Close

કેરળ ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ માં ભગવાન બાળકો પર નારાજ કેમ ?

રેડ રોઝ | Comments Off on કેરળ ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ માં ભગવાન બાળકો પર નારાજ કેમ ?

આવા કેરળના એક નાનકડા ગામની વાત છે. કોઝિકોડ જિલ્લાના પનીકોડ નામના ગામમાં ૧૯૯૦ના ગાળામાં યુ મોહમ્મદ હાજી તેમનાં પત્ની અને પરિવાર સાથે રહેતા હતા. એક દિવસ નજીકમાં જ રહેતી એક મહિલા તેનાં બે બાળકોને લઈને તેમના ઘરે આવી. એણે કહ્યું: ‘મારા પતિ બીમાર અને પથારીવશ છે. હું ઘર ચલાવવા માટે બહાર કામે જાઉં છું. આ મારાં બંને નાનાં બાળકો દિવ્યાંગ એટલે કે મંદબુદ્ધિનાં છે. તેઓ પોતાની રીતે નહાવાધોવાનું કે ખાવાનું કામ પણ કરી શકતાં નથી. અમે ભૂખમરામાં જીવીએ છીએ હું શું કરું? કોની પાસે આ બાળકોને મૂકીને પેટિયું રળવા બહાર જાઉં? ‘

ગરીબ મહિલાની વાત સાંભળી મોહમ્મદ હાજી દ્રવિત થઈ ગયા. તેમણે એ મહિલાને થોડા પૈસા આપ્યા પરંતુ મહિલાએ કહ્યું: ‘તમે જે પૈસા આપો છો તેથી કદાચ અમારું ભરણપોષણ બે મહિના સુધી થશે. મારે એ પૈસા નથી જોઈતા. મારે તો કાયમી ઉકેલ જોઈએ છે.’
અને એ જ ક્ષણે મોહમ્મદ હાજીએ એક ચોક્કસ નિર્ણય કરતાં કહ્યું: ‘ચાલો, એક કામ કરો. તમારાં બંને બાળકોને મારા ઘેર મૂકીને તમે જાવ. હું અને મારી પત્ની તમારાં મંદબુદ્ધિનાં દિવ્યાંગ બાળકોને સાચવીશું.’

અને એ માતા તેનાં મંદબુદ્ધિનાં બે બાળકોને મોહમ્મદ હાજીના ઘેર મૂકીને કામે જતી રહી. મોહમ્મદ હાજીએ એ મનો-દિવ્યાંગ બાળકો માટે એક અલગ રૂમ ફાળવી આપ્યો અને તેમની સારસંભાળ માટે એક આયા રાખી લીધી.

આ વાતની આસપાસના લોકોને ખબર પડી એટલે થોડા દિવસો બાદ બીજા કેટલાક પરિવારો તેમનાં મંદબુદ્ધિનાં બાળકોને લઈ મોહમ્મદ હાજીના ઘેર આવી પહોંચ્યાં. મોહમ્મદ હાજીએ એ બધાં જ દિવ્યાંગ બાળકોને પોતાના ઘેર રાખી લીધાં. એમ કરતાંકરતાં તેમના ઘરમાં એવાં બાળકોની સંખ્યા ૧૮ પર પહોંચી ગઈ. તેમણે હવે એ માટે જુદું મકાન બાંધવાનું શરૂ કર્યું. એ ૨૦૦૪ની સાલ હતી. પનીકોડ ખાતે નવું મકાન બંધાઈ જતાં બધાં જ મનો-દિવ્યાંગ બાળકોને નવા મકાનમાં લઈ જવામાં આવ્યાં. એ બધાં જ બાળકો ગરીબ પરિવારોમાંથી આવતાં હતાં. એ બાળકોનાં માતા-પિતા રોજ મજૂરી કરવા બહાર જતાં અને એ સમયગાળા દરમિયાન મોહમ્મદ હાજીના પુત્ર મુનીર એ બાળકોને સાચવતા. સાંજે એ બાળકોને એક બસ દ્વારા એમના ઘેર પહોંચાડવામાં આવતાં. બાળકોની સંખ્યા વધતી જતી હતી. ઘર જૂનું અને હવે નાનું પડતું હતું. મોહમ્મદ હાજીના સહુથી નાના પુત્ર યુ.એ.મુનીરે પોતાના પિતાની મંદબુદ્ધિનાં બાળકો માટેની અનુકંપા અને લાગણી જોઈ. એમણે માનવતાના આ કાર્યમાં પિતાને સહયોગ આપવાનો નિર્ણય લઈ લીધો. અને યુ.એ.મુનીરે મંદબુદ્ધિનાં બાળકોને રાખી અને સાચવી શકાય તે માટે એ અલગ વ્યવસ્થા ઊભી કરી. દિવસો વીતતા ગયા. હવે મુનીરના નવા મકાનમાં પણ દિવ્યાંગ બાળકોની સંખ્યા વધતી ગઈ.

