Close

એક દાયકામાં વિશ્વની ૨૫૦૦ માતૃભાષાઓ લુપ્ત થઈ જશે

રેડ રોઝ | Comments Off on એક દાયકામાં વિશ્વની ૨૫૦૦ માતૃભાષાઓ લુપ્ત થઈ જશે

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન છે.

અંગ્રેજી ભાષા વિશ્વભરની ભાષાઓ પર હાવી થઈ રહી છે. કમ્પ્યૂટર્સ માટે સંસ્કૃત ભાષા સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે, અંગ્રેજી નહીં, પરંતુ કમ્પ્યુટર્સનો ઉપયોગ અંગ્રેજી ભાષાના કી-બોર્ડથી જ કરવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં ઘણી અનિયમિતતાઓ છે. દા.ત. know અને No – એ બંને શબ્દોનો ઉચ્ચાર એક જ છે- ‘નો.’ પરંતુ બંનેના અર્થ અલગ છે. સંસ્કૃત ભાષામાં આવી અનિયમિતતા નથી. એક જ જોડણી અને એક જ ઉચ્ચાર. સંસ્કૃત એ ગુજરાતી, હિંદી, મરાઠી, ભોજપુરીથી માંડીને અનેક ભાષાઓની માતા છે પરંતુ સંસ્કૃત હવે દેવોની જ ભાષા બની રહી ગઈ છે.

ભારત જ નહીં પરંતુ વિશ્વની અનેક માતૃભાષા અનેક સંકટોમાંથી પસાર થઈ રહી છે. તેનાં બે કારણો છે. એક તો અંગ્રેજી ભાષાનું વધી રહેલું વર્ચસ્વ અને બીજું કારણ છે શિક્ષિત અને આર્િથક રીતે સમૃદ્ધ વર્ગ પોતાની જ માતૃભાષાની ઉપેક્ષા કરી રહ્યો છે. આ વર્ગ અંગ્રેજી ભાષાને જ જ્ઞાનનું સાધન માની રહ્યો છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે રોજ એક ભાષા લુપ્ત થાય છે. માતૃભાષાઓના સંદર્ભમાં ભારતની પરિસ્થિતિ બેહદ ચિંતાજનક છે. ભારતની એક સમયની કુલ ૧૩૬૫ જેટલી માતૃભાષાઓમાંથી હવે ૧૬૯ જેટલી ભાષાઓ લુપ્ત થવાની અણી પર છે. ભારત પછી અમેરિકાની સ્થિતિ ચિંતાજનક છે. અમેરિકામાં ૧૯૨ જેટલી માતૃભાષાઓ દમ તોડી રહી છે.

દુનિયામાં કુલ ૬૯૦૦ જેટલી ભાષાઓ બોલાય છે, પરંતુ વિશ્વમાં અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર જે રીતે વધી રહ્યો છે તે જોતાં લાગે છે કે આવતા એક દાયકામાં ૨૫૦૦ જેટલી ભાષાઓ લુપ્ત થઈ જશે. ભારત અને અમેરિકા પછી સહુથી વધુ ખરાબ પરિસ્થિતિ ઈન્ડોનેશિયાની છે. ઈન્ડોનેશિયાની ૧૪૭ ભાષાઓ સમાપ્તિના આરે છે.

દુનિયાભરમાં ૧૯૯ ભાષાઓ એવી છે જેને બોલવાવાળા લોકોની સંખ્યા એક ડઝનથી પણ ઓછી છે. વિશ્વમાં ૧૭૮ ભાષાઓ એવી છે કે જેને બોલવાવાળાઓની સંખ્યા ૧૫૦થી પણ ઓછી છે.

ભારતમાં હિન્દી ભાષા હવે આખા દેશમાં બોલાય છે અને સમજી પણ શકાય છે પરંતુ ૧૦ જેટલાં રાજ્યોમાં તે પ્રમુખતા સાથે બોલાય છે.

એક અભ્યાસ પ્રમાણે ૨૧૦૦ના અંત સુધીમાં પૃથ્વી પર બોલાતી ૫૦૦૦ જેટલી ભાષાઓ લુપ્ત થઈ શકે છે. ભારત સરકારે એ ભાષાઓના આંકડાનો સંગ્રહ કર્યો જેને ૧૦ હજારથી ઓછા લોકો બોલે છે.

નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી ફોર એન્ડેન્જર્ડ લેગ્વેંજીસના અભ્યાસ અનુસાર દર પખવાડિયે એક ભાષાનું મોત થઈ રહ્યું છે. સાલ ૨૧૦૦ના અંત સુધીમાં ધરતી પર બોલાઈ રહેલી ૬૯૦૦ જેટલી ભાષાઓમાંથી ઘણીબધી ભાષાઓનાં મોત નીપજશે. હાલ વિશ્વની ૨૭૦૦ જેટલી માતૃભાષાઓ મોત સામે ઝઝૂમી રહી છે. આવી ભાષાઓમાં આસામની ૧૭ ભાષાઓનો સમાવેશ થાય છે.

