Close

કેટલીક પ્રજા ૬૦,૦૦૦ વર્ષ પહેલાંની જિંદગી જ જીવે છે

રેડ રોઝ | Comments Off on કેટલીક પ્રજા ૬૦,૦૦૦ વર્ષ પહેલાંની જિંદગી જ જીવે છે

રામાયણ કે મહાભારતની કથાઓનો કાળ ૫૦૦૦ વર્ષ પુરાણો હોવાનું કહેવાય છે, પરંતુ પૃથ્વી પર કેટલાક એવા ટાપુઓ છે જ્યાં કેટલીક પ્રજા ૬૦,૦૦૦ વર્ષ પહેલાંની જિંદગી જ જીવે છે, ત્યાં નથી પહોંચી વીજળી, નથી પહોંચી સાયકલ, નથી પહોંચ્યાં વસ્ત્રો, નથી પહોંચી બંદૂકો કે નથી પહોંચી એન્ટિબાયોટિક્સ.

અને છતાંયે તેઓ જીવે છે.

આવો જ એક ટાપુ કે જે ભારતનો જ એક હિસ્સો છે તે ટાપુનું નામ છે ‘સેન્ટિનલ’.આંદામાન-નિકોબારમાં આવેલા આ ટાપુ પર વસતા આદિવાસીઓ આજે પણ સાઠ હજાર વર્ષ પહેલાંનું જીવન જીવે છે. અહીં વસતા લોકો પોતાની શરતો પર જ જીવે છે, બહારની કોઈપણ વ્યક્તિને પોતાના ટાપુ પર પ્રવેશવા દેતા નથી અને કોઈ ત્યાં જવાનો પ્રયત્ન કરે તો તેને તીર મારી દે છે.

તાજેતરમાં જ જોન એલન ચાઉ નામના ૨૭ વર્ષના એક યુવાન અમેરિકને માછીમારોની મદદથી સેન્ટિનલ ટાપુ પર જવાની કોશિશ કરી. તે ગયો પણ ખરો પણ સ્થાનિક આદિવાસીઓએ તેની પર તીરોની વર્ષા કરીને તેની હત્યા કરી નાંખી. અહીં રહેતા લોકોએ તેમના ચહેરા પર પીળો લેપ લગાવ્યો હતો અને એ યુવાને તેમની સાથે દોસ્તી કરવા પ્રયાસ કર્યો તો ટાપુના લોકો ગુસ્સે થઈ ગયા અને વિચિત્ર રીતે ગાવા લાગ્યા હતા.

સેન્ટિનલ ટાપુ પર રહેતા લોકો એકલા અટૂલા જ રહેવાનો પ્રયત્ન કરે છે. અગાઉ ૨૦૦૬માં પણ દરિયાઈ મુસાફરી દરમિયાન આ ટાપુ પાસે પહોંચી ગયેલા બે માછીમારો રાત્રે ટાપુ પર સૂઈ ગયા હતા અને તેમની પણ હત્યા કરી દેવાઈ હતી.

માર્કો પાલોએ ૧૩મી સદીમાં લખ્યું હતું કે સેન્ટિનેલિસ લોકો સહુથી વધુ હિંસક અને ઘાતકી છે.

એશિયાની આ એક એવી ટ્રાઈબ છે જેને બહારની દુનિયા હજુ સુધી સ્પર્શી શકી નથી. આ ટ્રાઈબના લોકોનો સંપર્ક કરવો તે પણ હવે ગેરકાયદે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અહીં ૧૦ પરિવારો રહે છે. બધી થઈને ૪૦થી વધુ માણસોની વસ્તી નથી. એમાં માત્ર ત્રણ જ મહિલાઓ છે.

બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આ એક સંરક્ષિત જનજાતિ છે આ આખી જનજાતિ બહારની દુનિયાથી કપાઈ ગયેલી છે. ભારતીય મનોવૈજ્ઞાનિક સોસાયટીએ કેટલાક સમય પહેલાં આ જનજાતિના લોકોનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. સોસાયટીએ ટાપુ પર એ લોકો માટે નાળિયેર અને કેળાં ત્યાં મૂકીને આડકતરી રીતે તેમનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટાપુના લોકોએ એમાં કોઈ રુચિ દર્શાવી નહોતી.

સેન્ટિનલ ટાપુ પોર્ટ બ્લેરથી ૫૦ કિલોમીટર દૂર છે. બહારના લોકોને એમને મળવાની મનાઈ છે. એ બધાંની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત સંવેદનશીલ છે. આ જનજાતિ જેમ છે તેમ જ રહેવા માંગે છે અને તે ગમે ત્યારે વિલુપ્ત થઈ શકે છે. તેમની સાથે છેડછાડ કરવી અયોગ્ય છે. એ જનજાતિ પોતે જ ઈચ્છે છે કે ‘અમે જેમ જીવીએ છીએ તેમ જ જીવવા દો.’

તેઓ બહારની દુનિયાની કોઈ મદદ લેવા માંગતા નથી. જે પ્રવાસીઓ આંદામાન-નિકોબાર જાય છે. તેમાંથી કેટલાકને આવી ૬૦ હજાર વર્ષ પહેલાંની જનજાતિને જોવાનું મન થાય તે સ્વાભાવિક છે, પરંતુ ભારત સરકારે આ જનજાતિના સંરક્ષણ માટે કડક કાયદો બનાવેલો જ છે તેનું પાલન થવું જરૂરી છે.

હા, એકવાત સાચી છે કે નવી નવી દુનિયાની ખોજ કરવી તે માનવીનો સ્વભાવ છે. જ્ઞાન અને કુતૂહલ એ માનવીના જીવનનાં અભિન્ન અંગો છે. માનવી દુનિયાની ખોજની સહજ વૃત્તિથી જ અમેરિકાની શોધ થઈ. યુરોપના લોકો ભારત આવ્યા. ચીનના એક વિદ્વાન ભારત આવ્યા. પરંતુ અમેરિકન નાગરિકની સેન્ટિનલ ટાપુની જનજાતિને મળવાની કુતૂહલતા એનો જીવ લઈને ગઈ.

એમ કહેવાય છે કે સેન્ટિનલ ટાપુ પર રહેતા લોકો પથ્થર યુગમાં જીવે છે. તેઓ સ્ટોન એજની જનજાતિ છે. સેન્ટિનલ ટાપુ બંગાળના ઉપસાગર પર આવેલો અત્યંત નાનુ ટાપુ છે.

ટાપુ પર હત્યાનો ભોગ બનનાર જોન એલન ચાઉ મૂળ વોશિંગ્ટન અમેરિકાનો વતની હતો. તે ઓક્લોહોમાની ઓરલ રોબર્ટસ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ હતો.

ચાઉના મોતના ખબર જાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વિલિયમ વિલ્સને પણ આઘાત વ્યક્ત કર્યો છે.

આંદામાન-નિકોબારના ડીજીપી દિપેન્દ્ર પાઠકે સ્પષ્ટતા કરી છે કે ‘મરનાર ચાઉએ તેના બ્લોગમાં ઈશ્વરનો ઉલ્લેખ કર્યો છે તેથી કેટલાક તેને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા આવેલ મીશનરી માને છે, જો કે તે એક સાહસિક હતો. તે આ વિશ્વથી કપાઈ ગયેલી જ જનજાતિને મળવા માંગતો હતો.’

જોન એલનની આ પહેલી ભારત યાત્રા નહોતી. આ અગાઉપણે તે દક્ષિણ ભારતમાં ઘણા સ્થળે ફર્યો હતો. અલબત્ત, તેણે કેટલાક સ્થળે પ્રચાર-ઉપદેશ પણ કર્યો હતો. એ નોંધવું જોઈએ કે આ ટાપુ ઉપર પણ તે ધાર્મિક પુસ્તકો લઈને આવ્યો હતો.

