Close

ગુજરાતનો અવિસ્મરણીય સિતારો : પ્રવીણ જોશી

રેડ રોઝ | Comments Off on ગુજરાતનો અવિસ્મરણીય સિતારો : પ્રવીણ જોશી

નાટકો અને રામલીલા આ દેશની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે. પછી તે દિલ્હીમાં ભજવાતી રામલીલા હોય કે ઠેર ઠેર ભજવાતાં નાટકો હોય. ભારતીય સંસ્કૃતિમાં નાટકો માટે એક નાટયશાસ્ત્ર પણ છે. મહાકવિ કાલિદાસે રચેલું ‘શાકુન્તલમ્’ એક નાટક સ્વરૂપે જ છે. પરંતુ આજે વાત કરવી છે ગુજરાતના તખતાના એક જમાનાના શ્રેષ્ઠ અદાકાર અને દિગ્દર્શકની.

એમનું નામ છે પ્રવીણ જોશી.  

મુંબઈની ભાંગવાડીમાં દેશી નાટક સમાજ નામની એક સંસ્થા હતી જેમાં નાટકો જોવા મુંબઈના ગુજરાતીઓ પડાપડી કરતાં. તે પછી નવી નાટય સંસ્થાઓ આવી. પ્રવીણ જોશી મુંબઈ સ્થિત કલાકાર હતા. સાહિત્યના અભ્યાસુ પણ હતા. ‘કુમારની અગાશી’ થી માંડીને ‘સંતુ રંગીલી’ જેવા શ્રેષ્ઠ નાટકો સાથે તેઓ સંકળાયેલા હતા. તેમની અદાકારી અને અવાજથી મુંબઈના ફિલ્મ અભિનેતાઓ પણ પ્રભાવિત થઈ જતા. તેઓ એક જબરદસ્ત કલાકાર હતા. તેમના અભિનય અને દિગ્દર્શન પાછળ મુંબઈ અને ગુજરાત ઘેલું હતું. તેઓ જ્યાં સુધી ગુજરાતી નાટય રસિકોના દિલ પર એક ચક્રી રાજ કર્યું. પ્રવીણ જોશી અને સરિતાબહેનની જોડી નાટય રસિકોમાં લોકપ્રિય હતી. પ્રવીણ જોશીને અમદાવાદ ગમતું અને અમદાવાદને પ્રવીણ જોશી.

પત્રકારો પ્રવીણ જોશીને પૂછતાં : ‘તમે અંગ્રેજી પરથી અનુવાદ કરીને નાટકનું સર્જન કેમ કરો છો?’

ત્યારે પાંચસો પંચાવન બ્રાન્ડની સિગારેટ સળગાવતા પ્રવીણ જોશી કહેતા : ‘જ્યારે પોતાનું બાળક ના હોય તો દત્તક લઈએ એમાં ખોટું શું છે?’

કોલેજકાળમાં તેઓ એક્ટર દિલીપકુમારનાં જબરજસ્ત આશિક હતાં. પછી સમય જતાં દિલીપકુમાર એમનાં આશિક બની ગયા. દરેક નાટક જોવા આવતાં. તે પહેલાં એમની જોડે બેસી આખું નાટક સમજી લેતા, જેથી નાટક વધુ રસપૂર્વક માણી શકાય.

સંજીવકુમાર અર્થાત્ હરિભાઈ જરીવાલા પણ આઈ.એન.ટી.માં જ હતા. પછી ફિલ્મોમાં એન્ટ્રી મારી. પણ એકવાર એકાંકી નાટકો હતા. જેમાં અમોલ પાલેકર, શ્રીરામ લાગુ, પ્રવીણ જોશી, સંજીવકુમાર વગેરે પોતપોતાના નાટકો રજૂ કરવાનાં હતાં. ત્યારે સંજીવકુમારે પ્રવીણને કહ્યું ‘પ્રવીણ, આજે નાટક જોવા આવનાર દરેકને મોંઢે મારું નામ હશે…’

