Close

કાશ્મીરમાં બહારનો માણસ ઝૂંપડું પણ ખરીદી શકતો નથી

રેડ રોઝ | Comments Off on કાશ્મીરમાં બહારનો માણસ ઝૂંપડું પણ ખરીદી શકતો નથી

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનપ્રેરિત આતંકવાદ સામે લડવા ભારત સરકાર હવે નિર્ણાયક લડાઈ લડવા સજ્જ બની રહી છે.

જમ્મુ અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ ૩૫-એ રદ કરવા કેન્દ્ર સરકારે મન બનાવી લીધું હોય તેમ લાગે છે. આ કામ વર્ષો પહેલાં થવું જોઈતું હતું અને હવે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશને એક મજબૂત સરકાર પ્રાપ્ત થઈ છે ત્યારે કાશ્મીરના રાજકીય પક્ષ પીડીપીનાં નેતા મહેબૂબા મુફતીએ કલમ ૩૫-એ દૂર કરવાની હિલચાલથી વિચલિત થઈ જઈને ધમકીભર્યું અને ઉશ્કેરણીજનક નિવેદન કર્યું છે. મહેબૂબા મુફતી બોલ્યાં છે કે, ‘કાશ્મીરમાં કલમ ૩૫-એ દૂર કરવી એ આગ અને દારૂગોળા સાથે રમત રમવા બરાબર છે.’

બહેન મહેબૂબા મુફ્તીને કોણ સમજાવે કે આજે આમેય કાશ્મીર આતંકવાદીઓએ એકત્ર કરેલા દારૂગોળા પર જ બેઠેલું છે, જ્યાં પાકિસ્તાન અને આઈએસના ઝંડા લહેરાવવામાં આવે છે.

પહેલાં કલમ ૩૫-એ શું છે તે સમજી લેવાની જરૂર છે. કલમ ૩૫-એ દ્વારા કાશ્મીરના સ્થાનિક લોકોને સંપૂર્ણ નાગરિકતા મળે છે. કલમ ૩૫-એ તે કલમ ૩૭૦નો જ એક ભાગ છે અને એના કારણે કાશ્મીર સરકાર રાજ્યના સ્થાનિક લોકોને સંપૂર્ણ નાગરિકતા સાથેનો વિશેષાધિકાર આપે છે. કાશ્મીરની બહારની કોઈપણ વ્યક્તિ કાશ્મીરમાં જમીન કે સંપત્તિ ખરીદી શકતી નથી. અહીંની સ્થાનિક મહિલા સાથે લગ્ન કરીને પણ તેની સંપત્તિ પર હક મેળવી શકતી નથી.

કલમ ૩૫-એના સંબંધમાં જે મુખ્ય આપત્તિઓ છે તે જાણી લેવી જોઈએ. આ કલમ સ્વયં મહિલાઓના અધિકારનું ઉલ્લંઘન છે, કારણ કે અહીંની સ્ત્રી અસ્થાયી નાગરિક સાથે લગ્ન કરી તેની સંપત્તિનો હક તેના અસ્થાયી પતિને આપી શકતી નથી, અને એ રીતે તેનાં સંતાનોને સંપત્તિમાં અધિકાર મળશે નહીં. આ ઉપરાંત કાશ્મીર રાજ્યની બહારના વિદ્યાર્થીઓને આ રાજ્યની શાળા કે કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો નથી. બહારથી સારા અને કુશળ ડોક્ટરો પણ કાશ્મીરમાં આવી શકતા નથી. બહારના કોઈ ઉદ્યોગપતિ કે રોકાણકાર અહીં પ્રોપર્ટી ખરીદી શકતા નથી.

આ પરિસ્થિતિના કારણે કલમ ૩૫-એના કારણે કાશ્મીર એક સ્વાયત્તશાસિત ટાપુમાં ફેરવાઈ ગયું છે અને એ કારણે કાશ્મીરના લોકો ભારતના અન્ય ભાગોમાંથી આવતાં ચોખા, ખાંડ, પેટ્રોલ, ગેસ અને સિમેન્ટ પ્રાપ્ત કરી મજા લૂંટી રહ્યા છે.

