Close

ઓગળી રહેલો હિમાલય ભયાનક આપત્તિઓ લાવશે,

રેડ રોઝ | Comments Off on ઓગળી રહેલો હિમાલય ભયાનક આપત્તિઓ લાવશે,

ગ્લોબલ વોર્મિંગ ’ હવે એક જાણીતો શબ્દ બની ગયો છે. વિશ્વમાં ક્યાંક પ્રચંડ પૂર આવે છે તો ક્યાંક ભીષણ દુષ્કાળ પડે છે. ક્યાંક ધરતીકંપ થાય છે તો ક્યાંક જ્વાળામુખી ફાટે છે. ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ચોમાસું મોડું શરૂ થાય છે અને મોડું પૂરું થાય છે. ફ્રાંસ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશ બારેમાસ બરફથી આચ્છાદિત આલ્પ્સ પર્વતમાળાથી ઘેરાયેલા છે. ત્યાં ૪૫ ડીગ્રી ગરમી પડે છે. યુરોપના દેશો આવી ગરમીથી ટેવાયેલા નથી. પેરિસના રસ્તા પર ઠંડક માટે ફુવારા ગોઠવવા પડે છે.

આ એક ખતરનાક પરિસ્થિતિ છે.

ઋતુચક્રનું આ પરિવર્તન ચાલુ જ રહ્યું તો આવનારાં વર્ષોમાં યુરોપના દેશોમાં રહેતા લોકો માટે જીવવું મુશ્કેલીઓથી ભરેલું બની જશે. આ બધાનું કારણ છે અનિયંત્રિત ઔદ્યોગિકીકરણ. રોજ અબજો મોટરકારોનો ધુમાડો, તેમાંથી ઉત્સર્ગ પામતા વાયુઓ પૃથ્વીના વાતાવરણને વિચલિત કરી રહ્યા છે. લોકોનું આધુનિક અપ્રાકૃતિક યંત્રો પર આધારિત જીવન પ્રાકૃતિક આપદાઓને લઈને આવી રહ્યું છે.

વધી રહેલી ગરમીના કારણે પાછલાં ૪૦ વર્ષ દરમિયાન હિમાલયની ગ્લેસિયર્સનો એક ચતુર્થાંશ બરફ પીગળી ગયો છે.

એવું જ એન્ટાર્કટિકાનું છે. એન્ટાર્કટિકાનો બરફ પણ ઓગળી રહ્યો છે. એન્ટાર્કટિકા અને એન્ટાર્કટિકા બાદ વિશ્વનો ત્રીજો સહુથી વધુ બરફનો જથ્થો હિમાલયના પર્વતો પર હોવાનું મનાય છે. હિમાલય પર આવેલો કૈલાસ પર્વત તો દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન છે. આ એ જ હિમાલય છે જ્યાં હિમાલય અને મેનાની પુત્રી તરીકે જન્મેલાં દેવી ઉમાએ ભગવાન શિવને પ્રસન્ન કરવા પૂજા કરી હતી. આ એ જ હિમાલય છે જે ધ્યાનમાં બેઠેલા શિવની નજર પૂજા કરતી ઉમા તરફ જાય, શિવ ઉમા સાથે પરણે અને તેમનાથી જે પુત્ર થાય તે જ તારકાસુરને હણે તેવી દેવોની ઈચ્છા હતી. શિવને વિચલિત કરવા દેવોએ કામદેવનો સહારો લીધો હતો. કામદેવે પુષ્પધન્વા બાણ છોડી શિવનો ધ્યાનભંગ કર્યો હતો. તેમની નજર ઉમા પર પડી અને ફરી ધ્યાનમાં જઈ શિવે જાણી લીધું કે આ કૃત્ય કામદેવનું છે. તે જાણ્યા બાદ શિવે ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળીને ખાખ કરી દીધો હતો પરંતુ દેવોની ઈચ્છાથી શિવ ઉમા સાથે લગ્ન કરવા સંમત થયા હતા અને તેમનાથી જે પુત્ર જન્મ્યો તે ર્કાિતકેય. ર્કાિતકેયે તારકાસુરને હણીને દેવોને સુરક્ષિત કર્યા હતા. આવો પવિત્ર હિમાલય હવે તેનું અસલી પ્રાકૃતિક સ્વરૂપ ગુમાવી રહ્યો છે. હિમાલય પીગળી રહ્યો છે.

કોલંબિયા યુનિવર્સિટીની લામોર-ડોહર્ટી અર્થ ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિક જોશુઆ મોરેરે એક અધ્યયન બાદ જણાવ્યું છે કે હિમાલયના આ ક્ષેત્રમાં એક ડીગ્રી સેલ્સિયસ ગરમી વધી છે. આ સંશોધનના સહાયક જોઅર્ગ સ્કાફરે જણાવ્યું છે કે, હિમાલય પર એક ડીગ્રી સેલ્સિયસની વૃદ્ધિ મોટું પરિવર્તન છે.

