Close

ચીનની ગુપ્ત લેબોરેટરી ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી

રેડ રોઝ | Comments Off on ચીનની ગુપ્ત લેબોરેટરી ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી

કોરોના વાઇરસનો કેર આખા વિશ્વને ધ્રુજાવી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, ઈટાલી, કેનેડા, જાપાન, ઈરાન, દક્ષિણ કોરિયાથી માંડીને વિશ્વના ૧૬૪ જેટલા દેશો ભયભીત છે. બ્રિટનના આરોગ્યમંત્રી પણ કોરોના વાઇરસથી બીમાર છે. સવાલ એ છે કે પૃથ્વી પર આ ચેપ પાછલાં હજારો વર્ષ દરમિયાન કદી જોવા મળ્યો નહોતો. તે અચાનક આવ્યો ક્યાંથી?

ચીન ના પાડે છે પરંતુ વિશ્વના અનેક દેશોને શંકા છે કે કોરોના વાઇરસ ચીનની જ જૈવિક શસ્ત્રો પેદા કરવાની ગુપ્ત લેબોરેટરી ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી’ની જ પેદાશ છે. બાયોલોજિક વેપન્સ એટલે કે જૈવિક શસ્ત્રો અણુ બોમ્બ કરતાં સામૂહિક માનવસંહાર માટે ઉપયોગમાં વધુ સરળ છે. અણુશસ્ત્રોનો ઉપયોગ કરવા માટે યુદ્ધ વિમાનો કે મિસાઈલ્સનો ઉપયોગ કરવો પડે છે જ્યારે લોકોને જીવલેણ બીમારીનો ભોગ બનાવી મોતને ઘાટ ઉતારવા વિમાનો કે મિસાઈલ્સની જરૂર પડતી નથી. જીવાણુ શસ્ત્રોને દુશ્મન દેશ સુધી પહોંચાડવાના રસ્તા આસાન છે. દા.ત. કોરાના વાઈરસથી લિપ્ત ચીજવસ્તુઓ, વસ્ત્રો, ટેલિફોન કે બીજા ઉપકરણો બીજા દેશમાં મોકલી દો અને લોકોને બિમાર પાડી દો અથવા તો પોતાના જ દેશના ૧૦ માણસોને બીમાર પાડો અને બીજા દેશોમાં ધકેલી દો એટલે વાત પતી.

પહેલાં ચીનની વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ લેબોરેટરીને ઓળખી લઈએ. કોરોના વાઇરસ જ્યાંથી ફેલાયો તે વુહાન શહેરમાં આ ઈન્સ્ટિટયૂટ આવેલી છે. તેની રચના ૧૯૫૬માં થઈ હતી. આ ઈન્સ્ટિટયૂટના સ્થાપક હતા (૧) ચેન હુઆગુઈ અને (૨) ગાઓ શાન્ચીન. આ ઈન્સ્ટિટ્યૂટનું હેડ ક્વાર્ટર વુહાનનાજિઆગ્નિક્સ ખાતે છે. હાલ આ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ તરીકે વાન્ગ યાનીઈ છે. ઈન્સ્ટિટ્યૂટની પિતૃસંસ્થા ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ છે. તેની વેબસાઈટનું એડ્રેસ whiov.cas.in છે. આ ઈન્સ્ટિટયૂટની સ્થાપના થઈ ત્યારે એનું નામ વુહાન માઈક્રોબાયોલોજી લેબોરેટરી હતું. તે પછી તે સાઉથ ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઈક્રોબાયોલોજી તરીકે ઓળખાઈ. ૧૯૭૮માં તેનું નામ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી રાખવામાં આવ્યું. ટૂંકમાં, ચીનની આ ઈન્સ્ટિટયૂટ વિવિધ પ્રકારના વાઇરસ અંગે સંશોધન કરે છે.

