Close

ડેડી, મંગળ પરથી મારા માટે શું લાવશો?’

રેડ રોઝ | Comments Off on ડેડી, મંગળ પરથી મારા માટે શું લાવશો?’
કોરોના કાળના કારણે અંતરિક્ષવિજ્ઞાનને લગતાં કેટલાક સંશોધનો ધીમાં પડી ગયાં છે પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા- ‘નાસા’ ૨૦૩૦માં માનવીને મંગળ પર ઉતારવાની ગુપચૂપ તૈયારીઓ કરી રહ્યું છે.
પૃથ્વીવાસીઓને વર્ષોથી મંગળના ગ્રહ પ્રત્યે આકર્ષણ છે. વર્ષોથી પ્રશ્ન પૂછાય છે કે શું મંગળ પર જીવન છે? શું મંગળ પર સમુદ્રો છે? શું મંગળ પર માનવી વસવાટ કરી શકશે?
આ બધા સવાલોના જવાબ આજે આપણી પાસે નથી. પરંતુ મંગળના ગ્રહ પ્રત્યેનું આકર્ષણ પ્રાચીન કાળથી છે. એક જમાનામાં રોમનો મંગળના ગ્રહને યુદ્ધનો દેવતા માનતા હતા. કેટલાક વૈજ્ઞાનિકો મંગળને પૃથ્વીનો સહોદર ગ્રહ માને છે. કેટલાક વખત પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે મંગળ ગ્રહનું વાતાવરણ સંભવતઃ માનવીના વસવાટ માટે અનુકૂળ હોઈ શકે છે.
ભારત પણ મંગળ પર સંશોધન માટે અભિયાન ચલાવી રહ્યું છે. મંગળ પરનાં સંશોધનોનો સિલસિલો આ પ્રમાણે છે.
– માર્સ-૧ યાન
મંગળ ગ્રહના રહસ્યો જાણવા માટે તા.૧ નવેમ્બર, ૧૯૬૨ના રોજ ‘માર્સ-૧’ નામનું અંતરિક્ષયાન અંતરિક્ષમાં મોકલવામાં આવ્યુ હતું. એ પછી અમેરિકાએ મંગળની ખોજ માટે મરીન-૨ છોડયું. મરીના-૨ મંગળના ગ્રહ પાસેથી પસાર થયું અને મંગળની તસ્વીરો લીધી. તે પછી અમેરિકાએ મરીના-૯ છોડયું અને મંગળની નજીક એક ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગોઠવ્યું. તા.૨ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ અમેરિકાએ ‘વાઈકિંગ-૧’ નામનું મોડયૂલ મંગળના ગ્રહ પર ઉતારી મંગળની ધરતીની ખોજ શરૂ કરી. મંગળનો ગ્રહ રાતા ગ્રહ તરીકે પણ ઓળખાય છે. ‘વાઈકિંગ-૧’ મોડયૂલે નાસાને જાણ કરી કે મંગળવાર પ્રવાહી પાણી ઉપલબ્ધ છે.
– ગુલીવીર ટ્રાવેલ્સ
– વર્ષો પહેલા લખાયેલી કાલ્પનિક નવલકથા ‘ગુલીવર ટ્રાવેલ્સ’માં એવો ઉલ્લેખ આવે છે કે મંગળના ગ્રહને બે ઉપગ્રહ છે. તેમાં મંગળના ગ્રહ અને તેના બંને ઉપગ્રહો વચ્ચે જે અંતર દર્શાવવામાં આવ્યુ હતું. તે લગભગ સાચું છે. ‘ગુલીવર ટ્રાવેલ્સ’ના લેખક જોનાથન સ્વિફટ હતા.
પ્રાચીન ભારતીય ગ્રંથ બ્રહ્મવૈપત્ય પુરાણમાં મંગળને પૃથ્વીનો પુત્ર રહેવામાં આવ્યો છે. ઈ.સ. ૧૮૭૭માં એફસ હોલે વોશ્ગિટનથી ૨૬ ઈંચના દૂરબીનથી મંગળના બે ઉપગ્રહો (૧) ફોબોસ અને (૨) ડિમોસની શોધ કરી હતી.
