Close

જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે

રેડ રોઝ | Comments Off on જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે
તાજેતરમાં જ ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ ગયો. દર ફેબ્રુઆરીનો બીજો સોમવાર ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેનું નામ હવે ‘વર્લ્ડ મેરેજ ડે’ છે.
ભારતવર્ષમાં લગ્નને માત્ર ભૌતિક સંબંધ જ નહીં પરંતુ પવિત્ર બંધન ગણવામાં આવે છે. વર-વધૂ અગ્નિની સાક્ષીએ યજ્ઞકુંડની આસપાસ જે સાત ફેરા ફરે છે તેને ‘સપ્તપદી’ કહેવામાં આવે છે, જેમાં વધૂ તેના પતિની હરપળે સાથે રહેવાના સોગંદ લે છે. પરંતુ સમય બદલાયો છે હવે લગ્ન કર્યા વગર જ સાથે રહેવાના સંબંધને- ‘લિવ ઈન રિલેશનશિપ’ કહે છે. એમાં સ્ત્રી-પુરુષનું શારીરિક સાંનિધ્ય અને ભૌતિક સંબંધ સિવાય બીજું કાંઈ નથી.
વર્ષો પહેલાં ગુજરાતમાં પાછલી વયમાં કોઈ અપરિણીત કે વિધુર પુરુષના ઘેર કોઈ સ્ત્રી કોઈપણ વિધિ કર્યા વગર માથે પાણીનું બેડુ લઈને પહોંચી જઈ પાણીનું બેડું ઉતારે અને તેની પત્ની બની જતી. હવે એ પ્રથા રહી નથી.
લિવ ઈન રિલેશન
હવે લિવ ઈન રિલેશને લગ્નના ખરાબ વિકલ્પ તરીકે સ્થાન લીધું છે.
૨૦૧૯ની સાલના એક અહેવાલ અનુસાર એકમાત્ર ઝારખંડનાં એક જિલ્લામાં જ ૩૫૮ જેટલાં યુગલો લિવ ઈન રિલેશનમાં રહેતાં હતાં. ઝારખંડ આમ તો પછાત વિસ્તાર છે પરંતુ અહીં પણ બે લાખ જેટલાં કપલ્સ આજકાલ લિવ ઈન રિલેશનમાં રહે છે. આમ તો સંસ્કારી પરિવારોમાં લિવ ઈન રિલેશન્સને સારી બાબત ગણવામાં આવતી નથી, પરંતુ આખા દેશમાં લિવ ઈન રિલેશન્સની સંખ્યાનો આંકડો ચોંકાવનારો છે. એકમાત્ર ઝારખંડમાં જ લિવ ઈન રિલેશન્સમાં રહેનારાઓની ઉંમર ૪૦થી ૫૦ વર્ષની છે. યુવાનો કે યુવતીઓ બહુધા લિવ ઈન રિલેશન્સ પસંદ કરતાં નથી પરંતુ ચાળીસી વટાવી ગયેલાં સ્ત્રી-પુરુષોમાં આ પ્રણાલિકા હવે જોર પકડી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે લિવ ઈન રિલેશન્સને કાનૂની અને સામાજિક માન્યતા અપાવવા માટે ઝારખંડમાં જ હવે એક ઝુંબેશ શરૂ થઈ છે. ઝારખંડમાં જ રહેવાવાળા એક ખાસ સમાજમાં આ પ્રથા લોકપ્રિય થઈ રહી છે. અહીં તેને ઢુકુ પ્રથા એવું નામ આપવામાં આવ્યું છે. જાણવા જેવી વાત એ છે કે ગયા ફેબ્રુઆરી માસમાં જ ઝારખંડના ખૂંટી અને ગુમલા જિલ્લામાં ૧૩૨૦ જેટલાં યુગલોના આ રીતે સામૂહિક વિવાહ કરાવાયા હતા.
એકબીજાને પ્રેમ કરનારાં જ્યારે વિધિસર લગ્ન કર્યા વિના જ એકબીજા સાથે રહેવાનો નિર્ણય કરે છે ત્યારે તેને લિવ ઈન રિલેશન્સ કહે છે. હા, આ પ્રથા માત્ર પિૃમના દેશોમાંથી જ આવેલી છે તેવું નથી. એ જાણવું જરૂરી છે કે આ પ્રણાલિકા માત્ર પિૃમના દેશોમાંથી જ આવેલી છે તેવું નથી. ઝારખંડના એક ઈલાકામાં એકબીજાના નામે લિવ ઈન પ્રણાલિકા વર્ષોથી ચાલી આવે છે અને હવે એ પ્રણાલિકા જોર પકડતી જાય છે. કેટલાક લોકો ભારતીય સંસ્કૃતિ અને સમાજને કલંકિત કરનારો કુરિવાજ માને છે.
