૧૯૪૩માં TREBLINKA CAMP બંધ કરી દેવાયા બાદ એનાથી પણ વધુ ખતરનાક કેમ્પ AUSCHWITZ CAMP ખોલવામાં આવ્યો હતો. ડૉ.કાર્લ બેબોરે અહીં પણ તેની માનવીને ઈંજેક્શનની સોયથી પરમધામ પહોંચાડવાની સેવાઓ આપી હતી. ત્યારબાદ પોલેન્ડમાં જ શરૂ કરાયેલા GROSSOROSEN CAMPમાં તેની નિમણૂક કરવામાં આવી હતી. જ્યાં રાત ને દિવસ તે માણસોને મારવાની જ કામગીરી બજાવતો હતો. આ કેમ્પમાં સીમોન વીસેન્થલ જ એક એવા ભાગ્યશાળી યહૂદી હતા જેઓ ઈશ્વરની મહેરબાનીથી ડૉ.કાર્લ બેબોરના ઈંજેક્શનની સોયથી બચી ગયા હતા.
ઈંજેક્શનથી સામૂહિક હત્યા કરનાર ડૉ.કાર્લ બેબોરની યુદ્ધ અચાનક સમાપ્ત થતાં સાથીદળોએ ધરપકડ કરી હતી. ૧૯૪૭ની સાલમાં ડૉ.બેબોરને વિયેનાની જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. તેની સામે યુદ્ધના ગુનેગાર તરીકે લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું હતું, પરંતુ ઉતાવળે ચલાવાયેલી કાર્યવાહી દરમિયાન તેની સામે પૂરતા પુરાવાના અભાવે તે છૂટી ગયો હતો. ડૉ.કાર્લ બેબોર હજી યુવાન હતો. છૂટી ગયા બાદ વિયેનાની યુનિવર્સિટીમાં ફરી એણે તબીબી અભ્યાસ શરૂ કર્યો હતો. ભગવાન જાણે તે શુંયે ભણ્યો પણ છેવટે તેને ખરેખર ડૉક્ટરની ડિગ્રી હાંસલ થઈ હતી. વિયેનાની એક સ્થાનિક હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કર્યા બાદ એક નાના પ્રાંતમાં ડૉક્ટર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી.
એ દરમિયાન બન્યું એવું કે ૧૯૫૨ની સાલમાં ડૉ.કાર્લ બેબોરના પિતાના એપાર્ટમેન્ટમાં કેટલાક અધિકારીઓ ડૉક્ટર અંગે પૂછપરછ કરવા ગયા. હિટલરના કેમ્પમાં માસ મર્ડરની શયતાની કામગીરી શરૂઆતમાં છૂપી રહી હતી, પરંતુ હવે ડૉક્ટરનાં કુકર્મોની વાતો વધુ બહાર આવતાં ડૉ.કાર્લ સામે સરકાર ફરી કામ ચલાવવા પૂછપરછ કરી હતી. ડૉ.કાર્લ બેબોરનાં માતા-પિતાએ દીકરાને ઈશારો કર્યો કે, `હવે તું વિયેના છોડી દે, નહીંતર તારી ધરપકડ નિશ્ચિત છે.’
ડૉ.બેબોર સમજી ગયો કે, `મારાં કૃત્યોનો બધાને ખ્યાલ આવી ગયો છે’- અને તે ચૂપચાપ પલાયન થઈ ગયો.
ડૉ.કાર્લ બેબોર હવે આફ્રિકા પહોંચ્યો. સાથે તેની પત્ની બોબો અને દીકરી ડેગમારને પણ લઈ લીધાં. એ વખતે ઈથોપિયામાં ડૉક્ટરોની કમી હતી. એ દેશમાં તબીબોને સારો આવકાર મળતો હતો. ઈથોપિયામાં પશ્ચિમના ડૉક્ટરો કદી જતા નહીં. ઈથોપિયાના રોયલ ફેમિલીએ ડૉ.કાર્લ બેબોરને આવકાર્યો અને રોયલ ફેમિલીનો ડૉક્ટર જ બનાવી દીધો. એડીસ અબાબા તે ઈથોપિયાનું પાટનગર છે. અહીં પણ તે HERR DOCTOR તરીકે જ ઓળખાયા. ઈથોપિયાના રાજા હેલ સેલેસીએ આ ડૉક્ટરને માન અને રક્ષણ આપ્યું, ડૉક્ટરની મેનર્સ-વિવેક અને વર્તન અહીં સાવ જુદાં હતાં. અહીં એમણે રાજાની જ નહીં પણ સાથે સાથે એક જનરલ હોસ્પિટલમાં પણ સેવા આપવા માંડી.
