Close

ચીન, ચામાચીડિયાં અને કોરોના વાઇરસ

રેડ રોઝ | Comments Off on ચીન, ચામાચીડિયાં અને કોરોના વાઇરસ

ચીનમાં એક વેટ માર્કેટ (જીવજંતુઓનું બજાર) છે જ્યાં કોરોના વાઇરસના ઉદ્ભવનાં તમામ કારણો મોજૂદ છે. વુહાન શહેરના વેટ માર્કે૮માં અજગર, કાચીંડા, ઉંદર ચિત્તાનાં બચ્ચાં, બિલાડી, મગરમચ્છ અને ચામાચીડિયાનું માંસ વેચાય છે. ચીનના આ વેટ માર્કેટમાંથી જ ૨૦૦૨ની સાલમાં સાર્સ વાઇરસ પેદા થયો હતો અને વિશ્વના ૮૦૦૦ લોકો સાર્સ વાઇરસથી સંક્રમિત થયા હતા. આ માર્કેટમાં જાનવરોને ખુલ્લેઆમ કાપવામાં આવે છે. જ્યાં આ જાનવરોના માંસમાં થૂંક, મળ, પરુ બધું પાણીમાં ભળી એક થઈ જાય છે અને તેમાંથી ભયાનક વાઇરસ પેદા થાય છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને અને ેગ્દની વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં ચાલી રહેલા આ વેટ માર્કેટ સામે કામગીરી કરવા માંગણી કરી છે.

આ બધામાં ચામાચીડિયાં એક એવું પ્રાણી કે પક્ષી છે જેને અંધારી ગુફા કે અંધારું ઘર જ નિવાસ માટે પસંદ છે, એનો દેખાવ જ બિહામણો છે. ચામાચીડિયાં ઊડી શકે છે. ચામાચીડિયાંનો ચહેરો ઉંદરો જેવો હોય છે. તે હવામાં ખૂબ ઊંચે સુધી ઊડી શકે છે. તેને કાન પણ હોય છે. બીજાં પક્ષી કરતાં ભિન્ન એ રીતે પડે છે કે તે બીજાં પક્ષીઓની જેમ ઈંડાં મૂક્તાં નથી પરંતુ તેનાં બચ્ચાંને જન્મ આપે છે અને બચ્ચાંને દૂધ પણ પીવરાવે છે તેથી તેને સસ્તનની શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે.

ચામાચીડિયાંના હાથ અને તેની પાંખોને હાડપિંજર હોય છે. તેના હાથમાં અંગૂઠો અને ચાર આંગળીઓ પણ હોય છે. અંગૂઠો નાનો અને સ્વતંત્ર હોય છે પરંતુ આંગળીઓ મોટી હોય છે. તેની પર નખ પણ હોય છે. તેની પાંખો પર લાગેલી ત્વચા છેક પગ સુધી જાય છે. આ ત્વચા પેરાશૂટ જેવું કામ કરે છે. તે તેને ઊડવામાં ઉપયોગી સાબિત થાય.

ચામાચીડિયાં નિશાચર છે. દિવસે ઊડતાં નથી. રાત્રિ જ તેના માટે છે. કેટલીક વાર ચામાચીડિયાં ઊંચાં વૃક્ષો પર કે પુરાણાં ખંડેર જેવાં મકાનમાં લટકતાં જોવા મળે છે. દિવસમાં અન્ય પશુઓ અને પક્ષીઓના ભયથી બહાર નીકળતાં નથી. કીટભક્ષી ચામાચીડિયાં ઊડતાં ઊડતાં જ નાના જંતુઓને ઉપર મારી ખાઈ જાય છે. કેટલાંક ચામાચીડિયાં ફળાહારી પણ હોય છે. કેટલાંક ચામાચીડિયાં માત્ર લોહી જ ચૂસી જાય છે અને એવાં ચામાચીડિયાં દેડકા, માછલીને પોતાનો શિકાર બનાવે છે. ચામાચીડિયાં રાત્રે જ ભોજન કરે છે. ગમે તેટલા અંધારામાં પણ તે જોઈ શકે છે, ક્યાંય ટકરાઈ જતાં નથી. કેટલાંક ચામાચીડિયાંની આંખો પર પટ્ટી બાંધવામાં આવી પરંતુ તેની સચોટ ઊડવાની ક્ષમતામાં કોઈ જ ફરક પડયો નહોતો. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે ચામાચીડિયાં પ્રતિધ્વનિ યંત્ર એટલે કે ઈકો એવરેટ્સનો પ્રયોગ કરે છે. એમ કહી શકાય કે તે એક પ્રકારના રાડારનો ઉપયોગ કરે છે આ માટે તેના કાનનો ઉપયોગ કરે છે. ચામાચીડિયાં ઊડતાં પહેલાં એક પ્રકારનો ધ્વનિ તેના મુખમાંથી છોડે છે એમાંથી પેદા થતાં ધ્વનિતરંગો સામે કોઈ અવરોધ હોય તો તેને અથડાઈને પાછા આવે છે. પાછા આવેલા ધ્વનિતરંગો દ્વારા તે નક્કી કરી લે છે કે સામે કેટલા અંતર પર કોઈ અવરોધ છે અને એ રીતે ચામાચીડિયાં અંધારામાં પણ કોઈ અવરોધને નિહાળ્યા વગર તેનું ચોક્કસ અનુમાન લગાવી તેનાથી દૂર રહે છે.

