૧૮ સદીની માનસિકતા જ ધરાવે છે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ આગામી ચૂંટણી હારી જાય તો એમ સમજવું કે મોટા ભાગની અમેરિકન ગોરી પ્રજા હવે ૧૭મી કે ૧૮મી સદીની અશ્વેતો પ્રત્યેની નફરતની માનસિકતા ધરાવતી નથી.

કાળા રંગ પ્રત્યે નફરત ધરાવનારાઓએ એ વાત સમજી લેવાની જરૂર છે કે સંસારમાં કાળા રંગનું પણ એક આગવું મહત્ત્વ છે. રાત કાળી અંધારી ન હોત તો તમે ઊંઘી કેવી રીતે શકત? આંખની કીકી કાળી હોવાના બદલે સફેદ હોત તો માનવી કેવો બિહામણો લાગત? સ્ત્રીઓના વાળ કાળા ન હોત તો તે કેવી લાગત? અત્યાર સુધી સ્કૂલમાં બાળકોને ભણવવાનું-જ્ઞાન આપતું બોર્ડ પણ ‘બ્લેક’ હોય છે. મહાભારતના રચયિતા ભગવાન વેદવ્યાસ, વિશ્વને શ્રીમદ્ ભગવદ ગીતા જેવું શ્રેષ્ઠ જ્ઞાન આપનાર ભગવાન શ્રીકૃષ્ણ, ધનુર્ધર અર્જુન અને ભારત વર્ષનાં પ્રથમ નારીવાદી મહિલા દ્રૌપદી પણ શ્યામ હતાં.

તો પછી કાળા રંગ પ્રત્યે આટલી નફરત કેમ? સફેદ તો ગધેડાં અને બગલાં પણ હોય છે, મિસ્ટર ટ્રમ્પ. જો કે, બધા જ ગોરા લોકો ખરાબ છે અને બધા જ ગોરા સારા છે તેવું નથી. તે જ રીતે બધા જ અશ્વેત સારા છે અને બધા જ અશ્વેત ખરાબ છે તેવું પણ નથી. છેવટે તો બધા માનવીઓ જ છે પરંતુ કોઈ માનવી બીજા માનવીનું ગળું રૃંધીને તેને હત્યા કરે તે યોગ્ય નથી. પોલીસને કોઈની પર શક હોય તો શંકાસ્પદ ગુનેગારની ધરપકડ કરી શકે છે પરંતુ પોલીસ પોતે જ કોઈને સજા કરી શકે નહીં.

Be Sociable, Share!