Close

ગુજરાતીઓની શાખ દાવ પર કોણે લગાવી?

રેડ રોઝ | Comments Off on ગુજરાતીઓની શાખ દાવ પર કોણે લગાવી?

છેલ્લાં કેટલાંક વર્ષોથી આર્થિક કૌભાંડોમાં ગુજરાતી બિઝનેસમેનના નામો જે રીતે ચર્ચામાં આવી રહ્યાં છે તે જોતાં દેશભરમાં ગુજરાતીઓએ લજ્જીત થવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

વર્ષ ૧૯૯૨ના સમયમાં હર્ષદ મહેતાનું રૂ.૨૦૦૦ કરોડનું સિક્યોરિટી કૌભાંડ, ૨૦૦૧માં કેતન મહેતાનું રૂ.૧૩૨ કરોડનું માધવપુરા મર્કન્ટાઈલ બેન્ક કૌભાંડ ખૂબ ચગ્યાં હતાં. હવે પંજાબ નેશનલ બેન્કમાં રૂ.૧૧૪૦૦ કરોડના નીરવ મોદી અને મેહુલ ચોકસીના કૌભાંડથી દેશ આખો ખળભળી ઊઠયો છે. આ બધા જ મહાનુભાવો ગુજરાતીઓ છે. નીરવ મોદી તો બેન્કનું ઉઠમણું કરીને વિદેશ ભાગી ગયા છે.

બાકી એક જમાનો હતો જ્યારે ગુજરાતીઓ વેપાર-ધંધામાં તેમની શાખ અને પ્રતિષ્ઠા માટે જાણીતા હતા. આજથી ૪૦૦ વર્ષ પૂર્વે ગુજરાતના લોકો શઢવાળા વહાણમાં બેસી આફ્રિકા ધન કમાવા અને રોજી રોટી માટે ગયા હતા. આફ્રિકાના દેશોમાં વેપાર-ધંધાની બાબતમાં તેમણે ડંકો વગાડી દીધો હતો.

આજથી ૨૦૦ વર્ષ પૂર્વે અમદાવાદના વેપારીઓ ચીન સાથે રેશમનો વેપાર કરતા હતા. બાદશાહ અકબરના સમયમાં શેઠ શાંતિદાસ ઝવેરી શહેરના પ્રથમ નગર શેઠ બન્યા હતા. બાદશાહ અકબરના રાણી જોધાબાઈ કોઈ કારણસર રિસાઈને અમદાવાદ આવ્યાં ત્યારે શાંતિદાસ ઝવેરીએ તેમને બહેન બનાવી જોધાબાઈ માટે એક હવેલી ખાલી કરી આપી હતી. શેઠ શાંતિદાસના ઉપકારના બદલામાં બાદશાહે શેઠને કેટલાક ગામો આપવાનું વિચાર્યું. પરંતુ શેઠ શાંતિદાસે ગામો લેવાના બદલે માત્ર અમદાવાદની નગર શેઠાઈ માંગી હતી, જે બાદશાહે આપી હતી.

એ જ રીતે ઈ.સ. ૧૬૨૯-૩૦ના મોગલ બાદશાહ શાહજહાંએ મયૂરાસન બનાવવા રૂ.૬ કરોડ ખર્ચ્યા હતા. તે મયૂરાસન માટે ઘણું ઝવેરાત શેઠ શાંતિદાસે આપ્યું હતું. નગર શેઠ શાંતિદાસ ઝવેરી ખુદ મોગલ બાદશાહોને મોટી રકમો ધીરતા હતા.