ઇતિહાસ એવો છે કે ૨૦૧૫માં ચીનની નેશનલ બાયો-સેફટી લેબોરેટરીનું કામ પૂરું થયું ત્યારે તેનો કુલ ખર્ચ ૩૦૦ મિલિયન યુઆન એટલે કે ૪૪ મિલિયન ડોલર જેટલો આવ્યો હતો. આ કામ ફ્રાન્સના એન્જિનિયર્સના સહકારથી પૂરું કરવામાં આવ્યું હતું. અહીં શું કામ થાય છે તે અંગે આખી દુનિયા અંધારામાં હતી પરંતુ ચીનની બૈજિંગ ખાતે આવેલી બીજી એક ચાઈનીઝ લેબોરેટરીઝમાંથી સાર્સ વાઇરસ છટક્યો અને દુનિયાભરમાં સાર્સ વાઇરસ ફેલાઈ ગયો ત્યારે તેની પર સહુથી પહેલી શંકા અમેરિકાના મોલેક્યુલર બાયોલોજિસ્ટ રિચાર્ડ એચ.એબ્રાઈટએ વ્યક્ત કરી હતી. તેમણે ચીનની જૈવિક શસ્ત્રોની ખતરનાક યોજનાઓ પર ચિંતા પણ વ્યક્ત કરી હતી. આૃર્યની વાત એ છે કે ચીનની આ શંકાસ્પદ લેબોરેટરીના સંબંધો અમેરિકાની યુનિર્વિસટી ઓફ ટેક્સાસ સાથે પણ છે. ૨૦૧૫માં આ લેબોરેટરીએ એક પેપર પબ્લિશ કર્યું હતું જેમાં બેટ કોરોના વાઇરસ (ચામાચીડિયા કોરોના વાઇરસ) પેદા કરી તેનાથી બીજાને ચેપ લગાડી શકાય કે કેમ તે અંગેનો એક સંશોધન લેખ પ્રગટ કર્યો હતો.

ફેબ્રુઆરી ૨૦૨૦માં ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારે એક અહેવાલ પબ્લિશ કરી વિશ્વને જાણ કરી હતી કે વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની એક ટીમ કે જેનું નેતૃત્વ શી ઝેનાગ્લીએ કર્યું હતું. તેમણે નોવેલ કોરોના વાઇરસના જેનેટિક સિકવન્સનું પૃથક્કરણ, ઓળખ અને નામાભિકરણ કર્યું હતું. ચીનની આ ઈન્સ્ટિટ્યૂટ વિવિધ પ્રકારના વાઇરસની રસી નહીં પણ ખતરનાક વાઇરસ પેદા કરી જૈવિક શસ્ત્રો બનાવતી હોવાની વાતો પણ ઘુમરાવા લાગી હતી. અલબત્ત, અમેરિકાનાં જ બીજાં અખબારોએ એ વાત તથ્યહીન હોવાનું કહ્યું હતું. આ પ્રકારનો વિરોધ જે નિષ્ણાતોએ કર્યો તે નિષ્ણાતોના અભિપ્રાય અમેરિકાના ‘ધી વોશિંગ્ટન પોસ્ટ’ નામના અખબારમાં પ્રગટ થયા હતા.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી, ૨૦૨૦માં આ ઈન્સ્ટિટ્યૂટ પર કેટલાકે એવી શંકા સેવી હતી કે કોરોના વાઇરસ ચીને ઈરાદાપૂર્વક ફેલાવેલો નહીં પરંતુ અકસ્માતે ચીનની જ વુહાન લેબોરેટરીમાંથી છટકેલો વાઇરસ છે. ચીનના સત્તાવાળાઓ આ વાત સ્વીકારતા નથી પરંતુ ચીનના વુહાનમાં જ્યાંથી આ કોરોના વાઇરસે સહુથી પહેલો કેર મચાવ્યો તે વુહાનમાં જ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી આવેલી છે તે પણ એક હકીકત છે. હવે કોરોના વાઇરસ ચીનની ઇચ્છાથી આખી દુનિયામાં પ્રસરી ગયો છે કે લેબોરેટરીની ભૂલથી એ કહેવું મુશ્કેલ છે. આ વાઇરસના કારણે ચીનમાં ૩૭૦૦થી વધુ લોકો મોતને ભેટયા છે તેથી ચીનની લેબોરેટરીમાંથી અકસ્માતે તે બહાર છટક્યો હોય તે થિયરી વધુ બંધ બેસે છે. એ જે હોય તે પણ કડવું સત્ય એ છે કે ચીનના વુહાનમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી છે ને ગુપ્ત રીતે તે કોરોના જેવાં જૈવિક શસ્ત્રો બનાવે છે.