આ જ કલમની આડમાં કાશ્મીરના કેટલાક નેતાઓ દિલ્હીમાં આવી દિલ્હીમાં જ આલીશાન બંગલા બનાવીને બેસી ગયા છે. કેટલાકે હોટલો ઊભી કરી દીધી છે. જ્યારે તેની સામે બીજો કોઈ ભારતીય કાશ્મીરમાં ઝૂંપડી પણ ખરીદી શકતો નથી.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની બાબતમાં ખૂબ ચર્ચાઓ થઈ ચૂકી છે. કલમ ૩૫-એ દૂર કરવાની બાબતમાં કેટલીક યાચિકાઓ સુપ્રીમ કોર્ટમાં પણ વિચારધીન છે.

જાણવા જેવી વાત એ છે કે કલમ ૩૫-એ આવી ક્યાંથી?

આની શરૂઆત તા.૧૪ મે, ૧૯૫૪માં થઈ હતી જ્યારે ભારતના તે વખતના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે એક વટહુકમ જારી કરીને કલમ ૩૫ સાથે ‘એ’ને જોડી દીધી. ભારતીય બંધારણના પ્રકરણ-૩માં ભારતીય નાગરિકોને જે માનવ અધિકારો આપવામાં આવ્યા છે તે પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ શકતા હતા પરંતુ ૩૫-એ લાગુ કરી દેવાથી જમ્મુ-કાશ્મીરને સાવ ભિન્ન બનાવી દીધું. તા.૧૭ નવેમ્બર, ૧૯૫૬ના રોજ સ્વીકારાયેલા જમ્મુ-કાશ્મીરના બંધારણમાં રાજ્યના સ્થાયી નાગરિકને એ રીતે પરિભાષિત કરવામાં આવ્યા છે કે તે તા.૧૪ મે, ૧૯૫૪માં રાજ્યનો નાગરિક હોય અથવા તે રાજ્યમાં દસ વર્ષથી રહેતો હોય અને તેણે કાયદેસરની સ્થાવર મિલકત હાંસલ કરી હોય તે કાશ્મીરનો નાગરિક કહેવાશે.

એ જ રીતે રાજ્યના બંધારણની કલમ ૫૧ મુજબ જો કોઈ વ્યક્તિ અહીંનો સ્થાયી નાગરિક નથી તો તે વિધાનસભા કે પરિષદનો સભ્ય બની શકે નહીં. જો કોઈ સ્થાયી નાગરિક નથી તો તે અહીં પ્રોપર્ટી ખરીદી શકતો નથી અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈપણ પ્રોફેશનલ કોલેજમાં નોકરી પણ મેળવી શકતો નથી. આજે ગૃહમંત્રી અમિત શાહ પણ એ જ ખુરશીમાં બેઠેલા છે જ્યાં ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલ બિરાજમાન હતા. રાષ્ટ્રીય સ્વાભિમાનની રક્ષા માટે અમિત શાહે સરદાર પટેલ બનવું પડશે અને તેઓ બની શકે તેમ છે.

મહેબૂબા મુફ્તી કે બીજા અલગતાવાદી કાશ્મીરી નેતાઓની કોઈ પરવા કરવા જેવી નથી. આ નિર્ણય અત્યારે નહીં લેવાય તો ક્યારેય નહીં લેવાય.

કાશ્મીરમાંથી કલમ ૩૫-એ દૂર કરવાથી હિંસા ફાટી નીકળે તો તેને રોકવા કેન્દ્ર સરકારે તકેદારીનાં પગલાં રૂપે સૈનિકો પણ ગોઠવી દીધા છે. જે આવકારદાયક છે.

Be Sociable, Share!