– મંગળની ખાસિયતો
મંગળની ખાસિયતો જાણવા જેવી છે. સૌર મંડળમાં મંગળનો ગ્રહ સૂર્યનો ચોથો ગ્રહ છે. પૃથ્વી પર તેની રક્તિમ આભાના કારણે તે લાલગ્રહ તરીકે જાણીતો છે. મંગળની સપાટી પર જવાળામુખીઓ ખીણો, રણ અને બરફથી ઢંકાયેલા પૃથ્વીના ધ્રુવ જેવા દૃશ્યો દેખાય છે. અને મોસમનું ચક્ર પૃથ્વી જેવું છે. મંગળ પર રાતા રંગની રેતીની આંધી સતત દેખાય છે. મરીન-૪ દ્વારા કરવામાં આવેલા નીરિક્ષણોમાં પહેલાં એમ મનાતું હતું કે મંગળ પર સમુદ્રો હોઈ શકે છે પરંતુ પાછળથી એ શક્યતાના સજ્જડ પૂરાવા મળ્યા નથી. બલ્કે મંગળ પર જીવન અને પાણી હોવાની શક્યતાઓ છે એમ વૈજ્ઞાનિકો માને છે.
– મંગળ પરના મિશનો
મંગળ પર અગાઉ ‘સ્પિરિટ’ અને ‘ઓપર્ચ્યુનિટી’ નામનાં બે રોવર્સ ઉતારવામાં આવ્યા હતાં. તેમાંના કેટલાક અસફળ નીવડયાં. તે પછી નવું લેન્ડર્સ ઉતારવામાં આવ્યું હતું. રોપર્સે કરેલી ખોજ પ્રમાણે મંગળ પર વિપુલ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાની શક્યતા છે. એ સંશોધનો એવો પણ નિર્દેશ કરે છે કે મંગળના ગ્રહ પર ગરમ પાણીના ફૂવારા પણ છે. મંગળનો ગ્રહ બરફથી ઢંકાયેલો હતો પરંતુ હવે તે ઓગળી રહ્યો છે.
– મંગળના ચંદ્ર
– મંગળના બે ચન્દ્ર એટલે કે તેના બે ઉપગ્રહો (૧) ફોબોસ અને (૨) ડિમોસ ખૂબ નાના અને અનિયમિત આકારના છે. એવું લાગે છે કે તે બંને ઉપગ્રહો મંગળના ગુરુત્વાકર્ષણમાં ફસાઈ ગયા છે. મંગળના ગ્રહને પૃથ્વી પરથી નરી આંખે નિહાળી શકાય છે. જો કે તેની સરખામણીમાં બૃહસ્પતિ વધુ ચમકીલો દેખાય છે. મંગળ પર ઉનાળામાં તેનું તાપમાન માઈનસ ૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. શિયાળામાં તેનું તાપમાન માઈનસ ૧૩૩ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે.
મંગળની ખાસિયતો
મંગળ પર સૌર પરિવારનો સહુથી ઊંચો પર્વત છે. તેની ખીણો એટલી તો મોટી અને લાંબી છે કે જો તેવી ખીણ પૃથ્વી પર હોય તો તેની લંબાઈ ન્યુયોર્કથી લૉસ એન્જલસ જેટલી લાંબી હોય. ન્યૂયોર્કથી લોસ એન્જલસનાં વિમાન માર્ગ પાંચ કલાકના ઉડ્ડયનનો છે.
મંગળ પર પૃથ્વીના ૬૮૭ દિવસનું વર્ષ છે. મંગળનું વાતાવરણ પૃથ્વીના વાતાવરણ કરતાં પાતળું છે. મંગળના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનો હિસ્સો વધુ છે. તેમાં ઓક્સિજન માત્ર ૦.૧૩ ટકા જ છે. મંગળનું ક્ષેત્રફળ ૧૪૪,૭૯૮,૫૦૦ ચોરસ કિલોમીટર છે. તેની પર ૯૫ ટકા કાર્બન ડાયોકસાઈડ છે.
મંગળનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના મુકાબલે ઘણું ઓછું છે. આટલા બધા તફાવત છતાં સૌર મંડળના બીજા ગ્રહોની સરખામણીમાં પૃથ્વી અને મંગળ પર ઘણુ બધું એક જેવું છે. આ કારણથી જ હવે મંગળ પર જવાનું અભિયાન તેજ થયું છે.