સ્થળ અને કામગીરી બદલાયાં
વર્ષો પસાર થયાં પરંતુ યુવાન વયે લોકોની હત્યા કરવાની જે કામગીરી બજાવી હતી એ બધાં મૃત્યુ પામતા યહૂદી લોકોના ચહેરા ડૉક્ટરની આંખો સામે આવવા લાગ્યા. રાત્રે ભયંકર સ્વપ્નાં આવવા લાગ્યાં. દીકરી ડેગમારના કહ્યા પ્રમાણે `પિતાજી રાત્રે જંગલમાં જતા રહેતા. ચંદ્ર સામે જોઈ રહેતા. ભયાનક પ્રાણીઓની જેમ એકલા એકલા બૂમો મારતા. પ્રાણીઓની ચીસો સાંભળી તેઓ ખુદ સામે એવી જ ચીસો પાડતા.’
ડૉ.બેબોરે જંગલમાં એક નિર્જન તળાવના મગરોને પોતાના મિત્રો બનાવી દીધા હતા. મગરોને તે માંસ પીરસતો.
સિમોન વીસેન્થલ અને બીજાઓ આ ડૉક્ટરને શોધતા હતા. એક તબક્કે કેટલાકને ભાળ મળી કે ડૉ.કાર્લ ઈથોપિયામાં છે તો તેમને મેળવવા બીજા દેશોએ ઈથોપિયા પર દબાણ કર્યું પછી ઈથોપિયાના રાજાએ ડૉ.કાર્લને પાછા સોંપવાની ના પાડી. જો તેઓ પાછા સોંપાયા હોત તો ડૉ.બેબોરને ફાંસી જ મળત.
અનેક યહૂદીઓને મરતાં જોનાર વીસેન્થલ હવે વિયેના રહેતા હતા. ૧૯૬૩ની સાલમાં બન્યું એવું કે એકાએક તેમને ડૉ. કાર્લ બેબોરની ભાળ રુથ નામની એક યુવતી પાસેથી મળી.
રુથે કહ્યું: `હું લગ્ન કરવા માંગતી હતી. એક દિવસ મેં એક અખબારમાં લગ્નવિષયક જાહેરખબર જોઈ. એ વિજ્ઞાપન એક ઓસ્ટ્રીયન વિદેશી નાગરિકના નામે હતું. તે લગ્ન કરવા માંગતો હતો. મેં પત્રવ્યવહાર કર્યો પણ ખરો મુરતિયો તો ડૉ. કાર્લ બેબોર હતો. એણે બીજાના નામે જાહેરખબર આપી હતી. તેની અગાઉની પત્ની મૃત્યુ પામી હતી. પત્રવ્યવહાર બાદ ડૉ.કાર્લ બેબોરે મને ઈથોપિયા આવવા આમંત્રણ આપ્યું હતું. મને લખવામાં આવ્યું હતું કે તેણે પત્ની ગુમાવી છે અને હવે તે સાવ એકલા પડી ગયા છે. ડૉક્ટરે મને ખૂબ પુરાણી સ્ટાઈલથી પત્રો લખ્યા અને મારા હૃદયને સ્પર્શી ગયા. હું પત્રોથી જ એના પ્રેમમાં પડી ગઈ. એમણે મને પોતાની તસવીર પણ મોકલી હતી.’
રુથે કહ્યું: `એક દિવસ ડૉક્ટરે મને ઈથોપિયા આવવાની એરટિકિટ પણ મોકલી આપી. એમણે મને લખ્યું હતું: `મારી વહાલી રુથ! તું અહીં આવ. મારે તારો હાથ ચૂમવો છે.’
એ પત્ર પછી હું ઈથોપિયા ગઈ. એની દીકરી ડેગમાર પેરિસમાં ભણતી હતી તે પણ મારી સાથે જ ઈથોપિયા આવી હતી, પરંતુ હું જેવી એરપોર્ટ પર પહોંચી અને મેં ડૉક્ટરને જોયા કે તરત જ મને મારાં સ્વપ્નો ચૂર થતાં લાગ્યાં. એ આદમી ઉષ્માવિહોણો, ઠંડો અને આંખોથી શયતાન લાગ્યો. એ મને ભેટ્યો, હું જેટલો સમય ત્યાં રહી ત્યાં સુધી મને એમ જ લાગ્યું કે આ માણસ વાત મારી સાથે કરે છે પરંતુ એના મગજમાં સતત કંઈક જ બીજો જ વિચારપ્રવાહ ચાલે છે.
