Close

ડોન દાઉદના ૬.૭ બિલિયન ડોલરના સામ્રાજયનો વારસદાર કોણ?

રેડ રોઝ | Comments Off on ડોન દાઉદના ૬.૭ બિલિયન ડોલરના સામ્રાજયનો વારસદાર કોણ?

ડોન દાઉદ ઈબ્રાહીમ ૨૦૧૫ની ફોર્બ્સની યાદી પ્રમાણે ૬.૭ બિલિયન ડોલરના સામ્રાજયનો માલિક છે. વિશ્વમાં કોલંબિયાનો કુખ્યાત નોટોરિયસ ડ્રગ સ્મગલર પાબ્લો એસ્કોબાર તેનાથી વધુ એટલે કે નવ બિલિયન ડોલરની સંપત્તિનો માલિક હતો. ગેંગસ્ટરોની યાદીમાં વિશ્વના સૌથી વધુ ધનવાન ગેંગસ્ટર તરીકે ડોન દાઉદ ઈબ્રાહીમ બીજા નંબરે આવે છે.

 ડોન દાઉદ ઈબ્રાહીમનો કરાંચીના કિલફ્ટન વિસ્તારનો મહેલ જેવો બંગલો૬૦૦૦ ચોરસવારમાં પથરાયેલો છે. તેનું પાકિસ્તાનનું સરનામું ડ્ઢ-૧૩, બ્લોક-૪, કિલફટન, કરાંચી છે. આ બંગલો નોટ્રેસપાસ ઝોનમાં આવેલો છે. આઈએસઆઈ દ્વારા મુકાયેલ પાકિસ્તાની રેન્જર્સનું તેને સુરક્ષા ચક્ર છે.

ડોન પાકિસ્તાનમાં તેના ભાઈ અનીસ ઈબ્રાહીમ અને તેના નિકટના સાથી છોટા શકીલ સાથે રહે છે. દાઉદ ઈબ્રાહીમનો ધંધો યુરોપના ડઝન દેશો ઉપરાંત આફ્રિકા અને દક્ષિણ એશિયામાં પથરાયેલો છે. તે સિવાય તેણે વિશ્વના ૫૦ દેશોમાં રિઅલ એસ્ટેટમાં અને મકાનોમાં રોકાણ કરેલું છે. એક માત્ર લંડનમાં જ ૪૫૦ મિલિયન ડોલરની તેની ૧૫થી વધુ પ્રોપર્ટીઝ છે. તેનો બિઝનેસ ભારત, પાકિસ્તાન, યુ.કે., જર્મની, સ્પેન, મોસ્કો, સાયપ્રસ, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, નેપાળ, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોરમાં પથરાયેલો છે. આમ છતાં તેની કુલ આવકની ૪૦ ટકા આવક એકમાત્ર ભારતમાંથી થાય છે.

હવે ડોન તેની ઉંમર, બીમારી અને તેની ગેંગમાં પડેલી દરારના કારણે ૬.૭ બિલિયન ડોલરના સામ્રાજયનું સુકાન કોની પાસે જાય છે તે પર સહુની નજર છે.

ઈટાલિયન મૂળના અમેરિકન લેખક મારિઓ પુજોએ અમેરિકાના અંડરવર્લ્ડના ડોન પર એક કલાસિક નવલકથા લખી છેઃ “ધી ગોડ ફાધર.” આ કથાનો મુખ્ય નાયક ડોન મૃત્યુ પામે છે અને તેના મૃતદેહને અંતિમક્રિયા માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે ત્યારે શહેરના તમામ ગેંગસ્ટર્સ હાજરી આપી છે અને કબ્રસ્તાનમાં જ હવે નવો ડોન કોણ તેનાં કારસ્થાન શરૂ થઈ જાય છે.

અનેક ગેંગ્સ એક મોટા ગેંગસ્ટર્સના અંડર રહી કામ કરતી હોય તેને મુખ્ય ગેંગસ્ટરને ડોન કહે છે. ભારતનો મુખ્ય ડોન દાઉદ ઈબ્રાહીમ ક્યારેક હાજીમસ્તાનની ગેંગનો એક સદસ્ય હતો, પરંતુ પાછળથી તે જ મુંબઈના અંડરવર્લ્ડનો ડોન બની ગયો. ખંડણીથી માંડીને અનેક હત્યાઓ ઉપરાંત પાકિસ્તાનની આઈએસઆઈના ઈશારે મુંબઈમાં બોમ્બ ધડાકા માટે દોષિત ડોન દાઉદ ઈબ્રાહીમ હાલ પાકિસ્તાનમાં છે.