હવે એ સંસ્થાને ‘લવ શોર ઈન્સ્ટિટયૂટ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ’ એવું નામ આપવામાં આવ્યું. જે જગ્યાએ આ સંસ્થા ઊભી થઈ તે એક એકર જમીન પણ મુનીરના પિતા મોહમ્મદ હાજીએ લવ શોર સંસ્થા માટે ભેટ આપી. હવે પનીકોડ ખાતેની આ સંસ્થા ૨૩૦ જેટલાં મંદબુદ્ધિનાં બાળકોનું તે આશ્રયસ્થાન બનીં. પનીકોડ ખાતેની આ લવ શોર ઈન્સ્ટિટયૂટમાં ૨૩૦ જેટલાં બાળકોને તેમના ઘેરથી લઈ આવવામાં આવે છે. નિષ્ણાત તબીબો દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમને સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને ફિઝિયોથેરાપી આપવામાં આવે છે. સંસ્થામાં જ ૩૦ જેટલી વ્યક્તિઓનો ટીચિંગ સ્ટાફ છે. બાળકોની સારસંભાળ માટે આયાઓ પણ છે.

આ સંસ્થાની સુવાસ આસપાસના વિસ્તારમાં ફેલાતાં કેરળના બીજા જિલ્લાઓમાં પણ લવ શોર ઈન્સ્ટિટયૂટ શરૂ કરવા લોકોની માંગ આવી. દૂરદૂરનાં બાળકોને લાંબી મુસાફરી કરી અહીં લાવવાનું કામ મુશ્કેલ જણાતાં મોહમ્મદ હાજીના પુત્ર મુનીરે મલ્લપુરમ જિલ્લાના ઓથાઈ ગામ ખાતે ભાડાના એક મકાનમાં લવ શોર ઈન્સ્ટિટયૂટની એક વધુ શાખા શરૂ કરી. શરૂઆતમાં અહીં ૧૫ મંદબુદ્ધિનાં બાળકોને રાખવામાં આવ્યાં. બાળકોની સંખ્યા વધતાં મકાનમાલિકે ભાડાનું મકાન ખાલી કરવા મુનીરને જણાવ્યું, કારણ કે બાળકો મનોદિવ્યાંગ હોઈ ક્યારેક ગંદકી કરતાં હતાં તો ક્યારેક હિંસક થઈ જતાં હતાં.

મુનીરે બીજે ક્યાંક ભાડાનું મકાન લીધું પરંતુ એ પણ બદલવું પડયું. આવાં દિવ્યાંગ બાળકોને સાચવવામાં ખૂબ ધીરજની જરૂર રહે છે.

હવે એક નવી જ જમીનની શોધ કરવામાં આવી જ્યાં લવ શોર ઈન્સ્ટિટયૂટ માટે બીજું એક મકાન બાંધી શકાય. નવા મકાન માટે ખૂબ પૈસાની જરૂર હતી. એ સમયગાળા દરમિયાન આફ્રિકાના નૈરોબીમાં જ જન્મેલો અને નૈરોબીમાં જ સ્થાયી થયેલો મૂળ કચ્છનો એક ગુજરાતી પરિવાર કેરળ ફરવા આવ્યો હતો. કારચાલકે તેમને આ સંસ્થા દર્શાવી. નૈરોબીથી આવેલા એ ગુજરાતી સદ્ગૃહસ્થ લવ શોર ઈન્સ્ટિટયૂટના ભાડાના મકાનમાં રહેતાં ગરીબ પરિવારનાં મંદબુદ્ધિનાં બાળકોને જોઈને દ્રવિત થઈ ગયા અને એમણે આ સંસ્થા માટે ઘડીભરનો પણ વિચાર કર્યા વગર મોટી રકમનું માતબર દાન આપી નવું મકાન બાંધી આપ્યું જેનું ૨૦૧૪માં ઉદ્ઘાટન થયું.

હવે આ શાખામાં ૧૨૦ દિવ્યાંગ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો. અહીં ૨૨ જેટલો ટીચિંગ સ્ટાફ છે. યાદ રહે, કે કચ્છથી આવેલા એ સત્સંગી અને તેમનાં પત્ની મણિનગર સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા સ્વામિનારાયણના ચુસ્ત ભક્ત છે અને લવ શોર સંસ્થાના તમામ ટ્રસ્ટી મુસ્લિમ છે તથા સંસ્થામાં મોટાભાગનાં બાળક-બાલિકાઓ પણ મુસ્લિમ છે. આ સંસ્થાને કાયમી આવક થાય તે માટે પહાડીઓની વચ્ચે એક નદીના કિનારે ઓથાઈ ગામ ખાતે એક આયુર્વેદિક સારવાર માટે સ્પા બાંધી આપ્યું જેના માટે તેમણે અઢળક દાન આપ્યું. કાંતિ સેવાગ્રામના નામે બનેલા આ આયુર્વેદિક સ્પાની બધી જ આવક મંદબુદ્ધિનાં બાળકોની સંસ્થાના નિભાવ માટે જ વપરાય તેવી ગોઠવણ કરી આપી.

વાત આટલેથી અટકી નહીં.