એ પછીના વર્ષોમાં વેપાર-ધંધાના ક્ષેત્રમાં ગુજરાતે આપેલા શ્રેષ્ઠ વેપારી-ઉદ્યોગપતિઓમાં રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલનું નામ આવે છે. જેમણે અમદાવાદ શહેરમાં પહેલી કાપડની મીલ નાંખી. તેઓ સાઠોદરા નાગર હતા. અમદાવાદ શહેરને ભારતનું માન્ચેસ્ટર બનાવનાર અન્ય શ્રેષ્ઠ ગુજરાતી ઉદ્યોગપતિઓમાં અંબાલાલે સારાભાઈ, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસ, શેઠ શ્રી બિહારીભાઈ કનૈયાલાલ, જયકૃષ્ણ હરિવલ્લભદાસ જેવાંઓનાં નામ આવે છે. અંબાલાલ સારાભાઈ કેલિકો મિલના અને કસ્તુરભાઈ લાલભાઈ અરવિંદ ગ્રૂપની મિલોના માલિક હતા. શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસ બગીચા મિલ ૧ અને ૨ થી જાણીતા છે. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે શેઠ અમૃતલાલ હરગોવનદાસ સરદાર સાહેબના સાથી હતા. અમદાવાદમાં ‘અટીરા’ની સ્થાપના પણ તેમણે જ કરી હતી. તેમણે આણંદમાં ખેતીવાડી કોલેજથી માંડીને અમદાવાદમાં તેમનાં માતૃશ્રી નાથીબાની સ્મૃતિનાં વા.સા.હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવા એ જમાનામાં માતબર રકમ દાનમાં આપી હતી.

આ બધા જ ગુજરાતી ઉદ્યોગપતિઓ તેમની સાફ નીતિ અને ઊંચી શાખ માટે જાણીતા હતા.

હવે મુંબઈના ગુજરાતીઓની વાત. ૧૯મી સદીમાં કચ્છથી મુંબઈ ગયેલા શેઠ વાલજી માલુએ વેપાર ધંધા માટે આફ્રિકા, ઈરાન, એડન અને બસરાની સફર ખેડી હતી. ઈરાન, આફ્રિકા અને અરબસ્તાનના વેપારીઓ સાથેના ગાઢ સંપર્કના કારણે ત્યાંની ભાષાઓ પણ શીખી લીધી હતી. વિક્રમ સંવત ૧૯૧૯માં શેઠ વેલજી માલુની સંપત્તિ રૂ.૫૦ થી ૬૦ લાખની થઈ ગઈ હતી. તેમણે એ જમાનામાં લોકોને શેરબજારથી દૂર રહેવા લાલબત્તી ધરી હતી.

એવા જ બીજા મુંબઈમાં વસતા શેઠ કેશવજી નાયક પણ જાણીતા છે. તેઓ પણ કચ્છથી મુંબઈ ગયા હતા. તેમના પિતા હમાલ હતા, પરંતુ કેશવજી મોટા થતાં વેપારી કુનેહથી એક પેઢીના મુખ્ય કર્તાહર્તા બની ગયા. તે પછી એ જમાનામાં તેમણે હોંગકોંગમાં પેઢી સ્થાપી હતી. નોંધપાત્ર વાત એ છે કે વિક્રમ સંવત ૧૯૧૯માં તેમણે બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી. કેશવજી શેઠ બીજી અનેક મિલો સ્થાપી. તેમણે મુંબઈમાં ગોરેગાંવ ખાતે દરિયો પુરી બંદર બાંધ્યું. કેશવજી શેઠ ચાર ઘોડાવાળી બગીમાં અવરજવર કરતા. તેમની ચાર ઘોડાવાળી બગી મુંબઈની જેલ પાસેથી પસાર થઈ જાય અને એ વખતે જેલમાં કોઈ કેદીને ફાંસી અપાતી હોય તો ફાંસીની સજા રદ થઈ જતી. એક ગુજરાતી વેપારીનો આવો પ્રભાવ અંગ્રેજ હકૂમત પર હતો. નોંધપાત્ર વાત એ છે કે એ જમાનામાં મુંબઈમાં માત્ર બે જ બગીઓ હતી. એક બગી શેઠ કેશવજી પાસે અને બીજી બગી સર જમશેદજી જીજીભોય પાસે એથીયે વધુ આૃર્યની વાત એ છે કે, કેશવજી શેઠની બગીનો હાંકનાર ચાલક એક અંગ્રેજ હતો. વિક્રમ સંવત ૧૯૪૧માં તેમનું અવસાન થયું. તેમની યાદમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ચિંચબંદરથી ફુવારા સુધીના રસ્તાને ‘શેઠ કેશવજી નાયક રોડ’ – એવું નામ આપેલું છે.

અને આજે?