કેટલાક વર્ષો પહેલાં દાઉદ ઈબ્રાહીમ કરાંચીના પોશ એવા કિલફટન વિસ્તારમાં રહી ભારત, પાકિસ્તાન અને દુબઈમાં તેનો અવૈધ કારોબાર ચલાવતો હતો. પાકિસ્તાનમાં રિઅલ એસ્ટેટથી માંડીને શેર બજારમાં પણ તેનું મોટું રોકાણ છે. આંતરરાષ્ટ્રીય દબાણ વધવાના કારણે આઈએસઆઈએ દાઉદ ઈબ્રાહીમને અન્ય સ્થળે ખસેડી લીધો હોવાનું કહેવાય છે.

છેલ્લે મળતા સમાચારો મુજબ ડોન દાઉદ હવે વૃદ્ધ થઈ ગયો છે. તે બીમાર હોવાનું કહેવાય છે. હવે તેનો વારસો તે કોને સોંપે છે તે અંગે જાતજાતનાં સ્પેક્યુલેશન્સ ચાલે છે. એક અહેવાલ પ્રમાણે ડોન દાઉદનો પૂરો અવૈધ કારોબાર હવે અનીસને સોંપી દે તેવી સંભાવના છે. અનીસ ડોન દાઉદનો સગો ભાઈ છે.

વાત એમ છે કે વર્ષો સુધી ડી-કંપનીમાં રહેલો છોટા શકીલ હવે દાઉદ ઈબ્રાહીમથી અલગ થઈ રહ્યો હોવાના અહેવાલો બહાર આવ્યા છે. જોકે છોટા શકીલે આ વાતનો ઈન્કાર કર્યો છે, પરંતુ અંડરવર્લ્ડનું આંતરિક રાજકારણ દેશના નેતાઓના રાજકારણ જેવું જ અટપટું અને પેચીદુ હોય છે. અંડરવર્લ્ડમાં અંદરોઅંદરની દુશ્મનાવટમાં એક બીજાની હત્યાઓ સામાન્ય બાબત છે.

કહેવાય છે કે છોટા શકીલ દાઉદથી છૂટો થતો હોવાનું એક કારણ દાઉદનો ભાઈ અનીસ ઈબ્રાહીમ છે. અનીસ ઈબ્રાહીમ અને છોટા શકીલ વચ્ચેની દુશ્મનાવટ પુરાણી છે. જોકે અત્યાર સુધી દાઉદ ઈબ્રાહીમ જ આ બંનેને સંભાળતો હતો. જેથી તેમનો ઝઘડો સપાટી પર આવી ના જાય. પરંતુ ત્રણ મહિના પહેલાં મુંબઈમાં રહેતા ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરની એકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માએ ધરપકડ કરી તે પછી અનીસ અને છોટા શકીલનો ઝઘડો ચરમ સીમાએ પહોંચી ગયો હોવાનું મનાય છે. ઈકબાલ દાઉદની વધુ નજીક હતો, પરંતુ મુંબઈમાં ડી-કંપનીનો કોઈપણ માણસ પકડાય તે પછી છોટા શકીલ વધુ સક્રિય થઈ જતો હતો. ઈકબાલની ધરપકડ બાદ ફકત અનીસે જ મુંબઈમાં રહેતા તેના પંટરોને ફોન કરી ઈકબાલને કાનૂની મદદ કરવા જણાવ્યું. ખાસ વાત એ છે કે ઈકબાલને જે કેસોમાં પકડવામાં આવ્યો છે તે કેસોમાં છોટા શકીલ ડોન દાઉદ અને અનીસ ઈબ્રાહીમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

બીજી બાજુ મુંબઈના પોલીસ અધિકારીઓ માને છે કે ગેંગ ચલાવવાની જેટલી આવડત છોટા શકીલમાં છે તેટલી આવડત અનીસ ઈબ્રાહીમમાં નથી. દાઉદે જ આ બંને જણ વચ્ચે સમજૂતી કરાવી છે. એ સમજૂતી એવી હતી કે અનીસ ઈબ્રાહીમ બોલિવૂડ સાથે સંકળાયેલો ધંધો સંભાળશે અને છોટા શકીલ મુંબઈના વેપારીઓ અને બિલ્ડરોને ધમકી આપી હફતા વસૂલ કરશે. બે દાયકા પૂર્વે ગુલશનકુમારની હત્યા પણ અનીસ ઈબ્રાહીમે જ કરાવી હોવાનું મનાય છે. ફિલ્મ અભિનેતા રાકેશ રોશન અને રાજીવરાય પર ગોળીબાર પણ કરાવવામાં આવ્યો હતો. ડી-ગેંગથી ડરીને રાજીવરાય કાયમ માટે મુંબઈ છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા હતા.