ચામાચીડિયાંનું પુરાણું અંગ્રેજી નામ ‘Flittermouse’ છે. ચામાચીડિયાંઓની સેંકડો પ્રજાતિઓ છે. ભારતમાં ચામાચીડિયાં હિમાલય કે સમશીતોષ્ણ કટિબંધમાં દેખાતાં નથી. તેમને ઉષ્ણ કટિબંધ જ પ્રિય છે. ક્યારેક તે રણ વિસ્તારમાં જ્યાં માણસોએ વૃક્ષો વાવેલાં છે તેની પર પણ જોવા મળે છે. ભારતનાં કેટલાંક ગામડાંઓમાં વડનાં ઝાડ પર લટકતાં જોવા મળે છે. દક્ષિણ એશિયાના અનેક દેશોમાં ચામાચીડિયાં જોવા મળે છે.

વિશ્વમાં ચામાચીડિયાંની ૧૦૦૦થી વધુ પ્રજાતિઓ છે. તેની પાંખોનો આકાર ૨.૯ સેન્ટીમીટર અને વજન બે ગ્રામથી માંડીને ૧૨૦૦ ગ્રામ જેટલું હોય છે. ચામાચીડિયાં ઊલટાં લટકે છે અને આસાનીથી ઉડ્ડયન કરી શકે છે. બીજાં પક્ષીઓની જેમ જમીન પરથી ઊડી શકતાં નથી. કારણ કે તેના પાછળના પગ ખૂબ નાના હોય છે તેથી પાંખોને ભરપૂર ઉડાન કરવાની ક્ષમતા બક્ષતા નથી. દિવસભર તે આરામ કરે છે અને રાત્રે જ બહાર નીકળતાં હોઈ તેમને નિશાચર કહેવામાં આવે છે. તે લટકતાં હોવા છતાં સૂતી વખતે પણ પડી જતાં નથી, કારણ કે એના પગની નસો ખૂબ મજબુત હોય છે. બાજ અને ઘુવડ તેના શત્રુ છે. ચામાચીડિયાંને સમૂહમાં રહેવાની આદત છે. કેટલાંક ચામાચીડિયાં તીવ્ર ગંધ છોડે છે જેથી માનવી તેનાથી દૂર રહે. આ ગંધ તેના માટે એક પ્રકારની સુરક્ષાવ્યવસ્થા છે.

જ્યોતિષ શાસ્ત્રીઓ ચામાચીડિયાંને અશુભ માને છે. એવી માન્યતા છે કે ચામાચીડિયું ઘરમાં પ્રવેશે તો ઘરમાં કોઈ ખરાબ ઘટના અને કોઈનું મૃત્યુ નીપજી શકે છે. બીજી બાજુ વાસ્તુશાસ્ત્રીઓ ચામાચીડિયાંના ઘરમાં પ્રવેશને નકારાત્મક શક્તિનો પ્રવેશ માને છે. કેટલાક લોકો કહે છે કે ચામાચીડિયાં મૃત અથવા ખરાબ આત્માના વાહક હોય છે.

હા, ચામાચીડિયાંનો કોઈ ઘરમાં પ્રવેશ વૈજ્ઞાનિક રીતે જોખમી છે એમ વૈજ્ઞાનિકો માને છે. એનું કારણ પણ વૈજ્ઞાનિક છે, કારણ એ છે કે ચામાચીડિયાંની પાંખોમાં બેહદ ઘાતક બેક્ટેરિયા હોય છે જેના ચેપથી માનવીનું મોત પણ નીપજી શકે છે. દુનિયામાં આવા કેટલાયે મામલા સામે આવ્યા છે. દા.ત. તાજેતરમાં થયેલાં સંશોધનો અનુસાર ઈબોલા વાઇરસના વાહક ચામાચીડિયાં અને વાંદરાં હતાં. અને ચામાચીડિયાં કોઈપણ પર હુમલો કરી દે તો માનવીનું તેમની સાથે જોડાયેલા વાઇરસના કારણે મોત નીપજી શકે છે. એ જ રીતે નિપાહ વાઇરસના વાહક પણ ચામાચીડિયાં અને સૂવર હોવાની વાતને વૈજ્ઞાનિકોએ પુષ્ટિ આપી છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં આ કારણે જ નિપાહ વાઇરસ ફેલાયો હતો.

વિશ્વમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારનાર કોરોના વાઇરસ પણ ચામાચીડિયાં દ્વારા  ફેલાયો હોવાનું એક અનુમાન છે. ચીની મેડિકલ જર્નલના સંશોધનોમાં આવ્યું છે કે ચીનનું વુહાન શહેર જ ચામાચીડિયાંનું પસંદગીનું સ્થળ છે. ચામાચીડિયાં માત્ર કોરોના નહીં પરંતુ ૬૦ જેટલા વિવિધ વાઇરસોના ભંડાર છે, જે લાખો લોકોને મોતના મુખમાં ધકેલી દઈ શકે છે. ચામાચીડિયાં હજારો વિષાણુઓનો ભંડાર છે.

ચીન પાસે ચામાચીડિયાંનો ભંડાર છે અને તેનો ઉપયોગ તે વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં જીવાણુ શસ્ત્રો બનાવવા માટે કરતું હોય તો આ દુનિયાનું ભાવિ અંધકારમય છે.

Be Sociable, Share!