Close

ચીનનો નકલી ચંદ્ર મુશ્કેલીઓ સર્જશે!

રેડ રોઝ | Comments Off on ચીનનો નકલી ચંદ્ર મુશ્કેલીઓ સર્જશે!

ચીનને કોઈએ હળવાશથી લેવાની જરૂર નથી. ચીનની દીવાલની પેલે પાર તે શું કરે છે તેની દુનિયાને ત્યારે જ ખબર પડે છે જ્યારે વિશ્વે સુખદ અથવા દુઃખદ આૃર્ય પામવાનું જ રહે છે. ચીન વાયરસ પણ પેદા કરી શકે છે અને હવામાનની રૂખ પણ બદલી શકે છે. પડોશી દેશોમાં પાણીનાં પ્રચંડ પૂર પણ લાવી શકે છે અને દુષ્કાળ પણ સર્જી શકે છે. ચીન તેના દુશ્મન દેશો સાથે હવામાનનું યુદ્ધ ખેલવા તેની વૈજ્ઞાનિક સજ્જતા હાંસલ કરી રહ્યું છે.

બાકી એક જમાનો હતો ત્યારે રશિયાએ સ્પુટનિક નામનો ઉપગ્રહ છોડી અમેરિકા સહિત આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. તે પછી અમેરિકા મેદાનમાં આવ્યું. અમેરિકાએ એપોલો અંતરિક્ષ યાન છોડી માનવીનું ચંદ્ર પર ઉતરાણ કરાવ્યું અને દુનિયા દંગ રહી ગઈ. પછી મંગળ પર ચઢાઈની સ્પર્ધાની શરૂઆત થઈ. ચીને તેના દેશમાં વિશ્વ ઓલિમ્પિક ખેલાઈ ત્યારે એ શહેરમાં વરસાદ ન પડે તે માટે વાદળોને અન્યત્ર ખેંચી જવાની ટેક્નોલોજીથી વિશ્વને સ્તબ્ધ કરી દીધું.

ચીન હવે અંતરિક્ષમાં કૃત્રિમ ચંદ્ર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે ચીન તેના શહેરની સડકો પર રાત્રે પણ અજવાળું કરી શકે તેવો એક ખાસ ઉપગ્રહ છોડવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપગ્રહ પૂર્ણિમાના ચંદ્ર કરતાં આઠ ગણો વધુ પ્રકાશમાન હશે. ચીનની આ યોજના સફળ થાય તો એ કૃત્રિમ ચંદ્રથી શહેરના ૮૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં રાત્રે પણ પર્યાપ્ત અજવાળું પથરાયેલું રહેશે અને સ્ટ્રીટ લાઈટ્સની જરૂર જ નહીં રહે.

હવે કેટલીક વાસ્તવિક વાતો. કૃત્રિમ ચંદ્રમાનો વિચાર આમ તો સુંદર લાગે છે પરંતુ વિશેષજ્ઞાોનું કહેવું છે કે નકલી ચંદ્રમાના કારણે વ્યવહારમાં કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે નકલી ચંદ્રમાથી પ્રકાશ પ્રદૂષણમાં વધારો થશે. સ્ટ્રીટ લાઈટ અને અન્ય માનવનિર્મિત સ્ત્રોતો દ્વારા જે રીતે આકાશમાં ફેલાવાતા અજવાળાને પ્રકાશ પ્રદૂષણ કહે છે જેની પ્રાકૃતિક ચક્ર સાઈકલ પર વિપરીત અસર પડે છે. ચીનના જે શહેર છંગ્નુમાં આ નકલી ચાંદથી રાત્રે પ્રકાશ ફેલાવવાનો છે તે શહેર પહેલેથી જ રાત્રિ પ્રકાશથી પ્રદૂષિત છે. ઈન્ટરનેશનલ ડાર્ક-સ્કાય એસોસિયેશનના ડાયરેક્ટર જોન બેરેન્ટાઈનનું કહેવું છે કે ચીનના નકલી ચંદ્રમાથી રાત્રિના સમયે પ્રકાશની ચમક વધશે અને તે કારણે છંગ્નુના નાગરિકોની સાથે સાથે પશુ, પક્ષીઓ અને પ્રાણીઓને પણ અસુવિધા થશે. પક્ષીઓ અને પ્રાણીઓ રાત્રે ઊંઘી જ નહીં શકે. પ્રાણીઓનું અને માનવીનું નિદ્રાચક્ર ખલેલયુક્ત થઈ જશે. પશુ-પક્ષીઓને પણ રાત્રે ઊંઘવા માટે અંધારાની જરૂર રહે છે.