એમ પણ કહેવાય છે કે અનીસ ઈબ્રાહીમ બોલિવૂડની એક જાણીતી અભિનેત્રીને દર મહિને લાખો રૂપિયા મોકલતો હતો. દાઉદનો એક બીજો ભાઈ નૂરા પણ બીજા અન્ય કારણોસર મુંબઈ-બોલિવૂડમાં સક્રિય હતો. એણે ફિલ્મો માટે કેટલાક ગીતો પણ લખ્યાં.

એ વાત પણ જાણવા જેવી છે કે છોટા શકીલ અને અનીસ ઈબ્રાહીમ વચ્ચેની દુશ્મનાવટ ૧૯૯૩ પહેલાંની છે. કહેવાય છે કે ૧૯૯૩માં મુંબઈમાં બોમ્બ ધડાકા કરવા માટે અનીસે ટાઈગર મેમન સાથે દુબઈમાં મિટિંગ કરી હતી. અભિનેતા સંજય દત્તની ધરપકડ પણ એ સમય દરમિયાન જ અનીસ દ્વારા મોકલવામાં આવેલા શસ્ત્રોના કારણે જ થઈ હતી.

પરંતુ અનીસ ઈબ્રાહીમે ટાઈગર મેમન સાથે દુબઈમાં કરેલી મિટિંગની વાત છોટા શકીલથી છુપાવી હતી. આ વાતની ખબર પડતાં છોટા શકીલને ખોટું લાગ્યું હતું.

કહેવાય છે કે દાઉદના ભાઈઓ ગેંગના કામની બાબતમાં બહુ ઓછો રસ લેતા. દાઉદના ભાઈઓએ ગેંગની ગતિવિધિઓમાં કદી હસ્તક્ષેપ કર્યો નહોતો. પરંતુ અનીસ સતત ગેંગની અંદરની બાબતોમાં હસ્તક્ષેપ કરતો રહ્યો. છોટા શકીલથી સહન થતું નહોતું. છોટા શકીલને કાયમ માટે એવું લાગ્યું કે તે ડોન દાઉદ માટે અમે કામ કરતા રહ્યા, પરંતુ દાઉદના નામ પર અનીસ જ બધા પર બોસગિરી કરતો રહ્યો. છોટા શકીલે આ બાબત પર વારંવાર ડોન દાઉદને ફરિયાદો પણ કરી. પરંતુ ગમે તે કારણસર દાઉદ પોતાનાભાઈને કંટ્રોલમાં રાખી શક્યો નહીં અથવા કહી શક્યો નહીં.

હવે દાઉદ ઈબ્રાહીમ ઘરડો થઈ ગયો છે ત્યારે અનીસ ઈબ્રાહીમ અને છોટા શકીલ વચ્ચેની દરાર વધુ ઊંડી થઈ છે. હમણાં હમણાં છોટા શકીલ પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો છે અને તેની ગુપચુપ રીતે દફન વિધિ પણ કરવામાં આવી છે તેવી અફવા ચાલી હતી, પરંતુ મુંબઈના સૂત્રોનાં જણાવ્યા અનુસાર છોટા શકીલ મૃત્યુ પામ્યો નથી. એ જીવિત છે અને સંભવત સાઉદી અરેબિયા તરફ જતો રહ્યો છે.

અત્રે એ વાત નોંધવી જરૂરી છે કે આજથી બે દાયકા પૂર્વે અનીસે પોલીસ કસ્ટડીમાં રહેલા ડી-કંપનીના સહુથી ખતરનાક શાર્પશૂટર ફિરોજ કોંકણીને જે જે હોસ્પિટલમાંથી ભગાડી મૂકયો હતો. કહેવાય છે કે છોટા શકીલે તે પછી કરાંચીમાં તેનું મર્ડર કરાવી દીધું હતું કારણ કે કોંકણીનું કદ ડી-કંપનીમાં છોટા શકીલથી ઊંચુ થઈ ગયું હતું. તે અંડરવર્લ્ડનો પહેલો શૂટર હતો જેણે ભાજપાના નેતા રામદાસ નાયકની હત્યા માટે એ.કે.૪૭નો ઉપયોગ કર્યો હતો.

આવી છે અનીસ ઈબ્રાહીમ અને છોટા શકીલ વચ્ચેની દુશ્મનાવટ! જોઈએ , હવે દાઉદ ઈબ્રાહીમ તેનો અબજોનો કારોબાર કોને સોંપે છે?

www.devendrapatel.in

Be Sociable, Share!