Close

ખતરનાક અને સરમુખત્યાર કિમ જોન્ગ ૨૦ દિવસ ક્યાં ગાયબ રહ્યો

રેડ રોઝ | Comments Off on ખતરનાક અને સરમુખત્યાર કિમ જોન્ગ ૨૦ દિવસ ક્યાં ગાયબ રહ્યો

વિશ્વએ આજ સુધીમાં ઘણા સરમુખત્યારો આપેલા છે. રોમનકાળના સરમુખત્યારો પછી નવા વિશ્વમાં જે તાનાશાહો આવ્યા તેમાં જર્મનીનો હિટલર, ઈટાલીનો મુસોલિની, ક્યૂબાનો ફિડલ કાસ્ટ્રો અને રોમાનિયાના ચોસેસ્કુને બધા જાણે છે. એ સરમુખત્યારોનો અંત પણ કરુણ આવેલો છે. હિટલરે જર્મનીના પતન બાદ જાતે લમણામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.મુસોલિનીને લોકોએ ફાંસી ચડાવી દીધો હતો. ચોસેસ્કુનો અંત પણ કરુણ હતો. ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસેનને અમેરિકા પ્રેરિત ઈરાકની જ કોર્ટે ફાંસીએ લટકાવી દીધો હતો. હા, એ બધામાં સરમુખત્યાર હોવા છતાં ક્યૂબાના ફિડલ કાસ્ટ્રો પ્રમાણમાં પ્રજામાં લોકપ્રિય હતા, પરંતુ સરમુખત્યારશાહોની એ પરંપરામાં નોર્થ કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ ઉન સહુથી વધુ સનકી અને ખતરનાક મનાયો છે.

છેલ્લા કેટલાય દિવસથી ઉત્તર કોરિયાનો ક્રૂર શાસક કિમ જોંગ ઉન રહસ્યમય રીતે ગાયબ રહ્યો. કેટલાક માને છે કે તેને કોરોના થઈ ગયો છે. કેટલાક માને છે કે તેને હાર્ટ એટેક આવ્યા બાદ તે તબીબી સારવાર હેઠળ છે. કેટલાક માને છે કે તે બ્રેન ડેડ છે. કેટલાક માને છે કે તેનું મૃત્યુ થઈ ગયું છે. કેટલાક માને છે કે તે નોર્થ કોરિયાના એક રિસોર્ટમાં આરામ ફરમાવી રહ્યો છે. ઉત્તર કોરિયામાં શું બને છે તે જાણવું મુશ્કેલ છે. કેટલા લોકો કોરોનાથી બીમાર છે અને કેટલાનાં મોત નિપજ્યાં છે તે જાણવું મુશ્કેલ છે.

કિમ જોંગ ઉન મગજનો ફરેલો શાસક છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ધમકીઓ આપતો રહ્યો છે. ગમે ત્યારે મિસાઈલનું પરીક્ષણ કરી આખી દુનિયાને તે ડરાવતો રહ્યો છે પરંતુ હવે તે હયાત નથી અથવા તો શાસન કરવાની સ્થિતિમાં નહોતો. તો ઉત્તર કોરિયામાં તેના રાજકીય વારસદાર તરીકે તેની નાની બહેન કિમ યો જોંગનું નામ આજકાલ વિશ્વમાં ચર્ચામાં છે. માત્ર ૩૧ વર્ષની કિમ દેખાવમાં નાજુક છે પણ તેના ભાઈ કરતાંય કિમ બહુ ખતરનાક અને ક્રૂર હોવાનું મનાય છે. કિમ તેના ભાઈ કિમ જોંગ ઉનની સાવ નજીક હોવાનું મનાય છે.

હવે ઉત્તર કોરિયામાં તે તેના ભાઈનું સ્થાન લે તો કિમ યો જોંગ વિશ્વની પહેલી મહિલા સરમુખત્યાર હશે અને તે તેના ભાઈ કરતાં વધુ ભયાનક હશે. તે એક રહસ્યમય મહિલા તરીકે જાણીતી છે. જોકે કિમ યો જોંગ સત્તાનાં સૂત્રો સંભાળે છે કે કેમ તે તેના ભાઈના ગૂમ થવાનુંનું સસ્પેન્સ ખૂલે તે પછી જ ખબર પડે.