ઢુંકુ વિવાહ
ઝારખંડના એક વિસ્તારમાં લિવ-ઈન રિલેશન્સ માટે ‘ઢુકુ’ શબ્દ વપરાય છે. ઢુકુ શબ્દનો અર્થ છે કોઈના ઘરમાં ઢુંકવું અથવા ઘૂસવું. અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગુજરાતમાં આવા ગૃહપ્રવેશ માટે ‘નાતરું’ શબ્દ વપરાતો હતો. જ્યારે કોઈ સ્ત્રી લગ્નવિધિ કર્યા વગર જ કોઈના ઘરમાં પ્રવેશી જાય છે અને તેની પસંદગીના પુરુષ સાથે રહેવા માંડે છે ત્યારે એવા યુગલને ‘ઢુકુ’ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં ઢુકુ એક પ્રકારનો હઠવિવાહ છે. કોઈ સ્ત્રી લગ્ન કર્યા વગર જ કોઈ પુરુષના ઘરમાં ઘૂસી જઈ તેની સાથે રહેવા લાગે તો કેટલાક લોકોને આ ઘટના રોમાંચક લાગે છે, પરંતુ ઝારખંડની જે જાતિમાં આ પ્રકારની ઢુકુ પ્રણાલિકા છે તેમાં સમાજના નિયમ મુજબ તે સ્ત્રીને માથા પર સિંદુર લગાવવાની અનુમતી નથી.
માત્ર ઢુકુ પ્રથા જ નહીં, પરંતુ ભારતવર્ષમાં વિવાહની કેટલીક અન્ય પ્રથાઓ પણ પ્રચલિત છે અને તેની જાણકારી રોચક પણ છે.
સમસેના વિવાહ
તમે ‘સમસેના’ શબ્દ સાંભળ્યો જ નહીં હોય. દેશના કેટલાક ભાગોમાં ‘સમસેના’ નામનો વિવાહ પણ છે. અલબત્ત, જે તે સમાજે આ વિવાહને સ્વીકૃતિ આપેલી છે. અહીં લખતા પણ ક્ષોભ થાય છે પરંતુ સત્ય જાણવું હોય તો આ વિવાહપ્રથામાં વિવાહને યોગ્ય યુવકે કન્યાના ઘેર જઈ લગભગ એકબે વર્ષ સુધી પોતાની શારીરિક ક્ષમતાનો પરિચય આપવો પડે છે. જે તે યુવક તેની ભાવિ સાસરીમાં એ પરિવારના સભ્ય તરીકે રહે છે. તેને ભાવિ કન્યાની સાથે પતિ તરીકે રહેવાની અનુમતી મળે છે પરંતુ વિવાહનો નિર્ણય કન્યાની ‘હા’ પછી જ લેવાય છે.
પૈઠુલ વિવાહ
એવી જ બીજી એક લગ્નપ્રથાનું નામ છે ‘પૈઠુલ’ વિવાહ. તેમાં ઉલટું છે. આ પ્રથા અન્વયે કન્યા તેની પસંદગીના યુવકના ઘરમાં ઘૂસી જાય છે. તેમાં છોકરો નક્કી કરે છે કે તેના ઘરમાં આવેલી કન્યા તેને યોગ્ય છે કે નહીં. તેનો પરિવાર વિરોધ કરે તો પણ તે બંનેના વિવાહને સમાજ સ્વીકૃતિ આપે છે.
પઠોની વિવાહ
લગ્નની ત્રીજી પ્રથાનું નામ છે ‘પઠોની વિવાહ.’ આ પ્રણાલિકા અનુસાર છોકરી જાન લઈને છોકરાના ઘેર જાય છે અને કન્યાના ઘરે નહીં પરંતુ વરરાજાના ઘેર લગ્નમંડપમાં વિવાહ સંપન્ન થાય છે. અહીં કન્યા નહીં પરંતુ વરની વિદાય થાય છે અને કન્યા પરણીને તેના વરને પોતાના ઘરે લઈ જાય છે. કેવું રોમેન્ટિક!
ઉઢરિયા વિવાહ
એ જ રીતે બીજી એક લગ્નપ્રથાનું નામ છે ‘ ઉઢરિયા વિવાહ’ આ લગ્નપ્રથાને પલાયન વિવાહ કહેવી વધુ ઉચિત છે. આમ તો એકબીજાને લઈને ભાગી જવાની જ આ પ્રથા છે અને આ પ્રથા તો દેશના લગભગ તમામ સમાજમાં છે. આ એક પ્રકારનો પ્રેમવિવાહ છે, જેમાં છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરી લે છે અને માતા-પિતાની અનિચ્છા હોય તો પણ છોકરો તેના મિત્રો સાથે અને છોકરી તેની સહેલીઓ સાથે કોઈ મેળામાં કે બજારમાં મળે છે અને ત્યાંથી તે બંને સાથે જ તેમનાં કોઈ સગાંસંબંધીના ઘેર જતાં રહે છે. એ રિશ્તેદારના ઘરના આંગણામાં જ તે બંનેના અસ્થાયી વિવાહ કરી દેવામાં આવે છે. પછી સમાજનું પંચ ભેગું થાય છે અને ભાગીને લગ્ન કરનાર યુવક-યુવતીનાં માતા-પિતાને રાજી કરવાનો પ્રયાસ થાય છે. આ પ્રણાલિકા ‘ઉઢરિયા વિવાહ’ તરીકે જાણીતી છે.