ચાઉએ એક સ્થળે એવી પણ નોંધ લખી હતી કે, જીસસનું સામ્રાજ્ય ફરી સ્થપાય તે માટે પ્રયત્ન કરું છું અને તેમ કરતાં મારું મૃત્યુ થાય તો એ ટાપુના લોકોને જવાબદાર ગણશો નહીં.

૨૦૧૫માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેના સાહસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતના આંદામાન-નિકોબાર ટાપુઓ પર જવું તે મારા માટે પ્રથમ અગ્રતા છે. ત્યાં ઘણું બધું જોવાનું છે.

અને તે તેની ઈચ્છા મુજબ ફરી આંદામાન-નિકોબાર આવ્યો. એણે સ્થાનિક માછીમારોને પૈસા આપી તેમના નાવડામાં નોર્થ સેન્ટિનલ ટાપુ પર ગયો. માછીમારી તો તેમની બોટમાં જ બેસી રહ્યા. એમણે જોયું તો જોન એલને જેવો ટાપુ પર પગ મૂક્યો ત્યાં જ તેની પર તીર છોડવામાં આવ્યાં. તીર વાગ્યા પછી પણ તે ટાપુ પર ચાલતો રહ્યો. પરંતુ માછીમારોએ નિહાળ્યું તો ટાપુના આદિવાસી લોકો તેના ગળે દોરડું બાંધી તેના શરીરને ખેંચી ગયા.

આ દ્રશ્ય જોઈને માછીમારો પોતાની બોટ લઈ પાછા ભાગ્યા.

સેન્ટિનલ ટાપુ પર જવું તે ગેરકાયદે હોઈ કાનૂન મુજબ જોન એલનની હત્યા માટે ટાપુ પરના લોકો સામે કાયદાકીય કામ ચલાવી શકાય નહીં. ટાપુ પરની જનજાતિના લોકોનો સંપર્ક કરવાની પણ મનાઈ છે. કારણ કે ભારત સરકાર આ મહામૂલી જનજાતિને જેમ છે તેમ જ સુરક્ષિત રાખવા માંગે છે.

હા, જે માછીમારો જોન એલન ચાઉને એ ટાપુ સુધી લઈ ગયા હતા તેમની કાયદાનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એ માછીમારોએ આપેલા બયાન મુજબ જોન એલન ચાઉએ આ ટાપુ પર જવા બેથી ત્રણ વખત પ્રયત્ન કર્યો હતો. અગાઉ તે તેની સાથે ટાપુના લોકોને ભેટ તરીકે આપવા કાતર, સેફ્ટિપીન્સ તથા ફૂટબોલ લઈ ગયો હતો. ચાઉએ આ માછીમારોને કહ્યું હતું કે, આ વખતે આ મારા ટાપુ પરની છેલ્લી મુલાકાત હશે. હું પાછો નહીં પણ આવું. તેથી મારી લખેલી નોંધ તમે મારા મિત્રો માટે લઈ જાવ. ટ્રાઈબ્સના કેટલાક માણસોએ મારી સાથે અગાઉ સારો વ્યવહાર કર્યો હતો, પરંતુ બીજા એવા નહોતા. ‘હું તેમની સાથે સારો વ્યવહાર કરતો હતો પણ એમાંથી ઘણા મારા પર ખૂબ ક્રોધે ભરાયેલા હતા. આક્રમક હતા.’

આવા અગાઉના અનુભવ છતાં જોન એલન ચાઉ ફરી એ ટાપુ પર શા માટે ગયો?

કુતૂહલતા ખાતર એણે જાન ગુમાવ્યો? ટાપુ પર રહેતા લોકો પ્રત્યે પ્રેમ અને ધર્મનું જ્ઞાન આપવા જતાં એણે જાન ગુમાવ્યો? કે ૬૦ હજાર વર્ષથી વિખૂટી પડેલી જનજાતિ પ્રત્યે કોઈ સંવેદના વ્યક્ત કરવા જતાં તેણે જાન ગુમાવ્યો?

