Close

ચાઈનીઝ ડ્રેગન જડબું ફાડી રહ્યો છે

રેડ રોઝ | Comments Off on ચાઈનીઝ ડ્રેગન જડબું ફાડી રહ્યો છે

ચીને ફરી એકવાર ભારત સહિત તમામ દુશ્મન દેશોને લોહિયાળ યુદ્ધની ધમકી આપી છે. ભારતની પડાવી લીધેલી ભૂમિની એક ઈંચ જગા પણ આપવા ઈન્કાર કરી દીધો છે.

ચીન ભારત માટે હંમેશાં ખલનાયકની ભૂમિકા ભજવતું આવ્યું છે. ચીન પર ભરોસો કદી ન રાખવાની સલાહ સરદાર સાહેબે આપી હતી. એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના આદર્શવાદ સાથે દગો કરી ચીને ભારત પર આક્રમણ કરી દીધું હતું. તે પછી ચીન સતત ભારત વિરોધી વલણ અપનાવતું રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતને નુક્લિયર સપ્લાય ગ્રૂપમાં પ્રવેશતાં રોકવા ચીને જ વીટો વાપર્યો હતો.

ચીન અને ભારત બંને પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ ધરાવે છે. કોઈ વખત બંને દેશો વચ્ચે ‘પંચશીલ’નો નાદ ગંુજતો હતો. કદીક ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ના નારા ગુંજતા હતા. ભારતમાં પેદા થયેલા ભગવાન બુદ્ધનો પણ કદીક ખૂબ આદર કરવાવાળો દેશ-ચીન ૧૯૬૨ પછી ભારતનો દુશ્મન બની ગયો. એ વખતના આક્રમણ પછી આજ સુધી ભારત-ચીન વચ્ચે માત્ર ઉપર ઉપરથી જ સારા સંબંધો છે.

ચીનને એશિયાના મુખી થવું છે. પાકિસ્તાનને એણે ખંડીયું રાજ્ય બનાવી દીધું છે. ચીન ભારત સાથે સતત દાદાગીરી કરતું આવ્યું છે. પહેલાં ડોકલામમાં તેણે ભારતના વિરોધનો સામનો કરવો પડયો. કેટલાક વખત પહેલાં અરૂણાચલમમાં ઘૂસીને સડક બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતે તેનો સખત સામનો કરતા ચીનાઓ પોતાનો સામાન છોડીને ભાગી ગયા. ભારતના લશ્કરી વડા વિપીન રાવતે કહ્યું કે, ‘ચીન એક મજબૂત રાષ્ટ્ર છે પરંતુ ભારત કમજોર નથી. ભારત હવે ૧૯૬૨નું ભારત નથી.’

ચીન સાથે ભારતના વ્યાપારી સંબંધો છે. બંને દેશના વડાઓ એકબીજાના દેશમાં આવે છે અને જાય છે. તેમ છતાં સીમા વિવાદ, સૈનિક ઘુસણખોરી, અરૂણાચલમ વિવાદના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો નાજૂક છે. ચીન ભારતને ચારે બાજુથી ઘેરવા કોશિશ કરી રહ્યું છે. દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામની મદદથી ભારત કેટલાક વર્ષોથી તેલ કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વાતનો પણ ચીનને વિરોધ છે. હકીક્ત એ છે કે ચીન ભારતની વધતી તાકાતથી પરેશાન છે. તેથી તે દર થોડા થોડા સમયે એવું કંઈ કરે છે જેથી ભારતની ચિંતામાં વધારો થાય.

ભારત અને ચીનની વચ્ચે નેપાળ એક બફરની જેમ કામ કરે છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી પણ નેપાળ ભારતની વધુ નજીક છે. નેપાળના યુવાનોને ભારતમાં રોજગારીની તકો ચીન કરતાં વધુ છે. હવે તો ભારતના દરેક નગરોમાં નેપાળી યુવક-યુવતીઓ કામ કરતા દેખાય છે. ગુજરાતમાં વિસનગરની માટેલ રેસ્ટોરાંમાં અમરસિંહ નામના એક નેપાળી યુવાન છેલ્લાં ૧૪ વર્ષથી ગુજરાતમાં છે અને સુંદર ગુજરાતી બોલે છે. ફિલ્મ એકટ્રેસ મનિષા કોઈરાલાનું મૂળ વતન નેપાળ છે. નેપાળની કોઈ યુવતી ચીનમાં અભિનેત્રી બની હોય એવું સાંભળ્યું નથી. આમ નેપાળ ભારતની વધુ નજીક હોવા છતાં ચીન નેપાળમાં ભારત વિરોધી વાતાવરણ પેદા કરી નેપાળના મનમાં ભારત પ્રત્યે કડવાશ પેદા કરવા પ્રયાસ કરી રહ્યું છે. નેપાળમાં ડાબેરીઓ એટલે કે સામ્યવાદીઓની રૂખ ચીન તરફી હશે તે સ્પષ્ટ છે.