ભગેલી વિવાહ
ભારતમાં લગ્નની બીજી એક પ્રથા ‘ભગેલી વિવાહ ‘ તરીકે ઓળખાય છે. ભારતના એક સમાજમાં યુવક અને યુવતી એકબીજાની સંમતિથી ભાગીને પ્રેમવિવાહ કરે છે. છોકરીનાં માતા-પિતાની સંમતિ ન મળતાં યુવતી રાત્રે પોતાના ઘેરથી ભાગીને તેના પ્રેમીના ઘેર જતી રહે છે અને એક છાપરાની નીચે આવીને ઊભી રહે છે. તે પછી યુવક એક લોટામાં પાણી ભરીને આવે છે અને તે પાણી ઘરના છાપરા પર ફેંકે છે. નળિયાં પરથી વહેતું પાણી છોકરી પોતાના માથા પર ઝીલી લે છે. એ પછી છોકરાની મા એ યુવતીને પોતાના ઘરની અંદર લઈ આવે છે. ત્યારબાદ ગામના મુખી-આગેવાન એ છોકરીને ગામના ચોકમાં લઈ આવે છે અને છોકરીના ઘેર તેને ભાગી આવવાની માહિતી મોકલાવે છે. એ જ રાત્રે તે બંનેનાં લગ્ન કરી દેવામાં આવે છે. ભાગીને આવેલી છોકરીનાં માતા-પિતાને રાજી કરવા તેમના ઘેર અનાજ અને બીજી ભેટસોગાદો મોકલવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં છોકરીનાં માતા-પિતા રાજી થઈ જાય છે.
આ સિવાય ભારતમાં અપહરણ વિવાહ, દૂધ લૌટાવા વિવાહ, વિનિમય વિવાહ, હઠ વિવાહ અને ગંધર્વ વિવાહ જેવી પ્રણાલિકાઓ પણ જાણીતી છે.
ગંધર્વ વિવાહ
હજારો વર્ષ પૂર્વે હસ્તિનાપુરના પ્રતિભાસંપન્ન રાજા દુષ્યંતે કણ્વ ઋષિના આશ્રામમાં રહીને મોટી થયેલી અને અલૌકિક સૌંદર્ય ધરાવતી શકુંતલાને જોતાં જ તેના પ્રેમમાં પડી ગયા બાદ તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યા હતા. શકુંતલા મહર્ષિ વિશ્વામિત્ર અને સ્વર્ગની અપ્સરા મેનકાની પુત્રી હતી. પુત્રીના જન્મ બાદ ઋષિને ભૂલ સમજાતાં તેઓ તપ કરવા વનમાં ચાલ્યા ગયા હતા અને તાજી જ જન્મેલી પુત્રીને વનમાં જ મૂકીને અપ્સરા મેનકા પણ સ્વર્ગમાં જતી રહી હતી. વાત એમ હતી કે ઉગ્ર તપ કરી રહેલા ઋષિ વિશ્વામિત્રનો તપોભંગ કરવા ઈન્દ્રરાજાએ સ્વર્ગની સુંદરતમ અપ્સરા મેનકાને પૃથ્વીલોક પર મોકલી હતી. અપ્સરાને જોતાં જ વિશ્વામિત્ર ભૂલ કરી બેઠા અને તે ભૂલથી જે પુત્રી પેદા થયેલી તેને કણ્વ ઋષિ પોતાના આશ્રામમાં લઈ ગયા હતા. તેને શંકુતલા એવું નામ આપવામાં આવ્યુ હતું. શકુંતલા મોટી થઈ. કણ્વ ઋષિ તીર્થયાત્રાએ ગયા હતા ત્યારે મૃગયા કરવા આવેલા રાજા દુષ્યંતે શકુંતલાને જોઈ. બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં. રાજા દુષ્યંતથી શકુંતલાને જે પુત્ર પેદા થયો તેનું નામ ભરત જે ભારતના શ્રોષ્ઠ ચક્રવર્તી રાજા ભરત કહેવાયા અને ચક્રવર્તી રાજા ભારતના નામ પરથી જ આપણા દેશનું નામ ‘ભારત’ પડયું. મહાકવિ કાલિદાસે આ કથાનક લઈને જે શ્રોષ્ઠ મહાકાવ્ય-નાટક લખ્યું તેનું નામ છે- ‘શાકુન્તલમ્’ યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. કાલિદાસે ‘શાકુન્તલમ્’ સિવાય કાંઈ પણ લખ્યુ ન હોત તો પણ તેઓ મહાકવિ કહેવાત.
ભારતવર્ષની આ છે ભાતભાતનાં લગ્નની ભાતીગળ લગ્ન પ્રણાલિકાઓ
ખેર!
હેપ્પી મેરેજ ડે.

Be Sociable, Share!