એ જ હોય તે!

યાદ રહે કે દરેક ઈચ્છા, મહત્ત્વાકાંક્ષા, સાહસને પણ ક્યારેક કાબૂમાં રાખવા જરૂરી હોય છે. જોન એલનનું એ ટાપુ પર જવાનું સાહસ દુઃસાહસમાં ફેરવાઈ ગયું.

નોર્થ સેન્ટિનલ ટાપુ પરની આ જનજાતિ બર્માના હાથમાં આ ટાપુ પર હતો ત્યારે પણ બચી હતી, બ્રિટિશરો પાસે આ ટાપુ હતો ત્યારે પણ તે સુરક્ષિત રહી. જાપાનના હાથમાં ટાપુ હતો ત્યારે પણ તે જનજાતિ સુરક્ષિત રહી, અને ૨૦૦૪ની સુનામી પછી પણ તે પ્રજા જીવિત રહી. બની શકે કે કોઈ કારણસર તેમની સંખ્યા ઘટતી ગઈ હશે. હવે જેટલા પણ જીવે છે તેમને બચાવી લો.

તેમને જીવવા દો.

તેમની રીતે જીવવા દો. એમણે સ્પષ્ટ કરી સંકેત આપી દીધો છે કે અમારે કોઈની પણ મદદની જરૂર નથી.

આ જનજાતિને સુરક્ષિત રાખવી હોય તો આંદામાન-નિકોબાર જતાં પ્રવાસીઓ માટે કાનૂન દ્વારા સુરક્ષિત રખાયેલા આ ટાપુ પર જવાનાં નિયંત્રણો સખત બનાવવાં પડશે. ધર્મનો પ્રચાર કરવા આવેલા જોન એલને મીશનરી વિઝાના બદલે ટુરીસ્ટ વીઝા કેમ લીધા એ આશ્ચર્યની વાત છે. આ પ્રતિબંધિ વિસ્તારમાં અવારનવાર ફરતાં ચીના જેવા દેખાતા અમેરિકનથી કોઈ એ નોંધ જ કેમ ના લીધી?

અમેરિકન મીડિયા જોન એલનના મૃત્યુને ભલે શહીદી કે હીરોમાં ખપાવતું હોય પરંતુ આંદામાન-નિકોબારના સેન્ટિનલ ટાપુ પર મૃત્યુ પામનાર જોન એલન ચાઉનો આ આઈલેન્ડ પર પ્રવેશ સદંતર ગેરકાનૂની હતો. કોઈ ભારતીય નાગરિક અમેરિકાના કાનૂન દ્વારા સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશે તો અમેરિકન સરકાર તેને કઈ દ્રષ્ટિએ નિહાળી હોત? તેથી આ ઘટનાને સાહસ તરીકે જોવાના બદલે તેને ભારત સરકારના કાનૂનના ભંગ તરીકે નિહાળવો જોઈએ. એક વિદેશી નાગરિક કાનૂનથી પ્રતિબંધિ ભારતીય વિસ્તારમાં પ્રવેશી ગયો તે ઘટના દેશની સલામતી માટે પણ એક ખતરો છે. એક અમેરિકન દ્વારા દેશના એક ખાસ કાયદા દ્વારા પ્રતિબંધિ જાહેર કરાયેલા આ ટાપુ પરના પ્રવેશને ઘૂસણખોરી લેખવી જોઈએ. આવતીકાલે કોઈપણ વિદેશી તાકાત સુરક્ષિત રખાયેલી ૬૦,૦૦૦ વર્ષ જૂની જનજાતિને નષ્ટ કરવા પ્રયત્ન ન કરે તે માટે સરકારે અને ખાસ કરીને ગૃહમંત્રાલયે અહીં સખત જાપ્તો ગોઠવી દેવો જોઈએ.

Be Sociable, Share!