Close

એક ડાન્સ બારમાં એક બાર બાળા પર એક કરોડની રકમ ઉછાળી દીધી

કભી કભી, રેડ રોઝ | Comments Off on એક ડાન્સ બારમાં એક બાર બાળા પર એક કરોડની રકમ ઉછાળી દીધી

અબ્દુલ કરીમ તેલગી.
જેનું કર્ણાટકની એક હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ મૃત્યુ થયું. કેટલાક વર્ષો પૂર્વે મહારાષ્ટ્રના અંડરવર્લ્ડમાં તેલગી એક બહુર્ચિચત નામ હતું.
અબ્દુલ કરીમ તેલગીની બનાવટી સ્ટેમ્પ પેપર્સ છાપવાના કેસમાં ૩૦ વર્ષની સખ્ત કેદની સજા થઈ હતી. પોલીસની લાંબી મહેનત બાદ તે ૨૦૦૧માં રાજસ્થાનના અજમેરથી પકડાયો હતો. પકડાયા બાદ તેણે સંપાદિત કરેલી વિશાળ સંપત્તિનો તેણે એકરાર કર્યો હતો જેમાં કુલ ૩૬ પ્રોપર્ટીઝ, તથા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ તથા ચેન્નાઈમાં ૧૨૦ જેટલા બેન્ક એકાઉન્ટ્સ હોવાનું તેણે કબૂલ્યું હતું. કોર્ટે તેને રૂ. ૨૦૨ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. રૂ. ૩૨ હજાર કરોડના સ્ટેમ્પ કૌભાંડમાં તે કેન્દ્ર સ્થાને હતો. આજથી દોઢ દાયકા પૂર્વે અબ્દુલ કરીમ તેલગીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં અને પોલીસ ખાતામાં ભૂકંપ પેદા કરી દીધો હતો. આ સ્ટેમ્પ ગોટાળાની મલાઈ માત્ર પોલીસવાળાઓ જ નહીં પરંતુ રાજનેતાઓએ પણ ખાધી હતી. તેલગી તો એક આરોપી હતો પરંતુ એ આરોપીના કારણે પોલીસ ઈન્સ્પેક્ટરથી માંડીને જોઈન્ટ કમિશનર અને પોલીસ કમિશનર પણ લોકઅપમાં પહોંચી ગયા હતા.
તેલગીના નાર્કો ટેસ્ટમાં રાજનેતાના નામ આવ્યા હતા. મહારાષ્ટ્રના એ વખતના ગૃહમંત્રી છગન ભૂજબળની એસઆઈટીએ લાંબી પૂછપરછ કરી હતી પરંતુ એ વખતે બીજા એક કૌભાંડમાં જેલમાં બંધ છગન ભૂજબળ તેલગીકાંડમાં કાનૂનના સંકજામાં આવતા બચી ગયા હતા.
આૃર્ય એ વાતનું હતું કે તેલગીકાંડ ફક્ત મુંબઈમાં જ નહીં પરંતુ દેશના ૧૮ રાજ્યોના ૭૦ શહેરો સુધી ફેલાઈ ગયું હતું. જાણવા જેવી વાત એ છે કે તેલગી તે અટક છે, નામ નથી. તેનો જન્મ ૧૯૬૧માં કર્ણાટકના બિજાપુર જિલ્લાના તેલગી ગામમાં થયો હતો. એ કારણે એનું નામ તેલગી પડી ગયું. તેનું પ્રારંભિક શિક્ષણ તેલગી ગામમાં જ થયું. તે પછી તે બે ભાઈઓ સાથે બેલગામના ખાનાપુર ગામે જતો રહ્યો. તેલગી માતાનું નામ શરીફાબી લાડસાબ તેલગી હતું.
તેના પિતા ખાનપુર રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા હતા. તેની મા લાકડા કાપી લાવી વેચવાનું કામ કરતી હતી. એ દરમિયાન તેના પિતા મૃત્યુ પામ્યા. હવે ઘર ચલાવવાની જવાબદારી અબ્દુલ કરીમ તેલગી અને બે ભાઈઓ અંજુમ અને રહીમ પર આવી ગઈ. એ વખતે તેલગી બેલગામની એક કોલેજમાં ભણતો હતો. રાત્રે બેલગામ રેલવે સ્ટેશને ફળ વેચતો હતો. તે ગ્રેજ્યુએટ થયો. થોડોક સમય કેન્ટીનમાં કામ કર્યું, ગોવા જતી ટ્રેનોમાં ફળ વેચ્યા.
