Close

ઓપન હાઈમરઃ જેમણે સામૂહિક નરસંહાર માટે પરમાણુ બોમ્બ બનાવ્યો

રેડ રોઝ | Comments Off on ઓપન હાઈમરઃ જેમણે સામૂહિક નરસંહાર માટે પરમાણુ બોમ્બ બનાવ્યો

આજે વિશ્વ આખું કોરોનાની મહામારીથી ભયભીત છે. આ મહામારીએ વિશ્વના ૨૦૦થી વધુ દેશોના છ લાખથી વધુ લોકોનાં મોત નિપજાવ્યાં છે. એ ચીનનું બાયોલોજિક વેપન્સ છે કે કેમ તે એક અલગ વિષય છે પરંતુ આજે વિશ્વ આમેય આવનારા સંભવિત યુદ્ધના ભણકારા સાંભળી રહ્યું છે ત્યારે સામૂહિક માનવસંહારનું મોટામાં મોટું ખતરનાક શસ્ત્ર-પરમાણુ બોમ્બ કેવી રીતે શોધાયો તેની રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે.

આ કથા વિશ્વને પરમાણુ બોમ્બ આપનાર એક વૈજ્ઞાનિકની છે. જેમનું નામ હતું: જુલિયસ રોબર્ટ ઓપન હાઈમર.

અણુબોમ્બ બનાવવા માટેનો નહીં પરંતુ સૂક્ષ્મ પરમાણુના વિભાજનથી અખૂટ ઊર્જા પેદા થાય છે તેવી થિયરી ઓફ રિલેટિવિટીની શોધ તો આલ્બર્ટ આઈનસ્ટાઈને કરી હતી. તેમનો હેતુ પરમાણુ બોમ્બ બનાવવાનો કદી પણ નહોતો પરંતુ એમની થિયરીનો ઉપયોગ કરીને અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર રોબર્ટ ઓપન હાઇમરે પરમાણુ બોમ્બ બનાવ્યો.

બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકા જે ‘મેનહટન પ્રોજેક્ટ’ના નામ હેઠળ એક ન્યુક્લિઅર બોમ્બ બનાવવાની યોજના હાથ ધરી હતી. જેના કર્તાહર્તા રોબર્ટ ઓપન હાઈમર હતા. તેઓ ‘ફાધર ઓફ ધી એટમિક બોમ્બ’ તરીકે વધારે જાણીતા છે. અમેરિકન સરકારે તેમને યુદ્ધકાળ દરમિયાન લોસ આલ્પોસ લેબોરેટરીના વડા તરીકે નિમણૂક કરી હતી અને ‘મેનહટન પ્રોજેક્ટ’ હેઠળ તેમણે જે પહેલો પરમાણુ બોમ્બ બનાવ્યો તેનું સફળ પરીક્ષણ તા.૧૬ જુલાઈ, ૧૯૪૫ના રોજ ન્યૂ મેક્સિકો ટ્રિનિટી ટેસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

ઓપન હાઈમરે તેમણે બનાવેલા પહેલા પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું ત્યારે તેમના મોંમાથી શ્રીમદ્ ભગવદ ગીતાનો એક શ્લોક સરી પડયો હતો.

દિવિ સૂર્યસહસ્ત્રસ્ય ભવેદ્વયુગપદુત્થિતા ।

યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ ભાસસ્તસ્ય મહાત્મનઃ ।।

કાલોડસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો

લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ।

અર્થાત્ઃ ‘Now I have become death the destroyer of worlds.’  

રોબર્ટ ઓપન હાઈમરે બનાવેલા પરમાણુ બોમ્બનો ઉપયોગ અમેરિકાએ ઓગસ્ટ, ૧૯૪૫માં જાપાનના હીરોશીમા અને નાગાસાકી ખાતે કર્યો હતો. જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યાં હતાં અને લાખો લોકો વર્ષો સુધી રેડિએશન અને કેન્સરની બીમારીથી પીડાતા રહ્યા હતા.

વાત એમ હતી કે તા.૯ ઓક્ટોબર, ૧૯૪૧ના રોજ એટલે કે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું તે પહેલાં અમેરિકાના પ્રેસિડેન્ટ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટે પરમાણુ બોમ્બ બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી. આ કામ માટે છેવટે રોબર્ટ ઓપન હાઈમરને પસંદ કરવામાં આવ્યા હતા. ઓપન હાઈમરે કેટલાક યુરોપિયન ભૌતિકશાસ્ત્રીઓ અને પોતાના જ વિદ્યાર્થીઓની એક ટીમ બનાવી પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. આ કામ માટે દૂરના અંતરિયાળ વિસ્તારમાં એક ગુપ્ત લેબોરેટરી ઊભી કરવા નિર્ણય લેવાયો હતો અને એ માટેનું ન્યૂ મેક્સિકોનું એક સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. અહીં ‘લોસ અલ્મોસ રેન્ચ સ્કૂલ’ હતી. આ સ્થળે જ પરમાણુ બોમ્બ બનાવવા માટે ‘ધી લોસ અલ્મોસ લેબોરેટરી ઊભી કરવામાં આવી.’

