Close

ચીનના પણ અનેક ટુકડા થઈ જશે

રેડ રોઝ | Comments Off on ચીનના પણ અનેક ટુકડા થઈ જશે

એક જમાનો હતો જ્યારે વિશ્વમાં આવેલા કેટલાક સામ્યવાદી દેશો પૈકી બે જ સામ્યવાદી દેશો સહુથી શક્તિશાળી હતા. એક હતો સોવિયેત રશિયા અને બીજો ચીન. સોવિયેત રશિયા ભાંગીને અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું. આજે વ્લાદિમીર પુતિન જેના વડા છે તે તો સોવિયેત રશિયામાંથી છૂટા ડપડીગયેલા દેશો પછી બચી ગયેલો ભાગ છે. મૂળ સોવિયેત યુનિયનનો એક હિસ્સો છે.

આજથી કેટલાંક વર્ષો પહેલાં વિશ્વમાં સોવિયેત યુનિયન અનેક દેશોનો સમૂહ હતું. જે અંગ્રેજીમાં USSR એટલે કે યુનિયન ઓફ સોવિયેત સોશિયાલીસ્ટ રિપબ્લિક્સ તરીકે ઓળખાતું હતું. તે એક મહાસત્તા હતું અને આખા યુરોપ તથા અમેરિકાને પણ ધ્રુજાવતું હતું. ૧૯૨૨થી ૧૯૯૧ સુધી સોવિયેત યુનિયન વિશ્વનો સહુથી મોટો દેશ હતું. અહીં વન પાર્ટી-કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર હતી. મોસ્કો તેનું પાટનગર હતું. હજારો કિલોમીટરમાં તે પથરાયેલું હતું. તેમાં ૧૧ જેટલા તો ટાઈમઝોન હતા. સોવિયેત યુનિયનમાં ૧૫ જેટલા દેશો સંમિલિત હતા. જેમાં (૧) આર્મેનિયા (૨) અજરબૈઝાન (૩) બેલારુસ (૪) એસ્ટોનિઆ (૫) જ્યોર્જિયા (૬) કઝાકસ્થાન (૭) લાટિવિયા (૮) લિથુઆનીઆ (૧૦) મોલ્ડાવા (૧૧) રશિયા (૧૨) તાજકિસ્તાન (૧૩) તુર્કમેનિસ્તાન (૧૪) યુક્રેન અને (૧૫) ઉઝબેકિસ્તાન વગેરેનો સમાવેશ થતો હતો.

હવે એ સોવિયેત ભાંગીને અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે. હવે એ પહેલાં જેટલું શક્તિશાળી રહ્યું નથી. એક વખત તો સોવિયેત રશિયાને બ્રેડના પણ સાંસા થઈ પડયા હતા.

યુ એસ એસ આર’ કેમ તૂટી ગયું?

એ સવાલનો જવાબ રાજકીય નિષ્ણાતો આપે છે. તેઓ કહે છે કે દુનિયાના કોઈપણ દેશમાં યુદ્ધ થાય તો તેમાં અમેરિકાનાં દળો પણ હોય અને સોવિયેત રશિયાનાં પણ. વિયેતનામ, ક્યૂબાથી માંડીને કોરિયા અને અફઘાનિસ્તાન સુધી આ સિલસિલો ચાલ્યો. કારણ વગર દુનિયા પર કબજો જમાવવાની ઘેલછામાં યુએસએસઆર એટલે કે સોવિયત યુનિયને ખૂબ માર ખાધો. ખૂબ નુકસાન કર્યું. એમાંયે અફઘાનિસ્તાનના યુદ્ધે સોવિયેત યુનિયનને ભાંગીને અનેક ટુકડાઓમાં વહેંચી દીધું, કારણ કે સોવિયેત યુનિયનના ઘણા ઘટક પ્રાંતો એ આર્થિક બોજો ઉઠાવવા તૈયાર નહોતા. પ્રજાના જ વિદ્રોહથી સોવિયેત યુનિયન તૂટી ગયું.