હિમાલયની ગ્લેસિયર્સમાં બરફની ક્ષતિ તાપમાનની વૃદ્ધિના કારણે થઈ છે. અને આ બાબતની જાણ ઉપગ્રહોએ લીધેલી છબીઓ દ્વારા થઈ છે. અમેરિકાના કે એચ-૯ હેક્સાગોન મિલિટરી ઉપગ્રહે હિમાલયની આ તસવીરો લીધી હતી. આ ઉપગ્રહે ૧૯૭૩થી ૧૯૮૦ની વચ્ચે હિમાલયની કેટલીયે તસવીરો લીધી હતી. આ ઉપગ્રહોએ લીધેલી તસવીરોને સાર્વજનિક કરવામાં આવી છે અને એ તસવીરોને ૩-ડી મોડેલોમાં બદલવામાં આવી છે. એ તસવીરોના મોડેલ્સને તાજેતરમાં બીજા ઉપગ્રહો દ્વારા લેવાયેલી હિમાલયની તાજી તસવીરો સાથે સરખાવવામાં આવી છે. એ ચાર વૈજ્ઞાનિકોએ હિમાલયની ૬૦૦ જેટલી ગ્લેસિયર્સમાં આવેલાં પરિવર્તનો નિહાળ્યાં છે.

ગ્રીનલેન્ડની સરખામણીમાં હિમાલયની ગ્લેસિયર્સનો અભ્યાસ બહુ ઓછો થયો છે, કારણ કે આ દુનિયાનાં સહુથી વધુ ખતરનાક ક્ષેત્રોમાંથી એક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભૌગોલિક અને રાજનૈતિક મર્યાદાઓના કારણે અહીં સંશોધન કરવાનું કામ મુશ્કેલ બની જાય છે.

હિમાલયની પર્વતમાળા લગભગ ૧૫૦૦ માઈલ લાંબી છે. આ જ હિમાલયમાંથી ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ જેવી બીજી અનેક નદીઓ નીકળે છે.

બરફ પીગળવાનો સીધો અર્થ એ છે કે સ્થિર ગ્લેશિયર્સની તુલનામાં નદીઓમાં જળપ્રવાહ વધશે તેના કારણે એમાંથી નીકળતી નદીઓમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત બીજાં અનેક સરોવરો બનશે. આ તળાવો પણ આકસ્મિક અને વિનાશકારી પૂર લાવી શકે છે. નેપાળમાં પોખરાની આસપાસનાં ગામોમાં આવા જ કારણસર ૨૦૧૨માં પ્રચંડ પૂર આવ્યું હતું અને એક જ જળપ્રવાહ ૬૦ માણસોને તાણી ગયો હતો.

હિમાલય પર સંશોધન કરી રહેલા બ્રિટિશ ગ્લેસિયર વૈજ્ઞાનિક ડંકન ક્વિન્સીનું કહેવું છે કે ગ્લેસિયર્સ જે ઝડપથી ઓગળી રહી છે તે ચિંતાજનક છે.

ડંકન ક્વિન્સ નેપાળના ખૂંબુ ગ્લેસિયરમાં એવરડ્રિલ નામનો એક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. આ પ્રોજેક્ટના અનુસંધાનમાં ગ્લેસિયરમાં બહુ ઊંડે સુધી ડ્રીલિંગ કરવામાં આવે છે અને બરફના તાપમાન પર નજર રાખવામાં આવે છે. એવરડ્રિલના આંકડાઓથી માલૂમ પડે છે કે ગ્લેસિયર અંદરથી ગરમ થઈ રહી છે. અને એ શક્ય છે કે બરફ બહુ મોટી માત્રામાં પીગળવાના બિંદુ સુધી પહોંચી ગઈ છે.

કાઠમંડુસ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટનું કહેવું છે કે, ગ્લોબલ ર્વોિંમગ ગ્લેસિયરયુક્ત ઠંડા પર્વતોને એક સદીમાં કોરાકટ પર્વતોમાં પરિર્વિતત કરી દેશે.

હિમાલયના ગ્લેસિયર્સ પર ૩૫૦ જેટલા સંશોધકો દ્વારા થયેલાં સંશોધનોએ એવી ચેતવણી આપી છે કે જો ૨૧૦૦ની સાલ સુધીમાં ખનીજતેલ અને તેના ઉત્સર્જનમાં મોટાપાયે ઘટાડો નહીં થાય તો હિમાલય તેનો ૬૬ ટકા બરફ ગુમાવશે.

કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સ્કાફરે કહ્યું છે કે ભીષણ ગરમી અને હિમાલયના ઘટતા જળપ્રવાહના કારણે એશિયાએ એક ભારે આપત્તિનો સામનો કરવો પડશે. આ ખતરાથી બચવા માટે સામાજિક જાગરૂકતાની સાથે સાથે અર્થવ્યવસ્થાના સ્વરૂપને પણ બદલવું પડશે.

Be Sociable, Share!