પરંતુ તેલગીનું સ્વપ્ન મોટા મોટા ધનવાનોની જેમ ઐશ આરામની જિંદગી જીવવી. એને લાગ્યું કે પૈસા કમાવા હોય તો મુંબઈ જ જવું પડે. એક દિવસ તે મુંબઈ આવી ગયો. શરૂઆતમાં નાનું-મોેટું કામ કર્યું. પાછળથી ક્રાફડ માર્કેટમાં ટ્રાવેલ એજન્સી ખોલી. એ દ્વારા લોકોને વિદેશ મોકલવા લાગ્યો. તે હવે કમાવા લાગ્યો. લોકોને નોકરીઓ અપાવવા માટે તેણે પોતે સાઉદી અરબની મુલાકાત લીધી. ત્યાં તે સાત વર્ષ રહ્યો. ત્યાં મન ના લાગતાં એક દિવસ મુંબઈ પાછો આવી ગયો.
મુંબઈમાં કોલાબાના એક ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે નોકરી કરવા લાગ્યો. એ દરમિયાન તેની મુલાકાત ગેસ્ટહાઉસના માલિકની સાળી શાહિદા બેગમ સાથે થઈ. બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. બંનેએ લગ્ન કરી લીધા. બાળકો થયા. પુત્રીને સાના એવું નામ આપવામાં આવ્યું. સાનાના નામથી તેલગીએ સાના ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન લિ. નામની એક કંપની પણ બનાવી.
અબ્દુલ કરીમ તેલગી હવે પ્રતિમાસ લાખો રૂપિયા કમાવા લાગ્યો. પૈસા કમાવા તેણે ખોટા રસ્તા પણ અપનાવ્યા હતા. છેતરપિંડીના એક કેસમાં તેની ધરપકડ થઈ. જેલમાં ગયો. જેલમાં તેની મુલાકાત એક શેરબ્રોકર સાથે થઈ, જેને નકલી શેર બનાવીને વેચવાના આરોપસર ગિરફતાર કરવામાં આવ્યો હતો. જેલમાં તેલગી આ શેરબ્રોકર પાસેથી ઘણું શીખ્યો. તેલગીએ જેલમાં રહેલા શેરબ્રોકરને પોતાના ગુરુ માની લીધા.
જામીન પર છૂટીને ઘેર આવ્યા બાદ તેલગીએ જેલમાં બંધ શેરબ્રોકરે બતાવેલા માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું. તે મુંબઈથી સીધો નાસિક પહોંચ્યો. નાસિકમાં ઈન્ડિયન સિક્યોરિટી પ્રેસમાં કેટલાક કર્મચારીઓને મોટી રકમ આપી તેણે કેટલાંક જૂની પ્રિન્ટિંગ યંત્ર સામગ્રી ખરીદી લીધી. એ વખતના નિયમ મુજબ એવા જૂના પ્રિન્ટિંગ મશીનો નષ્ટ કરી દેવાતા હતા, વેચવામાં આવતા નહોતા. પરંતુ તેલગી એ જૂના પ્રિન્ટિંગ મશીનો ખરીદી લેવામાં સફળ થયો. એણે લાંચ આપીને એવી વ્યવસ્થા પણ ગોઠવી કે સ્ટેમ્પ વિક્રેતાને સિક્યોરિટી પ્રેસમાં ઓર્ડર આપ્યા બાદ પણ તરત જ સ્ટેમ્પ ના મળે પરિણામે તેલગી જે નકલી સ્ટેમ્પ પેપર છાપવા લાગ્યો હતો તે જ ખરીદવાની સ્ટેમ્પ વિક્રેતાઓને ફરજ પડે.
શરૂઆતમાં તેલગીએ આ જૂના મશીનો પર હજારો કરોડના નકલી સ્ટેમ્પ પેપર્સ છાપી દીધા. તપાસ એજન્સીઓેના માનવા મુજબ તેલગીએ રૂ. ૩૨ હજાર કરોડના નકલી સ્ટેમ્પ પેપર્સ છાપ્યા હતા.