હવે ચીનનો વારો

હવે એવો જ વારો ચીનનો પણ આવી શકે છે. ચીને તેની વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી દ્વારા જાણે કે અજાણે આખા વિશ્વમાં જે મહામારી ફેલાવી તેનાથી આવનારા સમયમાં ચીન આખા વિશ્વના તિરસ્કાર અને નફરતનું ભોગ બની શકે છે. વિશ્વના ઘણા બધા દેશો ચીનથી થતી આયાતને રોકવા કઠોર કદમ ઉઠાવી શકે છે. ચીન અત્યારે ભલે વિશ્વના અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં સફળ નીવડયું છે પણ દુનિયાના મોટા ભાગના દેશો તેનો બહિષ્કાર કરશે ત્યારે ચીન એકલુંઅટૂલું પડી જઈ શકે છે.

હાલ તેનો ડબલ ઉપર ગ્રોથરેટ છે તે ઘટીને નેગેટિવ ગ્રોથરેટ પર આવી શકે છે. ત્યારે ચીનમાં બેકારી વધશે. બેકારીના કારણે ચીની નાગરિકોમાં શાસકો પ્રત્યે રોષ વધશે. તે પછી ચીનનાં ગામડાંઓમાં માંડીને મોટાં શહેરોમાં મોટા પાયે દેખાવો થઈ શકે છે. ચીનની સામ્યવાદી સરકાર તેને કચડી નાંખવા મિલિટરીનો ઉપયોગ કરી શકે છે. આ કારણે ચીન આખા વિશ્વમાં વધુ બદનામ થશે.

ચીનમાં પારાવાર ગરીબી

એક આગાહી એવી છે કે ચીનના શાસકો સામે દેખાવો કરતા ચીની નાગરિકોમાં  ચીનની જ પિપલ્સ લિબરેશન આર્મીના કેટલાક સૈનિકો પણ જોડાઈ શકે.

ચીનને સીધું કરવા માટે પશ્ચિમના દેશોનું એક સંગઠન બની શકે છે. બની શકે કે આવનારા સમયમાં ચીનનાં જંગી કારખાનાં બંધ થઈ જાય તો ચીનની પ્રજાને ભૂખે મરવાનો વારો આવી શકે છે. ૧૪૦ કરોડની વસતી ધરાવતા ચીનમાં આજે પણ બેસુમાર ગરીબી છે. શાંઘાઈ, બીજિંગ કે વુહાન તે જ ચીન નથી. ચીનનાં ગામડાંઓમાં જબરદસ્ત ભૂખમરો અને ગરીબી છે. ચીનમાં મીડિયા પર નિયંત્રણ હોઈ તેના ભીતરની યાતનાઓ કદી વિશ્વ સમક્ષ બહાર આવતી નથી. હવે વુહાનથી પેદા થયેલા કોરોના વાઇરસ બાદ વિશ્વના ચીન સાથેના સંભવિત બહિષ્કારના કારણે ચીનનું અર્થતંત્ર ધ્વસ્ત થાય તો પ્રજાનો વર્ષોથી દબાયેલો આક્રોશ બહાર આવી શકે છે. ચીન એક વિશાળ દેશ છે. ત્યાં પણ ભિન્ન ભિન્ન ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિ છે. ચીનના હાલના વડા શી જિનપિંગ અને તેમની કમ્યુનિસ્ટ પાર્ટી સામે બગાવત થઈ શકે છે. ચીનની આવનારી પેઢી ચીનમાં લોકશાહીની માંગણી કરી શકે છે. અલબત્ત, આ રાતોરાત બનવાનું નથી પરંતુ ચીને વુહાનથી ફેલાવેલો કોરોના વાઇરસનો આતંક ચીનને શર્મસાર પરિસ્થિતિમાં મૂકી ચૂક્યો છે જે ચીનની આવનારી પેઢીને નહીં ગમે. હાલના સત્તાધીશોમાં ચીનની ભીતર જ નફરત ફેલાઈ શકે છે અને હાલ તુરંત નહીં તો આવનારાં વર્ષોમાં ચીનમાં પણ કમ્યુનિસ્ટ શાસનનો અંત અને ચીનનું અનેક ટુકડાઓમાં વિભાજન લાવી શકે છે. સોવિયેત રશિયામાં જે થયું તેનું અહીં પણ પુનરાવર્તન થઈ શકે છે. સોવિયેત યુનિયન તો ચીન કરતાં પણ શક્તિશાળી હતું છતાં તે અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું.

શાસકો સામે બગાવત થશે?