મલ્લપુરમ જિલ્લાના વઝાન્ડુ ગામ ખાતે એક ચેરિટેબલ સ્કૂલ પૈસાના અભાવે બંધ થઈ ગઈ હતી. ગામના લોકો મોહમ્મદ હાજીના પુત્ર મુનીરને મળ્યા અને એ સ્કૂલ સંભાળી લેવા માટે વિનંતિ કરી. અને લવ શોરના મુખ્ય ટ્રસ્ટી મુનીરે આ સ્કૂલનો હવાલો સંભાળી લીધો. આ સ્કૂલમાં ૨૪ જેટલાં મંદબુદ્ધિનાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે એ સંસ્થામાં ૧૧૫ બાળકો અને ૧૯નો ટીચિંગ સ્ટાફ છે. આ સ્કૂલ પણ ભાડાના મકાનમાં હતી અને મંદબુદ્ધિનાં બાળકોના હિંસક વ્યવહારથી મકાનમાલિકે એ મકાન પણ ખાલી કરાવ્યું. અહીં પણ નૈરોબીથી આવેલા સ્વામિનારાયણ ધર્મના એ જ સત્સંગી ભામાશા બનીને આવ્યા અને તેમણે નવા મકાન માટે આર્થિક મદદ કરી.

કેરળ એ રૂપાળો પ્રદેશ હોવા છતાં અહીં ઘણાંબધાં બાળકો મંદબુદ્ધિનાં જન્મે છે, જેમની હાલત દયાજનક છે. તેનું કારણ તપાસવું જોઈએ. અહીં ચા અને કોફીના બગીચાઓમાં વપરાતા જંતુનાશકો માતાના ઉદરમાં રહેલાં બાળકોને જન્મતાં પહેલાં જ નુકસાન કરે છે કે કેમ તે પર પણ સંશોધન થવું જોઈએ.

એ પછી લવ શોર સંસ્થાની સુવાસ આખા કેરળમાં ફેલાઈ ગઈ. કેરળના વિથિત્રી નામના ગામના લોકોએ પણ મુનીરને અહીં આવી સંસ્થા શરૂ કરવા વિનંતિ કરી. તે પછી મેપાડ્ડી ગામેથી પણ આવી વિનંતિ હતી. આ સ્થળોએ પણ લવ શોર સંસ્થાની વધુ ને વધુ શાખાઓ ખૂલતી ગઈ. હવે લવ શોર સંસ્થાની કેરળમાં પાંચ શાખાઓ છે.

જ્યાં બધાં મળીને ૬૫૦ જેટલાં મંદબુદ્ધિનાં બાળકો વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે રાખવામાં આવ્યાં છે અને તેમને શ્રેષ્ઠ તબીબો અને શિક્ષકો દ્વારા સાચવવામાં આવે છે, ભણાવાય છે અને તેમની સારવાર પણ કરવામાં આવે છે. સમાજ જેમની ઉપેક્ષા કરે છે એવાં દિવ્યાંગ બાળકોના ચહેરા પરનો આનંદ અને કલશોર જોવો હોય તો એકવાર લવ શોર ઈન્સ્ટિટયૂટની અંદર જઈ મંદબુદ્ધિનાં બાળકોનો કલરવ નિહાળવો- સાંભળવો જોઈએ. આવાં ઉપેક્ષિત મંદબુદ્ધિનાં બાળકો માટે લવ શોર ઈન્સ્ટિટયૂટ ફોર મેન્ટલી ચેલેન્જ સંસ્થા એક સ્વર્ગસમાન છે.

આવાં બાળકોને ગીતો ગાતાં પણ કરવામાં આવે છે. કેટલાક સંગીતનાં ઈન્સ્ટ્રુમેન્ટ્સ પણ વગાડી શકે છે. કેટલાક બેન્ડ પણ વગાડી શકે છે, કેટલાંકને સરસ પ્રાર્થના ગાતાં પણ આવડે છે. જેઓ સાજાં અને થોડું-ઘણું સમજતાં થઈ જાય છે તેવાં બાળકોનાં લગ્ન પણ કરાવી આપવામાં આવે છે. આવાં બાળકો કેટલાંયે એવોર્ડ્સ જીતી લાવ્યાં છે. કેરળમાં ગયા વર્ષે પૂર હોનારત થઈ ત્યારે આ સંસ્થા જ એ પૂરપીડિતોની વ્હારે આવી હતી.

લવ શોર ઈન્સ્ટિટયૂટનાં બાળકો સાથે સમય ગાળવો તે સ્વયં એક આહ્લાદક અને માનવીય અનુભૂતિ છે. આ સંસ્થાને મદદ કરવી હોય તો મુનીરને તમે મળી શકો છો. મુનીરનું ઈ-મેઇલ એડ્રેસ loveshoreschool@gmail.com છે.

માનવતાનું મંગલ દર્શન કરવું હોય તો લવશોર ઈન્સ્ટિટયૂટ જોવા એકવાર જરૂર જજો. એ મંગળ દૃશ્યો તમે કદી ભૂલી શકશો નહીં.

 

Be Sociable, Share!