Close

જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત ન કરી શકાય તે અયોધ્યા – રામજન્મભૂમિ

રેડ રોઝ | Comments Off on જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત ન કરી શકાય તે અયોધ્યા – રામજન્મભૂમિ
તા.૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય ઉદઘાટન મહોત્સવ છે. ભગવાન શ્રીરામ દેશમાં વિદેશોમાં વસતા ૧૦૦ કરોડ હિંદુઓના આરાધ્ય દેવ છે. રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે બનેલા રામમંદિરના સંદર્ભમાં અયોધ્યાનો ઇતિહાસ નવા રામમંદિરની ખૂબીઓ અને ભગવાન શ્રીરામ તથા રામાયણના સંદર્ભમાં કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે. `રામાયણ’ અને `મહાભારત’એ દિવ્ય ગ્રંથો દેશના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસાની અણમોલ ધરોહર છે.
`જ્યાં સુધી આ પૃથ્વી પર પર્વતો સ્થિર રહેશે અને નદીઓ સમુદ્ર પ્રતિ વહેતી રહેશે ત્યાં સુધી રામાયણ કથા સંસારમાં વ્યાપ્ત રહેશે.’
આદિકવિ શ્રી વાલ્મીકિજીએ કરેલી આ ભવિષ્યવાણી ગર્વોક્તિ નહીં પણ વ્યાપક્તાનું કથન છે. રામાયણ કથાના ધ્વનિ આજ સુધી આ દેશમાંથી લુપ્ત થયા નથી અને થશે નહીં.
સંસ્કૃત ભાષામાં ૨૫૦૦૦ રામાયણો રચાયાં છે. જોકે આ બધા રામાયણ હાલ ઉપલબ્ધ નથી. હાલ તો વાલ્મીકિ રચિત અને તુલસીદાસ રચિત રામાયણ બધી જ ભાષાઓમાં ઉપલબ્ધ છે. ભગવાન શ્રીરામ આદર્શ પરિવાર માટે મર્યાદા પુરુષોતમ છે. રાવણ રજોગુણનું પ્રતીક છે. વિભીષણ સર્વગુણયુક્ત છે. કુંભકર્ણ તમોગુણનું પ્રતીક છે.
અયોધ્યા તો ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે જ પરંતુ ભારતવર્ષમાં ભગવાન શ્રીરામના નામે બીજાં અનેક તીર્થસ્થાનો છે.
એક દિવ્ય પ્રસંગ છે. એક વાર ભગવાન શ્રી રામ સમુદ્રતટ પર શિવપૂજા કરવા માંગે છે. સેના તેમની સાથે છે પરંતુ સમુદ્રતટ પર શિવસ્વરૂપ મળ્યું નહીં એટલે ભગવાન શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને આજ્ઞા કરી: `જાવ, કાશી જઈ કાશી વિશ્વનાથનું સ્વરૂપ લઈ આવો.’
કાશીમાં વિશ્વનાથ ભગવાન શ્રીરામનું ધ્યાન ધરી રહ્યા છે. હનુમાનજી કાશી વિશ્વનાથજી મંદિરમાં પહોંચ્યા. મંદિર પર નંદીકેશ્વરનો પહેરો છે. નંદીએ હનુમાનજીને કહ્યું: `શિવજી સમાધિમાં છે તેથી અંદર કોઈનેય જવાની આજ્ઞા નથી.’
હનુમાનજી અંદર જવા આગ્રહી હતા. નંદી અને હનુમાનજી વચ્ચે ઝઘડો થયો. બંને વચ્ચે યુદ્ધ થયું: નંદીની શક્તિ જોઈ હનુમાનજીને આશ્ચર્ય થયું: નંદી પાસે એટલી શક્તિ છે કે તેની આંખમાં શિવ સ્થિર રહે છે. તે સર્વકાળ શિવમાં જ નજર રાખે છે. નંદી બીજા કોઈને જોતા નથી.