પ્રવીણ જોશીએ કહ્યું : ‘ખરી વાત દોસ્ત પણ જતી વખતે મારું નામ લેતા હશે.’ અને બન્યું પણ એમ જ…. કોઈનો લાડકવાયો, મોતી વેરાણાં ચોકમાં, મોગરાના સાપ, સાહેબો છોડ ગુલાબનો, ચંદરવો, શરત, પ્રેમશાસ્ત્ર, મંજુ મંજુ, સંતુ રંગીલી, કુમારની અગાસી, થેન્કયૂ મી. ગ્લાડ, મૌસમ છલકે, રાહુકેતુ, ધુમ્મસ, વૈશાખી, કોયલ, ખેલંદો, સપ્તપદી એવાં એક પછી એક અને એક એકથી ચઢિયાતા નાટકો આપ્યા,

પ્રવીણભાઈ લંડનમાં London School of drama માં બે મહિનાની ટ્રેઇનિંગ માટે ગયા હતા. તો ત્યાંનાં ડીને એમને કહ્યું હતું, ‘થિયેટરમાં દરેકે દરેક પાસાની તને ખબર છે તું શા માટે આવ્યો ખર્ચો કરીને?’

લાઈટ, મ્યુઝિક, સેટ, કમ્પોઝિશન્સ, દરેક વિષયમાં એમની ચાંચ ડૂબતી. પ્રોડક્શનના ખૂબ જ આગ્રહી હતા. દા.ત. સપ્તપદીમાં એક નાઇટગાઉન પહેરતા. એ નાટકનું ઓપનિંગ અમદાવાદમાં થયું હતું. હવે બન્યું એવું એમને જોઈતું ગાઉન અમદાવાદમાં ના મળ્યો. એમણે મુંબઈ કોલ કરી સાંજના પ્લેનમાં એ મંગાવી લીધો. રાત્રે નાટક હતું.  એક વાર એક નાટકમાં ‘રાહુ કેતુ’ માં દાણચોરનો રોલ કરતા હતા ત્યારે અમે ૨૦/૨૫ બેલ્ટ્સ બતાવ્યા પણ મંજૂર ના થયા. છેવટે જનતા બેલ્ટ હાઉસ વાળા ભાઈ બેગ મોટી લઈને આવ્યા. પછી પસંદ કર્યો. કારણ- એટલું જ સફેદ શૂટ ઉપર મોંઘો પણ ટેસ્ટમાં ચીપ લાગે એવો બેલ્ટ જોઈએ. કારણ એ સ્મગલરનો રોલ કરતા હતા. શો મેન શિપમાં એમની તોલે કોઈ ના આવે. ‘મૌસમ છલકે’ નાટકમાં એમણે હોટેલ ઓબેરોય શેરેટનના રૂમ જેવો સેટ બનાવડાવેલો.

‘કુમારની અગાશી’નો એક પ્રસંગ આજે યાદ આવે છે. દિનેશ હોલમાં એ નાટક શો હતો. એમાં સરિતા શરદ સ્માર્તના મોં ઉપર થૂંકવાની એક્ટિંગ કરે છે- કોઈકે ઉપરથી બૂમ મારી ‘વન્સ મોર’ બસ થઈ રહ્યું. પ્રવીણનો મિજાજ ગયો અને જાહેર કર્યું કે ‘જ્યાં સુધી એ પ્રેક્ષક બેકસ્ટેજમાં પાછળ આવીને માફી નહીં માગે ત્યાં સુધી નાટક નહીં ભજવાય.’ પેલા ભાઈ આવીને માફી અને પછી નાટક આગળ વધ્યું.