હા, નિષ્ણાતો માને છે કે ચીનનું વિઘટન થતાં વર્ષો લાગશે. શક્ય છે કે ૨૦૨૭ સુધીમાં ચીન ભાંગીને અનેક દેશોમાં વહેંચાઈ જઈ શકે છે, પરંતુ ત્યાં સુધીનો ગાળો લોહિયાળ હશે. આવનારાં વર્ષોમાં ચીનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળી જઈ શકે છે. ચીનની એકાધિકારવાદવાળી-વન પાર્ટી સરકાર તેની જ પ્રજાને લોકતંત્રનો અવાજ ઉઠાવવા બદલ ટેન્કો નીચે કચડી શકે છે. બગાવત કરનારને ગોળીથી ઠાર કરી શકે છે. હજારોને ફાંસીના માચડે લટકાવી દઈ શકે છે. આવનારી આ સંભવિત ક્રાંતિ ચીનની ધરતીને લોહીના લાલ રંગથી રંગી શકે છે અને એ હત્યાકાંડ વિશ્વનો મોટામાં મોટો હત્યાકાંડ હશે.

ચીનમાં લોકશાહીની માંગણી કરનારાઓ પર ટેન્કો ચડાવી દેવાની ઘટના ઘટી ચૂકી છે. ઈ.સ. ૧૮૮૯ના તિઆનમેન સ્કવેર હત્યાકાંડ ભારતના જલિયાંવાલા કાંડની યાદ અપાવે તેવો છે. જૂન ૧૯૮૯ના ગાળામાં ચીનમાં વિદ્યાર્થીઓએ અને બીજા યુવાનોએ બીજિંગના તિઆનમેન સ્કવેર ખાતે ચીનમાં કમ્યુનિસ્ટ સરકારનો અંત લાવી ચીનમાં લોકતંત્રની સ્થાપના માટે દેખાવો કર્યા હતા. કેટલાકે ભૂખહડતાળ કરી હતી. કેટલાકે શાંતિપૂર્વક ધરણાં કર્યાં હતાં. આ વિરોધ ૧૫ એપ્રિલથી તા. ૪ જૂન સુધી ચાલ્યો હતો. લોકતંત્રની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓને કચડી નાંખવા ચીનની સામ્યવાદી સરકારે માર્શલ લો જાહેર કર્યો હતો અને ચીનની સરકારે તિઆનમેન સ્કવેર ખાતે સશસ્ત્ર લશ્કરી દળો મોકલી આપી વિદ્યાર્થીઓ પર ટેન્કો ચલાવી દીધી હતી. ટેન્કોએ વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કર્યું હતું જેના કારણે હજારોનાં મોત નીપજ્યાં હતાં અને હજારો ઘવાયા હતા. આ બધા વિદ્યાર્થીઓની માંગણી કમ્યુનિસ્ટ પાર્ટીમાં ચાલતાં ભ્રષ્ટાચારની ખિલાફ પણ હતી. અભિવ્યક્તિની આઝાદી અને ફ્રીડમ ઓફ પ્રેસની માંગણી પણ હતી. બધા મળીને એક લાખ લોકો અહીં ભેગા થયા હતા પરંતુ તેમની મુશ્કેલી એ હતી કે તેઓ અસંગઠિત હતા. તે બધાને કચડી નાખવા ત્રણ લાખ ચીની સૈનિકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. એ હત્યાકાંડમાં કેટલાયે શહીદ થયા. કેટલાયને જેલમાં મોકલાયા. આખી દુનિયાએ એ ઘટનાની નિંદા કરી હતી. પણ વિશ્વ આખું નિઃસહાય હતું.

આ ઘટના દર્શાવે છે કે ચીનની ભીતર પણ એક એવો મોટો વર્ગ છે કે જે ચીનમાં લોકશાહી ઈચ્છે છે. ચીનના વુહાન વાઇરસ બાદ ચીનની જે રીતે બદનામી થઈ છે તે માટે ચીનની પ્રજા ચીનના શાસકોને જવાબદાર ઠેરવી આવનારાં વર્ષોથી ફરી એક વાર ચીનમાં લોકશાહીની માંગણી કરી શકે છે અને ચીન અનેક ભાગોમાં ખંડિત થઈ શકે છે.

આ રાતોરાત નહીં થાય પરંતુ એક દિવસ તો થશે જ. સોવિયેત રશિયા ભાંગી ગયું તો ચીન કેવી રીતે બચશે?

– www.devendrapatel.in

Be Sociable, Share!