કીમ યો જોંગનો જન્મ તા.૨૬ સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ ઉત્તર કોરિયાના પ્યોંગ્યાન્ગ ખાતે થયો હતો. તેઓ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉનનાં નાનાં બહેન છે. આ બંને ભાઈ-બહેન એકબીજાથી ખૂબ નજીક હતાં.૨૦૦૭માં તેઓ કોરિયાની વર્કર્સ પાર્ટીના સદસ્ય બન્યાં હતાં. તેઓ તેમની પાર્ટીના પોલિટ બ્યૂરોના સભ્ય અને વર્કર્સ પાર્ટીના પ્રચાર વિભાગના વાઈસ ચેરમેન છે. દેખીતી રીતે જ તેઓ તેમના ભાઈના વારસદાર મનાય છે. ૧૯૯૬થી ૨૦૦૦ની સાલ સુધીના એકલવાયા જીવનમાં તેઓ તેમના ભાઈ સાથે સ્વિટ્ઝર્લેન્ડ ભણતાં હતાં. ત્યાર પછી તેઓ ઉત્તર કોરિયાની મિલિટરી યુનિવર્સિટીમાં ભણ્યાં હતાં. તેઓ ઉત્તર કોરિયાની યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સમાં પણ ભણ્યાં છે.

૨૦૦૦ની સાલના સપ્ટેમ્બર માસમાં તેઓ પ્રથમ વાર જ જાહેરમાં દેખાયાં હતાં. જ્યારે તેઓ તેમના સરમુખત્યાર પિતાના અંગત સચિવની બાજુમાં ઊભેલાં હતાં. પિતા કીમ જોંગ ઈલનું અવસાન થયું ત્યારે અંતિમક્રિયા વખતે ડિસેમ્બર ૨૦૧૧માં તેમને ખૂબ પબ્લિસિટી મળી હતી, કારણ કે તે વખતે તેઓ તેમના ભાઈ કીમ જોંગ ઉનની બાજુમાં જ સતત ઊભેલાં જણાયાં હતાં. એ અંતિમક્રિયાના ફ્યૂનરલ પ્રોસેસનની આગેવાની તેમના ભાઈ લઈ રહ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે તેઓ અંતિમક્રિયા માટેની સમિતિના સભ્ય પણ નહોતાં. તે પછી તેમના ભાઈ કીમ જોંગ ઉનની ૨૦૧૨ નવેમ્બરની ટૂરના મેનેજર બન્યાં હતાં. તા.૯ માર્ચ, ૨૦૧૪ના રોજ તેમને પક્ષના સિનિયર ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યાં હતાં. ૨૦૧૮માં તેમના ભાઈની તબિયત બગડી અને તેઓ સારવાર હેઠળ હતા ત્યારે કીમ યો જોંગે કેટલીક અધિકૃત ફરજો પોતાના હસ્તક લીધી હતી.

૨૦૧૪માં પક્ષના પ્રોપેગેન્ડા અને ઓપરેશન ડિપાર્ટમેન્ટનું વાઈસ ડિરેક્ટર પદ સંભાળ્યા બાદ જુલાઈ ૨૦૧૫માં તેમણે એ ડિપાર્ટમેન્ટના ડિ-ફેક્ટો લીડર એટલે કે વાસ્તવિક નેતા તરીકેનો રોલ ભજવવા માંડયો હતો. કહેવાય છે કે તેમને વાઈસ-મિનિસ્ટિરિઅલ રોલ પણ આપવામાં આવ્યો હતો પરંતુ ઉપમંત્રી તરીકે તેઓ કયું ખાતું સંભાળતાં હતાં તે કદી જાહેર કરવામાં આવ્યું નહોતું. તેમના ભાઈ જ્યાં પણ જાય ત્યારે તેઓ હંમેશાં તેમની સાથે દેખાતાં હતાં.

નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર કોરિયાના ક્રૂર શાસક તરીકે પંકાયેલા તેમના સરમુખત્યાર ભાઈ કીમ જોંગ ઉનની કલ્ટ પર્સનાલિટી વિકસાવવામાં તેમનો મોટો ફાળો હતો. તેઓ કેટલાક નીતિવિષયક નિર્ણયો પણ લેવડાવતાં હતાં. ૨૦૧૭માં તેમના ભાઈ કીમ જોંગ-ઉને ઉત્તર કોરિયામાં કેટલાક જાહેર કાર્યક્રમો યોજ્યા ત્યારે તેમના ભાઈને ‘લોકોના નેતા’ તરીકેની ઇમેજ ઉપસાવવાના પ્રયત્નો કર્યા હતા. ૨૦૧૭માં તેઓ પક્ષના પોલિટ બ્યૂરોનાં સભ્ય બન્યાં અને મહત્ત્વના નિર્ણયો લેવાનો રોલ ભજવતાં રહ્યાં.

