Close

ચીન અને WHOના વડાની મિલીભગતે વૈશ્વિક હોનારત સર્જી

રેડ રોઝ | Comments Off on ચીન અને WHOના વડાની મિલીભગતે વૈશ્વિક હોનારત સર્જી

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાને અપાતી નાણાકીય મદદ બંધ કરી દીધી છે. ચીનથી આવેલા કોરોના વાઇરસને સમયસર રોકવા માટે જરૂરી પગલાં લેવામાં WHO નિષ્ફળ ગયાનો આરોપ મૂકી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. અમેરિકાએ ગયા વર્ષે WHOને ૪૦૦ મિલિયન ડોલરની સહાય કરી હતી જે હાલ સ્થગિત કરી દીધી છે. કેટલાક લોકો WHOના વડાની ચીન સાથે મિલીભગત માને છે અને ચીન બદનામ ન થાય તે હેતુથી WHOના વડાએ સમયસર પગલાં લઈ વિશ્વને ચેતવ્યું નહીં તેવો આરોપ છે.

WHOના વડા એટલે કે તેના ડાયરેક્ટર જનરલ તરીકેનો હોદ્દોટેડ્રોસ અધનોન પાસે છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંયુક્ત રાષ્ટ્રસંઘનું એક અંગ છે. WHOની રચના આજથી ૭૨ વર્ષ પહેલાં થઈ હતી. વિશ્વને મહામારીથી બચાવવા જરૂરી પગલાં લેવાં તે તેની કામગીરી છે. આ સંસ્થાએ ભૂતકાળમાં અનેક પરિણામલક્ષી કામો કરેલાં છે. દા.ત. વિશ્વમાંથી શીતળાની નાબૂદી, રક્તપિત્તનું નિવારણ અને રિવર બ્લાઈન્ડનેસ દૂર કરવાનું કામ કરી અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે પરંતુ હવે આ જ WHO સંસ્થા ભ્રષ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકેની છાપ ઊભું કરી રહ્યું છે. કહેવાય છે કે WHOના હાલના ડાયરેક્ટર જનરલની નિમણૂકમાં ચીને મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને એ દોસ્તી નિભાવવા હાલના ડાયરેક્ટર જનરલે વિશ્વને અંધારામાં રાખ્યું.

ઘટના એવી છે કે તા.૩૦મી ડિસેમ્બરના રોજ ચીનના ડોક્ટર લી વેનલિંગ તેમના સાથીઓને ‘સાર્સ’ અંગે એટલે કે એક્યૂટ રેસ્પિરેટરી સિસ્ટમની ખતરનાક બીમારી અંગે ચેતવ્યા હતા. ચીનના આરોગ્ય અધિકારીઓ ચીનના ડોક્ટર લી પર ભરોસો મૂકે છે.

તેમની એ ચેતવણીના કારણે સમયસર જરૂરી પગલાં લેવાયાં અને ‘સાર્સ’ને મહામારીમાં પરિવર્તિત થતાં રોકી શકાયો હતો, પરંતુ ચીનની સરકારે ડો.લીને સન્માન આપવાના બદલે તેમને સમન્સ મોકલી વુહાનની પબ્લિક સિક્યોરિટી બ્યૂરોની ઓફિસમાં બોલાવી તેમની સામે ખોટું નિવેદન કરવાનો આક્ષેપ મૂક્યો હતો. ડોક્ટર લીની ધરપકડ કરવામાં આવી. એમના સિવાય બીજાઓની પણ અફવાઓ ફેલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી. આ વખતે ચીનના ડોક્ટરો જાણી ગયા હતા કે કોરોના વાઇરસનું નવું સ્વરૂપ ‘કોવિડ-૧૯’ હવે લોકોમાં ફેલાઈ રહ્યો છે. આ બધું જાણવા છતાં WHO એ તા.૧૪મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ એક નિવેદન કર્યું કે, નોવેલ કોરોના વાઇરસ માણસથી માણસમાં ફેલાઈ રહ્યો છે એવા કોઈ પુરાવા મળતા નથી.