એક નાટકમાં એમનો ભાઈ અરવિંદ જોશી અને તેમના પત્ની સરિતાના અમુક સીન ઇન્ટિમેટ હતા. તો કોઈકે પૂછયું :’પ્રવીણભાઈ, સરિતાબહેન તમારા પત્ની તમારા ભાઈ જોડે આવો સીન કરે છે, તમને કાંઈ થતું નથી?’

પ્રવીણભાઈએ કહ્યું, ‘તમારી પત્નીને તમે ગાયનેકોલોજિસ્ટ પાસે મોકલો તો તમને શું થાય-બસ એવું જ.’

એકવાર નાટક પત્યા પછી જમીને બધાં પાલડી સર્કલ પાસે બેઠા હતા. સમય હતો રાત્રિના લગભગ ૩-૦૦ વાગ્યાનો. કોઈએ કહ્યું : ‘પ્રવીણભાઈ જેમ સત્યજિત રે ૧-૧ કલાકની બે ફિલ્મ બનાવે છે. ‘કાપુરુષ-મહાપુરુષ’ તેમ તમે કલાક, કલાકનાં ત્રણ નાટકો કરો તો કેવું ?’ તેઓ કહે, ‘તમને ખબર પડે છે કે નાટક ગ્રીપ પકડ આવતાં ૨૦ મિનિટ નીકળી જાય છે.’પણ પછી બે મહિના પછી મને કહ્યું’તે પાલડી સર્કલ ઉપર વાત કરી હતી એમાં કાંઈક માલ હોય એવું લાગે છે- હું ત્રણ એકાંકી નાટક બનાવું છું- સમય હશે દરેકનો કલાક. એ નાટકનું નામ હતું : ‘સાહેબો ગુલાબનો છોડ’,

શિસ્તનો અને સમયના જબરા આગ્રહી. ૯ વાગે નાટક શરૂ થાય તે પહેલાં બધાયે સ્થાન ગ્રહણ કરવું પડતું. પછી ડોર બંધ થઈ જતાં/ અડધો કલાક પછી પાંચ મિનિટ માટે ફરી ખૂલતાં બારણાં, મોડા આવેલા પ્રેક્ષકો માટે જ. એમણે અમદાવાદીઓને સમય પાલન પણ શીખવાડયું.  અમેરિકાની ટૂર પતાવી આવ્યા પછી ગામઠી નાટક કર્યું. ‘મોેતી વેરાણાં ચોકમાં’ કોઈકે પૂછયું : ‘ફોરેનથી આવીને તરત જ આવું ગામઠી સબજેક્ટ કેમ પસંદ કર્યો- તો ઉત્તર હતો. ‘આ કિનારો કેટલો સુંદર છે એ જાણવું હોય તો સામેના કિનારે જવું પડે ભાઈ…’

એક પાનાંની વાત ફકરામાં, અને ફકરાની વાત એક વાક્યમાં કહેવાની સૂઝ આ કલાકારમાં હતી.

‘ખેલંદો’પ્રવીણ જોશી અને અરવિંદ જોશીનું નાટક. બે જ પાત્રો. એમાં ઇન્ટરવલ પહેલાંની પાંચ મિનિટ પહેલાં અરવિંદને પ્રવીણ સીડી ઉપર રિવોલ્વર ધરે છે અને અરવિંદ પ્રવીણ પાછળ ધીરે ધીરે સીડીનાં પગથિયાં ચડતો હોય એવું દૃશ્ય છે- Dull light- Horror music વચ્ચે સીન હોય છે. એક રાત્રે શો પત્યા પછી અરવિંદ પ્રવીણભાઈને અમારી હાજરીમાં કહેતો હતો, ‘પ્રવીણ તું આવી રીતે મારી સામે ન જો મને ખરેખર બીક લાગે છે.’

તા. ૧૯ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ અચાનક તેઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા પરંતુ પ્રેક્ષકોના હૃદયમાં તેઓ હજી ચિરંજીવ છે.                           DEVENDRA PATEL

Be Sociable, Share!