ચીનના દૈનિક ‘પીપલ્સ ડેઈલી’ એ ચીનના નકલી ચંદ્રના આઈડિયાનો શ્રેય એક ફ્રેન્ચ કલાકારને આપ્યો છે. એ ફ્રેન્ચ કલાકારે પૃથ્વી પર દર્પણોનો એક એવો હાર લટકાવવાની કલ્પના કરી હતી જે સૂરજના પ્રકાશને પરિવર્તિત કરી આખા પેરિસ શહેરની સડકોને આખું વર્ષ રાત્રે રોશનીથી પ્રકાશમાન કરી શકે, પરંતુ એ તો એક કલાકારની માત્ર કલ્પના જ હતી અને ચીન હવે એ પ્રયોગ કરવા જઈ રહ્યું છે.

ગયા વર્ષે એક સંશોધન પેપર રજૂ થયું હતું, જેમાં એવો ઉલ્લેખ હતો કે એક સંપૂર્ણ ચંદ્રમા આદર્શ પરિસ્થિતિમાં ૦.૩ લક્સની ચમક ઉત્પન્ન કરી શકે છે, પરંતુ વ્યવહારમાં તે ચમક સામાન્ય રીતે ૦.૧૫-૦.૨ લક્સ જ હોય છે. લક્સ એ પ્રકાશને માપવાનું એક પ્રમાણ છે. માનવામાં આવે છે કે એક કૃત્રિમ ચંદ્રમા લગભગ ૧.૬ લક્સનો પ્રકાશ પેદા કરી શકે છે. ચીનના નકલી ચંદ્રમાની પરાવર્તિત ચમક કેટલી હશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. અગર સંપૂર્ણ આકાશમાં ૧.૬ લક્સની રોશની સામાન્ય રીતે ફેલાય છે તો તેનો પ્રભાવ વધુ વસતીવાળા ઈલાકામાં રાતના સમયે આકાશમાં દેખાતી આભાની બરાબર હશે. રાતના કેટલાંયે શહેરોમાં આકાશમાં આ પ્રકારની આભા જોવા મળે છે. તારાઓનું અધ્યયન કરી રહેલા કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂનમની રાતે એવા અભ્યાસ કરતા નથી, કારણ કે પૂર્ણિમાના ચંદ્રની ચમકથી દૂરદૂરના તારા સ્પષ્ટ દેખાતા નથી. નકલી ચંદ્રમાથી આ મુશ્કેલી વધશે.

જોકે કૃત્રિમ ચંદ્રમાનો વિચાર કોઈ નવો નથી. ૧૯૯૦માં રશિયાએ સૂરજના પ્રકાશને પૃથ્વી પર પરાવર્તિત કરવા માટે એક કૃત્રિમ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલ્યો હતો. રશિયાનો એ ઉપગ્રહ કેટલાક સમય સુધી ઉત્તરી ગોળાર્ધને અજવાળું આપવા માટે સફળ રહ્યો. રશિયાએ એ હેતુથી ફરી એક વાર ૧૯૯૯માં તેનો બીજો એક ઉપગ્રહ આ જ હેતુથી છોડયાની કોશિશ કરી પરંતુ તેનું પ્રક્ષેપણ નિષ્ફળ રહ્યું.

નોર્વેના રજૂકન નામના શહેરમાં શિયાળામાં છ મહિના સુધી સૂરજનો પ્રકાશ પહોંચતો નથી. આ સમસ્યાને દૂર કરવા માટે ૨૦૧૩માં ત્રણ મોટાં કમ્પ્યુટર નિયંત્રિત દર્પણ સ્થાપિત કરવામાં આવ્યાં. આ વિશાળ દર્પણથી શહેરના મુખ્ય ચોક પર સૂરજનાં કિરણો પરાવર્તિત કરવામાં આવે છે.

ખેર! અત્યારે તો ચીનની આ નકલી ચંદ્રમાની યોજનાથી એક ચર્ચા અને વિવાદ તો ઊભાં થયાં જ છે.

Be Sociable, Share!