રુથે કહ્યું: `એના ઘેર પહોંચતાં એણે મને ન તો જમવાની ઓફર કરી કે ન તો ડ્રિંક્સ આપ્યું. એ મને સીધો જંગલમાં જ લઈ ગયો. એણે મગરને બતાવતાં કહ્યું કે, `આ બધા મારા દોસ્ત છે.’
મગરની ચમકતી રાતી આંખો જોઈ હું ગભરાઈ ગઈ. નજીકના જ વિસ્તારમાં એક સિંહ પડી રહેતો હતો. ડૉક્ટરે સિંહને માંસ પીરસ્યું અને લોહીવાળો હાથ લઈ તે પાછો આવ્યો. સાંજે પાછાં આવ્યાં ત્યારે ડૉક્ટરે મને ફ્રીજમાં મૂકી રાખેલા કૅનમાંથી ગાયનું માંસ કાઢીને ખાવા આપ્યું અને અમે સૂઈ ગયાં. મને ખ્યાલ આવી ગયો કે કોઈ બિહામણી જગ્યાએ હું આવી ગઈ છું.’
બીજા દિવસની રાત્રે તો સાવ વિચિત્ર બન્યું. બધાં સૂઈ ગયાં હતાં અને રાત્રે ડોરબેલ વાગ્યો. ડૉક્ટરની દીકરી ડેગમારે બારણું ખોલ્યું. એક સ્ત્રી એના બીમાર બાળક સાથે ઊભી હતી. ડેગમારે એના પિતાને બોલાવ્યા. ડૉક્ટર ઊઠ્યા, પણ એમની લાલચોળ આંખો અને વિકૃત ચહેરો જોઈ ખુદ ડેગમાર પણ ગભરાઈ ગઈ.
દીકરી ડેગમારે કહ્યું કે `આ બાળક બીમાર છે.’
ડૉક્ટર ગર્જ્યા: `મેં કદી બાળકોની સારવાર કરી નથી. કદી કરીશ પણ નહીં, લેટ ધેમ ગો.’
આ સાંભળી રુથને દયા આવી. એણે ડૉ.કાર્લને વિનંતી કરી: `ડૉક્ટર, પ્લીઝ! તમે જાવ અને બાળકની સારવાર કરો.’
ડૉક્ટરે ધીમેથી-પ્રેમથી રુથને કહ્યું: `રુથ, આવનાર બાઈ ગંદી યહૂદી સ્ત્રી છે. હું એ બધાને ધિક્કારું છું. આવા લોકો જલદી મરવા જ જોઈએ. આ બધા કરતાં તો પ્રાણીઓ વધુ સારાં.’
એમ બોલીને ડૉક્ટર રાત્રે જ શહેરના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ સાથે રાત વિતાવવા ચાલી નીકળ્યા, પરંતુ રુથ ધ્રૂજી ગઈ. એને હૃદયમાં આંચકો લાગ્યો. એને ડૉ.કાર્લ બેબોરના ભૂતકાળની ખબર નહોતી અને ડૉક્ટરને એ ખબર નહોતી કે પરણવા માટે આવનાર રુથ એક યહૂદી સ્ત્રી છે.
બીજા જ દિવસે રુથે ઝડપથી ઈથોપિયાની યાત્રા અચાનક ટૂંકાવી પાછા વિયેના જવાનું પ્લેન પકડી લીધું અને એણે વીસેન્થલને વાત કરી ત્યારે જ રુથને ખબર પડી કે હજ્જારો યહૂદીઓને મારી નાંખનાર એ શેતાની ડૉક્ટર કાર્લ બેબોર ખુદ હતો.
આવા ખતરનાક નાઝીઓની શોધ ચલાવનાર બેટી ક્લાર્સફિલ્ડ નામની સંશોધકે ડૉ.કાર્લની શોધ ચલાવી અને એનાં કરતૂતો ઉઘાડાં પાડ્યાં. વીસેન્થલ અને બેટી ક્લાર્સફિલ્ડે ડૉ.બેબોરનાં હિટલરના કોન્સસ્ટ્રેશન કેમ્પસનાં ખતરનાક કૃત્યોને ખુલ્લાં પાડ્યાં, પરંતુ એ દરમિયાન સમાચાર આવ્યા કે ડૉ.કાર્લ બેબોરને ઈથોપિયાના એક સરોવરનો મગર ખાઈ ગયો છે.
આવી છે યહૂદીઓના કટ્ટર દુશ્મન એક ખલનાયક ડૉક્ટર અને યહૂદીઓની વિપદાની કહાણી. હિટલરના જુલમથી મૃત્યુ પામેલા લાખો યહૂદીઓની યાદમાં જેરુસલેમમાં એક સ્મારક પણ ઊભું કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