કેટલાયે સમય સુધીની મહેનત બાદ ૧૯૪૩માં તેમણે ‘પ્લુટોનિયલ ગન-ટાઈમ ફિરન વેપન’ વિકસાવ્યું. તેમાં અનેક ફેરફારો થતા રહ્યા. તે પછી યુરેનિયમ ૨૩પ પર કામ શરૂ કર્યું. ફેબ્રુઆરી, ૧૯૪૫માં ‘લિટલ બોમ્બ’ નામની ડિવાઈસ બનાવી. છેવટે આ સિક્રેટ લેબોરેટરીએ એક પરમાણુ બોમ્બ બનાવી જ દીધો અને વિશ્વના પહેલા પરમાણુ બોમ્બનું પરીક્ષણ તા. ૧૬ જુલાઈ, ૧૯૪૫ના રોજ ન્યૂ મેક્સિકોના આલ્મોગોડા પાસે કરવામાં આવ્યું: જે સ્થળે આ બોમ્બનું પરીક્ષણ કરાયું તેને ઓપન હાઈમરે ‘ટ્રિનીટી’ એવું કોડ નામ આપ્યું હતું.

છેવટે એ લેબોરેટરીએ બનાવેલો પરમાણુ બોમ્બ જાપાન પર ફેંકાયો. એ ઘટનાના વિશ્વમાં અને અમેરિકામાં પણ વિપરીત પ્રતિભાવો ઉભર્યા. પરમાણુ બોમ્બની વિધ્વંશક તાકાતથી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. આ બોમ્બ બનાવનાર ગુપ્ત લેબોરેટરીના સ્ટાફના કેટલાયે સભ્યો દુઃખી થઈ ગયા હતા. એમને એમ પણ લાગ્યું કે મિલિટરીના હેતુ માટે હવે બીજા પરમાણુ બોમ્બની જરૂર નથી.

પરમાણુ બોમ્બ બનાવવાના માટેનો અમેરિકાનો ‘મેનહટન પ્રોજેક્ટ હીરોશીમા – નાગાસાકી પર બોમ્બ ફેંકાયો ત્યાં સુધી ગુપ્ત હતો. એ ઘટના બાદ રોબર્ટ ઓપન હાઈમરનું નામ આખા અમેરિકામાં ઘેરઘેર જાણીતું બની ગયું.’ ‘લાઈફ’ અને ‘ટાઈમ’ મેગેઝિનના કવરપેજ પર તેમને સ્થાન મળ્યું.

એ ઘટના બાદ ઓપન હાઈમરે ઘણાની ખુશી અને નારાજગી એ બંનેનો અનુભવ કર્યો. ઓક્ટોબર, ૧૯૪૫માં અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી એસ. ટ્રુમેને તેમને મુલાકાત આપવા મંજૂરી આપી પરંતુ એમની એ મિટિંગ સારી ન રહી. ઓપન હાઇમરે પ્રેસિડેન્ટને મળતાં જ કહ્યું: ‘મારા હાથ લોહીથી ખરડાયેલા છે તેવી લાગણી હું અનુભવું છું! ઓપન હાઈમરની આ ટિપ્પણીથી પ્રેસિડેન્ટ ટ્રુમેન નારાજ થઈ ગયા અને મિટિંગ ત્યાં જ ખતમ કરી દીધી. વાત આટલેથી જ અટકી નહીં, તે પછી પ્રેસિડેન્ટ ટ્રુમેનને તેમના અંડર સેક્રેટરીને કહ્યું હતું: ‘I don’t want to see that son of a ….. in this office ever again.’

અલબત્ત, પાછળથી એ જ પ્રેસિડેન્ટે ‘મેરિટ્સ’ એવોર્ડ ઓપન હાઇમરને એનાયત કર્યો હતો.