એ વાતનાં બે સપ્તાહ બાદ WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ વિમાનમાર્ગે ચીનની રાજધાની બિજિંગ પહોંચ્યા અને ચીનના વડા શી જિનપિંગને મળ્યા. ચીનના વડાએ WHOના ટેડ્રોસને એવું સમજાવી દીધું કે ચીનમાં કોઈ ગંભીર બીમારી છે જ નહીં અને WHOના ડાયરેક્ટર જનરલે ચીનની પ્રશંસા કરતાં નિવેદન કર્યું કે, જે બીમારી શરૂ થઈ છે તેને નિયંત્રિત કરવા ચીનની સરકાર બધાં જ પગલાં લઈ રહી છે.

આ જ WHOના ડાયરેક્ટર જનરલની ભૂલ હતી. ચીનના વડાની વાતોથી પ્રભાવિત થવાના બદલે તેમણે ચીનના દાવા સાથે અસંમતિ દર્શાવી કેટલાક પ્રશ્નો પૂછવાની જરૂર હતી.

હવે ચીનના ડો.લી વેનલિંગ કે જેમણે ચીનની સરકારને કોરોના વાઇરસ અંગે ચેતવ્યા હતા તેમનું જ કોરોના વાઇરસના ચેપથી મૃત્યુ નીપજ્યું. તે પછી તા.૨૩ જાન્યુઆરીના રોજ WHOની ઈમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી. તેમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ અંગે ચર્ચા કરવામાં આવી. તેમાં કેટલાક સભ્યોએ ચીનના સબ સલામતના દાવા સાથે અસંમતિ દર્શાવી પરંતુ WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ હજુ કોવિડ-૧૯ને વૈશ્વિક મહામારી જાહેર કરવા સંમત ન થયા. એ નિર્ણય વિલંબમાં પડયો. વાત વણસતી ગઈ ત્યારે છેક તા.૩૦મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ઈમરજન્સી જાહેર કરવામાં આવી પરંતુ WHOના વડા ટેડ્રોસ હજુ ચીનની પ્રશંસા કરતાં થાકતા નહોતા. ફરી એકવાર તા.૨૦ ફેબ્રુઆરીના રોજ WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે કહ્યું કે, ચીને લીધેલા કેટલાક અકસીર પગલાંથી કોરોના વાઇરસનો ફેલાવો વિશ્વમાં ઘટી રહ્યો છે.

આ વાત તદ્દન બકવાસ હતી. આંકડા કાંઈક જુદી જ વાત બયાન કરતા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નાગરિકોને ચીન ન જવા સલાહ આપી. આમ છતાં WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ હજુ વાસ્તવિક્તા સ્વીકારવા તૈયાર નહોતા.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ સાઉથેમ્પ્ટને કરેલા એક અભ્યાસનું તારણ છે કે, WHOએ ચીને આપેલી ખોટી માહિતીના કારણે વિશ્વને અંધારામાં રાખ્યું અને એ સમયગાળા દરમિયાન વિશ્વમાં કોરોના વાઇરસની બીમારી ૨૦ ગણી વધુ ફેલાઈ ગઈ.

વિશ્વના રાજનીતિના નિષ્ણાતો જાણે છે કે ૨૦૧૭માં WHOના ડાયરેક્ટર જનરલ તરીકે ટેડ્રોસની નિમણૂકને ચીનનો જ મોટો ટેકો હતો. ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તેના વફાદાર સાથીને ગોઠવવા માંગતું હોઈ તેણે આમ કર્યું.