નંદી અને હનુમાનજી વચ્ચે યુદ્ધ થવાથી હનુમાનજીને શિવ સ્વરૂપ ભગવાન શ્રી રામચંદ્રજી પાસે લઈ જવામાં વિલંબ થયો. ઘણી રાહ જોઈ પણ હનુમાનજી આવ્યા નહીં એટલે શ્રી રામચંદ્રજીએ રેતીનું શિવલિંગ બનાવી તેની સ્થાપના કરી પૂજા કરી. તે પછી હનુમાનજી શિવસ્વરૂપ લઈને આવ્યા. ભગવાન શ્રી રામચંદ્રજીએ એ લિંગની સ્થાપના કરી, એ જ રામેશ્વર. રામેશ્વર દક્ષિણ ભારતના તટે છે જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજીએ શિવપૂજા કરી હતી. રામેશ્વર મંદિરમાં અલગ અલગ કુંડ છે. એકસો આઠ તીર્થ છે. તીર્થોને બોલાવી શ્રી રામચંદ્રજીએ શ્રી રામેશ્વરનો અભિષેક કર્યો. અહીં અલગ અલગ ૨૪ કુંડ છે તેમાં સ્નાન કર્યા પછી તીર્થજળથી અભિષેક કરવામાં આવે છે. `રામેશ્વર’ એટલે રામના ઈશ્વર- તે રામેશ્વર `રામ’ શબ્દની વ્યુત્પત્તિ પણ જાણવા જેવી છે. રામ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. `રાતિ રાજતે યા મહાસ્થિતિ સન ઈતિ રામ:’ જેના દ્વારા રાક્ષસો મરણ પામે છે તે `રામ’ છે. શ્રી રામ અને શંકરમાં ભેદ નથી. ભગવાન શ્રી રામે કહ્યું છે કે, મમ દ્રોહા શિવ દ્રોહી. શિવ દ્રોહી મમ દ્રોહા. અર્થાત્ શિવજીનો દ્રોહ કરનારને રામદ્રોહનું પાપ લાગે છે અને રામનો દ્રોહ કરનારને શિવદ્રોહ લાગે છે. શિવજી કલ્યાણ સ્વરૂપ છે. તેઓ નિયમિત રામનામનું નિત્ય પાન કરે છે. રામકથા કરે છે અને પાર્વતીજીને પણ સંભળાવે છે.
હવે અયોધ્યાના નવનિર્મિત રામમંદિરની વાત.
નવું બનેલું રામમંદિર અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનાવવામાં આવ્યું છે. તા.૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની સંરચના સોમપુરા પરિવારના જાણીતા સ્થપતિ ચંદ્રકાંત સોમપુરા, નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરાએ કરેલી છે. સોમપુરા પરિવારની પંદર પેઢીઓએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ મંદિરો બનાવેલાં છે. આ નવનિર્મિત મંદિર ૨૩૫ ફૂટ પહોળું, ૩૬૦ ફૂટ લાંબું અને ૧૬૧ ફૂટ ઊંચું છે. આ મંદિર પરિસરમાં એક પ્રાર્થનાકક્ષ છે. એક રામકથા કુંજ વ્યાખ્યાન કક્ષ, એક વૈશ્વિક પાઠશાળા (શૈક્ષણિક સુવિધા) એક સંત નિવાસ અને એક યતિ નિવાસ એટલે કે છાત્ર નિવાસ અને એક સંગ્રહાલય પણ છે. મંદિર પરિસરમાં કૅફેટેરિયા પણ છે. આ મંદિર હવે મંદિર પરિસરની દુનિયામાં ત્રીજું સહુથી મોટું હિંદુ મંદિર બની ગયું છે.
આ મંદિરનું નિર્માણ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રએ કર્યું છે. લાર્સન એન્ડ ટુબ્રોએ મંદિરની ડિઝાઈન અને નિર્માણનું કામ વિનામૂલ્યે કર્યું છે. અયોધ્યા સરયૂ નદીના કિનારે છે અને અહીંથી જ વહે છે.