જે.રોબર્ટ ઓપન હાઈમરનો જન્મ તા.૨૨ એપ્રિલ, ૧૯૦૪ના રોજ અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે થયો હતો. તેમના પિતા એક શ્રીમંત જ્યૂઈશ-યહૂદી ટેક્સટાઈલ આયાતકાર હતા. તેમનો પરિવાર ૧૮૮૮માં જર્મનીથી સ્થળાંતર કરીને અમેરિકામાં સ્થાયી થયો હતો. એ વખતે તેમના પિતા પાસે કોઈ જ નાણાં કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ નહોતું. પિતાને એક ટેક્સટાઈલ કંપનીમાં નોકરી મળી. થોડાક જ સમયમાં તેઓ તે જ કંપનીમાં એક્ઝિક્યુટિવ બની ગયા અને પરિવાર ન્યૂયોર્કના મેનહટન વિસ્તારના પોશ એપાર્ટમેન્ટમાં રહેવા ગયો. પુત્ર રોબર્ટ ઓપન હાઇમરને હાર્વર્ડ કોલેજ, ક્રાઈસ્ટસ કોલેજ, કેમ્બ્રિજ અને યુનિવર્સિટી ઓફ ગોટિન્જન ખાતે શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવ્યું. ઓપન હાઈમર અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાના પણ વિદ્વાન બન્યા. પાછળથી તેઓ રસાયણશાસ્ત્રમાં આગળ વધ્યા. ૧૯૨૪માં કેમ્બ્રિજ ખાતે આવેલી ક્રાઈસ્ટસ કોલેજમાં પ્રવેશ મળ્યો. તે પછી ભૌતિકશાસ્ત્રમાં પણ તેઓ ઊંડા ઊતર્યા. ૧૯૪૬માં કેમ્બ્રિજ છોડી યુનિવર્સિટી ઓફ ગોટિન્જનમાં ભણવા આવ્યા જ્યાં તેમણે ફિઝિક્સનો અભ્યાસ કર્યો. માર્ચ, ૧૯૨૭માં માત્ર ૨૩ વર્ષની વયે તેમણે ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી હાંસલ કરી. ઓપન હાઈમરની મૌખિક પરીક્ષા લેનાર પ્રોફેસર જેમ્સ ફ્રેન્કે પાછળથી કહ્યું હતું: ‘સારું થયું કે બધું પૂરું થઈ ગયુ. એમ ન થયું હોત તો ઓપન હાઈમર જ મને પ્રશ્નો પૂછવાની અણી પર હતા.’

એ પછી તેમને કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ફેલોશિપ મળી.

નોંધપાત્ર વાત એ છે કે ઓપન હાઈમર એ વિજ્ઞાનના ક્ષેત્રના માણસ હતા પરંતુ તેઓ ૧૯૩૩માં સંસ્કૃત ભાષા પણ શીખ્યા હતા. આ હેતુથી તેઓ ભારતીય ભાષાઓના જાણકાર ઈન્ડોલોજિસ્ટ આર્થર ડબલ્યુ રાઈડરને પણ મળ્યા હતા અને ઓપન હાઈમરે અસલ સંસ્કૃતમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ વાંચી નાંખી હતી. પાછળથી તેમણે કહ્યું હતું કે, ‘મારા જીવનને સ્વરૂપ આપવામાં જે અનેક પુસ્તકોનો ફાળો છે તેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ એક છે’

બીજી નોંધપાત્ર વાત એ છે કે ઓપન હાઈમર દેખાવમાં ઊંચા અને ચેઈન સ્મોકર હતા.

કામ કરતી વખતે ક્યારેક ભોજન લેવાનું પણ ભૂલી જતા. તેમના મિત્રો તેમને સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ટેન્ડન્સી ધરાવનાર વ્યક્તિ કહેતા. ૧૯૨૨ સુધી તેઓ અખબારો વાંચતા જ નહોતા અને રેડિયો પણ સાંભળતા નહોતા. એ કારણે વિશ્વમાં શું ચાલે છે તેની તેમને ખબર જ નહોતી. ૧૯૨૯માં વોલસ્ટ્રીટ ક્રેશની ઘટનાની તેમને છ મહિના પછી ખબર પડી હતી. ૧૯૩૬ સુધી અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે મત આપવા જ જતા નહોતા. અલબત્ત, ૧૯૩૬ પછી તેઓ અમેરિકાની અને વિશ્વની રાજનીતિ વિશે સભાન બની ગયા હતા. શરૂઆતમાં તેઓ સામ્યવાદી વિચારધારાનું સમર્થન કરતા હતા પરંતુ તેઓ કદીયે કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા નહોતા પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીને ડોનેશન આપતા રહ્યા. રોબર્ટ ઓપન હાઈમરનું જીવન સ્વયં એક ફિલ્મની કથાના થ્રિલર જેવું છે. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ તેમને યુનાઈટેડ સ્ટેટસ એટમિક એડવાઈઝરી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. એ હોદ્દો મેળવ્યા પછી રશિયા સાથેની પરમાણુ તાકાતની હોડ ઓછી કરવા અને પરમાણુ બોમ્બ જેવી ક્ષમતાઓને નિયંત્રિત કરવાની દિશામાં કામ કર્યું હતું. તે પછી વિવાદો તો ચાલતા જ રહ્યા પરંતુ પ્રેસિડેન્ટ જહોન.એફ. કેનેડી દ્વારા તેમને ‘એનરિકો ફેર્ની એવોર્ડ’ જાહેર થયો હતો જે પાછળથી લિન્ડ બી જ્હોનસનના હસ્તે તેમને અપાયો હતો.

પરમાણુ બોમ્બના પિતા એવા રોબર્ટ ઓપન હાઈમરનું તા.૮ ફેબ્રુઆરી, ૧૯૬૭ના રોજ ૬૭ વર્ષની વયે અમેરિકામાં ન્યૂજર્સી-પ્રિન્સ્ટન ખાતે અવસાન થયું               —-devendrapatel.

Be Sociable, Share!