ચીને ઓપ્ટિકલ ફાઈબર દ્વારા નેપાળમાં દરમિયાનગીરી કરી છે ચીનની આ કોશિશ માત્ર વેપાર વધારવા માટે નથી, પરંતુ હવે તે નેપાળ પર પૂરેપૂરો કાબૂ મેળવી લેવા માંગે છે. ભારત અત્યાર સુધી નેપાળને ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવી આપતું હતું. હવે ચીને પણ તેની ઈન્ટરનેટ સેવાઓ નેપાળને ઉપલબ્ધ કરાવી આપવા માંડી છે.

યાદ રહે કે કેટલાક સમય પહેલાં વિશ્વમાં એકમાત્ર નેપાળ જ અધિકૃત રીતે હિન્દુ રાષ્ટ્ર હતું. હિન્દુઓનું પ્રિય પશુપતિનાથ મંદિર પણ નેપાળમાં જ છે. નેપાળનાં રાજવી પરિવારોનાં ભારતનાં રાજવી પરિવારો સાથે નિકટનાં સંબંધો રહ્યાં છે.

પરંતુ હવે ચીનની ઉશ્કેરણીના કારણે નેપાળના સત્તાધીશોનું વલણ બદલાઈ રહ્યું છે. આ સંદર્ભમાં ભારતે સાવધાન રહેવું પડશે. નેપાળ એક તરફ વન બેલ્ટ-વન રોડ દ્વારા ભારતને રોકવા કોશિશ કરી રહ્યું છે ત્યારે ભારતે હમણાં જ ચીનમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં વિવાદીત મુદઓ પર ચીનની એક તરફી નીતિનો સ્વિકાર કર્યો નથી. ચીન તેની ઘણી બધી પરિયોજનાઓ મારફતે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘુસી ગયું છે અને તેનો વિરોધ પણ પાક. હસ્તકના કાશ્મીરના લોકો જ કરી રહ્યા છે.

ચીને પાકિસ્તાનને પોતાનું કહ્યાગરું રાષ્ટ્ર બનાવ્યું છે. નેપાળને પોતાની પાંખમાં લેવા કોશિશ કરી રહ્યું છે હવે તે શ્રીલંકામાં પણ પ્રવેશ કરી રહ્યું છે. ચીને આપેલા કર્જની ચાલમાં ડૂબેલા શ્રીલંકાના હમ્બનટોટા નામના બંદરનો કબજો પણ ચીને લઈ લીધો છે. ચીન હવે ત્યાં હવાઈઅડ્ડો બનાવી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ ચીન આઝાદીના ૭૦ વર્ષ બાદ શ્રીલંકામાં પહેલી રેલવે લાઈન બીછાવી રહ્યું છે. શ્રીલંકાના મતારામાં ચીન દ્વારા મતારા-કટારાગામા રેલવે વિસ્તાર પરિયોજનાના પહેલા ચરણનો આરંભ પણ થઈ ચૂક્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ૧૯૪૮માં શ્રીલંકાની આઝાદી બાદ ત્યાં કોઈ રેલવે લાઈન નંખાઈ નથી.

ચીનના વિશ્વમાં અનેક સ્થળે રેલવે પ્રોજેકટ ચાલે છે. તે રેલવે નેટવર્ક દ્વારા આફ્રિકા અને યુરોપ સુધી પહોંચવા માંગે છે. વર્ષો પહેલાં ભારતીય રેલવેએ નાઈજિરિયામાં રેલવે નાંખી હતી. આજે રેલવે ટેકનિકની બાબતમાં ચીન વિશ્વની મોટી તાકાત બનીને ઊભરી રહ્યું છે.

મતલબ એ છેકે ચાઈનીઝ ડ્રેગન તેનું જડબું ફાડી રહ્યો છે. ભારતનો ભરડો લઈ રહ્યો છે. ચીન મ્યાનમાર અને માલદીવમાં પણ દખલ કરી રહ્યું છે ત્યારે ભારતે સતર્ક થઈ જવાની જરૂર છે. અલબત્ત, ભારતને તેનો દબદબો કાયમ રાખવા માટે દક્ષિણ એશિયાના દેશોનો સહયોગ મળી રહ્યો છે જે દેશો ચીનની દાદાગીરીથી પરેશાન છે.

ચાઈનીઝ ડ્રેગનને રોકવો જરૂરી છે

Be Sociable, Share!