યુનેસ્કોએ જાહેર કરેલા એક અહેવાલ અનુસાર આસામની દેવરી, મિલિંગ, કછારી, બેઈટે, તિવા અને કોચ રાજવંશી જેવી ભાષાઓ સંકટમાં છે. આ ભાષાઓનું ચલણ હવે ખતમ થવાના આરે છે. આસામની નવી પેઢી અસમિયા, હિન્દી અને અંગ્રેજી જ વધુ બોલે છે. જોકે આમ છતાં આસામના ૨૮,૦૦૦ જેટલા લોકો દેવરી ભાષા બોલે છે. ત્યાંના સાડા પાંચ લાખ લોકો મિલિંગ ભાષા બોલે છે. ૧૯ હજાર લોકો બેઈટી ભાષા બોલે છે. આ સિવાય આસામની બોડો, કાર્બો, ડિમાસા, વિષ્ણુપ્રિયા, મણિપુરી અને કાકબરક ભાષાઓ પણ મોત તરફ ધસી રહી છે. અહીંના લોકો ઘરમાં, બજારમાં અને રોજબરોજના વ્યવહારમાં આ ભાષાઓનો ઉપયોગ ટાળી રહ્યા છે.

વિશ્વના કેટલાક દેશો તેમની નવી પેઢી અંગ્રેજી ભાષાની ગુલામ ન બની જાય તેના ઉપાય શોધી રહ્યા છે. વિશ્વભરની નવી પેઢીને હવે અંગ્રેજી ભાષાનું જ આકર્ષણ છે. આ કારણે વિશ્વની ૯૦ ટકા ભાષાઓ લુપ્ત થવાની કગાર પર છે.

ભારતની સહુથી પ્રાચીન બ્રાહ્મી લિપિ વાંચવાવાળા આજે કોઈ નથી.

વિશ્વની સહુથી પ્રાચીન એવી સંસ્કૃત ભાષા હવે દેશમાં માત્ર ૨૫,૦૦૦ લોકોની જ માતૃભાષા બનીને રહી ગઈ છે.

આ જ રીતે એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાનાં કેટલાંક ક્ષેત્રોમાં અનેક ભાષાઓ લુપ્ત થઈ રહી છે. આમ થવા માટે અંગ્રેજી ભાષાને જ કેટલાક લોકો ખલનાયિકાની ઉપમા આપે છે. જોકે અંગ્રેજી ભાષા જ્ઞાનની ભાષાનું માધ્યમ છે. તેને કોઈ નકારી નહીં શકે. કમ્પ્યૂટર્સ કે સ્માર્ટ ફોન પણ અંગ્રેજી ભાષાના આધારે જ વિશ્વમાં પ્રચલિત છે. વિમાન ઉડાડવા માટે પાઇલટ બનવું હોય તો હવે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે તે હકીકત સ્વીકારવી પડે છે. અંગ્રેજી એ નોકરી મેળવવાની અને પૈસા કમાવાની ભાષા બની ગઈ છે, તેને નજરઅંદાજ કરી શકાય નહીં. વિશ્વભરની નવી પેઢીને અંગ્રેજી ભાષાનું જ આકર્ષણ છે. અંગ્રેજી ભાષા ભલે બોલો પરંતુ માતૃભાષા આપણી ધરોહર છે, તેને પણ બચાવવી જરૂરી છે. બેંકો, નિગમો અને સરકારી કચેરીઓમાં પણ માતૃભાષા જીવિત રહે તે જરૂરી છે. ભારતની તમામ ભાષાઓ અને બોલીઓ અંગ્રેજીના વધતા જતા પ્રભાવના કારણે સંકટમાં છે. પ્રશાસનમાં હવે માતૃભાષાના વધુ ઉપયોગ પર ભાર મૂકવો પડશે.

તા.૨૧ ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે. ઇતિહાસ એવો છે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન આપણા પડોસી દેશ-બંગલા દેશમાં થયેલા ભાષાકીય આંદોલનથી પ્રેરિત છે. છેક ૧૯૫૨થી બંગલા દેશમાં ‘ભાષા, આંદોલન દિવસ’ મનાવવામાં આવે છે. વાત એમ હતી કે એ જમાનામાં બંગલા દેશ પૂર્વ પાકિસ્તાનનો એક હિસ્સો હતો. એ વખતે ઢાકામાં ‘બાંગ્લા’ને બીજી રાષ્ટ્રભાષા બનાવવા માટે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું.

તેને અંકુશમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો અને કેટલાક વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં. એ કારણથી ત્યાં એ દિવસને દર વર્ષે એ ઘટનાની સ્મૃતિ તરીકે ભાષા આંદોલન દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે પછી એ સ્મૃતિ કાયમ રાખવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે દર વર્ષે તા.૨૧મી ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઘોષિત કર્યો.

Be Sociable, Share!