યાદ રહે કે બાયોલોજિકલ વેપન્સ અણુશસ્ત્રો અને આતંકવાદ કરતાં વધુ ખતરનાક છે. આ પ્રકારની ગુપ્ત લેબોરેટરીઓમાં એવા વાઇરસ પેદા કરવામાં આવે છે જેની રસી-વેક્સિન ઉપલબ્ધ જ નથી.

વિશ્વમાં અત્યાર સુધીમાં જે બાયોલોજિક વેપન્સ બની ચૂક્યાં છે અને જેમનો ઉપયોગ જે બીમારીઓ ફેલાવવા માટે થઈ ચૂક્યો છે તેમાં (૧) એન્થ્રેક્સ (૨) બોટયુલિઝમ (૩) હેમરેજિક ફીવર (૪) પ્લેગ (૫) સ્મોલપોક્સ (૬) ટુલેરેમિયા (૭) બ્રુસેલોઈસ (૮) કોલેરા (૯) એન્સેફેલાઈટીસ (૧૦) ફૂડ પોઈઝનિંગ (૧૧) ગ્લેન્ડર્સ (૧૨) સીટાકોઈસ (૧૩) ક્યૂ-ફીવર (૧૪) ટાઈફીસ વગેરેનો સમાવેશ થાય છે. આ બીમારીઓ પેદા કરવા માટે જે વાઇરસ વપરાયા તેમાં (૧) બેસિલિયસ ક્લોસ્ટ્રીડિયમ બાપ્યુલિનિયમ (૨) માર્ગ બર્ગ વાઇરસ (૩) ઈબોલા વાઇરસ (૪) યોર્ઝિનિયા પેસ્ટીસ (૫) વેરિયોલા મેજર (૬) બ્રુસેલા વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં ટેક્નિકલ નામો છે એટલે ટૂંકી જ યાદી આપી છે. આ બધાં જ જૈવિક શસ્ત્રો પહેલા વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વપરાઈ ચૂક્યાં છે.

આવાં જ ખતરનાક જૈવિક શસ્ત્રોની શોધ થયા જ કરશે અને સંશોધન દરમિયાન જ એ ગુપ્ત પ્રયોગશાળાઓમાં કોઈ અકસ્માત સર્જાશે તો ભવિષ્યમાં માનવજાતના સંહાર માટે અણુશસ્ત્રોની જરૂરિયાત જ નહીં રહે. અને એ વાત યાદ રહે કે એકવાર જીવાણુ શસ્ત્રો વિશ્વભરમાં ફેલાઈ જશે તો સામાન્ય માનવીની વાત તો જવા દો પરંતુ વિશ્વના શક્તિશાળી દેશોના વડાઓ અને તેમના પરિવારના સભ્યો પણ બચી શકશે નહીં. એવાં જૈવિક શસ્ત્રો બનાવનાર જે તે દેશના પ્રેસિડેન્ટ પણ નહીં. કોઈ નહીં બચે.

ચીનની ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી’ જ્યાં આવેલી છે તે ચીનનું વુહાન શહેર ૧ કરોડ ૧૦ લાખની વસ્તી ધરાવે છે. અહીંથી જ શરૂ થયેલો આ વાયરસ વિશ્વભરમાં ફેલાયો પરંતુ ચીનની સરકારે આ તમામ વસ્તીને એક મહિના સુધી ઘરમાં જ રહેવા મજબૂત વ્યવસ્થા ગોઠવી દીધી. વુહાનના ૬૫ હજાર લોકોમાં કોરોના વાયરસ જણાયા. ૧૪ હજાર લોકોને હોસ્પીટલમાં દાખલ કરવા પડયા. તેમાંથી ૩૨૦૦ લોકોને આઈસીયુમાં રાખવા પડયા. એ ૩૨૦૦ પૈકી માંડ ૨૫૦ ને જ બચાવી શકાયા. બાકીનાઓના મૃત્યુ નીપજ્યાં. ૧ કરોડ ૪૦ લાખની વસ્તી ધરાવતા ચીને આ ભયાનક બીમારીને નિયંત્રિત જ કરવા જે પગલાં લીધા છે તે પણ સહારનીય છે. કોરોના વાયરસ પેદા કરવા માટે ચીન ભલે જવાબદાર હોય પરંતુ એક મહામારીને નિયંત્રીત કરવાની તેની તાકાતને પણ સમજવાની જરૂર છે.

– (ક્રમશઃ)

— દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!