આજથી દોઢ દાયકા પૂર્વે પોલીસને મળેલી બાતમી અનુસાર તેલગીના કેટલાંક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા તેમાં નકલી સ્ટેમ્પ મળી આવ્યાં. તેમાં મહારાષ્ટ્રમાંથી રૂ. ૩,૦૦૦ કરોડના નકલી સ્ટેમ્પ, કર્ણાટકમાંથી રૂ. ૨૪૦ કરોડના નકલી સ્ટેમ્પ, દિલ્હીથી રૂ.૨૯૨ કરોડના નકલી સ્ટેમ્પ, ચંદીગઢથી રૂ. ૫૨ કરોડના નકલી સ્ટેમ્પ, બિહારથી રૂ. ૯૩ કરોડના નકલી સ્ટેમ્પ અને આંધ્ર પ્રદેશથી રૂ. ૧૦ કરોડના નકલી સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા.
૨૦૦૨થી ૨૦૦૩ના સમયગાળામાં તેલગી અલગ અલગ કેસોમાં આરોપના કારણે ચાર મહિના પોલીસની હિરાસતમાં હતો. છતાં એક દિવસ પણ તે હવાલાતમાં રહ્યો નહીં. આ પોલીસ સાથેની તેની ગોઠવણનું પરિણામ હતું. આ દરમિયાન કયાં તો તે ઘેર રહ્યો અથવા હોટલમાં રહ્યો. વચ્ચે વચ્ચે તે ગોવા પણ ફરી આવ્યો. બેંગલુરુની જેલમાં તો તેની પાસે મોબાઈલ ફોનની પણ સુવિધા ગોઠવી રાખી હતી. તે જેલની અંદર જ રહી રાજનેતાઓ સાથે ફોન પર વાત કરતો હતો. ફોન પર તેણે કરેલી ચાલાકી એ હતી કે તેના બધા જ ફોન તે ખુદ ટેપ કરતો હતો જેથી બધાને બ્લેકમેલ કરી શકાય.
બેંગલુરુ જેલમાં જતા પહેલાં તે જ્યારે મુંબઈમાં હતો ત્યારે નિયમિતરૂપે મુંબઈના ડાન્સબારમાં જતો હતો. બાર બાળાઓ પર લાખો રૂપિયા ઉડાવી દેતો હતો. કહેવાય છે કે ૧૯૯૯ની છેલ્લી રાત્રે તેલગીએ એક ડાન્સ બારમાં એક બાર બાળા પર રૂ. ૫૦૦-૫૦૦ની એક એવી કુલ રૂ. એક કરોડની રકમ ઉછાળી દીધી હતી. કમિશન પેટે તે બાર બાળાને રૂ. ૪૦ લાખ મળ્યા હતા. રૂ. ૬૦ લાખ ડાન્સ બાર માલિકને ફાળે ગયા હતા. બારની માલિક પણ એક મહિલા હતી તે તેલગીને ગમી જતાં તેણે બાર માલિક છોકરીને સેન્ટ્રો કાર ભેટ આપી હતી.
આવી હતી અબ્દુલ કરીમ તેલગીની જિંદગી જેના માટે ગુનાખોરી શીખવા જેલ જ એક યુનિવર્સિટી બની ગઈ હતી. તેલગીના જીવન પરથી ‘મુદત’ નામની એક ફિલ્મ પણ બની હતી પરંતુ ૨૦૦૮માં તેલગીએ તેની સામે કાનૂની પડકાર ફેંકતા ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી.
તેલગી મેનેજાઈટીસ, ડાયાબિટીસ અને એઈડ્સથી પીડાતો હતો. ગઈ તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ બેંગલુરુની વિકટોરિયા હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું. કહેવાય છે કે તેલગીના મોત સાથે તેનાં ઘણાં અને વ્યવસાયિક રહસ્યોને સાથે જ રાખીને કબરમાં પોઢી ગયો. તેલગીના કયા પોલીસ અધિકારીઓ, બ્યૂરો કેટ્સ અને મહારાષ્ટ્રના મોટા પોલિટિકલ ગોડફાધર્સ સાથેના તેના કનેકશન્સ હવે તેની સાથે જ કબરમાં ધરબાઈ ગયા છે.તેલગી શરૂઆતમાં એક નાનો ગુનેગાર હતો પરંતુ જેલમાં તેને એક ગુરુ મળી જતાં મોટા ગુના કરવાની તરકીબો શીખી ગયો અને તેના માટે જેલ જ ગુનાખોરી શીખવાની યુનિવર્સિટી બની ગઈ.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!