તા.૯મી ફેબ્રુઆરી, ૨૦૧૮માં દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે હાજરી આપી હતી. યાદ રહે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે જબરદસ્ત દુશ્મનાવટ છે એ વાતાવરણમાં પણ કીમ-યોંગ જોંગે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મુન જાઓ સાથે મિટિંગ કરી પોતાના ભાઈએ લખેલો એક પત્ર પોતાના હાથે જ દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટને હાથોહાથ આપ્યો હતો. ત્યારપછી પણ તે પોતાના ભાઈની સાથે ટૂરમાં બહાર જતાં હતાં.

૨૦૧૯માં તેમના ભાઈ કીમ નોર્થ કોરિયન પાર્લામેન્ટરી ઈલેક્શન દરમિયાન સુપ્રીમ પિપલ્સ એસેમ્બલીમાં ચૂંટાયા તે પછી થોડા સમય માટે તેમને પક્ષના પોલિટ બ્યૂરોમાંથી હટાવાયાં હતાં પરંતુ થોડા વખત બાદ એટલે કે એપ્રિલ ૨૦૨૦માં તેમને ફરી પોલિટ બ્યૂરોમાં સમાવી લેવાયાં હતાં. એપ્રિલ ૨૦૨૦માં તેમના સરમુખત્યાર ભાઈ કીમ જોંગ ઉનની તબિયત લથડતાં કીમ-યોંગ-જોંગ તેમના ભાઈના વારસદાર બનશે તેવી અફવાઓ શરૂ થઈ હતી.

કહેવાય છે કે જાન્યુઆરી, ૨૦૧૫માં તેમણે ચો એ સોંગ સાથે લગ્ન કરી લીધું હતું. તેમના પતિ એક ઔઉચ્ચ સરકારી અધિકારીના પુત્ર છે પરંતુ તેમના લગ્નજીવન વિશે ઉત્તર કોરિયાના લોકોને બહુ જાણવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. કહેવાય છે કે તેમના પતિ ઉત્તર કોરિયાની કીમ-યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને સંભવતઃ ઉત્તર કોરિયાની વર્કર્સ પાર્ટીના એક અધિકારી અથવા ઉત્તર કોરિયાના મિલિટરી યુનિટ સાથે સંકળાયેલા છે.

કિમ યો જોંગની કેટલીક પ્રવૃત્તિઓ ઉત્તર કોરિયાના લોકો પણ બહુ જાણતા નથી. ઉત્તર કોરિયાના લોકો દબાયેલા અને ડરેલા છે. તેઓ પ્રવર્તમાન શાસકો સામે અવાજ ઉઠાવી શકતા નથી. એક અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયામાં એક નાગરિકને કોરોના છે એવા શક પરથી જ તેને ગોળી મારી દેવામાં આવી હતી.

કિમ યો જોંગ તેના ભાઈ સાથે અણુશસ્ત્રો નિવારવાના મુદ્દે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વાટાઘાટમાં જોડાઈ હતી. એ વાટાઘાટ કોઈપણ જાતના નિષ્કર્ષ વગર સમાપ્ત થઈ ગઈ હતી. જોકે એ નિષ્ફળતા માટે સરમુખત્યાર કિમ જોંગે તેની બહેનને જવાબદાર ઠેરવીને પોલિટ બ્યૂરોમાંથી ખસેડી લીધી હતી અને ફરી ૨૦૨૦ના એ કાળમાં જ તેની પોલિટ બ્યૂરોમાં નિમણૂક કરી હતી. આ ઘટના જ ઉત્તર કોરિયાની રાજનીતિમાં તેની અનિવાર્યતા દર્શાવે છે. તેના ભાઈના દીકરાની ઉંમર ૧૦ વર્ષની છે. આ સંજોગોમાં કિમ જોંગ ઉનનું મોત નીપજ્યું હોય કે ભવિષ્યમાં નીપજે તો સમજી લો કે કિમની બહેન કિમ એક લેડી તાનાશાહ તરીકે વિશ્વના નકશા પર ઉભરી રહી છે.

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!