આ મંદિર માટે રાજસ્થાનથી ૬૦૦ હજાર ક્યુબિક ફીટ બલુઆ પથ્થર બંસી પર્વત પરથી લાવવામાં આવ્યા હતા. મંદિરના બાંધકામ માટે માટીનું, કોંક્રિટનું પરીક્ષણ ઈસરોએ કર્યું હતું. આ મંદિરમાં ભગવાન શ્રીરામના પાંચ ફૂટના બાળસ્વરૂપ દર્શાવતી ૪ ફૂટ ૩ ઈંચ ઊંચી મૂર્તિનું નિર્માણ પણ અયોધ્યામાં જ કરવામાં આવ્યું હતું.
તા.૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ભૂમિપૂજન દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આધારશીલા તરીકે ૪૦ કિલો ચાંદીની ઈંટની સ્થાપના કરવામાં આવી હતી. દેશભરમાંથી કંઈકેટલાંયે ધાર્મિક સ્થળોએથી ભૂમિપૂજન માટે અને પવિત્ર પાણીના દિવ્ય પ્રસંગ માટે ત્રિવેણીસંગમ નદીઓ ગંગા, સિંધુ, યમુના, સરસ્વતી, પ્રયાગરાજ, કાવેરી નદી, કામાખ્યા મંદિર, આસામ અને બીજાં અન્ય સ્થળોથી લાવવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત દેશભરનાં વિભિન્ન હિંદુ મંદિરો, ગુરુદ્વારાઓ તથા જૈન મંદિરો દ્વારા પણ પવિત્ર માટી અહીં મોકલવામાં આવી હતી. એમાંથી કેટલાકનો પાકિસ્તાનસ્થિત શારદાપીઠનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર માટીને ચાર ધામનાં ચાર તીર્થસ્થાનોના રૂપમાં મોકલવામાં આવી હતી. એ પ્રસંગે અમેરિકા, કેનેડા અને કેરેબિયન ટાપુઓ પરનાં હિંદુ મંદિરોમાં પણ આ ઉત્સવ મનાવવામાં આવશે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર પણ ભગવાન શ્રી રામની છબી પ્રદર્શિત કરવામાં આવી. હનુમાનગઢીના સાત કિલોમીટર વિસ્તારમાં આવતાં ૭૦૦૦ હિંદુ મંદિરોમાં દીપ પ્રગટાવી આ ઉત્સવ મનાવવામાં આવશે. અયોધ્યા ભારતની પ્રાચીન નગરીઓ પૈકીની એક નગરી છે. પ્રાચીન નગરીઓમાં અયોધ્યા ઉપરાંત મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારકાનો સમાવેશ થાય છે. અથર્વ વેદમાં અયોધ્યાને ઈશ્વરની નગરી કહેવામાં આવી છે અને તેની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. સ્કંદપુરાણ અનુસાર `અયોધ્યા’ શબ્દ `અ’ કાર બ્રહ્મા, `ય’ કાર વિષ્ણુ છે અને `ધ’ કાર રુદ્રનું સ્વરૂપ છે. એવી માન્યતા છે કે અયોધ્યા મનુએ વસાવ્યું હતું અને તેમણે જ `અયોધ્યા’ નામ આપ્યું હતું. અયોધ્યાનો અર્થ છે જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત કરી શકાય નહીં. માથુરોના ઇતિહાસ પ્રમાણે વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ ઈ.સ. પૂર્વે લગભગ ૬૬૭૩ પૂર્વે થઈ ગયા. વૈવસ્વત મનુના ૧૦ પુત્રો- ઈલ, ઈક્ષ્વાકુ, કુશનામ, અરિષ્ટ, ધષ્ટ, નરિષ્યંત, કરૂપ, મહાબાલી, શર્યાતિ અને પૃષધ હતા. તેમાં ઈક્ષ્વાકુ કુળનો વિસ્તાર વધુ થયો. ઈક્ષ્વાકુ કુળમાં કંઈકેટલાયે મહાન પ્રતાપી રાજા, ઋષિ, અરિહંત અને ભગવાન થયા. ઈક્ષ્વાકુ કુળમાં જ આગળ ચાલતાં ભગવાન શ્રી રામ થયા.
પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીને જ્યારે મનુએ પોતાના માટે એક નગરના નિર્માણની વાત કરી તો તેઓ તેમને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. વિષ્ણુજીએ સાકેતધામમાં એક સ્થાન બતાવ્યું. વિષ્ણુ ભગવાને આ નગરી વસાવવા માટે બ્રહ્મા તથા મનુની સાથે દેવશિલ્પી વિશ્વકર્માને પણ મોકલ્યા. આ ઉપરાંત રામાવતાર માટે યોગ્ય સ્થળ શોધવા માટે મહર્ષિ વશિષ્ઠને પણ તેમની સાથે મોકલ્યા. એમ માનવામાં આવે છે કે મહર્ષિ વશિષ્ઠ દ્વારા જ સરયૂ નદીના તટ પર લીલાભૂમિની પસંદગી કરવામાં આવી. જ્યાં વિશ્વકર્માએ નગરનું નિર્માણ કર્યું. આ કારણથી અયોધ્યાને `સાકેત’ અને `રામનગરી’ પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર અયોધ્યામાં સૂર્યવંશી, રઘુવંશી અને અર્કવંશી રાજાઓનું રાજ હતું. જેમાં ભગવાન શ્રી રામે જન્મ લીધો. ભગવાન શ્રીરામનો જન્મ ઈ.સ.પૂર્વ ૫૧૧૪માં થયો હતો. ભારતીય તિથિ પ્રમાણે ચૈત્ર માસની નવમીને `રામનવમી’ તરીકે ઊજવવામાં આવે છે.
હિંદુઓ માને છે કે ૧૫મી શતાબ્દીમાં મોગલોએ રામજન્મભૂમિ મંદિરને ખંડિત કરીને અહીં બાબરી મસ્જિદ બનાવી હતી. કહેવાય છે કે મોગલ બાદશાહ બાબરના સેનાપતિ મીરબકીએ રામજન્મભૂમિસ્થિત મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવરાવી હતી પણ હવે એ વાત સમાપ્ત થઈ ગઈ છે. હવે રામજન્મભૂમિના જ સ્થળે રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે બનેલું રામમંદિર રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા માટે સજ્જ છે. વિદેશના ૧૦૦ કરોડ હિંદુઓ ખુશ છે. સ્કંદપુરાણ અનુસાર અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજમાન છે. આ નગર વસાવનાર મનુ બ્રહ્માજીના માનસપુત્ર હતા. ભગવાન શ્રીરામ પછી ભગવાન શ્રીરામના પુત્ર લવએ શ્રીવસ્તી નગરી વસાવી. એ જ રીતે ભગવાન શ્રીરામના પુત્ર કુશએ રાજધાની અયોધ્યાનું પુનનિર્માણ કર્યું હતું. અયોધ્યા રઘુવંશી રાજાઓની પુરાણી નગરી ગણાય છે. પહેલાં તે કૌશલ જન્મપદની રાજધાની હતી. આજે પણ અયોધ્યા ઘાટો તથા મંદિરોની સુપ્રસિદ્ધ નગરી છે. સરયૂ નદીના કિનારે ૧૪ મુખ્ય ઘાટ છે જેમાં ગુપ્ત દ્વાર ઘાટ, કૈકેયી ઘાટ, કૌશલ્યા ઘાટ, પાપપોચન ઘાટ તથા લક્ષ્મણ ઘાટ જાણીતા છે.
જૈનોના મત અનુસાર ૨૪ તીર્થંકરો પૈકી પાંચ તીર્થંકરોનો જન્મ પણ અહીં જ થયો હતો. આવી પવિત્ર નગરી છે અયોધ્યા.

Be Sociable, Share!