આજે વેપાર-ઉધોગમાં બેન્કોને નવરાવી નાંખનાર હર્ષદ મહેતા છે. કેતન પારેખ છે, નીરવ મોદી છે, મેહુલ ચોકસી છે. આમાંથી એકપણ નામ માટે ગુજરાત ગૌરવ લઈ શકે તેમ છે, ખરું?

હકીક્ત એ છેકે પંજાબ નેશનલ બેન્કનું આ કૌભાંડ કોઈ અનોખું નથી. નીરવ મોદી તો એક નવું જ નામ છે. દુઃખની વાત એ છે કે આપણા દેશમાં વિદર્ભ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રૂ.લાખ બે લાખનું બેન્કનું કર્જ ચૂકવી ના શક્તા ખેડૂતો આપઘાત કરે છે.

દેશમાં રોજ ૨૪ ખેડૂતો આત્મહત્યા કરે છે ત્યારે વિજય માલ્યા અને નીરવ મોદી જેવા લોકો અબજો રૂપિયા ચ્યાંઉં કરીને વિદેશમાં લીલાલહેર કરે છે.

એ જાણવું જરૂરી છે કે જે કૌભાંડથી પંજાબ નેશનલ બેન્ક આજકાલ ચર્ચામાં છે તે બેન્કનું આ મહાકૌભાંડ પર્દાફાશ થયું ના હોત તો તા.૧૯મી મેના રોજ તે બેન્ક તેની સ્થાપનાની ૧૨૫મી વર્ષગાંઠ મનાવતું હોત. તા.૧૮મી મે ૧૮૮૪ના રોજ ભારતીય કંપની એક્ટ મુજબ તેનું રજિસ્ટે્રશન થયું હતું. તેની પહેલી બ્રાંચ અનારકલી બજાર-લાહોરમાં ખુલી હતી. તેના પહેલાં ચેરમેન સરદાર દયાલસિંહ મજીઠીયા બન્યા હતા.

બીજી નોંધપાત્ર વાત એ છે કે પહેલી સંપૂર્ણ ભારતીય બેન્ક અવધ કોમર્શિયલ બેન્ક હતી, જે ફૈજાબાદમાં ૧૮૮૨માં સ્થાપિત થઈ હતી. પરંતુ આ બેન્ક ૧૯૫૮માં બંધ થઈ ગઈ.

દેશમાં પંજાબ નેશનલ બેન્ક જ એક એવી બેન્ક છે કે જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદૂર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી જેવી વ્યક્તિઓનાં ખાતાં છે. હાલ તે ખાતાં સક્રિય નથી પરંતુ તે ખાતાંઓને ઐતિહાસિક દસ્તાવેજી તૌર પર બંધ કરવામાં આવ્યાં નથી. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ આ બેન્કે નવા પાકિસ્તાનમાં સ્થિત એવી ૯૨ શાખાઓ સમેટી લેવી પડી હતી. તે પછી આ બેન્કનું હેડકવાર્ટર દિલ્હી લાવવામાં આવ્યું.

ધીમેધીમે પંજાબ નેશનલ બેન્કનું કાર્યક્ષેત્ર વધતું ગયું. તેમાં (૧) હિન્દુસ્તાન કર્મિશયલ બેન્ક અને (૨) ન્યુ બેન્ક ઓફ ઈન્ડિયાને જોડી દેવામાં આવી. તે પછી લંડનમાં પણ બ્રાંચ ખોલવામાં આવી. તે પછી કાબુલ, શાંઘાઈ અને દુબઈમાં પણ શાખાઓ ખોલવામાં આવી. હવે તેની શાખાઓ બ્રિટનમાં સાઉથહોલ લેસ્ટર, બર્મિંગહામ, લીફોર્ડ, વેમ્બલી ખાતે તથા હોંગકોગ, થિમ્પુ (ભૂતાન) અને કજાકિસ્તાનમાં પણ છે. તેમાં લગભગ ૬૮૨૯૦ કર્મચારીઓ કામ કરે છે.

આવો ભવ્ય ઈતિહાસ ધરાવતી પંજાબ નેશનલ બેન્ક આજે કેટલાક છેતરપિંડી કરનારા વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે

Be Sociable, Share!