કહેવાય છે કે અમેરિકાની અંતરિક્ષા સંશોધન સંસ્થા-‘નાસા’ અમેરિકન સરકારે નક્કી કરેલા બજેટ કરતાં વધુ રકમ વાપરી ચૂકી છે છતાં અમેરિકા આવ્યા વિશ્વને ચોંકાવી દેવા માટે એ અભિયાનને આગળ વધારી દેવા માંગે છે. નાસા મંગળ લેબોરેટરી પણ લોન્ચ કરવા માંગે છે.
– ફૂડ ટેકનોલોજી
નાસાએ મંગળ પર માનવીને ઉતારવો હોય તો તેના માટે લાંબા અંતર અને લાંબો સમય ચાલે તેવી ફૂડ ટેકનોલોજી પર પણ કામ કરી રહ્યું છે. ૨૦૩૦ની સાલમાં મંગળ પર માનવીને ઉતારવા માટે એક અંતરિક્ષયાન રવાના કરશે. તેમાં મુસાફરી કરી રહેલા અંતરિક્ષયાત્રીઓ માટે ચીઝ અને પાસ્તા જેવી વાનગીઓ મહિનાઓ સુધી ચાલે તે પ્રકારની તૈયાર કરવી પડશે. એલ્યુમિનિયમ ફોઈલના પેકેટમાં મહિનાઓ સુધી ચાલે તે પ્રકારનું ભોજન તૈયાર કરવું પડશે. આ પ્રકારની એડવાન્સ ફૂડ ટેકનોલોજી પર ૧૫ જેટલી ફૂડ લેબોરેટરીઝ કામ કરી રહી છે. કારણકે પૃથ્વી પરથી છોડવામાં આવેલું મીશન એક વર્ષ સુધી ચાલશે. પૃથ્વીથી પંચાવન મિલિયન માઈલ દૂર ભોજનની સામગ્રી અને કુકીંગની વ્યવસ્થા રાખવી એક જટીલ સમસ્યા છે. અત્રે એ નોધવું જરૂરી છે કે પૃથ્વી પરથી અંતરિક્ષમાં જતા અંતરિક્ષ યાત્રીઓને સ્પેસ શટલમાં અને સ્પેસ સ્ટેશન પર ફ્રીજ ડ્રાઈડ શ્રાીમ કૉકટેલ, બીફ, શેલ્ફ ટેબલ્ટ ચેરી-બ્લુ કેરી કોબ્લટ જેવો ફૂડ આપવામાં આવે છે.
પૃથ્વી પરથી અંતરિક્ષયાનને મંગળ સુધી પહોંચવામાં આઠ મહિનાનો સમય લાગે છે અને તે પણ પૃથ્વી અને મંગળ એક બીજાની નજીક હોય ત્યારે. એકવાર તે મંગળ પર ઉતરે પછી દોઢ વર્ષનાં અંતરિક્ષયાત્રીએ મંગળ પર ફરજિયાત રહેવું જ પડે.કારણકે અંતરિક્ષ યાત્રીએ મંગળ પરથી પાછા આવવું હોવ તો ફરી મંગળ અને પૃથ્વી એકબીજાની નજીક આવે તે સમય ગાળાની રાહ જોવી પડે છે. આટલા લાંબા સમય સુધી ખોરાક જાળવી રાખવો તે એક જટીલ સમસ્યા છે. આ બધી સમસ્યાઓ હોવા છતાં ૨૦૩૦માં નાસા મંગળ પર માનવીને ઉતારવા કટિબદ્ધ છે. મંગળ પરના વિવિધ મિશનો દ્વારા નાસા અત્યાર સુધીમાં ૯૦૦ મિલિયન ડૉલર ખર્ચી ચૂક્યું છે.
વૈજ્ઞાનિકો માને છે કે, એક દિવસ એવો આવશે કે માનવી વેકેશન ગાળવા મંગળ પર જશે. સહેલાણીએ  ખાસ સ્પેસ સુટ પહેરવો પડશે અને પપ્પા મંગળ પર જતા હશે ત્યારે તેમનો દિકરો કહેશેઃ ‘ડેડી, મંગળ પરથી મારા માટે શું લાવશો?’
છે ને રોમાંચક કલ્પના!    DEVENDRA PATEL

Be Sociable, Share!