ટેડ્રોસ ડાબેરી વિચારસરણીના માણસ ગણાય છે. ચીનની તાઈવાન સાથેની નીતિમાં પણ ટેડ્રોસ ચીનના સમર્થક રહ્યા. અમેરિકા WHOના ડાયરેક્ટર જનરલ તરીકે ટેડ્રોસની વરણી થાય તેના વિરુદ્ધ હતું પરંતુ ગમે તે રીતે ચીને ટેડ્રોસને WHOમાં વડા તરીકે ગોઠવી દીધા. હવે ચીનની આ ગોઠવણની કિંમત આખું વિશ્વ ચૂકવી રહ્યું છે. વિશ્વમાં કોરોના વાઇરસના કારણે દોઢ લાખથી વધુ લોકો મોતને ભેટયા છે. બીજા લાખો બીમાર છે. મિત્ર ચીનને બચાવવા જતા ટેડ્રોસે લાખો લોકોને કબ્રસ્તાનમાં દફનાવી દેવાની ફરજ પાડી છે.

નોંધપાત્ર વાત એ છે કે WHOના બજેટમાં અમેરિકા જે આર્થિક સહયોગ આપે છે તેથી અડધી જ રકમ ચીન WHOને આપે છે. હવે એ સમય આવી ગયો છે કે આખા વિશ્વના આરોગ્યની જવાબદારી જેના શિરે છે તે WHO પર ચીનના પ્રભાવની તપાસ થવી જોઈએ. ભારતના પ્રતિનિધિ હાલ WHO ના નાયબ વડા છે પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં ભારત WHOનુ નેતૃત્વ કરી શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના તા.૭ એપ્રિલ, ૧૯૪૮ના રોજ થઈ હતી. તેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડના જિનિવા ખાતે છે. WHOની પહેલી મિટિંગ તા.૨૪ જુલાઈ, ૧૯૪૮ના રોજ મળી હતી. આ સંસ્થાએ શીતળા અને ઈબોલા વાઇરસની નાબૂદીના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલી છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોના ફંડફાળા પર નભે છે. ૨૦૧૮માં તેનું બજેટ ૪.૨ બિલિયન ડોલર હતું. આ સંસ્થા ભૂતકાળમાં અનેક વિવાદોનો ભોગ બનેલી છે.

ભારત માટે ખુશીની વાત છે કે WHOના વડાની નિમણૂક આજે શંકાના દાયરામાં છે. ત્યારે જ ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને WHOના ૩૪ સભ્યોવાળા એક્ઝક્યૂટિવ બોર્ડના અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જાપાનના ડો.હિચેકિનું સ્થાન લીધું છે. વિશ્વ આખું કોરોના સંકટથી ઘેરાયેલું છે ત્યારે ભારતના સ્વાસ્થ્ય મંત્રીને ડબલ્યુ.એચ.ઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળતા વિશ્વમાં ભારતનું મહત્ત્વ વધ્યું છે. આ કાર્યકાળ ત્રણ વર્ષ માટે છે. ડબલ્યુ.એચ.ઓમાં ભારતને મહત્ત્વપૂર્ણ સ્થાન મળતાં હવે તેના વિવાદાસ્પદ વડા પર નિયંત્રણ રાખી શકાશે અને ચીનને પણ મોનિટર કરી શકાશે.

કોણ છે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ?

WHOના હાલના વિવાદાસ્પદ ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોન મૂળ ઈથોપિયાના છે. તા.૩ માર્ચ, ૧૯૬૫ના રોજ જન્મેલા ટેડ્રોસ ખુદ માઈક્રોબાયોલોજિસ્ટ છે. ૨૦૧૭થી તેઓ WHOના ડાયરેક્ટર જનરલ છે. આ અગાઉ તેઓ ઈથોપિયાના આરોગ્યમંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા છે. તેઓ મેલેરિયાના ક્ષેત્રમાં સંશોધન કરી ચૂકેલા નિષ્ણાત તજજ્ઞા છે અને WHOના પહેલા આફ્રિકન-ઈથોપિયન વડા છે  ……..   DEVENDRRA PATEL….

Be Sociable, Share!